બાંગલાદેશમાં અનામત વિરોધી આંદોલને સંસદમાં જંગી બહુમતી ધરાવતી સરકારનો તો ભોગ લીધો જ, સાથે-સાથે દેશના વડાપ્રધાનને ભાગીને ભારત આવવું પડ્યું, આ મુદ્દો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે અને શેખ હસીનાને કયો દેશ શરણાગતિ આપશે, તેની ગઈકાલથી જ ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો આજે ટોક ઓફ ધ ગ્લોબ છે.
ત્યાં અનામત વિરોધી આંદોલનના મૂળમાં વધી રહેલી બેરોજગારી હતી, જેથી પરાકાષ્ટાએ પહોંચેલા જનાક્રોશનો ફાયદો પણ ત્યાંના દબાવી દેવાયેલા વિપક્ષે લીધો હોય કે, તેને મળી ગયો હોય, તેમ જણાય છે. ઘણાં લોકો આખી મૂવમેન્ટને જ પોલિટિકલ માને છે, અને યુવાવર્ગને રાજકીય કારણોસર ઉશ્કેરાયો હોવાનું માને છે, તો ઘણાં લોકો શેખ હસીનાના વલણને પણ કારણભૂત ગણે છે, સુરક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો પૈકી ઘણાં લોકો આને ત્યાંની સેના દ્વારા કરાયેલો ખેલ પણ માને છે. આમ પણ પાકિસ્તાન આઝાદ થયા પછી આ બન્ને દેશોમાં અવારનવાર સૈન્ય હસ્તક્ષેપ થતા રહ્યાં છે, અને આઝાદ બાંગ્લાદેશમાં તો આઝાદીના પ્રારંભિક વર્ષોમાં જ દાયકાઓ પહેલા વર્ષ-૧૯૭પ માં બળવો થયો હતો અને શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન સહિતના પરિવારને રહેંસી નંખાયો હતો, ત્યારે વિદેશમાં હોવાથી બચી ગયેલ શેખ હસીનાએ ભારતમાં જ આશ્રય લીધો હતો. તે પછી તેણીએ વર્ષો પછી સ્વદેશ પાછા ફરીને સત્તા સંભાળી હતી અને વર્ષ-ર૦૦૯ થી બાંગ્લાદેશના વડાપ્રધાન હતાં. સંસદની ગત્ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષોએ ભાગ નહીં લેતા શેખ હસીનાની પાર્ટી અવામી લીગને પ્રચંડ બહુમતી મળી હતી. તે પછી મુખ્ય વિપક્ષી નેતા ખાલીદા જીયા સામે કેસ ચલાવીને જેલમાં ધકેલાયા હતાં. આ બધા ઘટનાક્રમોનું તારણ એ નીકળે છે કે, "અતિ" ને "ગતિ" નથી હોતી, પરંતુ "અદ્યોગતિ" તથા "પડતી" જ પ્રાપ્ત થતી હોય છે...
કવિ ઉમાશંકર જોષીએ એક કવિતામાં લખ્યું છે કે, "જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ખંડેરની ભસ્મકણી ન લાધશે"... કાંઈક એવું જ બાંગ્લાદેશમાં થયું છે. જ્યારે જનાક્રોશ જાગે છે, ત્યારે સદામ હુશેન જેવા સરમુખત્યારો હોય કે જંગી બહુમતી ધરાવતા લોકતાંત્રિક દેશોના વડાપ્રધાનને પણ દેશ છોડીને ભાગવું પડી શકે છે. ગમે તેમ કરીને જંગી બહુમતી મેળવ્યા પછી વાસ્તવિક જનાધાર નહીં હોવાથી જ આવી દશા થઈ હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે.
જો કે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ચીન અને પાકિસ્તાનની આઈએસઆઈનું ષડયંત્ર હોવાની દૃઢ સંભાવનાઓ છે, કારણ કે, બાંગ્લાદેશની સુપ્રિમકોર્ટે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોની અનામત રદ્દ કરી દીધા પછી પણ આંદોલન ચાલુ રહ્યું અને વધુ હિંસક બન્યુ, તેની પાછળ ઉંડુ કાવતરૂ હોવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે, અને તેમાં ભારતને ચોતરફથી ઘેરી લેવા તલપાપડ ચીન અને ભારતને યુદ્ધના મેદાનમાં હરાવવાની ત્રેવડ નથી. તેવા પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈએ હાથ મિલાવ્યા હોવાની પૂરેપૂરી શક્યતાઓ જણાવાઈ રહી છે.
ભારતને આ ઘટનાક્રમ પછી ચિંતા વધે, તે સ્વાભાવિક છે. એક તરફ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના હસીના સરકારના સમયગાળાના સુમેળભર્યા સંબંધો તેની ઘોર વિરોધી ભાવિ સરકાર જાળવી રાખશે કે નહીં, તે પ્રશ્નનો જવાબ ઓપન સિક્રેટ જેવો છે, તો બીજી તરફ ભારતના બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરાટકાય પ્રોજેક્ટો, દ્વિપક્ષી વ્યાપાર તથા સાંસ્કૃતિક - શૈક્ષણિક તથા આર્થિક ક્ષેત્રે પણ ઘણી જ વિપરીત અસર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ સ્પષ્ટ જણાય છે. જોઈએ... હવે શું થાય છે તે... ભારતની લોકતાંત્રિક તાકાતનું એ દૃષ્ટાંત છે કે, આ ઘટનાક્રમના મુદ્દે (હજુ સુધી) ભારતમાં રાજનીતિ શરૂ થઈ નથી.
બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, તો ભારતમાં રાજકીય પક્ષોએ આ મુદ્દે એકજૂથતા દેખાડી છે. મમતા બેનરજીએ કહ્યું કે, આ બે દેશો વચ્ચેના સંબંધોની વાત છે, અને તેમાં કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે, તેને તેઓ અનુસરશે.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી બાંગ્લાદેશના આ ઘટનાક્રમની કેટલીક પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો આપણને પણ થવાની છે. જો કે, બાંગ્લાદેશની અરાજકતા લાંબી ચાલે તો બાંગ્લાદેશને મળતા કપડા (ટેક્ષટાઈલ્સ) ના વૈશ્વિક ઓર્ડર ગુજરાત સહિત ભારતને મળી શકે છે. જો કે, તે માટે વિવિધ દેશોને અનુકૂળ હોય તેવી ક્વોલિટી અને ડિઝાઈન્સ આપવા તથા નાણાકીય લેવડ-દેવડની સિસ્ટમ બદલાવવા માટે ગુજરાત સહિત ભારતના ઉદ્યોગોએ તૈયાર રહેવું પડે તેમ છે.
એક તરફ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, અને હવે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે અને તેમાં અમેરિકા, રશિયા ઝંપલાવે તો વૈશ્વિક સ્થિતિ સ્ફોટક બની શકે. તેમ છે, તેવામાં બાંગ્લાદેશના ઘટનાક્રમે વૈશ્વિક અશાંતિમાં વધારો કર્યો છે, ત્યારે જોઈએ... હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial