Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

'હું આપની શું મદદ કરી શકું?' 'પોલીસ પ્રજાનો મિત્ર છે'... પણ...!?

'પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સૂત્રો પોલીસ ચોકીઓ-પોલીસ સ્ટેશનો પર લખેલા હોય છે, અને ઘણાં સ્થળે 'હું આપને શું મદદ કરી શકું?' તેવા સૂત્રો પણ લખેલા હોય છે. સામાન્ય રીતે પોલીસતંત્રની છાપ સામાન્ય જનતામાં કેવી હોય છે, તે ઓપન સિક્રેટ છે, પરંતુ ઘણી વખત પોલીસના માનવીય અભિગમ અને પ્રામાણિક્તા તથા ફરજનિષ્ઠના કિસ્સાઓ સાંભળીએ ત્યારે એમ થાય કે હકીકતે પોલીસ પ્રજાનો મિત્ર જ છે, અને તેની માનવીય સેવાઓ, ફરજો અને કાયદા-કાનૂનની આંટીઘુંટીના બદલે ઈન્સાનિયત તથા આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ અભિગમ સાથે ઝળહળી ઊઠતી હોય છે. એવી જ જ્યારે જ્યારે પોલીસતંત્ર દ્વારા ઉમદા માનવતાવાદી કાર્ય થાય છે અને કોર્ટ કચેરીથી ઉપર ઊઠીને તથા લોકોને મદદરૂપ થઈને કાયદાનો અમલ કરાવવાનું કેટલુંક ઉમદા કાર્ય પણ થતું હોય છે. પોલીસની ફરજો કઠીન હોય છે, તેમ છતાં ઘણાં પોલીસ-જવાનો તથા અધિકારીઓ શિસ્તબદ્ધ રીતે પ્રામાણિક્તાથી કામ કરતા કરતા કાંઈક એવું ઉમદા કદમ પણ ઊઠાવતા હોય છે, જે ખૂબ જ લોકપ્રિય બની જતું હોય છે.

આપણને ઘણી વખત અખબારો-મીડિયાના મારફતથી એવી જાણકારી મળતી હોય છે કે કોઈનો જંગી રકમનો થેલો ખોવાઈ ગયો હોય, અને ફરિયાદ કર્યા પછી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો થેલો શોધી આપ્યો હોય કે પછી કોઈની ચોરાયેલી ગાડી, ખોવાયેલી ચીજવસ્તુ કે ચીલઝડપ કરીને કે ખિસ્સામાંથી ચોરી લેવાયેલા આભૂષણ, મોબાઈલ કે ઘરેણાં વિગેરેને ઝડપભેર શોધીને ફરિયાદીને પરત સોંપાયા હોય, આ પ્રકારની રોજીંદી લોકલક્ષી પ્રવૃત્તિઓ પૈકી કેટલાક કિસ્સાઓ જ સામે આવતા હોય છે, જ્યારે ઘણાં સિદ્ધાંતનિષ્ઠ પોલીસકર્મીઓ ગૂપચૂપ આ પ્રકારની લોકલક્ષી અને પ્રામાણિક પ્રવૃત્તિઓ હંમેશાં કરતા રહેતા હોય છે.

હમણાં એવા અહેવાલો આવ્યા હતાં કે પોલીસતંત્રે કોઈ બાળકને સમયોચિત રીતે હોસ્પિટલે પહોંચાડ્યું હતું તેવી જ રીતે પોલીસ ઘણાં બાળકો સહિત ગૂમ થયેલા લોકોને શોધી કાઢીને તેના પરિવારજનો સાથે મિલન કરાવી દેતા હોય છે. અભય-૧૮૧ ના માધ્યમથી પારિવારિક ઝઘડા સમાધાનપૂર્વક ખતમ કરવાનું તંત્રોનું સંકલિત કાઉન્સીલીંગ ઘણું જ લોકપ્રિય બન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર હતાં કે પોલીસ તંત્રે બાળમજૂરી કરતા કેટલાક બાળકોને છોડાવ્યા, તો કેટલાક ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના પુનર્વસનની જવાબદારી વ્યક્તિગત રીતે ઊઠાવી લીધી. વ્યાજખોરોનો આતંક ઘટાડવાની સાથે સાથે જરૂરતમંદોને જરૂર પડ્યે રોકડ ધિરાણ મળી રહે કે સહાય પ્રાપ્ત થાય તે માટે બેંકોની મદદથી લોનમેળાઓ યોજવા અને મહિલા સુરક્ષા, બાળકલ્યાણ તથા વ્યસનમુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટે વિવિધલક્ષી આયોજનો કરવા, લોક-દરબારો યોજવા અને તદ્વિષયક લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા વગેરે પ્રવૃત્તિઓ પણ પોલીસ બેડામાં વિસ્તરી રહી છે, જે ઘણાં જ સારા સંકેતો છે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસતંત્રના કેટલાક દૃષ્ટાંતો આપ્યા છે, જેમાં પોલીસ તંત્રની ફરજનિષ્ઠા ઝળકતી હોય અને સિસ્ટમ સુધારવાના પ્રયાસો થયા હોય.

સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં આખા બેંક એકાઉન્ટને બદલે છેતરપિંડી થઈ હોય, તેટલી જ રકમ ફ્રીઝ કરવા અને હજારો બેંકખાતાઓ અનફ્રીઝ કરવા જેવા કદમ પોલીસતંત્રે ઊઠાવ્યા છે. પોલીસતંત્રે પોતાની પોલિસીમાં કરેલા આ પ્રકારના ફેરફારોને લોકો આવકારી પણ રહ્યા છે.

સિક્કાની બીજી બાજુ એ પણ છે કે કેટલાક લાંચિયા અને લેભાગુ પરિબળોના કારણે આખુ તંત્ર બદનામ થાય છે. અવારનવાર હપ્તાખોરી અને પક્ષપાતી વલણના આરોપો પણ થતા રહેતા હોય છે. અદાલતોની ફટકાર પણ ઘણી વખત આ જ કારણે આખા તંત્રને સાંભળવી પડતી હોય છે. ઘણાં સ્થળે પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓમાં વપરાતી અયોગ્ય ભાષા, ઘણી વખત ફરિયાદી સાથે પ્રારંભથી જ થતો આરોપી જેવો વ્યવહાર, બૂટલેગરો-ગુન્હેગારો સાથેની સાંઠગાંઠ, ભયંકર ગુનાખોરી સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ, લાપરવાહી-બેદરકારી અને કાનૂની રાહે 'સોપારી' લેવા જેવી હરકતો થતી હોવાના આક્ષેપો પણ થતા રહે છે. તાજેતરમાં જ કચ્છ અને રાજ્યની અન્ય સરહદે ગુનાખોરો સાથે સાઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓ દારૂના જથ્થા સાથે પકડાયા, તેની સાથે લોકલ લીડર અને પોલીસકર્મીઓ પણ હતાં, તેવા અહેવાલોના કારણે પોલીસતંત્રની છબિ વધુ ખરડાઈ રહી છે, તેમ નથી લાગતું?

તાજા સમાચાર આજે ટોક ઓફ નેશન બન્યા છે, ઉત્તરપ્રદેશના વારાણસી ઝોનના એડીજી અને ડીઆઈજી ગત્ મધ્યરાત્રિ પછી પોતે ટ્રક-ડ્રાયવર અને ક્લીનર બનીને ઉત્તરપ્રદેશ અને બિહારની સરહદ પર ભરૌલી બ્લોક પાસે પહોંચ્યા અને ત્યાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ 'હપ્તો' માંગ્યો અને ઝડપાઈ ગયા. કેટલાક પોલીસ અધિકારી-કર્મચારીઓ ભાગ્યા પછી પકડાઈ ગયા તો કેટલાક ફરાર છે.

એવું કહેવાય છે કે ત્યાં ટ્રક દીઠ રૂા. પ૦૦ ઉઘરાવીને રેડ સેન્ડ (લાલરેતી), દારૂ અને પ્રાણીઓની હેરાફેરી કરવા દેવામાં આવતી હતી અને સ્મગલીંગનું મોટું રેકેટ ચાલતું હતું. દરરોજ એકાદ હજાર ટ્રક પસાર થતા હતાં, જેનું ચેકીંગ કરીને નિયમિત ભ્રષ્ટાચાર આચરાતો હતો. બલિયામાં વારાણસી- આઝમગઢના ઉચ્ચ અધિકારીઓએ આ રેકેટનો પર્દાકાશ કર્યો છે, તેની પ્રશંસા થઈ રહી છે, અને આ હપ્તાખોરીને લઈને અખિલેશ યાદવે યોગી સરકાર પર તડાપીટ પણ બોલાવી છે, જ્યારે સ્થાનિક મીડિયા કહે છે કે યે તો પહેલે સે ચલી આતી હે...!!

આ જ મોડસ ઓપરેન્ડી સાથે ગુજરાતની સરહદો પરથી ડ્રગ્સ-શરાબની ગેરકાયદે હેરાફેરીને મોકળુ મેદાન મળતું હશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે પોલીસ તંત્રની બન્ને તરફની વાસ્તવિક્તાઓ આજે ટોક ઓફ ધ નેશન બની છે!!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial