જામનગરમાં ફરી એક વખત ખેતીની જમીનનો ઝોનફેરનો મુદ્દો ગૂંજ્યો છે. આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયા ઘણી જ લાંબી છે અને કોઈ નિર્દોષને અન્યાય ન થઈ જાય, તે માટે અદાલતોમાં દરેક પક્ષોને પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી તકો પૂરી પાડવામાં આવે છે, અને બન્ને તરફના વકીલોને પણ તેમની દલીલો રજૂ કરવાનો પૂરેપૂરો અવસર મળે છે, પરંતુ માત્ર આ કારણે જ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થાય છે, તેવું માનવું ભૂલભરેલુ છે. જો પક્ષકારો, વકીલો, સિસ્ટમ અને જજો વચ્ચેનો તાલમેલ બેસી જાય તો ઘણાં કેસોમાં ધારણા કરતા વહેલો અને સચોટ ફેંસલો પણ આવતો હોય છે. આપણાં દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે અને અત્યંત ગરીબ પક્ષકારોને નિઃશુલ્ક ન્યાય માટે કાનૂની સહાય મળી રહે તે દિશામાં ઘણાં પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. તેવી જ રીતે ખેતીની જમીન ઝોનફેર કરવાના નિયમો પણ થોડા વધુ કડક બનાવા જોઈએ તેમ નથી લાગતું?
એક હિન્દી ફિલ્મમાં સની દેઓલના મૂખેથી બોલાયેલો 'તારીખ પે તારીખ'વાળો ડાયલોગ ઘણો જ પ્રચલિત થયો હતો, અને તેવી જ રીતે અંગ્રેજી ભાષાની એક કહેવત પણ ઘણી જ પ્રચલિત છે, જેમાં કહેવાયું છે કે 'જસ્ટિસ ડિલેય્ડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ'... મતલબ કે ન્યાયમાં વિલંબ થાય, તે ન્યાય નહીં મળવા બરાબર છે, અથવા ન્યાયનો નનૈયો ભણવા જેવું છે!
વિશ્વની સૌથી વધુ દોઢ અબજ (૧પ૦ કરોડ) ની જનસંખ્યા ધરાવતા દેશ તરીકે આપણું ભારત આગળ વધી રહ્યું છે, અને ચીનને વિધિવત રીતે પાછળ છોડવાની તૈયારીમાં છે, ત્યારે આટલા મોટા દેશમાં ન્યાયતંત્ર વધુને વધુ સુદૃઢ અને વ્યાપક બને તે પણ અનિવાર્ય ગણાય... આથી જ નીચલી અદાલતો, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધીના વિવિધ પ્રકારની અદાલતોના માળખાને વધુ સારૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્રિડમ પૂરૃં પાડવાની રાજ્ય-કેન્દ્ર સરકારોની જવાબદારી છે, તો કેસોના ઝડપી નિકાલ માટે 'સિસ્ટમ'માં ઉત્તરોત્તર સુધારણા થતા રહે, તે પણ અત્યંત જરૂરી જ ગણાય ને?
આપણાં દેશમાં કેટલાક સિવિલ કેસો તો એટલા લાંબા ચાલે છે કે તેનો અંતિમ નિર્ણય આવતા-આવતા બે-ત્રણ પેઢી વીતી જાય અને દાદાએ કરેલો કે તેની સામે થયેલો કેસ તેનો પૌત્ર બૂઢો થઈ જાય ત્યારે આવે, તેવા દૃષ્ટાંતો ઘણી વખત અપાતા હોય છે. કેટલીક વખત તો વાદી-પ્રતિવાદી કે આરોપી અને ફરિયાદીના નિધન થઈ ગયા પછી નિવેડો આવતો હોય છે. ઘણાં કેદીઓ કેસ બોર્ડ પર આવે ત્યાં સુધીમાં જેલમાં રહે છે અને કેટલાક કેદીઓ નિર્દોષ પૂરવાર થાય, તે પહેલા વર્ષો સુધી જ્યુડિશ્યલ કસ્ટડી કે જેલમાં વિતાવતા હોવાની ચર્ચા અવાર-નવાર થતી રહેતી હોય છે.
અદાલતોમાં તારીખ એટલે કે મુદ્ત પડવાના ઘણાં કારણો હોય છે અને કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓને પણ અનુસરવું પડતું હોય છે, પરંતુ જો પક્ષકારો, વકીલો, ન્યાયવિંદે અને કોર્ટટાફનું સંકલન વધુ સુદૃઢ થાય, તો સમયોચિત ન્યાય અવશ્ય સુલભ બની શકે છે, તેમાં સંદેહ નથી.
તાજેતરમાં એક કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પણ કહ્યું હતું કે 'તારીખ પે તારીખ' ન્યાયમાં વિલંબનું કારણ હોય છે અને તેના કારણે મોડેથી મળેલો ન્યાય પણ અન્યાય બરાબર જ ગણાય, વગેરે...
અત્યારે જેટલી સરળતા અને સહજતાથી મોટા મોટા નેતાઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને મોટા કોન્ટ્રાક્ટરો વગેરે પ્રક્રિયા કરતા હોય છે કે તેનો સામનો કરતા હોય છે, તેટલું સરળ ગરીબ-મધ્યમ વર્ગિય અને સીધા-સાદા લોકો માટે રહેતું નથી. અદાલતોના આંગણેથી ન્યાય મેળવવા માટે ઘણાં લોકોની જીવનભરની બચત ખર્ચાઈ ગઈ હોય, જમીન-મકાન વેંચવા પડ્યા હોય કે ઊંચા દરે વ્યાજે નાણા લેવા પડ્યા હોય, તેવા ઘણાં કિસ્સા આપણી વચ્ચે જ જોવા મળતા હોય છે. આ પ્રકારની સ્થિતિમાં પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ થાય અને નવા કેસોની પ્રક્રિયામાં ઝડપ વધે, તે માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ, ખરૃં કે નહીં?
હવે જામનગરમાં ઝોનફેરના 'ગેમ્બલીંગ'ની વાત કરીએ. જામનગરના લેન્ડ ગ્રેબીંગના કેટલાક કેસો ઘણાં જ પ્રચલિત છે, જો કે જમીન કૌભાંડો માત્ર દેશવ્યાપી નહીં, પરંતુ વિશ્વવ્યાપી છે, પરંતુ ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગના સંદર્ભે કડક કાનૂન અમલી બન્યા પછી પણ જમીન કૌભાંડો સતત આચરી શકાતા હોય, તો તે અંગે માથાપચ્ચી કરવી જ પડે... શું ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ અંગેનો કડક કાયદો નિષ્ફળ ગયો છે? જો હા... તો તેના કારણો શું? સરકારે તેના સંદર્ભે શું કર્યું અને જો ઉક્ત પ્રશ્નનો જવાબ 'ના' હોય તો મોટા મોટા દાવાઓ હકીકતે પોલંપોલનો પર્દાફાશ થયો જ ગણાય ને? એવી જ રીતે 'ઝોનફેર'ના ક્ષેત્રે પણ લોલંલોલ ચાલે જ છે ને?
'જાડા' દ્વારા બે વર્ષ પહેલા ખેતીની કિંમતી જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કદાચ તેવી જ માનસિક્તાથી જાડાની છેલ્લી સામાન્ય સભામાં કેટલાક સર્વે નંબરની ખેતીની જમીન ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તબદીલ કરવાના કથિત નિર્ણય સામે મ્યુ. વિપક્ષી નેતાએ વિરોધ દર્શાવી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિજિલન્સ તપાસની માંગણી કરી છે, તે પછી એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે ચોક્કસ સ્થાપિત હિતોને ફાયદો કરાવવા લેન્ડ ગ્રેબીંગની તર્જ પર 'લેન્ડ ગેમ્બલીંગ'ના કારસા ઘડાઈ રહ્યા હોવાની શંકા જાગે, ત્યારે તટસ્થ-ઊંડી તપાસ થવી જ જોઈએ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial