Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં યોજાનારા શ્રાવણી લોકમેળામાં રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનો અમલ થશે?

લોકમેળામાં ભાવ બાંધણું હોવા છતાં રાઈડ્સવાળા અને ખાણી-પીણીવાળા બેફામ ભાવ લઈ લૂંટમેળો બનાવી દ્યે છે! શા માટે પગલાં લેવાતા નથી!:

જામનગર તા. ૧૪: રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી અત્યંત ગમખ્વાર દુર્ઘટના તેમજ અન્ય શહેરોમાં થયેલી દુર્ઘટનાઓના પગલે ગુજરાત સરકારે ખાસકરીને મેળાઓના આયોજનોમાં અને વિવિધ રાઈડ્સ સહિતના મનોરંજન સાધનો સાથે ધંધો કરનારાઓ માટે સરકારના ચોક્કસ વિભાગોમાંથી યોગ્યતાના પ્રમાણપત્રો, એનઓસી ફરજિયાત લેવાની ગાઈડલાઈન્સ સાથેના આદેશ જારી કર્યા છે.

રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીના મેળા માટે ટેન્ડર પ્રક્રિયા સમયે જ આ એસઓપી અને વિવિધ વિભાગોના પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાની અમલવારી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં યોજાનાર લોકમેળા માટે આયોજક જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારની એસઓપીના અમલ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી! જામનગરમાં પ્રદર્શન મેદાન આમે ય વસતિ અને લોકમેળામાં ઉમટી પડતી જનમેદની સામે હવે ખૂબ જ નાનું પડી રહ્યું છે. તેમ છતાં આ મેદાનમાં સાવ નજીક નજીક નાની-મોટી તેમજ જમ્બો રાઈડ્સ ખડકી દેવામાં આવે છે. મોતના કૂવાની આસપાસ જગ્યા પણ સાંકડી હોય છે. આ ઉપરાંત મેદાનમાં ખાલી દર્શાયેલી જગ્યાઓમાં મનપા તંત્રની મીઠી નજર હેઠળ નાની રાઈડ્સવાળા, અન્ય વસ્તુઓના પથારાવાળાના દબાણો સર્જાય છે. આ ગ્રાઉન્ડમાં રમકડાના સ્ટોલના વિભાગમાં સ્ટોલ વચ્ચે ખૂબ જ સાંકડી જગ્યા રાખવામાં આવે છે, જેથી ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાય છે. મોટી રાઈડ્સવાળા પોતાના પ્લોટમાં જ પેટા ભાડે અન્ય નાની રાઈડ્સવાળાને ગોઠવી દ્યે છે. વીજ કનેક્શન બાબતમાં પણ શંકા જાગે તેવી કામગીરીથી જોડાણ આપી દેવામાં આવે છે, જે જોખમી થઈ શકે છે.

લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો બાળકો, પરિવારો સાથે ઉમટી પડતા હોવા છતાં આવવા-જવાના કોઈ ઈમરજન્સીમાં બહાર નીકળવાના ગેઈટ પર્યાપ્ત સંખ્યામં જણાતા નથી. પરિણામે પીક અવર્સમાં ભીડના કારણે અફડાતફડી મચી જવાની શક્યતા રહે છે.

પીવાના પાણીના સ્ટોલ, લેડીઝ/જેન્ટ્સ યુરીનલ/ટોયલેટ બ્લોક વિગેરેની વ્યવસ્થા અપૂરતી હોવાથી ગંદકી ફેલાયેલી રહે છે. ખાણી-પીણીના સ્ટોલવાળા શુદ્ધ પાણીનો ઉપયોગ કરે, વાસી ખોરાકનું વેંચાણ ન કરે, સ્વચ્છતા જાળવે તે બાબતને મનપા તંત્રએ ટોચની પ્રાથમિક્તા આપવાની જરૂર છે.

મેળામાં દર વર્ષે રાઈડ્સવાળા અને ખાણી-પીણીના સ્ટોલવાળા બેફામ ભાવ પડાવી રીતસર લૂંટ ચલાવતા હોવા છતાં જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓના આંખ મિચામણાથી આવી લૂંટપ્રવૃત્તિ ચાલુ રહે છે.

લોકમેળામાં ડોક્ટરની સુવિધા મળે તે માટે ટેન્ટ ઊભો કરાય છે અને તે આવકારદાયક અને જરૂરી છે, પણ આ ટેન્ટમાં મનપાના સ્ટાફના મળતિયાઓ ખૂરશીઓમાં બેસેલા જોવા મળે છે, તો વળી એક મોટો સમિયાણો વીઆઈપી માટે સોફા સાથે ઊભો કરવામાં આવે છે. લોકમેળામાં ગરીબ-તવંગર, ઊંચ-નીચ જેવા ભેદભાવ ન જ હોવા જોઈએ! તેમાં ય વળી મનપા તંત્ર કે મેળામાં જેમની વિવિધ કામગીરી માટે જવાબદારી છે તેવા અધિકરીઓ તેમના પરિવારો સાથે મેળામાં મફતની મજા માણતા જોવા મળે છે. એટલું જ નહીં, અન્ય લોકોને પણ મફત મજા કરાવવા મેળામાં ખડેપગે સેવામાં હોય છે.

લોકમેળાના સ્થળ આસપાસ પાર્કિંગની વ્યવસ્થા પણ દર વર્ષે ટૂંકી પડે છે. કેટલાક લુખ્ખા અને માથાભારે લોકો ગેરકાયદેસર રીતે પાર્કિંગના નાણા ઉઘરાવતા હોય છે, તો પાર્કિંગની જગ્યાઓ પર સેંકડો પાથરણાવાળા જગ્યા રોકીને ધંધો કરતા હોવાથી વાહનો ક્યાં રાખવા તે સમસ્યા સર્જાય છે!

જામનગરના લોકમેળામાં દર વર્ષે મનપા તંત્રને માતબર રકમની આવક થાય છે પણ તેની સામે ગંજાવર ખર્ચાઓ બતાવી દેવામાં આવે છે. મેળાના ખર્ચનો હિસાબ સંબંધિત વિભાગ દ્વારા છ-છ મહિના સુધી સત્તાવારરીતે જાહેર કરવામાં આવતો નથી.

સદ્નસીબે જામનગરના લોકમેળામાં કોઈ દુર્ઘટના થઈ નથી. નાના-નાના અકસ્માતો કે ઈજા થવાના કિસ્સા કોઈ-કોઈ વર્ષે થાય છે પણ તેમ છતાં જામનગરનો લોકમેળો મનપા તેમજ અન્ય તંત્રની શંકાસ્પદરીતે ભ્રષ્ટ કામગીરીના કારણે વિવાદાસ્પદ જ બને છે. જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લામાંથી પણ લોકો મોટી સંખ્યામાં જામનગરના લોકમેળામાં આનંદ માણવા આવે છે અને મેળામાં પાર્કિંગ, અસ્વચ્છતા, ભાવ વધારો, ગીચતા સહિતની તમામ અવ્યવસ્થાને કોરાણે મૂકી સ્વયંશિસ્તથી મેળાનો ભરપૂર આનંદ માણે છે. મેળા માણવા આવતા લોકોને સૂચારૂ અને સુરક્ષિત વ્યવસ્થા, નિયમોની કડક અમલવારી સાથેની સુવિધા મળે તે માટે સંબંધિત વિભાગોએ તકેદારી રાખવાની જરૂર છે... તેમાંય જરૂરી પ્રમાણપત્રો, એનઓસી વગેરેમાં લેશમાત્ર છૂટછાટ આપવામાં ન આવે તે જોવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial