હાલાર પર મેઘરાજાની મહેરબાની આ વખતે કાંઈક વધુ હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે, અને કેટલાક સ્થળે મેઘરાજાની મહેર હવે કહેરમાં ફેરવાઈ રહી હોય, તેમ જણાય છે, તો બીજી તરફ મોદી સરકારની ત્રીજી ઈનિંગનું પ્રથમ પૂર્ણકક્ષાનું બજેટ ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યા પછી તેના દેશવ્યાપી મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ એનડીએના નેતાઓ બજેટની વાહવાહી કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ આ બજેટને છેતરમાણું, નિરાશાવાદી અને ચીલાચાલુ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ તો આ બજેટને કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ ગણાવીને એક નવી જ પ્રકારની ચર્ચા જગાવી દીધી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો માટે કોઈ જોગવાઈ નથી અને બિહારનું પૂર મોદી સરકારને દેખાય છે, તેવા કટાક્ષ સાથે ભાજપ પર તડાપીટ બોલાવી હતી. તો પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ મોદી સરકારના બજેટને માલેતુજારો માટેનું બજેટ ગણાવ્યું હતુ, તો રાહુલ ગાંધીએ આ બજેટને 'ડબલ એ' ને ફાયદો કરાવનારૃં ગણાવ્યું, અને ખડગેએ આ બજેટને દેશનું પ્રગતિનું નહીં, પણ મોદી સરકારને બચાવવાનું બજેટ ગણાવીને આંધ્રપ્રદેશ તથા બિહાર માટે કરાયેલી વિશેષ ફાળવણીઓની ટીકા કરી હતી.
ઉદ્યોગપતિઓ તથા વ્યાપારી વર્ગોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે થયેલી રૂા. ૧.પર લાખ કરોડની જોગવાઈઓમાં ખેત-ઉત્પાદનો ઉપરાંત શાકભાજીના સ્ટોરેજ અને માર્કેટીંગની જાહેરાતોને પણ આવકાર મળી રહ્યો છે. જ્યારે મત્સ્યોદ્યોગ માટે પાંચ એકવા પાર્ક સ્થાપવાની જાહેરાતને પણ આવકાર મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડપ્રધાનની 'ગ્યાન'ની સંકલ્પનાને અનુરૂપ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યુ, તો યમલ વ્યાસે રોજગારીની નવી તકો આપતું બજેટ ગણાવીને મુદ્દા લોનની મર્યાદા વધારાઈ, તેને અવકારી હતી. 'આપ'ના નેતા ઈશુદાન ગઢવીએ તો આ બજેટને ગુજરાતના લોકો માટે અપમાનજનક ગણાવી દીધું.
વડાપ્રધાને તો બજેટને આવકારતી એક વિશેષ સ્પીચ આપી, જેમાં બજેટના ભારોભાર વખાણ કરાયા, તો અખિલેશ યાદવ અને માયાવતીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું બીજી તરફ નાયડૂ-નિતિશની જોડીને એનડીએની સાથે રહેવાનું 'વળતર' મળી ગયુ હોવાના કટાક્ષો પણ થયા.
સોશ્યલ મીડિયામાં તો આ બજેટને લઈને કોમેન્ટોનો દરિયો જ ઉભરાયો હોય, તેમ બજેટના વિરોધ અને સમર્થનમાં મંતવ્યો આપ્યા, તો બીજી તરફ વાણીવિલાસ અને મસ્તી-મજાક પણ થતાં જોવા મળ્યા. આ સોશ્યલ મીડિયાના માધ્યમથી જે પ્રત્યાઘાતો આવ્યા, તેનો નિચોડ એવો જ નીકળે છે કે બજેટનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ બજેટના સમર્થનમાં પણ ઘણી કોમેન્ટો થઈ રહેલી જણાઈ.
રાષ્ટ્રીય મહિલા આયોગે બજેટમાં નારી શક્તિ માટે થયેલી જોગવાઈઓને આવકારી, તો એમ.ડી. તપન રે એ ગિફટ સિટીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકો આપતું બજેટ ગણાવ્યું. કેટલાક નિષ્ણાતોએ ૮૦ કરોડ લોકોને અનાજ આપવા સહિતની નવી યોજનાઓ તથા રોજગાર વધારવાના અભિગમ સાથે કરાયેલી જોગવાઈઓને તો આવકારી, પરંતુ એનડીએની સરકારને ટકાવી રાખવા બિહાર અને આંધ્રપ્રદેશને અપાયેલા વિશેષ પેકેજોની ટીકા પણ થઈ, કેન્દ્ર સરકારે બિહારને સ્પેશ્યલ સ્ટેટ (વિશેષ રાજ્ય) નો દરજ્જો તો ન આપ્યો, પરંતુ વિશેષ ફંડ જરૂર આપી દીધું હોવાના કટાક્ષો પણ થયા.
જો કે ઈન્ડિયા ગઠબંધને બજેટનો ગઈકાલે જ વિરોધ જાહેર કરી દીધો હતો અને આજે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર તથા સંસદમાં પ્રચંડ વિરોધ કરવાની જાહેરાત, કરી હતી, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
સરકારે કૃષિક્ષેત્રે રૂા. રપ હજાર કરોડનો વધારો ગત બજેટની સરખામણીમાં કર્યો, અને કિસાન ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર શાકભાજીની સપ્લાઈ ચેઈન, પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માનનિધિ વગેરે અંગે જોગવાઈઓ કરી, તેને એકંદરે આવકાર મળ્યો, પરંતુ નાણામંત્રીએ એમએસપીના મુદ્દે સ્પષ્ટ જોગવાઈ જ નહીં થતાં નારાજગી પણ વ્યકત થઈ રહી છે.
એક તરફ કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણ વિવિધ જાહેરાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ ગુજરાતમાં અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજી હતી, તથા સ્થાનિકોના અભિપ્રાયો પણ મેળવ્યા હતા, હવે રાજ્ય સરકાર કોને, કેવી અને કેટલી રાહત-સહાય આપશે, તે જોવું રહ્યું.
કેન્દ્રીય બજેટ અને ભારે વરસાદના ગુજરાત સહિતના દેશવ્યાપી અહેવાલો વચ્ચે ગઈકાલે નીટ-યુજીના મુદ્દે સુપ્રિમ કોર્ટે આ પરીક્ષા પુનઃ લેવાની ૪૦ જેટલી અરજીઓ ફગાવી દીધી અને સીબીઆઈની તપાસ ચાલુ રાખવા તથા કાઉન્સેલીંગની પ્રક્રિયા પણ ચાલુ રાખવા હૂકમ કર્યો અને પટણા તથા હજારીબાગમાં પેપર લીક થયા હોવાને આખા દેશનું પેપરલીક માન્યુ નહોતું, તે મુદ્દે પણ આજે અલગથી ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial