Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાથી દિલ્હી સુધી ન્યાય તંત્રની પ્રશંસનિય અને સમયોચિત પહેલ...

નીટ-પીજીના કેસમાં ૪૦ અરજીઓ થઈ છે, જેની આજની સુપ્રિમ કોર્ટની સુનાવણી પર આખા દેશની નજરો મંડાયેલી જ હતી, અને સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય આવે, તે સૌ કોઈએ સ્વીકારવો જ પડે, તેમ હોવાથી આજનો સુપ્રિમ કોર્ટનો નિર્ણય આખરી રહેવાની અવધારણાઓ પહેલેથી જ હતી.

કોઈપણ મુકદમામાં જ્યારે પણ ચૂકાદો આવે, ત્યારે તેમાં ન્યાય થયો હોય તો પણ તમામ પક્ષકારોને સંતોષ આપી શકાતો હોતો નથી, અને તેથી જ ભારતીય ન્યાયતંત્રમાં નીચલી અદાલતથી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી અપીલ કરવાની જોગવાઈ પણ આપણાં બંધારણે કરી છે, જ્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો હોય, ત્યારે ઉચ્ચ અદાલતો પણ ખૂબ જ ઊંડા ઉતરીને અંતિમ ચૂકાદો આપતી હોય છે, અને આપણાં દેશમાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો અંતિમ ગણાય છે, જો કે પુનઃ વિચારવાની અરજી અને લાર્જર બેન્ચમાં અપીલ કરવાની જોગવાઈઓ પણ હોય છે, પરંતુ તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને બંધારણીય અર્થઘટનોને સંબંધિત હોય કે રેર ઓફ ધ રેર કેસમાં જ થઈ શકે છે.

આપણા ન્યાયતંત્રની શાખ સમગ્ર વિશ્વમાં ઉજળી છે અને ખાસ કરીને ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોએ તો ઘણી વખત શાસન-પ્રશાસન દ્વારા અતિરેક ગેરબંધારણીય મુદ્દાઓને લઈને પણ તદ્ન નિષ્પક્ષ સંરક્ષણ આપ્યું છે.

અદાલતો હંમેશાં તટસ્થ ન્યાય આપવાના લક્ષ્ય સાથે જ કામ કરતી હોય છે, તેમ છતાં બન્ને પક્ષોને સંતોષ ન થતો હોય, તેવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા કેસોમાં પણ જ્યારે ચૂકાદો આવે, ત્યારે સ્વાભાવિક રીતે પરાજીત પક્ષને સંતોષ થતો હોતો નથી, પરંતુ અદાલતોની બંધારણીય ફરજ નગરિકોને 'ન્યાય' આપવાની છે, નહીં કે 'સંતોષ' આપવાની!

જો કે, ટોપ-ટુ-બોટમ અદાલતોમાં અનેક પ્રકારના કેસોનો ભરાવો થયા પછી હવે પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ કરવા ઉપરાંત અદ્યતન ટેકનોલોજી અને પ્રવર્તમાન સુધારેલા કાયદાઓ અંતર્ગત ઝડપભેર કેસો ચલાવવાનો અભિગમ ન્યાયતંત્ર અપનાવી રહ્યું છે, અને બિનજરૂરી, રાજકીય, આર્થિક કે અન્ય લાભ મેળવવા માટે મલિન ઈરાદાથી થતી અરજીઓ અને જાહેર હિતની અરજીઓ ફગાવાઈ રહી છે, તે સાચી દિશાનું વલણ છે.

જો કે, બન્ને પક્ષો એટલે કે ફરિયાદી અને આરોપી તથા વાદી અને પ્રતિવાદીને બન્નેને સંતોષ થાય, તે પ્રકારના સમાધાનકારી અને ઝડપી અભિગમ સાથે છેલ્લા કેટલાક દાયકાઓથી લોકઅદાલતોનો અભિગમ પણ સફળતાપૂર્વક અપનાવાઈ રહ્યો છે, અને ટોપ-ટુ-બોટમ અદાલતો દ્વારા સમયાંતરે યોજાતી રહેતી લોકઅદાલતોના માધ્યમથી પણ સંખ્યાબંધ કેસોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, તે ઘણો જ પરિણામલક્ષી અને જનહિતમાં છે.

લોકઅદાલતમાં થતા સમાધાનકારી ઉકેલો પછી અપીલો નહીં થતી હોવાથી ઉપલી અદાલતોનું સંભવિત ભારણ પણ ઘટે છે, અને સમાધાનકારી ઉકેલ થયા પછી બન્ને પક્ષકારો વચ્ચેના પારિવારિક અને સામાજિક સંબંધોમાંથી પણ વૈમનસ્ય, વેરઝેર, ધ્રુણા અને વિવાદો હટી જતા કે ઘટી જતા આ અભિગમના કારણે સામાજિક સૌહાર્દ અને પરસ્પર આદર-સન્માનની ભાવનાઓ વધે છે, જે એકંદરે સમાજ અને દેશ હિતમાં હોય છે.

લોકઅદાલતોમાં સામાન્ય રીતે અદાલતોમાં પેન્ડીંગ કેસો પૈકી જેમાં સમાધાનકારી ઉકેલ શક્ય હોય તેવા કેસો જ મૂકાતા હોય છે, તેથી કાનૂની ક્ષેત્રના વર્તુળો મુજબ લોકઅદાલતોમાં કરન્ટ કેસો અને ખાસ કરીને કોઈ નિર્ણય પર પહોંચાય ત્યાં સુધીની સુનાવણી ન થઈ હોય તેવા કેસો જ મૂકાતા હોય છે. 'ફેંસલ'ના તબક્કે પહોંચેલા કેસો લોકઅદાલતોમાં મૂકવાના બદલે અદાલતી નિર્ણય અપાય, તો પણ તેમાં અપીલોની જોગવાઈઓ હોવાથી ભવિષ્યનું ભારણ વધતું હોય છે, તેથી જો ફેંસલના તબક્કે પહોંચેલા કેસોમાં બન્ને પક્ષકારો સહમત હોય તો તેને લોકઅદાલતોમાં મૂકીને સમાધાનકારી ઉકેલ લાવવામાં હરકત જેવું નથી, તેવા મંતવ્યો પણ વ્યક્ત થતા હોય છે. ટૂંકમાં લોકઅદાલતોનો અભિગમ જેટલો વ્યાપક બનશે, તેટલા પ્રમાણમાં અદાલતોનું ભારણ ઘટશે અને ન્યાય ઝડપી બનશે, તેવો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે વર્ષ ૧૯૭૯ થી પેન્ડીંગ કેસના સંદર્ભે ૧ર જુલાઈના આદેશમાં મકાનમાલિક-ભાડૂતના વિવાદમાં માત્ર ર૦ થી ૩૦ કલાકમાં નિર્ણય લેવાઈ શકે, તેને ચાર દાયકાથી વધુ સમયથી પેન્ડીંગ સિવિલ કોર્ટના કેસને સીપીસીની કલમ-ર૪ નો પ્રયોગ કરીને સ્થળાંતરિત કરીને સ્વહસ્તક લીધો, તે મીડિયામાં ચર્ચિત કિસ્સો વિલંબિત ન્યાયનું તાજુ દૃષ્ટાંત છે. આથી જ ઘણાં કેસોમાં હવે ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતો જે કદમ ઊઠાવી રહી છે, તે સરાહનીય અને સમયોચિત ગણાય, ખરૂ ને?

લોકઅદાલતોના અભિગમ હેઠળ હવે ભારતીય ન્યાયતંત્રે પ્રિ-લિટિગેશન લોકઅદાલતો શરૂ કરી છે. તેનું તાજુ ફળદાયી દૃષ્ટાંત દેવભૂમિ દ્વારકાના ન્યાયતંત્રે આપ્યું છે. 'ઉજાસ-એક આશાની કિરણ'માં પાંચ પરિવારોને કેવી રીતે આ અભિગમ હેઠળ છૂટા પડતા અટકાવાયા, તેનું વિવરણ 'નોબત'ના ગઈકાલના અંકમાં પ્રસિદ્ધ થયું છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ૧૯ મી એપ્રિલથી વૈવાહિક તકરારોના ત્વરિત અને ખર્ચરહિત ઉકેલ માટે દરેક જિલ્લામાં શરૂ થયેલી પ્રિ-લિટિગેશન અદાલતોના અભિગમ હેઠળ દ્વારકા જિલ્લામાં આ પ્રકારની અદાલતમાં પતિ-પત્ની વચ્ચેની વિવિધ કારણોસર થતી તકરારોમાં છૂટાછેડાની કક્ષાએ પહોંચેલા પાંચ દંપતીઓને કાઉન્સિલીંગ કરીને સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું. આ પ્રકારના કેસોમાં 'ઉજાલા-એક આશાની કિરણ' પ્રિ-લિટિગેશન લોકઅદાલતની ભૂમિકા પરિવારોને તૂટતા તો અટકાવે જ છે, સાથે સાથે અદાલતો સુધી પહોંચતા પહેલા જ સર્વસંમતિથી, સુખ-શાંતિથી અને સમજાવટપૂર્વક ઉકેલ આવી જતા કેસોનું સંભવિત ભારણ પણ અદાલતો પર આવતું અટકી શકે છે. દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય તે દિશામાં આ પ્રશંસનિય પહેલ છે, ખરૂ ને?

આપણા દેશમાં જ્યારે વિલંબિત ન્યાયિક પ્રક્રિયા અને દાયકાઓથી પેન્ડીંગ કેસોનો ભરાવો થાય છે, ત્યારે આ ભારણ વધતું અટકાવવામાં લોકઅદાલતોની આ ભૂમિકા આવકારદાયક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial