હાલારના ઘણાં વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને જામનગરમાં પણ આજે સવારે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એક તરફ સિઝનલ રોગચાળો વધી રહ્યો છે, તો બીજી તરફ બાળકો માટે ખતરારૂપ ચાંદીપુરા વાયરસ પ્રસરી રહ્યો છે.
'નીટ'નો મુદ્દો સોમવાર સુધી પાછળ ઠેલાયો છે. જામનગર તથા હાલાર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. નવી આગાહીઓ પણ થઈ રહી છે, અને ઘણાં વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે. રાજકીય ક્ષેત્રે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષનો આંતરિક ગજગ્રાહ તથા ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલના મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, અને ફરીથી એકવખત થયેલા ટ્રેન અકસ્માત પછી રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ તડાપીટ બોલાવી છે, તેની ચર્ચા અગ્રીમ હરોળમાં છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આર.એસ.એસ.ના પ્રમુખ મોહન ભાગવતનું એક નિવેદન વિપક્ષના નેતાઓને પણ ગમી ગયું હોય, તેમ લાગે છે, અને તે નિવેદન આજે 'ટોક ઓફ ધ નેશન' બન્યું છે.
હકીકતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તે સંસ્થાના કાર્યકરોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, વિકાસ-એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, અને તે માટે સતત એક્ટિવ રહેવું જોઈએ, અને કોઈ સફળતા મેળવ્યા પછી હજુ પણ ઘણું કરવાનું બાકી છે, તેમ વિચારવું જોઈએ.
આ પ્રવચન દરમિયાન મોહન ભાગવતે એવું નિવેદન કર્યું, જે આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે, અને ખાસ કરીને વિપક્ષી વિચારધારા ધરાવતા લોકોને પણ ઘણું જ ગમી ગયું હોય, તેવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે. મોહન ભાગવતે કોઈનું નામ લીધા વિના કરેલું આ નિવેદન કોને સાંકળીને બોલાયું હશે,તે અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં એ એક 'ઓપન સિક્રેટ' પણ છે.
મોહન ભાગવતે લાંબુ પ્રવચન કર્યું હતું, પરંતુ તેમાંથી જે વાક્યોને સૌથી વધુ પબ્લિસિટી મળી રહી છે, તે ઘણાં જ સૂચક છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, 'ઘણાં લોકો કીર્તિની લાલસા રાખ્યા વિના દેશના વિકાસ અને કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. ભારતમાં ભિન્નતા હોવા છતાં આપણું મન એક છે, જે આપણાં દેશની વિશેષતા છે. આંતરિક અને બાહ્ય વિકાસનો કઈ અંત નથી, જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે હજુ ઘણું કરવાનું બાકી છે.'
મીડિયા અહેવાલો મુજબ આ ઉપરાંત પણ મોહન ભાગવતે ઘણું બધું કહ્યું, પરંતુ તેમના જે વાક્યો આજે વધુ ચર્ચામાં છે, તે ઘણાં જ સૂચક અને દેશની બદલતી રાજનીતિને પણ કદાચ સાંકળે છે. તેમણે આગળ વધીને કહ્યું કે, 'માણસ સુપરમેન, પછી દેવ અને પછી ભગવાન બનવા માંગે છે, પરંતુ ભગવાન કહે છે કે તે વિશ્વરૂપ છે કોઈ નથી જાણતું કે તેનાથી મોટું કોઈ છે કે નહીં'
મોહન ભાગવતના આ વાક્યોના દેશવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને અખબારો-ન્યૂઝ ચેનલોમાં આજે સર્વાધિક ન્યૂઝ સ્ટોરીઓનો પણ મુખ્ય વિષય આ વાક્યો જ હોય તેમ જણાય છે, અને સોશ્યલ મીડિયામાં તો આ મુદ્દે કોમેન્ટોના જાણે ઘોડાપૂર આવ્યા હોય, તેમ લોકો વિવિધ પ્રતિભાવો આપી રહ્યા છે.
કોંગ્રેસના એક્ટિવ નેતા જયરામ રમેશે તો મોહન ભાગવતના આ ભાષણના અંશોને જ રિટ્વિટ કરીને પોતાની કોમેન્ટ (કેપ્શન) માં લખ્યું કે, 'મને વિશ્વાસ છે કે 'ઝારખંડના નાગપુર'થી લોકકલ્યાણ માર્ગ પર છોડાયેલી આ નવી અગ્નિ મિસાઈલના સમાચાર સ્વયંભૂ નોન બાયોલોજિકલ પ્રધાનમંત્રીને મળી જ ગયા હશે.'
મીડિયા ડિબેટીંગ મુજબ થોડા મહિનાઓ પહેલા એક પ્રવચન ઘણું જ વાયરલ થયું હતું, જેમાં કહેવાયું હતું કે, 'જ્યાં સુધી માતા હયાત હતા ત્યાં સુધી લાગતું હતું કે મારો જન્મ બાયોલોજિકલ રીતે થયો હતો, પરંતુ તેઓના (માતાના) નિધન પછી એવી અનુભૂતિ થાય છે કે મને ભગવાને મોકલ્યો છે, આ શક્તિ મારા શરીરની નથી, આ તાકાત મને ઈશ્વરે આપી છે. આ માટે ભગવાને મને આવું કરવાની ક્ષમતા, શક્તિ, શુદ્ધ હૃદય અને પ્રેરણા પણ આપી છે. હું ભગવાન દ્વારા મોકલાયેલું એક ઈન્સ્ટ્રુમેન્ટ માત્ર છું.' ઉપરોક્ત વાક્યોને ટાંકી એવી વળતી દલીલ થઈ રહી છે કે આ શબ્દપ્રયોગોમાં 'ભગવાનનું ઈન્સ્ટ્રુમેન્ટ' હોવાની વાત થઈ છે, અને તેમાં ક્યાંય દેવતા કે ભગવાનની સમકક્ષ ગણાવાયા નથી, તેથી માત્ર 'બાયોલોજિકલ' શબ્દને પકડીને વિપક્ષના નેતાઓ પ્રહારો કરે છે, પરંતુ મોહન ભાગવતના નિશાન પર કદાચ પી.એમ. મોદી નહીં, પરંતુ કોઈક બીજું જ હશે! વિગેરે...
આના જવાબમાં એવું કહેવાય છે કે, આ તો લૂલો બચાવ માત્ર છે. જે હોય તે ખરૃં, પરંતુ આ મુદ્દો અત્યારે ઉપરાછાપરી થતા રેલવે અકસ્માતોની આલોચના કરતાયે આગળ નીકળી ગયો છે અને આ અંગે સંઘ તરફથી કોઈ ચોખવટ થાય, તેવી શક્યતા પણ ઓછી છે, પરંતુ ઉત્તર ભારતમાં લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાધી અને આ કાર્યક્રમ પણ ઝારખંડમાં યોજાયો હતો, તેથી ભાગવતના આ કટાક્ષને લઈને ભાજપના વર્તુળોમાં પણ ગણગણાટ થવા લાગ્યો હોય એ સ્વાભાવિક છે, અને હવે આ મુદ્દો વિપક્ષોએ ઊઠાવી લેતા તેના પડઘા કદાચ સંસદના બજેટસત્રમાં પણ પડી શકે છે. જોઈએ, આ મુદ્દે કોઈ બાયોલોજિકલ પ્રત્યુત્તર આવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial