જામનગર હોય કે ગાંધીનગર, મુંબઈ, બેંગ્લુરૂ, દિલ્હી કે કોલકાતા, કુદરતી આફતો હોય કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હોય, સરકારી યોજનાનું અમલીકરણ હોય કે જનતાને લગતી સેવા-સુવિધાઓ હોય, લોકલ ઈશ્યુ હોય કે નેશનલ- ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સનું આયોજન હોય, સંબંધિત જિલ્લાના તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષા સુધીના અગ્રણીઓ, નેતાઓ અને સ્થાનિકોનું સંકલન જ બુનિયાદી સ્ટ્રક્ચર હોય છે. આ માળખુ જેટલું સક્રિય, જાગૃત અને મજબૂત હોય, તેટલું જ શાસન-પ્રશાસન સફળ અને સંતોષજનક ગણાય, રાઈટ?
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની શહેર કક્ષાની સંસ્થા મહાનગરપાલિકા છે, અને તેના મેયર, બોડી, કોર્પોરેટરો તથા ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર તથા તેના તાબા હેઠળનું તંત્ર શહેરીજનોની સુખાકારી, યોજનાકીય લાભો પહોંચાડવાની પ્રક્રિયા તથા શહેરના વિકાસ-નગરજનોના કલ્યાણ માટે જવાબદાર હોય છે. આ માળખું જેટલું સક્રીય રહે, તેટલા પ્રમાણમાં નગરજનોને સંતોષ થાય, અને તેમાં જેટલી ખામી રહે, તેટલી નારાજગી વધે, તે સાદુ સીધુ ગણિત પણ છે અને ચૂંટણીઓ સમયે લોકમત વધારવા કે ઘટાડવાનું 'પૂર્વાનુમાન' પણ છે, તેમ માની શકાય, ખરૃં કે નહીં?
ભારે વરસાદ પછી નગરમાં ખદબદતી ગંદકી તથા વધી રહેલા રોગચાળાના કારણે તડાપીટ બોલી રહી હતી અને માછલા ધોવાઈ રહ્યા હતાં, ત્યારે જામનગરના મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે ચાલી રહેલા આધારકાર્ડના કેન્દ્રની મુલાકાતે ગયા અને અરજદારો સાથે વાતચીત કરી, તેવા અહેવાલો આવ્યા, તેથી નગરજનોને થોડું સારૂ લાગ્યું હશે, અને તેઓ આ જ રીતે નગરની સ્થિતિ નિહાળવા નગરચર્યા માટે વારંવાર નીકળતા રહે, તેવી ઈચ્છા પણ રાખતા હશે, ખરૃં કે નહીં?
જન્મ-મરણની નોંધ કરાવવાની હોય કે લગ્ન રજિસ્ટર્ડ કરાવવાના હોય, આવકનો દાખલો કઢાવવાનો હોય કે નળ-ભૂગર્ભ ગટર કે સ્ટ્રીલાઈટને લગતા પ્રશ્નો હોય, નગરજનોને મહાનગરપાલિકાની 'સરળ', 'સહજ' અને 'ઝડપી' સેવાઓનો સ્વાનુભવ થતો હશે જ. અને તેના આ પ્રકારના 'વ્યંગાત્મક પ્રત્યાઘાતો' તંત્ર અને શાસકોને પણ સાંભળવા મળતા જ હશે ને?
'દેર આયે... દુરસ્ત આયે'ની જેમ જામનગરની તમામ સેવા-સુવિધાઓને લઈને મ્યુનિ. કમિશનરશ્રી અને તેનું તંત્ર દિન-પ્રતિદિન વધુને વધુ સક્રીય રહે, અને લોકોને મહત્તમ સંતોષ આપવાનો અભિગમ અપનાવે તો તેનાથી રૂડુ શું હોય?, જો કે, લોકપ્રશ્નો લઈને ગયેલા વિપક્ષના નેતાઓને મળવાના બદલે કમિશનરશ્રી મિટિંગમાં ચાલ્યા ગયા હોવાની રાવ પણ ઊઠી!
જેવી રીતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નગરજનોની સુખાકારી માટે જવાબદાર છે, તેવી જ રીતે જિલ્લાના પ્રજાજનોની જન-સુખાકારી માટે જિલ્લા-તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતો, તેના શાસકો તથા તંત્રો જવાબદાર હોય છે. જામનગર જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર ગણાય અને રાજ્ય-કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના અમલીકરણ અને જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન અને સંયોજનની કડીરૂપ ફરજો પણ કલેક્ટર બજાવે છે, અને આ માટે તેઓને વ્યાપક સત્તાઓ પણ આપવામાં આવે છે. તે ઉપરાંત તેઓને જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તાઓ અપાઈ હોવાથી તેઓ કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ પણ પણ જિલ્લાના હેડ ગણાય છે, તો જિલ્લા પોલીસ વડા કાયદો-વ્યવસ્થા માટે જવાબદાર ગણાય છે. જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને લોકકલ્યાણની યોજનાઓ માટે જવાબદાર હોય છે, તો નગરપાલિકાઓમાં આ જવાબદારી ચીફ ઓફિસરો પર હોય છે. તેવી જ રીતે વિવિધ વિભાગોના અધિકારીઓની નિશ્ચિત જવાબદારીઓ હોય છે.
તાજેતરમાં ભારે વરસાદ અને તે પછી ઊભી થયેલી સ્થિતિમાં આ તમામ જવાબદાર સત્તાધારી ઉચ્ચ અધિકારીઓ કેટલા સક્રીય રહ્યા, કેટલા પ્રમાણમાં લોકોની વચ્ચે ગયા, કેટલાક પ્રમાણમાં ફિલ્ડમાં જઈને સ્વયં સ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી જરૂરી પગલાં ઝડપભેર લેવડાવ્યા અને કેટલા પ્રમાણમાં નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી, તે લોકોએ સ્વયં અનુભવ્યું જ હશે ને?
કેટલાક નેતાઓ અને અધિકારીઓ એવા પણ છે, જેઓ લોકોની વચ્ચે ગયા અને જરૂરી કદમ ઊઠાવ્યા, પરંતુ તેની વ્યાપક પબ્લિસિટી થઈ નહી, તો કેટલીક ગુમનામ સેવાઓ પણ થઈ, પરંતુ તે પ્રકાશમાં ન આવી. તેથી સવાલ એ ઊઠે કે એકાદ-બે મુલાકાત લઈને તેની વ્યાપક પ્રસિદ્ધિના વખાણ કરવા કે ગુમનામ ઢબે નિષ્ઠાપૂર્વક લોકસેવા બજાવતા રહેતા અધિકારીઓ-કર્મચારીઓને બીરદાવવા?
નેતાઓ અને તંત્રોની પણ એ મુશ્કેલી હોય છે કે જો તેઓ સક્રીયતાથી નિષ્ઠાથી ફરજો બજાવે અને તેની નોંધ ન લેવાય (પબ્લિસિટી ન થાય) તો તેઓ પર નિષ્ક્રિય રહેવાના આરોપો લાગે, અને જો પબ્લિસિટી થાય, તો એવી ટીકા થાય કે 'ફોટોસેશન' થાય છે, કરવું શું? છે ને દ્વિધા?
વાસ્તવમાં આ પ્રકારની દ્વિધામાં રહેવાની જરૂર જ નથી, કારણ કે હવે માત્ર સરકારી વાજીંત્રો કે લિમિટેડ પીઆરઓ જ નહીં, પરંતુ જાગૃત પબ્લિક અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતા જાગૃત નાગરિકો પણ નેતાઓ-અધિકારીઓની તમામ કામગીરીઓ, હલચલ, હિલચાલ અને પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખતા હોય છે, તેથી સાચું શું અને ખોટું શું, પ્રોપેગેન્ડા અને સત્ય રિપોર્ટીંગ તથા દેખાડા ખાતર થતી કામગીરીને અનેકગણી વ્યાપક બનાવીને તેની થતી પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત સારી રીતે જાણતા હોય છે. 'અબ યે ટેકનોસેવી એન્ડ એલર્ટ પબ્લિક હૈ... યે સબકુછ જાનતી હૈ... પરદે કે આગેભી... ઔર પરદે કે પીછેભી...'
દ્વારકા જિલ્લામાં ચાંદીપુરાનો એક શંકાસ્પદ કેસ નોંધાતા જ ત્યાંનુ તંત્ર તરત હરકતમાં આવ્યું હોવાના અહેવાલો આવ્યા. જાહેર સ્થળો, શાળા-મહાશાળાઓ, આંગણવાડીઓ સહિત તમામ સ્થળે દવા છંટકાવ, માખીના ઉપદ્રવ સામે જનજાગૃતિ ફેલાવાઈ. જામનગર જિલ્લામાં પણ આ પ્રકારની કમગીરી (મંથર ગતિથી) શરૂ થઈ, પરંતુ ચાંદીપુરાનો કેસ નોંધાતાની સાથે જ દ્વારકા જિલ્લામાં ઝડપભેર કાર્યવાહી તો થઈ જ, સાથે સાથે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દરેક તાલુકામાં ફિલ્ડમાં ગયા અને લોકોની વચ્ચે જોવા મળ્યા. તે પહેલા સુદર્શન બ્રીજમાં ખાડો પડ્યો-તીરાડો દેખાઈ તેવા અહેવાલો વહેતા થયા પછી જિલ્લાનું તંત્ર ત્યાં દોડી ગયું હતું. નેતાઓ ફિલ્ડમાં સક્રીય દેખાયા... હવે તે પરિણામલક્ષી બને છે કે નહીં, તે જોવાનું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial