ગુજરાતમાં ભાજપની સરકાર છે, અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર સતત ત્રીજી વખત સત્તામાં છે, તે હકીકત છે, પરંતુ એ પણ હકીકત છે કે ડબલ એન્જિનની સરકારો એટલે કે રાજ્ય અને કેન્દ્રમાં એનડીએની સરકાર સત્તામાં હોય, ત્યાં વિકાસની ગતિ વધી રહી છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે મળીને કેટલાક લક્ષ્યો સિદ્ધ કરી રહી છે, તેવા થતા દાવાઓમાં ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે, અને ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે મજબૂત બની રહી છે, તેવો દાવો પણ લોકસભામાં ગેનીબેન ચૌધરીના વિજય પછી કરવામાં આવી રહ્યો છે, અને હવે રાહુલ ગાંધી મોરબીથી નવી ન્યાયયાત્રા શરૂ કરીને ભાજપને ગુજરાતમાં પંચાયત-પાલિકાઓથી માંડીને પાર્લામેન્ટ સુધી (વિધાનસભા સહિત) પાંચ વર્ષમાં હરાવવાના મનસુબા સેવી રહ્યા છે, તે મુદ્દો અત્યારે ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ તાલમેલની જરૂર જણાવાઈ રહી છે, તેથી ફેડરલ સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની કવાયત વધુ મજબૂત બની રહી છે, ત્યારે કેટલાક પોકળ દાવાઓની પોલ ખોલતો નીતિ આયોગનો એક રિપોર્ટ પણ ટોક ઓફ ધ નેશન બન્યો છે, અને તેના સંદર્ભે ત્રણેક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમરેલીના જિલ્લા તંત્રને પાઠવેલી એક નોટીસનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે.
એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે આ નોટીસ ફટકારી હતી, જેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયા કિનારે ક્રિકેટ પીચ બનાવવા માટે મેન્ગ્રુવ્સ હટાવી દેવાયા હોવાની રાવ કરવામાં આવી હતી. અરજદારે એવી દલીલ કરી હતી કે આ વિસ્તાર સીઆરઝેડ હેઠળ આવતો હોવાથી ત્યાંથી મેન્ગ્રુવ્સ હટાવી શકાય નહીં. આ અંગે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં હોવાની ફરિયાદ પણ અરજદારે કરી હતી.
પ. બંગાળના સુંદરવન પછી ગુજરાત મેન્ગ્રુવ્સના ક્ષેત્રે બીજા નંબરે હોવાના દાવા થઈ રહ્યા હતાં, ત્યારે આ પ્રકારની પીઆઈએલ થાય, તે જ ઘણું ઘણું કહી જાય છે.
તે પહેલા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દ્વારકા જિલ્લાના કુરંગા સ્થિત એક ખાનગી કંપની દ્વારા થતા જમીન-હવાઈ અને જળ પ્રદૂષણના મુદ્દે રૂપિયા વીસ લાખનો દંડ ફટકાર્યો હતો, અને પોતાની ફરજોમાં બેદરકારી રાખવા બદલ સંબંધિત અધિકારીઓને ફટકાર પણ લગાવી હતી. એટલું જ નહીં, આમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુક્સાન બદલ વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો, અને બેદરકાર અધિકારીઓ સામે તપાસ યોજીને તેની સામે કડક પગલાં લેવાની તાકીદ પણ કરી હતી. દ્વારકા જિલ્લામાં તળાવો, સરોવરો બૂરાઈ જવાના મુદ્દે હાઈકોર્ટે કલેક્ટર, ફોરેસ્ટ ઓફિસર્સને કરેલા આદેશો સાથે કરેલી ટિપ્પણીઓ પણ ઘણી જ સૂચક છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ રીતે અદાલતની ફટકાર એટલા માટે પડી હતી કે તે કેસમાં સ્પષ્ટ રીતે સંબંધિત અધિકારીઓની મિલીભગત જણાઈ હતી, જેને કાનૂની અથવા સારી ભાષામાં 'બેદરકારી' અને 'લાપરવાહી' કહેવી પડે છે. હકીકતે જ્યારે રક્ષક જ ભક્ષક બને અને વાડ ચીભડાં ગળે, ત્યારે આવું થતું હોય છે. ગુજરાતમાં ચેરના જંગલો વિષે થતા દાવા અને વાસ્તવિક્તા વચ્ચે પણ સ્વયં સ્પષ્ટ અને દેખીતો તફાવત જણાઈ રહ્યો છે.
નીતિ આયોગનો રિપોર્ટ એટલે તે કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ ગણાય. આયોગનો એક રિપોર્ટ કહે છે કે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન ચેર (મેન્ગ્રુવ્સ) ના જંગલો ઉત્તરોત્તર ઘટી રહ્યા છે, જ્યારે રાજ્ય સરકારનો દાવો એવો છે કે રાજ્યમાં દરિયા કિનારે મેન્ગ્રુવ્સમાં વધારો થયો છે, અને દરિયાકાંઠાને સુરક્ષિત રાખતા તથા જમીનનું ધોવાણ અટકાવતા ચેરના જંગલો વધ્યા છે. ગુજરાતમાં મેન્ગ્રુવ્સ કવર વધવા પામ્યું હોવાના રાજ્ય સરકારના આ દાવાને ડબલ એન્જિન સરકારના મુખ્ય એન્જિન કેન્દ્ર સરકારના નીતિ આયોગે જ છેદ્ ઊડાડ્યો હોય તો તેને શું સમજવું? કાં તો નીતિ આયોગનું આંકલન યોગ્ય ન હોય, કાં તો રાજ્ય સરકારનો દાવો ખોટો હોય, તો જ વિરોધાભાષી 'ફેક્ટ' ચર્ચાસ્પદ બની શકે ને?
હકીકતે નીતિ આયોગે મન્ગ્રુવ્સના જંગલોના મુદ્દે નક્કી કરેલા ૧૬ માપદંડોમાંથી માત્ર બે જ માપદંડોમાં ગુજરાત શ્રેષ્ઠ છે, જ્યારે બાકીના ૧૪ માપદંડોમાં ગુજરાત બીજા રાજ્યો કરતા પાછળ રહી ગયું હોવાના તારણો નીકળ્યા છે.
નીતિ આયોગના તારણો મુજબ ગુજરાત કેટલાક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે, તો કેટલાક ક્ષેત્રે પાછળ છે. લાઈફ અન્ડર વોટર કેટેગરીમાં ગુજરાત ઘણું જ પાછળ છે. ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું હોવા છતાં દરિયાકાંઠે વસતા લોકોના વિકાસ-કલ્યાણ અને એકવા કલ્ચર ડેવલપમેન્ટમાં પાછળ રહી ગયું છે. પશ્ચિમ બંગાળને ૧૦૦ માંથી પૂરેપૂરા ગુણ મળે, અને ગુજરાતને માત્ર પાંચ જ માર્ક મળે, ત્યારે કેટલાક દાવાઓની પોકળતા પરખાઈ જતી હોય છે, જ્યારે મૂલ્યાંકન માટે ૧૬ માપદંડો નક્કી થયા હોય, અને તેમાંથી ૧૪ માપદંડોમાં બે રાજ્ય પાછળ રહી ગયું હોય, અને માત્ર બે માપદંડોમાં જ શ્રેષ્ઠ રહ્યું હોય, તો તે બે મુદ્દાઓને જ રાજ્યની સર્વશ્રેષ્ઠ સફળતા ગણાવીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ શું જનતા સાથેની છેતરપિંડી ન ગણાય? આ પ્રકારના પ્રશ્નો ઊઠી રહ્યા હોય ત્યારે તેમાં તથ્ય ન હોય, તો તો સરકારે તરત જ સ્પષ્ટતાઓ કરી હોય ને? તે પ્રકારની ચર્ચા પણ ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને કોણ સાચું ને કોણ ખોટું તેની ચર્ચા થઈ રહી છે.
ગુજરાત કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવે, સિદ્ધિ મેળવે તો કોઈપણ ગુજરાતીને ગૌરવ થાય, પરંતુ બે આના કમાઈ ને ૧૪ આના ગુમાવ્યા હોય તો તેને ૧૬ આના સિદ્ધિ કેવી રીતે ગણી શકાય? કહો જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial