સંસ્થાપક-પથદર્શક પૂ. પિતાશ્રી,
રતિલાલભાઈ માધવાણીને શ્રદ્ધાંજલિ
વર્ષ ૧૯૮૭ ની રર મી જુલાઈનો એ દિવસ અમારા માટે વજ્રઘાત સમાન હતો, જ્યારે આપ અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપની અનુભૂતિ અમને આજે હરેક ક્ષણે થઈ રહી છે, કારણ કે આપે આઝાદીના પ્રારંભિક કાળમાં જ્યારે અખબાર ચલાવ્યું અને વિક્સાવ્યું એ ઘણું જ પડકારરૂપ હતું અને તેમાં પણ નીડર પત્રકારત્વના અભિગમ સાથે હંમેશાં પ્રજાની પડખે રહીને શાસન-પ્રશાસનને દર્પણ દેખાડવા તથા સારા કાર્યોની સરાહના કરવાની નીતિ સાથે આગળ વધતા જવું એ ઘણું જ કઠીન હતું, તેમ છતાં આપે સિંચેલુ 'નોબત' સાંધ્ય 'દૈનિક' આજે વટવૃક્ષ બન્યું છે.
આપ સત્ય અને ન્યાયની માંગણીઓને હંમેશાં વાચા આપતા રહ્યા હતાં. અખબારના પ્રકાશનની સાથે સાથે લેખક તરીકે પુસ્તકો પ્રસિદ્ધ કરવા અને કુદરતી આફતો, દુર્ઘટનાઓ કે મુશ્કેલીના સમયે લોકોને મદદરૂપ થવું, સામાજિક સેવાઓમાં હંમેશાં સહયોગી બનવું અને કોઈનાથી ડર્યા વગર કે કોઈના પણ પ્રલોભનમાં આવ્યા વગર અખબારી ધર્મનું પાલન કરવું, એ આપનો કુદરતી સ્વભાવ હતો. આપના આ સંસ્કારો અમને હંમેશાં પથદર્શન કરતા રહ્યા છે.
આપે પ્રતકારિત્વના માધ્યમથી સમાજસેવા, માનવસેવા અને દેશસેવાનો જે રાહ અમને ચિંધ્યો છે, તેના પર જ આગળ વધવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અને એ જ અમારી આપને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે, તેમ અમે માનીએ છીએ.
'નોબત' આજે પ્રિન્ટેડ ન્યુઝપેપર (સાંધ્ય દૈનિક) ઉપરાંત હવે યુટ્યુબ-વીડિયો સમાચાર, વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યૂઝ, ઈ-પેપરની અદ્યતન આવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓના કારણે પણ ખૂબજ લોકપ્રિય બની રહ્યું છે, જે આપના પથદર્શન અને આશીર્વાદને આભારી છે.
આજે 'નોબત' અખબારના સ્વરૂપ ઉપરાંત લોકોની હથેળીમાં મોબાઈલ સેલફોનના માધ્યમથી પણ સીમાડાઓ ઓળંગીને દેશ-વિદેશમાં પહોંચી રહ્યું છે, તો વેબસાઈટ, ફેસબુક અને સોશ્યલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા પણ સમગ્ર હાલાર, રાજ્ય અને દેશ-વિદેશમાં પહોંચી રહ્યું છે. 'નોબત' દ્વારા ચૂંટણી સ્પર્ધાઓ, મેઘધનુ અને વિવિધ પ્રાસંગિક પ્રવૃત્તિઓ તથા મીડિયા પાર્ટનરના સ્વરૂપમાં સમયાંતરે ભૂતકાળમાં યોજાયેલી અને સમય અને સંજોગો તથા પ્રસંગોને અનુરૂપ યોજાતી રહેતી વિવિધ ઈત્તરપ્રવૃત્તિઓ પણ આપના આશીર્વાદથી ઘણી જ લોકપ્રિય બની છે.
આજે આપની પુણ્યતિથિ નિમિત્તે આપના આદર્શો અને પરિણામને સ્મરીને ગૌરવ અને વિનમ્રતા સાથે આપને ભાવભરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આપની સ્મૃતિઓ જ અમારી પ્રેરણા છે, અને અમારૂ ગૌરવ પણ છે.
જામનગર તા. રર-૦૭-ર૦ર૪
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર