Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઓઉમ્... બમ બમ ભોલે, હર હર મહાદેવ હર... પાંચેય સોમવારનું મહાત્મય... તહેવારોનું પંચામૃત

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને શિવાલયો ઓઉમ્... બમ બમ ભોલે અને હર હર મહાદેવ હર જેવા ભક્તિનાદ્થી ગૂંજી રહ્યા છે. આ વખતે શ્રાવણ મહિના સાથે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાના સંગમ ઉપરાંત અન્ય કેટલીક વિશેષતાઓ પણ છે. શ્રાવણ-ઓગસ્ટના સમાગન થકી ભક્તિભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવના તથા પ્રભુભક્તિ સાથે દેશભક્તિનું અનોખું સંયોજન થયું છે. આ મહિનામાં જ વર્ષ ૧૯૪૭ ની મધ્યરાત્રિએ ૧પ મી ઓગસ્ટે આપણાં દેશને મળેલી આઝાદીના સંભારણા સાથે સ્વાતંત્ર્ય દિન પણ ઉજવાશે.

આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને શ્રાવણ મહિનાના અંતે સોમવતી અમાસ આવે છે. આજે પહેલા સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. બીજા સોમવારે રામચરિત માનસના રચિયાતા સંત ગોસ્વામી તુલસીદાસજીની જયંતી છે. ત્રીજા સોમવારે ભાઈ-બહેનાના પ્રેમનું પર્વ ક્ષાબંધન છે. શ્રાવણના ચોથા સોમવારે ભગવાન દ્વારકાધીશના યાત્રાધામ દ્વારકા તથા જ્યોતિર્લિંગ નાગેશ્વરમાં આ વખતે માનવ-મહેરામણ ઉમટી પડવાની સંભાવના છે, કારણ કે ચોથા સોમવારે જ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્યોત્સવ હોવાથી જન્માષ્ટમીનું પર્વ ઉજવાશે, જ્યારે શ્રાવણિયો સોમવાર હોવાથી કૃષ્ણ-ભક્તિ અને શિવભક્તિનો અનોખો સંગમ રચાશે. સુદર્શન બ્રીજના કારણે બેટદ્વારકામાં પણ આ વખતે ઘણાં લોકો જન્માષ્ટમીના દર્શને પહોંચી શકે છે. આમ, ચોથા સોમવારે દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામોમાં ભક્તસમુદાય મોટા પ્રમાણમાં ઉમટી પડે, તેવી પૂરેપૂરી સંભાવનાઓ જણાય છે.

શ્રાવણ વદ તેરસના દિવસે ઓગસ્ટ મહિનો પૂરો થાય છે અને સપ્ટેમ્બર મહિનો બેસે છે. ઓગસ્ટ મહિનામાં ૧પ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન ઉજવાશે, જેમાં લાલ કિલ્લા પરથી થનારા આ વખતેના વડાપ્રધાનના ભાષણ પર સૌની નજર રહેવાની છે. આ કારણે પ્રભુભક્તિ સાથે દેશભક્તિ અને ભક્તિભાવના સાથે રાષ્ટ્રીય ભાવનાનો પણ સંગમ થવાનો છે.

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પણ સોમવતી અમાસ છે, જે બીજી સપ્ટેમ્બરે છે. એ શ્રાવણ મહિનાનો પાંચમો અને છેલ્લો સોમવાર હશે. તે પહેલા પહેલી સપ્ટેમ્બરે પર્યુષણ (પંચમી પક્ષ) નો પ્રારંભ પણ થશે.

આમ આ વખતે શ્રીરામ-કૃષ્ણ-શિવને સાંકળતા પાવનપર્વો તથા ભાઈ-બહેનનું પાવન પર્વ, પર્યુષણ પર્વ, પારસીઓનું નૂતન વર્ષ, પાંચ સોમવાર સાથે શ્રાવણ મહિનો જાણે પવિત્ર તહેવારોનું પંચામૃત હશે અને તેમાં ભળશે ગૌરવ, શૌર્ય, સ્વાભિમાન, સાર્વભૌમત્વ અને દેશભક્તિથી તરબતર સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય ઉજવણી... રાષ્ટ્રીય ભાવનાઓથી ભીંજાયેલા પંચપર્વો અને પંચામૃતનો સંગમ...

પાંચ સમોવાર, પંચપર્વો, ભાઈ-બહેનોના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, પારસીઓનો તહેવાર, ભગવાન શ્રીકૃષ્ણનો પ્રગટ્યોત્સવ એટલે જન્માષ્ટમી અને ગોકુલાષ્ટમી, નંદ મહોત્સવ, સંત તુલસીદાસજીની જન્મતિથિ, ઉપરાંત શ્રાવણ મહિનામાં મંગલા ગૌરીનું પૂજન, હરિયાળી-ઠાકુરાણીત્રીજ, વિનાયક ચતુર્થી, સુદ નાગપાંચમ અને વદ નાગપાંચમ, કલ્કી જયંતી, ભાનુ સપ્તમી, દુર્ગોષ્ટમી, નકુલનોમ, પવિત્ર એકાદશી, વરદ્લક્ષ્મીવ્રત, દામોદર બારસ, હયગ્રીય જયંતી, કાજલી ત્રીજ, સંકટ ચતુર્થી, બાળચોથ, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, અજા એકાદશી, જૈન પર્યુષણ (ચતુર્થી પક્ષ અને પંચમી પક્ષ) અને અઘોરા ચતુર્દશી વગેરે તહેવારો-પવિત્ર પર્વો આવે છે. શ્રાવણના અંતે અમાસની વૃદ્ધિ થતા ત્રીજી સપ્ટેમ્બરે પણ શિવ પૂજનનો મહિમા રહેશે, તેમ કહેવાય છે.

આ ઉપરાંત શ્રાવણ મહિનો અમરનાથ યાત્રા, દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા, શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ રાખવા, બાલ-દાઢી નહીં કરાવવા, શિવજીને દરરોજ કે સોમવારે જલાભિષેકનું વ્રત રાખવું, દર સોમવારે શિવાલયોમાં વિશેષ દર્શનના આયોજનો શિવયાત્રાઓ તથા શિવકથાઓનું આયોજન કરવું વગેરે શ્રાવણ મહિનાની અલગ જ ભાત પાડે છે. તેવી જ રીતે જન્માષ્ટમી પર્વે સાતમ-આઠમના તહેવારોમાં તથા દર સોમવારે શ્રાવણિયા મેળાઓ, જુદી જુદી તિથિના દિવસે યોજાતા હોય છે. જામનગરમાં રંગમતી-નાગમતી નદીના કાંઠે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાઓ યોજાશે, તો દ્વારકા-નાગેશ્વર, ઈન્દ્રેશ્વર, બેટદ્વારકા, સોમનાથ, વિસાવાડા (મૂળ દ્વારકા) વગેરે યાત્ર સ્થળોમાં ભક્તો ઉમટી પડતા ત્યાં પણ શ્રદ્ધાભક્તિના મેળાવડાઓ જામશે, તેમ કહી શકાય. જન્માષ્ટમી પર્વ નાગપાંચમથી શરૂ કરીને અમાસ દરમિયાન જુદી જુદી તિથિઓએ સાંકળીને ખંભાળિયા, કાલાવડ, ભાણવડ સહિતના ઘણાં સ્થળે નાના-મોટા લોકમેળાઓ યોજાય છે. રાવલમાં ઘણાં દાયકાઓથી વર્તુનદીના કાંઠે ભાતીગળ લોકમેળો યોજાય છે.

હમણાંથી સર્જાયેલી કેટલીક દુર્ઘટનાઓને લક્ષ્યમાં લઈને સરકારે, તંત્રોએ, આયોજકોએ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા મંદિરો-ધર્મસ્થળોના સંચાલકોને વિશેષ કાળજી પણ રાખવી પડશે. યાત્રાધામોમાં દર્શનાર્થીઓની ભીડને માત્ર કંટ્રોલ કરવા નહીં, પરંતુ તમામ દર્શનાર્થીને દર્શન સંતોષકારક રીતે થઈ જાય, અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યવહારૂ અભિગમ દાખવીને, અદ્યતન ટેકનોલોજી સાથે માનવીય વ્યવસ્થાઓનો તાલમેલ બેસાડીને તેનો ભરપૂર ઉપયોગ કરીને તથા પહેલેથી અંદાજ કરીને તે મુજબની વ્યવસ્થાઓ કરવી પડશે. નદીઓ પરના તમામ પુલો, અન્ય બ્રીજ, તમામ ફ્લાય ઓવર બ્રીજ, અંડરપાસ, રેલવેમાં પાટા ઓળંગવાના ફૂટબ્રીજ, રેલવે ફાટક બ્રીજ, ઝુલતા પુલ તથા મુખ્ય મંદિરો, શિવાલયો અને ત્યાંના પ્રવેશ તથા બહાર નીકળવાના (એન્ટ્રી-એક્ઝીટ) અનેક વિકલ્પો, ફાયર સેફ્ટી, તત્કાળ તબીબી સુવિધા, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પૂરતા પાણીની વ્યવસ્થા સાથે તરત સ્ટાર્ટ થઈ જાય તેવી અગ્નિશામક ગાડીઓ, યાત્રિકો, પર્યટકો તથા દર્શનાર્થીઓને સચોટ અને વિવેકપૂર્ણ માહિતી-માર્ગદર્શનની વ્યવસ્થા વગેરે પણ કરવી પડશે. એટલું જ નહીં, સુદર્શન બ્રીજ સહિતના મોટા પુલોની પૂરેપૂરી ચકાસણી એક વખત ફરીથી કરી લેવી પડશે... હર હર મહાદેવ હર... ઓઉમ્... બમ...બમ...ભોલે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial