Sensex

વિગતવાર સમાચાર

બહેરા થવું કોને ગમે ? એક અબજ યુવાનો સાંભળવાની ક્ષમતા ગુમાવશે...! સાવધાન... ચેતજો...

અદ્યતન ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. સંદેશા વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે પળવારમાં તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો, મેઈલથી પત્ર મોકલી શકો છો કે પછી વ્હોટ્સએપથી ડોક્યુમેન્ટ્સ મોકલી શકો છો. ઘરે બેઠાં બેઠાં શોપીંગ કરી શકો છો, નાસ્તા-ભોજનનો ઓર્ડર કરી શકો છો અને નેટ બેન્કીંગ દ્વારા ઓનલાઈન નાણાકીય વ્યવહારો પણ ગણત્રીની સેકન્ડો કે મિનિટોમાં કરી શકો છો ! સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ તસ્વીરો, વીડિયો અને તમારા વિચારો પોષ્ટ કરી શકો છો અને કોઈપણ મુદ્દે ગ્રુપ રચીને પબ્લિક ઓપિનિયન પણ હેઝ-ટેગના માધ્યમથી મેળવી શકો છો. ટૂંકમાં સંચાર-વ્યવહાર, સંદેશા વ્યવહાર અને નાણાકીય વ્યવહારો ખૂબ જ ઝડપી બની ગયું છે. વીડિયો કોન્ફરન્સ, ફોન કોન્ફરન્સ અને વીડિયો કોલની સુવિધાના કારણે વિશ્વ જાણે કે વિરાટ ગામડુ બની ગયું છે... ગ્લોબલ વિલેજ...!

જૂના જમાનામાં રંગભૂમિ પર નાટકોનું મંચન થતું સરકસો અને કઠપૂતળીના ખેલ, ભવાઈ, ઢાઢીલીલા, રામલીલા, લોકડાયરા, સંતવાણી, કથાઓ તથા શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખેલસ્પર્ધાઓ-ટેડિશ્નલ મીડિયા દ્વારા લોકો મનોરંજન મેળવતા તે પછી ફિલ્મોનો યુગ આવ્યો. પહેલા માત્ર થિયેટરોમાં જઈને જ ફિલ્મો જોવી પડતી, તે ટેલિવિઝનના માધ્યમથી ઉપલબ્ધ બની અને હવે સેલફોનમાં પણ નિહાળી શકાય છે. લોકગીતો, ફિલ્મગીતો, વગેરે સાંભળવા તથા માહિતી-મનોરંજન માટે રેડિયો ઉત્તમ માધ્યમ હતું, તે પછી ગ્રામોફોન રેકર્ડઝનો યુગ પણ આવ્યો હતો, અને ટેપ-રેકોર્ડર દ્વારા ગીત-સંગીત સાંભળવાનો પણ એક યુગ હતો, જે પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ઉપલબ્ધ છે.

જો કે, આપણાં દેશમાં ઉકત તમામ માધ્યમો હજુ પણ ઉપલબ્ધ અને પ્રચલીત છે, પરંતુ મોબાઈલ સેલફોનમાં ફિલ્મો નિહાળવી, ગીતો  સાંભળવા, સતત ચેટીંગ કરવું અને ઓનલાઈન મનોરંજનનો ક્રેઝ વધી રહ્યો છે અને ધીમે ધીમે એટલો વધી ગયો છે કે અબાલવૃદ્ધ ઘણાં બધા લોકો જ્યારે જૂઓ ત્યારે મોટાભાગે મોબાઈલ સેલફોન દ્વારા કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે, આ કારણે વયોવૃદ્ધ લોકો ઘણી વખત ટકોર પણ કરતા સંભળાય છે કે ચોવીસેય કલાક મોબાઈલમાં જ મોઢું હોય, તો આજુબાજુની દુનિયાની કયાંથી ખબર હોય?.

આ પ્રકારની સતત થતી પ્રવૃત્તિનો બિનજરૂરી વ્યાપ વધતા તેના માઠા પરિણામો પણ આવી શકે છે. કાનમાં ઈયરફોન, હેન્ડ ફ્રી ભરાવીને ચોવીસેય કલાક 'મસ્ત કે વ્યસ્ત'રહેતા લોકો અને ખાસ કરીને યુવાવર્ગ માટેે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે ચેતવણી જાહેર કરી છે અને સંભાવનાઓ વ્યકત કરી છે, તે ઘણી જ ચિન્તાજનક અને ચોકાવનારી છે. ડબલ્યુએચઓએ જે અંદાજ મૂકયો છે, તેનો અર્થ, તો એવો થાય કે થોડા દાયકાઓ પછી દુનિયાનો યુવાવર્ગ તદ્દન બહેરો જ થઈ જશે !

ઈયર ફોન, ઈયર બડ, હેન્ડ ફ્રી વગેરે સાંભળવાના ઉપકરણોનો ઉપયોગ એટલો વધી ગયો છે કે યુવાનોને આજુબાજુનું કાંઈ જ સંભળાતું નથી અને દુનિયાથી જાણે અલિપ્ત જ હોય, તેવો તેનો વ્યવહાર થવા લાગે છે, પરંતુ ડબલ્યુએચઓની ભવિષ્યવાણી એવી છે કે આ પ્રકારનું કોઈપણ ઉપકરણ કાનમાં ભરાવેલું નહીં હોય, તો પણ લોકો બહેરા થઈ ગયા હશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક વોર્નિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. 'મેક હિયરીંગ સેફ ગાઈડલાઈન્સ'માં એવો અંદાજ લગાવાયો છે કે વર્ષ-ર૦પ૦ સુધીમાં દુનિયાના ૧૦૦ કરોડ એટલે કે એક અબજથી વધુ બહેરાશ ૧ર વર્ષના કિશોરોથી લઈને ૩પ વર્ષના યુવાનોમાં આવી ગઈ હશે. આ ગાઈડ લાઈન્સ મુજબ આપણી 'સાંભળવાની ખરાબ આદતો'  તથા ઉપકરણોના બિનજરૂરી તથા અયોગ્ય ઉપયોગના કારણે આ પ્રકારની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.

આ ગાઈડલાઈન્સનો રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે અત્યારે જ આ વયજૂથના લગભગ પ૦ કરોડ લોકો વિવિધ કારણે સાંભળવાની તકલીફ અથવા બહેરાશથી પીડાઈ રહ્યા છે, અને તેમાંથી ચોથા ભાગના લોકો હેડફોન, ઈયરફોન, ઈયરબડ, હેન્ડ ફ્રી વગેરે ઉપકરણો દ્વારા મોટા અવાજે કાંઈકને કાંઈક સાંભળવાની આદત ધરાવે છે, તો ઘણાં હોટલ-રેસ્ટોરન્ટો-મનોરંજનના સ્થળો, કલબો, મેળાઓ, થિયેટરો, બાર ડાન્સ કલાસીઝ, જાહેર કાર્યક્રમોમાં ખૂબ જ મોટા અવાજે ગીત-સંગીત વગાડવા, સાંભળવા અને ઘોંઘાટીયા નાચ-ગાન દરમિયાન પણ કાનને હાનિકર્તા ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે, જેનો સતત ઉપયોગ અને તેને સાંભળવાથી કાયમી બહેરાશ આવી શકે છે.

આપણા રાજ્ય અને દેશમાં માન્ય વેલ્યુમના નિયમોનું કોઈ પાલન થતું નથી, અને તેના ઉપયોગની સમયમર્યાદા પણ ધ્યાને રખાતી નથી, તેથી કયારેય મટી ન શકે તે પ્રકારની કાયમી બહેરાશ આવી શકે છે, કારણ કે ઉચ્ચ આવર્તનના જ્ઞાનતંતુઓને જ મોટું નુકસાન થતાં તેનો કોઈ નક્કર ઉપચાર થઈ શકતો નથી. તદ્દન બહેરા થઈ જવું કોઈને ગમતું હોતું નથી અને બહેરા લોકો પણ કોઈને ગમતા હોતા નથી. કાનના ટેડિયા પણ કાયમી ઉપાય કે સંતોષ આપતા નથી, તેથી ચેતજો.... સાવધાન રહેજો... કયાંક બહેરા થઈને બધાને અણગમતા ન થઈ જઈએ... જોજો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial