Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વીઆઈપી કલ્ચર અને ઘમંડ, લોલંલોલ અને લાલિયાવાડી, ફૂંકાઈ રહ્યો છે પતનનો પવન?

એવા અહેવાલો છે કે ગુજરાત હાઈકોર્ટે વીઆઈપી કલ્ચર સામે લાલઆંખ કરી છે અને નિયમ વિરૂદ્ધ જઈને વાહનો પર લાલલાઈટ લગાવતા ઉચ્ચ અધિકારીઓને સબક શીખવ્યો છે. અદાલતે તત્કાળ લાલ લાઈટો હટાવવાનો આદેશ કર્યો છે, તેવા અહેવાલોએ ફરી એક વખત વીઆઈપી કલ્ચરની ચર્ચા જગાવી દીધી છે, તો બીજી તરફ સરકારે ફરજ પર લાંબા સમયથી હાજર નહીં રહેલા સવાસોથી વધુ શિક્ષકોને ઘરભેગા કરી દીધા હોવાનો મુદ્દો પણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એવા અહેવાલો છે કે રાજ્યભરમાં સર્વે કરાયા પછી મળેલી તાજી માહિતી મુજબ સતત ગેરહાજર જણાયેલા ૧૩૪ શિક્ષકોને સરકારે બરતરફ કરી દીધા છે, જો કે મોડે મોડે જાગેલી સરકારની ટીકા પણ થઈ રહી છે.

હકીકતે માત્ર શિક્ષણ વિભાગ જ નહીં, પરંતુ બીજા અનેક વિભાગોમાં આ જ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય છે, તેમાં પણ જેમાં વધુ ક્ષેત્રિય કામગીરી (ફિલ્ડવર્ક) રહેતું હોય, તેવા ઘણાં વિભાગોમાં તો ઘણી બધી ગરબડો થતી હોવાની વાસ્તવિક્તાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અજાણ્યા નહીં જ હોય, પરંતુ 'તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ'ની નીતિ અપનાવાઈ રહી હોય તેમ જણાય છે.

ગુજરાત જ નહીં, દેશભરમાં સરકારી નોકરીઓમાં આ પ્રકારના એડજેસ્ટમેન્ટ ઠેર-ઠેર થતા જ હશે. 'નકલી'નો જમાનો છે. નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી ઓફિસરો અને નકલી એજન્સીઓ પછી હવે નાણાકીય ક્ષેત્રે પણ 'નકલીઓ'ની ઘૂસણખોરી વધી રહી છે. દુનિયામાં કેટલાક વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ પણ 'નકલી' હોઈ શકે છે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના બે-ત્રણ ડુપ્લીકેટ તેમણે પોતે જ પોતાની સુરક્ષા માટે રાખ્યા હોવાની વાતો ઘણી વખત થતી રહે છે. આવું જ વિશ્વના અન્ય કેટલાક દેશોના વડાઓ પણ કરતા હશે, પરંતુ તેવું છેતરપિંડી માટે નહીં, પણ સુરક્ષા માટે થતું હોવાથી ક્ષમ્ય છે!

સરકારી તંત્રોમાં પણ 'પ્રોક્સી'ના કર્મચારીઓથી કામ ચલાવવાના કારસા રચાતા હોય છે અને આ પ્રકારના કૌભાંડોમાં ઉચ્ચકક્ષા સુધીની ગોઠવણો થતી હોય છે. શિક્ષકોની જેમ જ ઘણાં અન્ય કર્મચારીઓ પણ લાંબા સમયથી રજા વગર ગેરહાજર હશે, કે વિદેશોમાં ફરતા કે રહેતા હશે, જેની ઊંડી તપાસ કરવી જરૂરી છે. એટલું જ નહીં, બાયોમેટ્રિક હાજરી પુરવા જેવા અદ્યતન ઉપાયો કોઈને ગમે કે ન ગમે, તો પણ કરવા જ જોઈએ. અન્યથા હવે આખેઆખા તંત્રો જ 'ભૂતિયા' થઈ જશે, તેવી આશંકા અસ્થાને નથી.

ગુજરાત સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કેટલી સ્થાવર મિલકત છે, તેની માહિતી કદાચ દર વર્ષે નિયત કરેલા ફોર્મેટમાં માંગે છે, પરંતુ તેની ખરાઈ કરવાની કદાચ કોઈ વ્યવસ્થા પણ નથી અને તંત્રોને ફૂરસદ પણ નથી. એમ પણ કહી શકાય કે 'હમામ મેં સબ નંગે હૈ'ની જેમ આ પ્રકારની કડક જોગવાઈઓનો રેલો ક્યાંક પોતાના જ પગની નીચે ન આવી જાય, તે માટે અમલીકરણ કરતા તંત્રો અને અધિકારીઓ આ પ્રક્રિયાને પરિણામલક્ષી કે પારદર્શક બનાવવાનું ઈચ્છતા નહી હોય, ખરૃં ને?

જો રાજ્ય સરકાર પોતાના તાબા હેઠળના તમામ સંવર્ગના કર્મચારીઓ તથા તેના સગા-સંબંધીઓના નામે હકીકતે કેટલી સ્થાવર અને જંગમ મિલકતો છે, તથા કેટલા વાહનો, શેરબજાર કે બચત ફંડોમાં રોકાણો છે અને જીવનધોરણ કેટલું ખર્ચાળ છે, તેની તપાસ એસીબી કે સીબીઆઈ જેવી એજન્સીઓ તથા તેના જેવું કામ કરતી અન્ય એજન્સીઓ પાસે બેવડા દોરે કરાવે, તો સંખ્યાબંધ અધિકારી-કર્મચારીઓ એવા નીકળે જેની આવક કરતા મિલકતો અનેકગણી વધુ હોય, જો કે ખેતી કે અન્ય ધંધા-રોજગારની પારિવારિક આવક વધુ હોય, તેવા કેટલાક કિસ્સા પણ નીકળે, પરંતુ 'સંખ્યાબંધ' એવા કિસ્સા મળી આવે, જેની જંગી આવક ક્યાંથી આવી તેની તપાસ કરવી જરૂરી જણાતી હોય!

અત્યારે તો એવો યુગ છે કે સરકારી નોકરી કરતા હોય કે તાજેતરમાં નોકરી મળી હોય તેવી વ્યક્તિઓને લોકો મોટાભાગે એવો પ્રશ્ન પૂછતા સંભળાય કે 'પગાર ઉપરાંત બીજું શું મળે?' મતલબ કે ઉપરની આવક, (ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કરીને) ટેબલ નીચેથી કેટલી કમાણી થાય?

આપણે ભ્રષ્ટાચારીઓ ગમતા નથી, પરંતુ આપણી વાત આવે ત્યારે ભ્રષ્ટાચાર કરતા, કરાવતા, લાંચ દેતા કે ગરબડ-ગોબાચારી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવાનું પણ સ્વીકારી જ લઈએ છીએ ને? સાચું કે' જો...

જો જનતા જાગૃત હોય તો ગામેગામ ચાલતી લાલિયાવાડીઓ જરૂર બંધ થઈ જાય, પરંતુ 'આપણે શું?' અને 'આપણને ક્યાં નડે છે?' જેવી નેગેટીવ ફિલોસોફી જ લોલંલોલને પ્રોત્સાહિત કરે છે, તે પણ નક્કર હકીકત જ છે ને?

સ્વમાનથી જીવવું, ગૌરવભેર વર્તવું અને ગરિમામય પ્રવૃત્તિઓ કરવી એ આવકારદાયક ગણાય, પરંતુ તેમાં ઘમંડ રાખવો, 'વીઆઈપી' માનસિક્તા રાખવી અને 'વટ' પાડી દેવાની મનોવૃત્તિ સાથે સિન-સપાટા કરવા, તે યોગ્ય નથી.

ગમે તેટલા મોટા નેતા, અધિકારી કે પદાધિકારી હોઈએ, પરંતુ જો વીઆઈપી કલ્ચરથી પીડાતા હોઈએ, ઘમંડને સદ્ગુણ માનતા હોઈએ કે જમીન છોડીને આકાશમાં ઊડ્યા પછી જમીન સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી જાય તેવી હરકતો કરતા કોઈએ ત્યારે ૫તનનો પવન ઝડપથી ફૂંકાવા લાગે છે, અને તેના દૃષ્ટાંતો પણ આપણી નજર સામે જ હોય છે, ખરૃં કે નહીં? સિસ્ટમ અને આપણી નિયત સુધરશે તો જ કલ્ચર સુધરશે, અન્યથા ભેંસ પાસે ભાગવત વાંચવા જેવું પરિણામ આવશે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial