Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઢોલ વાગે... ઢોલ વાગે.. ઢોલીડા... ઢોલ વાગે... જામનગરમાં ઢબુક્યા ઢોલ... લોલંલોલની ખૂલી ગઈ પોલ...

સામાન્ય રીતે જ્યારે ઢોલ વાગે ત્યારે શુભ પ્રસંગ કે કોઈ ઉજવણી જ થતી હોય છે, તો ચૂંટણીમાં વિજેતા થયા પછી પણ ઢોલ ઢબૂકતા હોય છે, પરંતુ જામનગરમાં એવા ઢોલ ઢબૂક્યા, જેમાંથી જનતાની વેદના ગૂંજતી હતી અને લાચાર નગરજનોની અંતરવ્યથા પડઘાતી હતી. જુના જમાનામાં ઢોલ વગાડીને જનતાને શાસકો કોઈ સૂચના કે આદેશ પહોંચાડતા હતાં, અને હવે જનતાને ઢોલ વગાડીને શાસન-પ્રશાસનને ઢંઢોળવા પડી રહ્યા છે, તેથી સવાલ એ ઊઠે કે શું લોકતંત્ર આને કહેવાતું હશે?

જામનગરમાં છેલ્લા બે દિવસથી 'ઢોરના ડબ્બા'નો મુદ્દો ચર્ચામાં છે, તેવામાં હવે આ મુદ્દે સરકાર સુધી પડઘા પડ્યા અને છે...ક ગાંધીનગરથી એક ઉચ્ચકક્ષાની ટીમ જામનગર દોડી આવી, અને તેમાં લોલંલોલની પોલંપોલ ખુલી ગઈ... આ ટીમ પણ કૃષિમંત્રીએ મોકલી (ધકેલી) હોવાનું કહેવાય છે.

એક મહિલા કોર્પોરેટર જનતા રેડ પાડે, અને તે પછી તંત્રો સફાળા જાગે કે પછી મેયર-મહાનુભાવો ઢોરના ડબ્બાની ઓચિંતી મુલાકાત લઈને ગંધાતી નર્કાગાર જેવી ગંદકી વચ્ચે રખાયેલા પશુઓની દયનીય સ્થિતિ નિહાળ્યા પછી તેની અખબારો-મીડિયા મારફત પબ્લિસિટી થયા પછી તેના રાજ્યકક્ષાએ પડઘા પડે, તે શાસકો-પ્રશાસકો માટે શરમજનક જ ગણાય ને? મહત્તમ ગૌવંશને સાચવતા આ ઢોરના ડબ્બાઓની આ દયનીય સ્થિતિ કોઈપણ ગૌપ્રેમી કે સંવેદનશીલ વ્યક્તિનું હૈયુ કકળાવે તેવી હોવા છતાં આજ પર્યંત આ લોલંલોલ અને લાલિયાવાડી કેવી રીતે ચાલી અને સંબંધિત લોકોએ તે શા માટે ચલાવી લીધી? તેવા પ્રશ્નોના જવાબ 'ઓપન સિક્રેટ' જેવા છે. રખડતા ઢોરના મુદ્દે કોઈ રાજ્યવ્યાપી સ્પષ્ટ નીતિ કે મહાનગરપાલિકાની કક્ષાએ પણ કોઈ સ્પષ્ટ રોડમેપ માસ્ટરપ્લાન કે યોજના નહીં હોવાના આ દુષ્પરિણામોનું જવાબદાર કોણ?

એવા અહેવાલો છે કે રાજ્ય સરકાર દેવાના ડુંગરમાં દબાઈ ગઈ છે, તેથી રાજ્યની અનેક નગરપાલિકાઓના કર્મચારીઓના પગાર પણ અટકી પડ્યા છે, અને તેની આડઅસરો નાના શહેરોમાં પણ વર્તાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે પણ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને લઈને કોઈ 'પેકેજ' જાહેર કરવું જોઈએ તેમ નથી લાગતું? જો એવું ન હોય અને રાજ્ય સરકાર કે મનપાને ફંડની સમસ્યા જ નહોય, તો પછી આ પ્રકારની બદહાલી માટે સ્થાનિક શાસકો-પ્રશાસકો જ જવાબદાર ગણાય ને?..... કે પછી 'રસ અને કસ' વિનાની 'સેવા' કરવી ગમતી નહીં હોય?

જામનગરમાં લાલબંગલા સર્કલમાં ઘણી સરકારી કચેરીઓ, અદાલતો અને સરકીટ હાઉસ છે, અને તેની બાજુમાં જ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેડ ક્વાર્ટર એટલે કે જામનગર મહાનગરપાલિકાનું કાર્યાલય આવેલું છે, ત્યાં ગઈકાલે ઢોલ ઢબુકવા લાગ્યા, તેથી રાહદારીઓ થોડું થોભીને જોવા લાગ્યા, તો કેટલાક વાહનો પણ આ જોવા માટે ધીમા પડવા લાગ્યા. કોઈ કહેતું હતું કે કોઈના લગ્નની નોંધણી થઈ હશે, તેની ઉજવણી થતી હશે, તો કોઈને અનંત અંબાણીના લગ્નની ઉજવણી યાદ આવી ગઈ, પરંતુ પૂછપરછ કરતા ખબર પડી કે એ ઢોલ તો કોંગ્રેસવાળા વગાડે છે, તો કોઈએ કહ્યું કે આ વખતે ઈન્ડિયા ગઠબંધનની લોકસભામાં તાકાત વધી છે, તેની ઉજવણી થતી હશે, તો કેટલાક લોકોએ ઊંડા ઉતરીને જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે આ તો જનતાની વેદનાના ઢોલ વાગે છે... આ ઉજવણી નથી... તંત્રને જગાડવાનો નાદ્ છે...!

હકીકતે ગઈકાલે કોંગ્રેસવાળાઓએ જામનગરમાં વધી રહેલા રોગચાળા છતાં ઘોર નિદ્રામાં પોઢી રહેલા શાસકો-પ્રશાસકોને જગાડવા 'એ' ઢોલનાદ્ કર્યો હતો, અને રાબેતામુજબ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપીને શહેરમાં વરસાદ પછીની તથા પહેલાની ગંદકી હટાવીને મચ્છરજન્ય, માખીજન્ય, પાણીજન્ય, હવાજન્ય અને ગંદકીજન્ય રોગચાળો અટકાવવા વાસ્તવિક રીતે સઘન પગલાં લેવાની જોરદાર રજૂઆત કરી હતી. નગરમાં કોલેરાના વધતા કેસો ઉપરાંત ઝાડા-ઉલટી, તાવ, કળતર, શરદી સહિતની બીમારીઓ વધતા તમામ હોસ્પિટલો, દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને શેરી-મહોલ્લામાં પ્રેક્ટીશ કરતા સ્થાનિક ડોક્ટરોની ક્લિનિકોમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. નગરમાં મચ્છર-માખીનો ઉપદ્રવ ઘટાડવા સાર્વત્રિક સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ, ફોગીંગ તથા ગંદા તથા સ્વચ્છ પાણીના જલભરાવ કે સંગ્રહ સામે જનજાગૃતિ સહિતના સઘન કદમ ઊઠાવવા અને સફાઈ કામદારોને લગતા પ્રશ્નોનું નિવારણ કરવા મનપાના સત્તાવાળાઓ હવે તાકીદે પગલાં નહીં ભરે અને વોર્ડવાઈઝ સેનેટરી વ્યવસ્થાઓ સંભાળતા નિરીક્ષકો-કર્મચારીઓની સમયાંતરે અદલાબદલી નહીં થતી રહે, તો જે સ્થિતિ ઊભી થશે, તેનો જવાબ પણ જનતા લોકતાંત્રિક ઢબે આપી જ દેશે, અને તાજેતરની પેટાચૂંટણીઓના પરિણામો જેવા 'રિઝલ્ટ' આવશે, તે શાસકો ધ્યાનમાં રાખે, અને પેધી ગયેલા અધિકારી-કર્મચારીઓએ પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે હવે અદાલતો પણ 'વાસ્તવિક જવાબદાર' કર્મચારીઓ સામે 'ન્યાય'નો ચાબૂક ચલાવીને જેલભેગા કરવા લાગી છે, મતલબ કે કડક નિર્ણયો લઈને બેદરકારોને પાઠ ભણાવી રહી છે!

આપણે જ્યારે કોઈના તરફ આંગળી ચિંધીએ ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય જ છે, અને તેને 'અંગૂઠા'ને દબાવીને રાખી હોય છે. કોઈપણ લોભ-લાલચ, ડર, પ્રલોભન, ભાઈબંધી કે ભાગબટાઈ જેવા તત્ત્વોથી બનેલો આ 'અંગૂઠો' હટાવીને બાકીની ત્રણેય આંગળીઓનો સંકેત સમજીને સૌ કોઈએ પ્રવર્તમાન સમસ્યા હળવી કરવામાં સહભાગી થવું જોઈએ. તંત્રો, ડોક્ટરો કે નિષ્ણાતો દ્વારા અપાતી ગાઈડલાઈન્સનું પાલન પણ કરવું જોઈએ... ગંદકી થઈ જવી અને ગંદકી કરવી- એનો ભેદ સમજીને ગંદકી હટાવવાની સાથે સાથે ગંદકી થતી જ અટકાવવામાં સૌ કોઈને સહભાગી થવું જ જોઈએ, તેમ નથી લાગતું?

વિપક્ષો કે જાગૃત નાગરિકો તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડે, વિરોધ પ્રદર્શનો કરે, જનતા રેડ પાડે, ઢોલ વગડાવે અને આવેદનપત્રો આપે તે અત્યંત જરૂરી છે, અને લોકતાંત્રિક ફરજ પણ છે, પરંતુ તેની સાથે સાથે સ્વયં પણ મૂળ મુદ્દો ઉકેલવામાં સહયોગી બનવું જ પડે ને? પક્ષ-વિપક્ષના કેટલા કોર્પોરેટરોએ વરસાદ પછીની સ્થિતિ નિહાળવા પોતપોતાના વોર્ડના તમામ વિસ્તારોની મુલાકાત લીધી? કેટલા નેતાઓ જનજાગૃતિ માટે નગરમાં નીકળ્યા, કેટલા પદાધિકારીઓએ સમગ્ર નગરમાં નિરીક્ષણ કર્યું? મ્યુનિ. કમિશનર અને તેના તાબાના કેટલા અધિકારીઓ નગરની સમસ્યાઓ નિહાળવા નીકળ્યા? મેયર અને સમગ્ર બોડીએ કમ-સે-કમ વધુ સમસ્યા-ફરિયાદો હોય, તેવા વિસ્તારોની દૈનિક વિઝિટ તો ક્રમશઃ કરવી જ જોઈએ ને? જનતાની વચ્ચે જઈને જ તેથી સમસ્યાઓની ખબર પડે ને?

વિરોધપક્ષે પણ પ્રદર્શનો-દેખાવો કરીને કે એકાદ જનતા રેડ કરીને પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ હોવાની માનસિક્તા ન રાખવી જોઈએ. લોકોને ગંદકી નહીં કરવા સમજાવવા, ગાઈડલાઈન્સનું પાલન કરવા અને ક્યાં શું તકલીફ છે, તે નિહાળવા સમગ્ર નગરમાં નિરીક્ષણ કરવા નીકળવું પડે..... 'અંગૂઠો' ઊંચો કરીને ચૂંટણી ટાણે થતી હડિયાપટ્ટીની જેમ જ ડોર-ટુ-ડોર તકલીફો પૂછવા નીકળવું પડે. બાકી, સમજદાર કો ઈશારા બહોત!!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial