દ્વારકા અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય પૂ. સ્વામી સ્વરૂપાનંદજી બ્રહ્મલીન થયા પછી દ્વારકાના શંકરાચાર્ય પદે પૂ. સ્વામી સદાનંદજી પીઠાધિશ બન્યા છે, અને પૂ. અવિમુક્તેશ્વરાનંદજી જ્યોતિર્મઠના શંકરાચાર્ય બન્યા છે. ગુજરાતના મહિલા સાંસદે સંસદમાં ઊઠાવેલા ગૌરક્ષાના મુદ્દાને અવિમૂક્તેશ્વરાનંદજીએ સમર્થન આપ્યું હોવાના અહેવાલો પછી દેશમાં ગૌરક્ષાનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવી ગયો છે, અને મહિલા સાંસદે સંસદમાં કરેલી ધારદાર રજૂઆતની ચોમેર પ્રશંસા પણ થઈ રહી છે.
ગુજરાતના મહિલા સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો જે રીતે ઊઠાવ્યો અને પાર્ટીલાઈનથી ઉપર ઊઠીને આ પ્રકારની રજૂઆત કરી છે. સૌને ચોંકાવી દીધા જ હતાં, પરંતુ તેણીએ આ માંગણી ઊઠાવવાની સાથે સાથે બીજું જે કાંઈ કહ્યું તેના પણ ગુજરાતમાં વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એકંદરે આ રજૂઆત પછી ગેનીબેન ઠાકોરે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે પણ આ મુદ્દે ગેનીબેન ઠાકોરે જે વાયદો કર્યો હતો, તેનું પાલન કર્યું છે, તેથી તેઓ માત્ર પોતાના મતવિસ્તારના જ નહીં, પરંતુ દેશના ૧૦૦ કરોડ સનાતનધર્મીઓના પણ લીડર બની ગયા છે, વિગેરે...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી, પરંતુ વર્ષ ર૦ર૪ માં ભાજપના ગઢમાં ગાબડું પાડીને ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. ગેનીબેને ચૂંટણી પહેલા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના પ્રયાસો કરવાનું વચન આપ્યું હતું, તેનું પાલન કરી બતાવ્યું અને બેધડક રીતે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગણી કરી, તેની શંકરાચાર્યજી ઉપરાંત પણ ઠેર-ઠેરથી આવકાર સાંપડી રહ્યો છે, તેથી ગેનીબેનને ગૌપ્રેમીઓનો પણ આવકાર મળી જ રહ્યો હોય ને?
ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી તો કરી જ હતી, પરંતુ પાંચમી ઓગસ્ટે જ આ મુદ્દો ઊઠાવીને ભારતીય જનતા પક્ષને કોઈ સંકેત આપ્યો હોવાની પણ અટકળો થઈ રહી છે, અને દેશના ગૃહમંત્રી સાથેની કથિત મુલાકાત પણ ચર્ચામાં છે.
લોકસભામાં ગેનીબેને પશુપાલકોને સંબંધિત કેટલાક પ્રશ્નો પણ ઊઠાવ્યા હતાં અને ગૌવંશ તથા અન્ય પ્રાણીઓનો જીવનવીમો તથા સુરક્ષાવીમો પશુપાલકો દ્વારા લેવામાં આવે, તેના પર પણ વસુલવામાં આવતો ૧૮ ટકા જીએસટી હટાવવાની માંગણી લોકસભામાં જ ઊઠાવી હતી, અને આ મુદ્દો હવે જીએસટી કાઉન્સિલમાં પણ કોંગ્રેસ જોરશોરથી ઊઠાવશે તેવા સંકેતો વચ્ચે હવે કોંગ્રેસ ફરીથી સોફ્ટ હિન્દુત્વની રણનીતિ અપનાવશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે. એકંદરે ગેનીબેને લોકસભામાં રજૂ કરેલા આ મુદ્દાઓ બધાને ગમ્યા હશે અને સર્વસ્વીકૃત હશે, તેવું કહી શકાય ખરૂ...!
લોકસભામાં ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સંસદસભ્ય એવા ગેનીબેન ઠાકોરે એવો સણસણતો સવાલ ઊઠાવ્યો હતો કે કતલખાનાના સંચાલકો પાસેથી ફંડ (બોન્ડ) લેનાર કોણ છે? તેના નામ જાહેર કરવાની પણ તેણીએ માંગણી ઊઠાવી હતી. ગામેગામ ફાળવાયેલ ગૌચરની જમીન ક્યાં ગાયબ થઈ ગઈ? તેવા કટાક્ષ સાથે જે સવાલો હંમેશાં ઊઠી રહ્યા છે, તેને લોકસભા સુધી પહોંચાડતા ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં જંગલી પશુઓને તથા પશુપાલકોને પડી રહેલી મુશ્કેલીઓ વર્ણવી હતી, અને તેના માટે ગુજરાતમાં ગૌચરની ઘણી જમીનો ઉદ્યોગપતિઓને ફાળવી દેવાઈ હોવાનો વેધક આક્ષેપ પણ સરકાર સામે મૂક્યો હતો, ટૂંકમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું મજબૂત પ્રતિનિધિત્વ લોકસભામાં હવે મોજુદ છે અને ગુજરાત અને ગુજરાતીઓનો અવાજ હવે લોકસભામાં ગુંજતો રહેશે, તે પણ પૂરવાર કરી દીધું હતું.
શંકરાચાર્ય પૂ. અવિમુક્તેશ્વરાનંદજી મહરાજના નેજા હેઠળ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે પદયાત્રા કાઢી હતી, અને તમામ રાજનેતાઓને આ મુદ્દો ઊઠાવવા પડકાર ફેંક્યો હતો, તેનો ઉલ્લેખ કરીને ગેનીબેનના ગૌપ્રેમને બીરદાવાઈ રહ્યો છે.
આ મુદ્દે કેટલાક મતમતાંતરો પણ છે, અને કેટલાક આ મુદ્દો રાજનીતિનો નહીં પણ ભાવનાત્મક તથા સાંસ્કૃતિક ગણાવી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં ઠેર-ઠેર કચરો-ઉકરડા અને કેટલાક સ્થળે પાથરાતા છૂટક-છૂટક ઘાસચારા માટે હડિયાપટ્ટી કરતી અને હડધૂત થતી ગાયોના દૃશ્યોનો ઉલ્લેખ કરીને લોકો તથા પોતાની માલિકીના ગૌવંશ અને ગાયો ધરાવનારા કેટલાક પરિબળોની ટીકા પણ થઈ રહી છે. ગાયમાતાને માત્ર રાષ્ટ્રમાતા ઘોષિત કરી દેવાથી નહીં ચાલે, પરંતુ હકીકતમાં ગાય અને ગૌવંશ પ્રત્યે દેશના તમામ લોકોનો આદર, પ્રેમ અને સન્માન મળે તથા સ્વાર્થ પૂરો થયા પછી કે નિર્વાહખર્ચ બચાવવા ગાય માતાઓ સહિત ગૌવંશને રોડ પર દિવસે છૂટા મૂકીને રાત્રે ઘેર લઈ જતા લોકોમાં કરૂણા, દયા અને સમજદારી આવે તેવું ઈચ્છતા લોકોને પણ સાંભળવા અને સમજવા જ પડે ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial