જામનગર હોય કે દિલ્હી હોય, હાલાર હોય કે હિમાલય હોય, ગીરનું જંગલ હોય કે દરિયા-નદી-તળાવોના પટ હોય, ચોતરફ ગેરકાયદે બાંધકામો થતા રહે છે, અને તેને કાયદાની ભાષામાં 'એન્ક્રોચમેન્ટ'એટલે કે 'દબાણ'કહેવામાં આવે છે. આ પ્રકારના સ્થાયી અથવા કાયમી દબાણોમાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે. ઘણી વખત આપણે લોકોને સળતાથી સમજાય, તે માટે ગેરકાયદે 'દબાણો' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ કાનૂની ભાષામાં એન્ક્રોચમેન્ટે એટલે કે દબાણો હંમેશાં ગેરકાયદેસરના જ હોય. જો મંજુરી લેવામાં આવી હોય અને નડતરરૃપ હોય, તો તેને દબાણ જ કહેવાય નહીં, પરંતુ તેને કાયદાની અલગ જોગવાઈઓ લાગુ પડે. ખરું ને ?
જો કે, કેટલાક સરકારી યુનિટો, જાહેર સાહસો, સરકારી કચેરીઓ કે તંત્રો દ્વારા પણ જો લોકોને અસુવિધા થાય, તેવી રીતે કોઈપણ કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવે કે પછી કોઈ સરકારી હેતુઓ માટે કોઈપણ સ્ટ્રકચર (માળખું) કે બાંધકામ એવી રીતે કરવામાં આવે, કે જેથી મોટા જનસમુદાયની મૂળભૂત સુવિધાઓ ઝુંટવાઈ જાય, લોકો હેરાન-પરેશાન થઈ જાય કે સામાન્ય લોકોને કાયમી ધોરણે મોટું નુકસાન વેઠવું પડે તેમ હોય તો તેને 'કાયદેસરનું દબાણ' ગણવું, તંત્રની તિક્કડમબાજી ગણવી, સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે સરકાર વહીવટદાર, ઓથોરિટી, સત્તામંડળની જોહુકમી ગણવી તે મુદ્દે વ્યાપક ચર્ચાની જરૃર છે, તેમ નથી લાગતું ?
તાજેતરમાં એક ઉચ્ચ અદાલતે તળાવો-નદીનાળા-જળાશયો-સરોવરો-બુરીને થતાં કાચા-પાકા બાંધકામો સહિતના દબાણો સામે લાલ આંખ કરી હોવાના અહેવાલો હતાં. દેશને આઝાદી મળી, તે પહેલા રાજા-રજવાડાઓ તથા બ્રિટિશ શાસનમાં જે મોટા તળાવો, વાવો, સરોવરો તથા જળાશયોનું દીર્ધદૃષ્ટિથી નિર્માણ થયું હતું, તે પૈકીના આઝાદી પછી કેટલા બુરાઈ ગયા અને આઝાદી પછીની સ્વતંત્ર ભારતની સરકારોએ નિર્માણ કરેલા આ જ પ્રકારના કેટલાક તળાવો-જળાશયો બુરીને તેના પર બાંધકામો થઈ ગયા, તેનો જો પારદર્શક અને તદ્દન તટસ્થ સર્વે કરવામાં આવે તો ચોંકાવનારા તથ્યો બહાર આવે તેમ છે અને 'ટોપ ટુ બોટમ' શાસકો-પ્રશાસકોની લોલંલોલ અને પોલંપોલ ખુલ્લી પડી જાય તેમ છે. તેથી જ કોઈપણ રાજય કે કેન્દ્રની સરકાર આ પ્રકારનો સર્વે કરવાની હિંમત દાખવી શકે તેમ નથી.
જામનગરમાં દરબારગઢ, શાક માર્કેટ, બર્ધનચોક અને માંડવી ટાવરના વિસ્તારોમાં રેંકડીઓ તથા પથારાવાળાઓના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અને તેના કારણે હોબાળો થાય, પછી પાલિકાનું તંત્ર દોડે છે. કેટલાક લારીઓ, પથારાવાળાઓની ચીજ-વસ્તુઓ વગેરે જપ્ત કરવામાં આવે છે અને નિયમાનુસાર કાર્યવાહી કરાઈ હોવાની તસ્વીરો અખબારોમાં ફોટોગ્રાફરો-મીડિયાના કેમેરામેનોને બોલાવીને પ્રસિદ્ધ અને પ્રકાશિત કરવામાં આવે છે, અને તે પછી થોડા દિવસો વીતી જતાં જ ફરી 'જૈસેથે' સ્થિતિ ઊભી થઈ જાય છે, અને ફરીથી એ જ નાટક ભજવાય છે. આ સમયે એવી દલીલો પણ સાંભળવા મળે છે કે આ હંગામી દબાણો હોબાળો થયા પછી હટાવવાની તાલાવેલી દેખાડતા તંત્રો કેટલાક કાયમી અને મજબૂત પ્રકારના બાંધકામો સામે આંખ મિચામણા કેમ કરે છે? મોટી મોટી કંપનીઓ, શોપીંગ સેન્ટરો, મોલ્સ, રેસ્ટોરન્ટો વગેરે દ્વારા પોતાના પ્રચાર માટે કે લોકોને આકર્ષવા માટે ફૂટપાથો દબાવીને ખડકાતા હોર્ડીંગ, બોર્ડ, ટેબલ-ખુરશી કે વેંચાણ કરવાની વસ્તુઓ જપ્ત કરી લેવા તંત્રો કેટલી વખત નીકળે છે ?
નગરના કેટલાક ચોક્કસ વિસ્તારોની આ પ્રકારની કાયમી સમસ્યાઓમાં હિતોનો ટકરાવ પણ છુપાયેલો હોય છે. રેંકડી-પથારાવાળાઓ આડા ઊભી જતાં તે વિસ્તારના દુકાનદારોની ઘરાકી ઘટી જતી હોય છે, તેથી તેની રોજગારીનો પ્રશ્ન તથા સડક પર રેંકડી-પથારા, ફેરી કરીને પેટિયુ રળતા (ગુજરાન ચલાવતા) લોકોની રોજગારીનો પ્રશ્ન સામસામે ટકરાય છે, તેથી મનપા દ્વારા 'નોન હોકીંગ' ઝોન જાહેર કરવાની સાથે સાથે દુકાનદારોને નડે નહીં, તેવી રીતે કોઈ હોકીંગ ઝોન આ ચોક્કસ વિસ્તારોની નજીકમાં જ કયાંક ઊભા કરીને આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ કરવો જોઈએ તેમ નથી લાગતું ?
બે દિવસ પહેલાં જ (એક વખત ફરીથી) બર્ધનચોક અને સુભાષ માર્કેટ, પાસેથી કેટલીક રેંકડી અને પથારા જપ્ત કર્યા હતાં. તે પહેલાં માંડવી ટાવરથી શાકમાર્કેટ સુધીના વિસ્તારોના તમામ વેપારીઓએ બાઈક રેલી કાઢીને કલેકટરને આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું. હવે ઉભય પક્ષોની રજૂઆતો સાંભળીને મનપાના શાસકોએ 'રાજધર્મ' બજાવવો જોઈએ અને તંત્રે તેમાં તાલમેલ જાળવવો જોઈએ, તેમ નથી લાગતું ?
અમદાવાદમાં વાહનો અને શટલ રિક્ષાઓને લઈને હાઈકોર્ટે કરેલી ટિપ્પણી કદાચ જામનગર સહિતના રાજ્યના તમામ શહેરો તથા દ્વારકા-સોમનાથ જેવા યાત્રાધામોને પણ અંશતઃ કે સંપૂર્ણપણે લાગુ પડે છે, જેમાં તેમણે શટલ રિક્ષાઓના આડેધડ પાર્કીંગ, ટ્રાફિકને અડચણ અને નિયમોની ઐસીતૈસી કરવાના મુદ્દે તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે. અદાલતે કહ્યું કે ઘણી શટલ રિક્ષાઓમાં પોલીસકર્મીઓએ રોકાણ કરેલું હોય છે અને આ પ્રકારની રિક્ષાઓને કોડવર્ડથી ઓળખવામાં આવે છે અને તેની સામે નિયમભંગ, નફાખોરી કે મુસાફરો કે અન્ય તંત્રો-કર્મચારીઓ સાથે દાદાગીરી કરે તો પણ કોઈપણ પગલાં લેવામાં આવતા હોતા નથી. હાઈકોર્ટે આ ટિપ્પણીઓ 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'ની એક સુનાવણી દરમિયાન કરી હતી જેની નોંધ રાજ્યના તમામ શહેરોએ લેવા જેવી છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial