'સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરીટી એન્ડ ન્યુટ્રિશન ઈન ધ વર્લ્ડ'ના મથાળા હેઠળ યુનાઈટેડ નેશન્સનો એક તાજો રિપોર્ટ આપણા દેશ માટે ચિંતાજનક છે, જેમાં એવું કહેવાયું છે કે, ભારતની અડધીથી વધારે એટલે કે પપ.૬૦ ટકા વસતિ પૌષ્ટિક આહારનો ખર્ચ ઊઠાવવા સમર્થ નથી. દેશમાં કોરોના અને તે પછીના બે વર્ષો એટલે કે વર્ષ ર૦ર૧ થી ર૦ર૩ દમિયાન ૧૯.૪૬ કરોડ લોકો કુપોષિત જણાયા હતાં, જો કે એશિયાના દેશોની સરેરાશ પણ પ૩ ટકાથી વધુ હતી. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, વર્ષ ર૦૧૭ માં ભારતમાં પૌષ્ટિક આહાર (હેલ્ધી ફૂડ) નો ખર્ચ ઊઠાવવામાં અસમર્થ લોકોનો હિસ્સો ૭૦ ટકાની આસપાસ હતો, તેથી આંકડાકીય દૃષ્ટિએ ભલે થોડો સુધારો દેખાય, પંતુ વાસ્તવમાં પપ ટકાથી વધુ લોકો જો પૌષ્ટિ આહાર પણ ન લઈ શકતા હોય, અને બીજી તરફ આપણો દેશ વિશ્વની પાંચમી ઈકોનોમી હોવાનો દાવો થઈ રહ્યો હોય, અને ત્રીજી ઈકોનોમી બનવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે આ વિરાધાભાસ પણ સંશોધનનો વિષય છે, ખરૃં કે નહીં?
તાજેતરમાં એક ન્યૂઝ સ્ટોરી ઘણી પ્રચલિત બની હતી, જેમાં કોઈ દેશના એક વ્યક્તિએ રિટાયરમેન્ટ સુધીમાં ચોક્કસ રકમની બચત સુનિશ્ચિત કરવા માટે વર્ષો સુધી પેટ ભરીને ખાધું પણ નથી, ક્યાંક આપણે આ પ્રકારની અણઘડ માનસિક્તા સાથે તો આગળ વધી રહ્યા નથી ને? વિચારવા જેવું ખરૃં કે નહીં?
તાજેતરમાં જ બીજો એક વિશ્વકક્ષાનો રિપોર્ટ બહાર પડ્યો હતો. લગભગ બે મહિના પહેલા પ્રસિદ્ધ થયેલા 'ગ્લોબલ ફૂડ પાલિસી રિપોર્ટ-ર૦ર૪ ફૂડ આઈટમ્સ ફોર હેલ્ધી ડાયટ્સ એન્ડ ન્યુટ્રિશન'ના મથાળા હેઠળ બહાર પડેલા આ રિપોર્ટ મુજબ અત્યારે પણ ૩૮ ટકા ભારતીયોને બિનપૌષ્ટિક આહાર મળી હ્યો છે.
આ રિપોર્ટ મુજબ ઓછામાં ઓછું એક સ્ટાર્ચયુક્ત ભોજન, એક દાળ, એક ફળ, અખરોટ સહિતના સૂકા મેવા જેવું ડ્રાયફ્રૂટ વગેરે પૌષ્ટિક આહારના પાંચ ખાદ્યપદાર્થો દેશના માત્ર ૩૮ ટકા લોકોને જ પ્રાપ્ત થાય છે, જ્યારે ૬ર ટકા લોકોને આ પાંચેય પોષણ નિયમિત રીતે પ્રાપ્ત થતા નથી!
આ પ્રકારની સ્થિતિ દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોઈ શકે અને કટલાક સમૃદ્ધ રાજ્યોમાં આ માપદંડો મુજબના અલગ અલગ હોઈ શકે, પરંતુ એકંદરે આપણો દેશ એક તફ ત્રીજી ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ પૌષ્ટિક આહારના પણ અડધાથી વધુ વસતિને ફાંફા પડી રહ્યા હોય, ત્યારે થોડું આત્મમંથન કરી લેવું જરૂરી છે, તેમ નાથી લાગતું?
હકીકતે આપણા દેશની કુપોષણની સમસ્યા અને ગરીબીને પારખીને જ એક સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, આપણે 'આઝાદ' જરૂર થયા છીએ, પરંતુ હવે આપણી સામે 'આબાદ' થવાનો પડકાર છે, મતલબ કે આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થવાની જરૂર છે, તેવા ગાંધીજીના તે સમયના તારણો આજે પણ એટલા જ સુસંગત છે, એ સનાતન સત્ય છે.
કુપોષણ અને ગરીબીમાંથી જ ગુનાખોરી અને અરાજક્તા જેવી વિકટ સ્થિતિ અને વિવિધ બદીઓ જન્મ લેતી હોય છે, તેથી આપણા દેશમાં પૌષ્ટિક અને પૂરતા આહારની પર્યાપ્ત વ્યવસ્થા થવી જરૂરી છે. આ માટે જ કોરોનાકાળ સમયથી દેશના ૮૦ કરોડ લોકોને અનાજ આપવાની ચાલતી યોજનાને લંબાવાઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. તેની સામે સવાલ પણ ઊઠી રહ્યો છે કે મોંઘવારી દિવસે દિવસે રાફેલની ગતિથી વધી રહી છે, તેનું શું? દેશમાં બૂલેટ ટ્રેન તો હજુ અમદાવાદ-મુંબઈ વચ્ચે જ લટકી અને અટકી ગઈ છે, પરંતુ બૂલેટ ટ્રેનની ગતિથી બેરોજગારી વધી રહી છે, તેનું શું?... જવાબ જ નહીં હોય- આ પ્રકારના પ્રશ્નોનો... કોઈ પાસે!
એવા અહેવાલો આવ્યા છે કે સિંગતેલના ડબ્બે રૂ. ૮૦ વધી ગયા છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે, મોંઘવારીના મારના કારણે અત્યંત દયનીય સ્થિતિમાં મૂકાયેલા ફિશરમેનો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે, તેવી માંગણી પોરબંદર અને હાલારના માછીમારોએ કરી છે, તો ભારે વરસાદથી ધોવાયેલા પાક માટે સહાય પેકેજની માંગણી ખેડૂતો પણ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને સાગરખેડૂઓની આ વેદના સરકાર ક્યારે સાંભળશે?
સિંગતેલના ભાવો વધે એટલે અન્ય ચીજોના ભાવ પણ વધે. તેલના ભાવોમાં વધારો થતા ફરસાણ, મીઠાઈ અને અલ્પાહાર-ભોજનના ભાવો પણ વધી જાય. આ ભાવવધારાની સખામણીમાં ગરીબ-મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધતી નહીં હોવાથી લોકો ખર્ચમાં કાપકૂપ મૂકે, અને તેના કારણે લોકોને પૌષ્ટિક આહાર કાં તો ઓછો મળે અને ગરીબોને તો મળે જ નહીં... આમાંથી કુપોષણની સમસ્યા વધુ ઘેરી બને છે. તેલના ભાવો વધતા જનાષ્ટમીના તહેવારો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો કેવી રીતે ઉજવશે?
જો કે, સિંગતેલ કે ખાદ્ય તેલોના ભાવો ઘટે, ત્યારે ફરસાણ-મીઠાઈના વિતરકો કે અલ્પાહાર-ભોજનના રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા કે ભોજનાલયો દ્વારા ભાવો ઘટાડવામાં આવતા હોતા નથી, તે પણ વખોડાવાલાયક વાસ્વતિક્તા જ છે ને?
મોંઘવારી બધાને નડે, પરંતુ કેટલાક એવા પરિવારોની સ્થિતિ દયનીય થઈ જતી હોય છે, જેઓ પોતાની ગરીબી અથવા ખર્ચ કરવાની અસમર્થતા જાહેર કરી શકતા હોતા નથી. જેઓ બાપ-દાદાના પાકા મકાનમાં તો રહેતા હોય, પરંતુ બેરોજગારી અને રોજગારીની વર્તમાન વિષમતામાં ફસાયેલા હોય છે. જેઓને કોઈપણ પ્રકારના પછાતપણાની અનામતનો લાભ પણ મળી શકે તેમ ન હોય, તેવા ઘણાં સ્વમાનભેર જીવન જીવતા પરિવારો ઘણી વખત રાક્ષસી પ્રકૃતિના વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈને પોતાનું જીવનચક્ર જ સમાપ્ત કરવા માટે મજબૂર થઈ જતા હોય છે. આ પ્રકારની સ્થિતિ નિવારવા માટે સરકાર, સમાજ અને સંસ્થાઓએ સાથે મળીને વાસ્તવિક રીતે જમીન પર ઉતરીને કામ કરવું પડશે, અને આંકડાઓની પાંખે આકાશમાં ઊડતા રહેવાની માનસિક્તા ત્યાગવી પડશે. અતિ આત્મવિશ્વાસ પણ પડતીનું કારણ બની શકે છે, અને સત્તા પણ ગમે ત્યારે ઝુંટવાઈ શકે છે, તે સૌ જાણે જ છે ને?
કોરોના પછી કેન્દ્ર સરકારે શરૂ કરેલી અન્ન યોજના હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને અનાજ પૂરૃં પાડવાનો દાવો તો થાય છે, પરંતુ તે તમમ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે છે કે પછી ક્યાંક 'પગ' કરી જાય છે? તેવો સવાલ એટલા માટે ઊઠે છે કે સરકારી અનાજનો આ પ્રકારે સગે-વગે કરાતો જંગી જથ્થો અવારનવાર પકડાતો હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ઝડપેલો લાખો રૂપિયાના હજારો કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો શું સૂચવે છે? ગરીબો માટે મોકલાતું અનાજ બારોબાર વેંચાય જાય છે? આ પ્રકાર કૌભાંડો કોણ કરે છે? આ પ્રકારના જથ્થાઓ પકડાયા પછી શું થાય છે, તે કોઈને બખર છે? નર્મદા જિલ્લામાં આ પ્રકારે સગેવગે કરાતું સરકારી અનાજ ઝડપાયું ત્યારે ભાજપ સાથે સંકળાયેલા એક રાજ્યવ્યા૫ી કૌભાંડિયા ગણાતા વ્યક્તિનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
નગરને પીવાનું પાણી પૂરૃં પાડતા જળાશયો અને લાખોટા તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયા હોવાથી કમ-સે-કમ લોકોને મોંઘવારી-બેરોજગારીના કારણે પરશેવો વળી જાય, ત્યારે પીવાનું પાણી તો મળી જ જશે... ડોન્ટ વરી...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial