ગુજરાતમાં સરકારી સેવાઓના ક્ષેત્રે ગ્લોબલ ગોબાચારી ચાલી રહી છે અને કેટલાક સરકારી વિભાગોમાં ગુટલીબાજો ગુટલી અથવા ગુલ્લી મારતા હોય છે, અને તે માટે 'સિસ્ટોમેટિક સેટીંગ' પણ થતું હોય છે. ઘણાં જિલ્લા કક્ષાના અધિકારીઓ પોતાના આસિસ્ટન્ટ તથા ઉપરી અધિકારી સાથે સેટીંગ કરીને એકાંતરા હાજરી આપીને 'અપડાઉન' કરતા હોય છે, તો કેટલાક ખાતાઓમાં 'ટૂર' બતાવીને અઠવાડિયે એકાદ આંટો મારવાની પ્રથા પણ હવે વધી રહી છે. આ પ્રકારના જિલ્લા કક્ષાના અધિકારીઓનું નિયંત્રણ તેના તાબા હેઠળ કાર્યરત કચેરીઓ તથા કર્મચારી પર કેવું રહેતું હશે, તે સમજી શકાય તેવું છે. હેડક્વાર્ટર પર જ રહેવાનો સરકારી નિયમ તો હવે માત્ર કાગળ પર જ રહી ગયો છે, અને પોતાનો હક્ક માનીને અપડાઉન કરતા અધિકારી-કર્મચારીઓ પૈકી ઘણાં હવે ગુટલીબાજીને પણ પોતાનો અધિકાર સમજીને દાદાગીરી કરતા હોવાના કિસ્સાઓમાં પણ તેના ઉપરી અધિકારીઓ કે નિયંત્રકોની પોતાની અનિયમિતતા જ જવાબદાર હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં પોલિટિકલ પ્રેસર, હપ્તાખોરી કે ખુલ્લી દાદાગીરી પણ કારણભૂત હોય છે.
'છીંડે ચડ્યો તે ચોર' એવી એક કહેવત છે, તે મુજબ ગુજરાતના શિક્ષણ વિભાગમાં ચાલતા લોલંલોલની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને તેમાં પણ વિદેશમાં રહેતા એક શિક્ષિકાની નોકરી ગુજરાતની સરકારી સ્કૂલમાં ચાલુ હોવાની ચર્ચા પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો અને તેની ચોખવટ પણ ખુદ શિક્ષણમંત્રીએ કરવી પડી છે.
આ મુદ્દો ઉછળ્યા પછી ગુજરાતની સરકારી અને મહાપાલિકાઓ સંચાલિત સ્કૂલોમાં લાંબા સમયથી રજા પર કે રજા વગર ગેરહાજર રહેલા શિક્ષકોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે, અને સતત ત્રણ મહિનાથી વધુ ગેરહાજરી ધરાવતા ૧૭ જિલ્લાના ૩૧ શિક્ષકો જ્યારે ૩ર શિક્ષકો વિદેશમાં (રજા મંજુર કરાવીને કે રજા વગર?) ગયા હોવાથી તેની સામે નિયમાનુસાર પગલાં લેવાશે, તેવું જાહેર કરાયું છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આ પ્રકારના જડ નિયમો સુધારવાની પહેલ સરકાર કેમ કરતી નથી? બીસીએસઆરના અંગ્રેજી સલ્તનતની અસર ધરાવતા નિયમોનું માત્ર નામ બદલીને જીસીએસઆર કરી દેવાથી નહીં ચાલે, તેમાં વર્તમાન યુગને અનુરૂપ ફેરફારો પણ કરવા પડશે, તેવી જન-પ્રત્યાઘાતોને પણ લક્ષ્યમાં લેવા જ પડે તેમ છે ને?
હવે તો જિલ્લાવાર ગુટલીબાજ શિક્ષકો, રજા વગર ગેરહાજર રહેલા શિક્ષકો, બોગસ શિક્ષકો, લાંબી રજા પર રહેલા શિક્ષકો, નોટીસો બજાવવા છતાં ગેરહાજર રહેતા શિક્ષકો, સતત ગેરહાજરી કે રજા ન ગણાય, તે માટે વચ્ચે વચ્ચે છૂટક હાજરી પુરાવીને નિયમોની છટકબારીઓનો લાભ ઊઠાવતા શિક્ષકો તથા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ફરજ પરથી દિવસો સુધી ગાયબ રહેવાની ટેવ ધરાવતા શિક્ષકોની સારણી (યાદી) બનાવઈ રહી હોવાની ચર્ચા પછી શિક્ષકગણમાં ફફડાટ પણ વ્યાપ્યો છે. આ પ્રકારના શિક્ષક ભાઈ-બહેનોની એકંદરે ટકાવારી કદાચ સિંગલ ડિજિટમાં હોવા છતાં તેના કારણે નિષ્ઠાપૂર્વક, નિયમિત અને જાહેર રજાઓના દિવસે પણ હેડક્વાર્ટરમાં ઉપલબ્ધ રહેતા શિક્ષક ભાઈ-બહેનોના બહોળા સમુદાયને પણ કલંક લાગી રહ્યું છે અને સૂકા સાથે લીલું બળી રહ્યું છે, તેમ નથી લાગતું? કેટલાક વર્તમાન અને નિવૃત્ત શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવાઓ પણ કરી રહ્યા છે, તેની નોંધ લેવી જ પડે ને?
ગ્રામ્ય અને હવે તો શહેરી વિસ્તારોમાં પણ 'પ્રોક્સી' શિક્ષકોથી કામ ચલાવાતું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. ક્યાંક મધ્યાહ્ન ભોજનના સંચાલક તો ક્યાંક શિક્ષકના પરિવારજન કે મિત્ર દ્વારા બાળકોને (ગેરહાજર, શિક્ષકના સ્થાને) શિક્ષણ અપાતું હોવાનું અને તે 'ચલાવી' લેવા માટે સિસ્ટોમેટિક સેટીંગ થતું હોવાનું હવે તો 'ઓપન સિક્રેટ' બની ગયું છે, ખરૃં કે નહીં?
ગુજરાતમાં કેટલી ભૂતિયા શાળાઓ, કેટલા ભૂતિયા વિદ્યાર્થીઓ અને દરરોજ ખુલતી ન હોય, તેવી શાળાઓનો સ્વતંત્ર સર્વે થાય તો ચોંકાવનારા આંકડા બહાર આવી શકે છે.
ગુજરાતમાં શિક્ષક તરીકે નોકરી ચાલુ બતાવીને ભલે કપાત પગારથી રજા બતાવાતી હોય, પરંતુ જો આ પ્રકારની ગેરહાજરી લાંબો સમય સુધી રહે તે તેની માઠી અસરો તે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે તે સ્વાભાવિક છે, ત્યારે એક વર્ષ સુધી ગેરહાજરીને 'નિમાનુસાર' ગણી લેવાની જો કોઈપણ જોગવાઈ કરાઈ હોય તો તે કોઈપણ રીતે યોગ્ય નથી અને નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાથી ગેરબંધારણીય પણ છે, તેમ ન માની શકાય?
જ્યારે આ પ્રકારે વિદેશમાં વસાવટ કરતા શિક્ષકો કે અન્ય કર્મચારીઓની નોકરી ગુજરાતમાં ચાલુ રાખીને ઘણાં લાંબા સમય સુધી તેઓને 'રજા' પર બતાવાતા હોય, તો તે કોઈપણ રીતે યોગ્ય નથી, જો કે વર્ષ ર૦૦૬ ના નોટીફિકેશનના સંદર્ભે જાગેલી ચર્ચા પછી રાજ્યના શિક્ષણ મંત્રીએ જે ચોખવટ કરી અને કડક કદમ ઊઠાવવાની વાત કરી છે, તેનો અમલ થશે અને નિયમ-કાયદાઓની છટકબારી બંધ કરાશે, તેવી આશા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial