Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ટેન્શન-એટેન્શન, અનશન-જંક્શન, વ્યસન-ફેશન... રહો ટનાટન... લ્યો એક્શન... કરો લેશન... રહો ટનાટન

ચિંતિત રહેવું અને ચિંતન કરવું એમાં મોટો તફાવત છે... જીવ બાળ્યા રાખ્યે કંઈ ન થાય...

ઘણાં લોકોનો ચહેરો ઘણો જ ગંભીર લાગતો હોય, પરંતુ તેઓ સ્વભાવે મૃદુ અને કોમળ પણ હોઈ શકે. સૂકા નાળિયેરની કાચલીની જેમ ઉપરથી કઠોર દેખાતા ઘણાં લોકો સ્વભાવે મુલાયમ પણ હોઈ શકે છે. કેટલાક લોકોનો ચહેરો જ ઈશ્વરે એવો ઘડ્યો હોય છે કે, તેને બોલાવવામાં પણ બીક લાગે કે ક્યાંક ચિડાઈ જશે તો? તેનાથી વિપરીત સૌમ્ય, હસમુખા અને સરળ લાગતા કેટલાક લોકો જ્યારે ખિજાઈ જાય કે મૂડલેસ હોય ત્યારે જવાળામૂખી ફાટે તેમ ક્રોધિત થઈને ઉછળવા લાગતા હોય છે. તેઓ જ્યારે ગાળાગાળી કરે કે તોડફોડ કરે ત્યારે ખબર પડે કે આ ભાઈને તો માત્ર સોહામણો ચહેરો જ કુદરતે આપ્યો છે, બાકી તેનો સ્વભાવ તો શ્વાનને પણ શરમાવે તેવો છે, કારણ કે કૂતરાઓને પણ ક્યાં-ક્યારે અને કેવું ભસવું તેનું જ્ઞાન હોય છે.

ઘણાં લોકો એકદમ ફેશનેબલ હોય છે, અને કોઈપણ નવી ફેશન આવે, એટલે તે તરત જ અપનાવી લેવા તલપાપડ રહેતા હોય છે. ફેશનના ટેન્શનમાં તેઓ જિંદગીનું અન્ય ટેન્શન ભૂલી જતા હોય છે, તો ઘણાં વ્યસની લોકો પોતાના વ્યસનમાં જ મસ્ત રહેતા હોય છે, પછી ભલેને એ વ્યસન પછી દુનિયાભરનું ટેન્શન આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હોય... ધે નોટ કેર...!

'અનશન' શબ્દ આમ તો કોઈ આંદોલનના ભાગરૂપે ઉપવાસ પર ઉતરે તેના માટે વપરાય છે, પરંતુ અનશનનો વાસ્તવિક વ્યાપક અર્થ છે. અનશન એટલે 'ઉપવાસ', પરંતુ વ્રતના ઉપવાસ અને આ ઉપવાસને સમાનાર્થી ગણવા કે કેમ? તેની અલગથી ચર્ચા કરવી પડે. અનશન શબ્દને નકારાત્મક રીતે (નેગેટીવ ટોનમાં) વધુ ઉપયોગમાં લેવામાં આવતો હોવાથી તેને ઉપવાસ આંદોલન, રિસામણાં કે નારાજગી દર્શાવવા માટે થતી ભૂખ હડતાલના સ્વરૂપમાં જ સમજવામાં આવે છે.

ટેન્શન અને એટેન્શન

'ટેન્શન લેને કા નહીં દેને કા' જેવા ડાયલોગ ઘણાં જ પ્રચલિત છે, અને હવે તો ટેન્શન શબ્દ ગુજરાતી ભાષાનો જ હોય તેવી રીતે વપરાય છે. એટલું જ નહીં, ટેન્શનનો ગુજરાતી અર્થ (શબ્દાર્થ) શું થાય, તે કોઈને પૂછવામાં આવે, તો થોડીવાર યાદ કર્યા પછી જવાબ મળે, કારણ કે ટેન્શનનો સમાનાર્થી ગુજરાતીમાં શબ્દ તણાવ અથવા તંગદિલી જેવો થાય છે, જ્યારે બે દેશો વચ્ચે સરહદ પર તંગદિલી હોય, ત્યારે 'બોર્ડર પર ટેન્શન છે' તેવા વાક્યો સાંભળવા મળે. તેવી જ રીતે 'ટેન્શનમાં રહેવું નહીં'નો ગુજરાતી શબ્દાર્થ 'તણાવમાં ન રહેવું' તેવો થઈ શકે. ટેન્શન લેતા નહીં, જેવા શબ્દો 'ચિંતા કરતા નહીં'ની ભાવના વ્યક્ત કરવા માટે વપરાય છે. આમ, ગુજરાતીમાં સામાન્ય તફાવત સાથેની જુદી જુદી ભાવનાઓ સમજાવવામાં સરળતા માટે કોમન વર્ડ (શબ્દ) 'ટેન્શન'નો ઉપયોગ એટલો વધી ગયો છે કે ટેન્શન શબ્દને હવે ગુજરાતી શબ્દકોષમાં જ ઉમેરવો પડે તેમ છે, કારણ સામાન્ય વાતચીતમાં તણાવ, તંગદિલી જેવા શબ્દો વાપરવાથી ભદ્રંભદ્રની જેમ સમજતા વાર લાગે તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. આ કારણે જ 'ટેન્શન' શબ્દ હવે ગુજરાતી ભાષામાં પણ પોતિકો હોય તેમ લાગે છે.

એટેન્શન એટલે ધ્યાન આપવું, લક્ષ્ય ખેંચવું એવું અર્થઘટન થાય. શબ્દાર્થની દૃષ્ટિએ પણ આ શબ્દ આ શબ્દ પ્રોપર (યોગ્ય) છે. 'એટેન્શન પ્લીઝ' અથવા 'કૃપા કરીને ધ્યાન આપો' જેવા શબ્દો હવે સામાન્ય રીતે વપરાય છે. 'ધ્યાન આપો', 'કાળજી રાખો', 'ધ્યાને ખેંચો' અથવા લોકોને પોતાના તરફ આકર્ષવાના સંદર્ભમાં ગુજરાતીમાં રોજ-બ-રોજની ભાષામાં સરળતાથી વપરાતો આ શબ્દ ઘણી વખત વિવિધ સંદર્ભમાં વપરાય છે, અને કોઈના પર પ્રભાવ પાડવાના સંદર્ભમાં ઈમ્પ્રેશનના પર્યાય તરીકે પણ વપરાય છે. આથી ટેન્શન અને એટેન્શન શબ્દો આપણા રોજિંદા જીવન સાથે વણાયેલા છે.

તમને થતું હશે કે અહીં શબ્દકોશનો કોર્સ શરૂ કર્યો છે કે શું? શબ્દોના અર્થોની આટલી ઝીણવટભરી ચર્ચા કરીને ટેન્શન વધારવાની શું જરૂર છે?

ટેન્શન અને એટેન્શન વચ્ચે વર્ણાનુપ્રાસ જેવી સમાનતા સિવાય શું સંબંધ છે? તેવા પ્રશ્નોના જવાબ તાત્ત્વિક રીતે (ફિલોસોફિકલી) નહીં મળે, પરંતુ તેના માટે ભાવાર્થો સમજવા પડે. ટેન્શન ઘટાડવું હોય, તણાવમાંથી રાહત મેળવવી હોય તો કાળજી રાખવી પડે, લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને ટેન્શનને ઘટાડવાના ઉપાયો કરીએ, તેને પણ 'એટેન્શન પ્લીઝ... રિમુવ યોર ટેન્શન વીથ એટેન્શન' જેવા વાક્યોથી સમજાવી શકાય.

અનશન અને જંકશન

અનશન એટલે ઉપવાસ અથવા અંગ્રેજીમાં ફાસ્ટ તેવો શબ્દાર્થ થાય, પરંતુ જંક્શનના વિવિધ અર્થો થાય છે. જંક્શન એટલે સંગમ, સંયોજન, સાંધો, સર્કલ, સંગમ સ્થળ વગેરે વિવિધ અર્થો વિવિધ સંદર્ભોમાં નીકળે છે. અનશન અને જંકશન શબ્દો વચ્ચે પણ વર્ણાનુપ્રાસ જેવી અસર ઊભી કરવા સિવાય કોઈ સીધો સંબંધ નથી, પરંતુ લોક-સાહિત્યકારો, કથાકારો, વ્યાખ્યાનકારો તથ વક્તાઓ ઘણી વખત આ બન્ને શબ્દોનું સંયોજન કરીને વિવિધ ઢબે પોતાની વાત અથવા કથા રજૂ કરતા હોય છે. અનશન વિષે તો સૌ કોઈ જાણે છે અને રેલવેતંત્ર સાથે સદીઓથી સંકળાયેલા આપણે બધા રેલવે જંક્શનને જ 'જંકશન' માનીએ છીએ, પરંતુ 'જંકશન'ની પણ વિવિધ અસરો થતી હોય છે.

વ્યસન અને ફેશન

વ્યસન હાનિકર્તા છે, જ્યારે ફેશન નુક્સાકારક નથી, પરંતુ સ્વૈચ્છિક છે, અનિવાર્ય પણ નથી. વ્યસન છોડવું અઘરૂ છે, પરંતુ ફેશન તો સતત બદલતી જ રહે છે. ફેશન શબ્દનો ઉપયોગ માત્ર પહેરવેશ, ઘરેણાં કે આઉટલૂક માટે જ થતો નથી, પરંતુ પ્રચલિત થતી ચીજો કે નવા વ્યવહારોને પણ ફેશનનું નામ આપવામાં આવે છે. જેમ કે હવે દરેક નાના-મોટા પ્રસંગો ઉજવવાની ફેશન થઈ પડી છે અથવા પરસ્પર ભેટ-બક્ષીસ આપવાની ફેશન વધી રહી છે, વગેરે અર્થમાં ફેશન શબ્દનો પ્રયોગ વધી રહ્યો છે.

વ્યસન એટલે હેબીટ, ટેવ કે કોઈ ચીજ-વસ્તુની આદત પડી જવી તેવો થાય. દૃષ્ટાંત તરીકે શરાબ, ડ્રગ્સ, તમાકુના પાન-મસાલા વગેરેનું સેવન કર્યા વગર ચાલે જ નહીં. તેને વ્યસન ગણવામાં આવે છે, અને નકારાત્મક અર્થમાં જ વિચારવામાં આવે છે, પરંતુ કેટલાક વ્યસનો પોઝિટિવ પણ હોય છે. જેમ કે દરરોજ પૂજા-પાઠ કરવાનું વ્યસન, વાચન-લેખનનું વ્યસન, વ્યાયામ-યોગા-મેડિટેશનનું વ્યસન, લાયબ્રેરીમાં જવાનું વ્યસન, અખબારો-પુસ્તકો વાચવાનું વ્યસન વગેરે એવા વ્યસનો છે, જે બેધડક અપનાવી શકાય.

ઘણાં લોકોને રાત્રે કાંઈક વાચે, ત્યારે જ ઊંઘ આવે, તો કેટલાક લોકોને મધૂર સંગીત સાંભળીને જ નિંદર આવે, તે સારા વ્યસનો છે, પરંતુ હવે તો સોશ્યલ મીડિયાની લત લાગવી અને મોબાઈલ ફોનમાં વિવિધ ગેઈમ્સ રમવાના વ્યસનો લાગુ પડી રહયા છે, જેનાથી ચેતવા જેવું ખરૂ...

કરો લેશન... રહો ટનાટન...

આપણે લેશન શબ્દને સામાન્ય રીતે અભ્યાસ કરવો કે સ્કૂલ-કોલેજોમાંથી અપાયેલું હોમવર્ક કરવાના અર્થમાં જ સમજીએ છીએ, પરંતુ ઘણી વખત પાઠ ભણાવવાના અર્થમાં પણ આ શબદ વપરાય છે. કોઈપણ લેશનને 'પાઠ' તથા 'સબક' જેવા સમાનાર્થી શબ્દોથી સમજાવવામાં આવે છે, પરંતુ 'લેશન' કરવું અથવા હોમવર્ક કરવું કે પછી નોકરીની તૈયારી, વકીલ તરીકે કેસ લડવાની તૈયારી કે કોઈ ઈન્ટરવ્યૂ આપવા માટે થતી તૈયારી સાથે સાંકળીને પણ ઘણાં લોકો લેશન શબ્દ સાંકળે છે, ત્યારે એવું જરૂર કહી શકાય કે કોઈપણ પ્રકારનું લેશન હોય, તે પૂરૃં કરો અને પછી બિન્ધાસ્ત જિંદગી જીવો... ટનાટન રહો... મોજ કરો...

ચિંતા અને ચિન્તન

ચિંતા ચિત્તા સમાન છે, તે આપણે જાણીએ છીએ, છતાં ચિંતા કર્યા વિના રહી શકતા નથી, અને ચિન્તન કંચન જેવું મૂલ્યવાન છે. તેમ છતાં આપણે ચિન્તન કરવાથી દૂર ભાગીએ છીએ, ખરેખર તેનાથી ઉલટુ થવું જોઈએ, ખરૂ કે નહીં?

ચિંતા કરીને જીવ બાળ્યા કરવાથી કાંઈ વળવાનું નથી, પરંતુ ચિન્તન કરીને ચિંતાના મૂળ કારણ સામે જ બાથ ભીડવના ઈરાદાથી હકારાત્મક ઢબે મનોમંથન કરીએ તો તેના સકારાત્મક પરિણામો મળ્યા વિના રહેવાના નથી, ખરૃં કે નહીં?

ચિંતાના વાદળો ઘેરાય, ત્યારે ચિન્તન કરીને જરૂરી કદમ ઊઠાવવાની એટલે કે પ્રોપર એક્શન લેવાની જરૂર હોય છે, નહીં કે ટેન્શન રાખવાની... જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા કરે, પરંતુ બદલાતી સ્થિતિ સાથે જીવતા શિખી લેવું જ પડે ને?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial