Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશભરમાં ડોક્ટર પ્રોટેક્શન એક્ટ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અનિવાર્ય

પ. બંગાળની આર જી કર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઘૂસી ગયા અને તોડફોડ કરી. એટલું જ નહીં, પ્રોટેસ્ટ કરી રહેલા તબીબોને માર્યા અને નર્સોને પણ ભાગવું પડ્યું કે સંતાઈ જવું પડ્યું, તે ઘટનાના દેશવ્યાપી પડઘા પડ્યા છે, અને સીબીઆઈને પ. બંગાળની આ જ હોસ્પિટલમાં એક મહિલા તબીબ પર દુષ્કર્મ કરીને હત્યા કરવાના આરોપોની તપાસ કોલકાતા હાઈકોર્ટે આપ્યા પછી અપરાધીઓ અને તેને છાવરવા માંગતા મોટા માથાઓએ જ આ હોસ્પિટલમાં તોડફોડ અને તબીબી કર્મચારીઓ તથા તબીબો પર હુમલો કરવા મોકલ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો મમતા બેનર્જીએ જુદો જ આક્ષેપ કર્યો છે.

પ. બંગાળની પોલીસે હોસ્પિટલમાં તોડફોડ કરનાર ડઝનેક લોકોને પકડીને સ્થાનિક કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે, તો પીડિતાનો પરિવાર, પ્રદર્શનકારી તબીબો તથા તેના એસોસિએશનો પોલીસ પર ઢીલી અને પક્ષપાતી કાર્યવાહીના આરોપો લગાવી રહી છે. બીજી તરફ હોસ્પિટલ પર હુમલાના દોષનો ટોપલો પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાબેરીઓ તથા ભાજપ પર ઓઢાળ્યો છે, અને તેણીએ કરેલું નિવેદન પણ વિવાદાસ્પદ બન્યું છે, જેમાં તેણીએ કહ્યું કે આ હુમલા પાછળ 'વામ અને રામ' જવાબદાર છે. ડાબેરીઓએ મમતા બેનર્જી પર વળતો શાબ્દિક હુમલો કર્યો, અને ભાજપે તો મમતા બેનર્જીના રાજીનામાની જ માંગણી કરી લીધી, પરંતુ પ. બંગાળની કોંગ્રેસે પણ હવે તૃણમુલ કોંગ્રેસની સરકારની ટીકા કરવાનું શરૂ કર્યું છે, જ્યારે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના આક્ષેપો સાથે આ ઘટનામાં 'રામ'ને ઢસડવાની શું જરૂર હતી, તેવા પણ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.

આઈએમએ એટલે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આવતીકાલે સમગ્ર દેશમાં હડતાલનું એલાન કર્યું હોવાથી તા. ૧૭ મી ઓગસ્ટે સવારે ૬ વાગ્યાથી ૧૮ મી ઓગસ્ટ સવારે ૬ વાગ્યા સુધી દેશભરમાં તબીબી સેવાઓ ખોરવાઈ જશે, અને તેમાં આ રાષ્ટ્રીય એસો.ના તમામ સંગઠનો જોડાનાર હોવાથી આવતીકાલે દેશભરમાં તબીબી સેવાઓ ઠપ્પ થઈ શકે છે, અને આજે કોઈ નક્કર એલાન નહીં થાય તો આવતીકાલે ૧૭ મી ઓગસ્ટે દેશમાં કલ્પના નહીં કરી હોય, તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેની અસરો દર્દીઓ તથા તેના પરિવારો પર પણ થવાની  છે. બીજી તરફ આજે પણ આયુષ ડોક્ટરો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. જ્યારે જામનગર સહિતના જિલ્લાઓમાં જુનિયર, ઈન્ટર્નશીપ કરતા રેસિડેન્ટ ડોકટરો આજે હડતાલ પાડી છે.

ફોરડા પછી હવે આઈએમએ દ્વારા પણ હડતાલનું એલાન થયા પછી મમતા સરકાર પર ભીંસ વધી છે, તો આઈએમએ દ્વારા સેન્ટ્રલ ડોક્ટર્સ પ્રોટેક્શન એક્ટ પ. બંગાળમાં લાગુ કરવા તથા દવાખાના-હોસ્પિટલોને સેઈફ ઝોન જાહેર કરીને ત્યાં વિશેષ પરમેનેન્ટ બંદોબસ્ત ગોઠવવાની માંગણી કરી હોવાથી હવે કેન્દ્ર સરકાર સીધો હસ્તક્ષેપ કરશે, તેવી સંભાવનાઓ પણ વધી ગઈ છે.

મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને આત્મહત્યા ગણાવીને છાવરવાના પ્રયાસો પછી વિરોધ-પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોએ સ્થાનિક પોલીસ પર વિશ્વાસ નહીં હોવાથી સીબીઆઈ તપાસની માંગણી કરી હતી, જે ત્યાંની રાજ્ય સરકારે તત્કાળ નહીં સ્વીકારીને પોલીસને અઠવાડિયાનું એલ્ટિમેટમ આપ્યું, તે પછી કોલકાતા હાઈકોર્ટે કડક આદેશ કરતા સીબીઆઈને તુરત તપાસ સોંપાઈ, પરંતુ તે પછી તરત જ હોસ્પિટલ પર હુમલો કરીને કોમ્પ્યુટર્સ, સીસી ટીવી કેમેરા સહિતના સાધનોની તોડફોડ એક ટોળાએ કર્યા પછી પુરાવાનો નાશ કરવાનો આ પ્રયાસ હોવાની શંકા વધુ દૃઢ બની છે અને માંડ માંડ શાંત થયેલા સ્થાનિક આંદોલનકારી, તબીબોને ક્રમશઃ રાજ્ય અને સુરક્ષાના તબીબોનું સમર્થન દેશભરના તબીબોનું સમર્થન પ્રાપ્ત થયું છે, અને ફરી વધુ ઉગ્ર લડતના દેશવ્યાપી મંડાણ થયા છે.

એક તરફ હોસ્પિટલ પર હુમલાના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ રેપ-મર્ડરના મૂળ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, ત્યારે આઈએમએ દ્વારા દેશવ્યાપી હડતાલના એલાનની મુખ્ય માંગણીઓ પ્રત્યે પશ્ચિમ બંગાળની સરકાર આજે કેવું વલણ અપનાવે છે, અને કેન્દ્ર સરકાર સીધો હસ્તક્ષેપ કરે છે કે નહીં, તેના પર આવતીકાલની હડતાલનો આધાર રહેવાનો છે.

કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા જ લોકસભામાં 'પ્રિવેન્સન ઓફ વાયોલન્સ અગેઈન્સ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ એન્ડ ક્લિનિકલ એસ્ટામેન્ટ્સ બિલ-ર૦રર' રજૂ કર્યું હતું, જેને 'સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક્ટને તત્કાળ પ. બંગાળમાં લાગુ કરવાની ડોક્ટરો તથા હેલ્થસ્ટાફ-નર્સીંગ સ્ટાફની માંગણી છે.

જો કે એ બિલ કોઈ કારણે અધવચ્ચે લટકી ગયું હોવાથી જ પ. બંગાળની વર્તમાન ઘટના પછી ઈન્ડિયન મેડિકલ એસો.ને આ બિલ તત્કાળ લાગુ કરવાની માંગણી ઊઠાવતા હવે કેન્દ્ર સરકાર આ મુદ્દે કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.

એવું કહેવાય છે કે કોરોનાકાળમાં મહામારી રોગ (સંશોધન) વટહુકમ-ર૦ર૦ માં આ બિલના મહત્તમ મુદ્દા સામેલ હોવાથી નવું વર્ષ ર૦રર નું બિલ અધવચ્ચે અટકી ગયું હતું.

મહામારી રોગ (સંશોધન) એટલે કે 'ધ એપિડેમિક ડિસીઝ (એમેડમેન્ટ) ઓર્ડિનન્સ-ર૦ર૦' નું સ્થાન તે પછી સંસદના બન્ને ગૃહોમાંથી પાસ થઈને અમલી બનેલા સુધારેલા કાયદાએ લીધું હતું, જેના હેઠળ તબીબોને રક્ષણ પ્રાપ્ત હોવાનો દાવો કરાયો હતો. તે પછી સરકારે વર્ષ ર૦રર નું બિલ અટકાવી દીધું હતું.

જો કે, હવે આઈએમએ દ્વારા અલગથી ડોક્ટર પ્રોટેક્શન એક્ટની માંગણી કરી હોવાથી આ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારો પણ આજે કોઈને કોઈ આશ્વાસન આપે, કે જાહેરાત કરે, તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

જામનગર સહિત દેશમાં ઘણાં સ્થળે એડવોકેટોની હત્યાઓ થયા પછી ડોક્ટરોની જેમ જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી દેશભરના વકીલો પણ કરી રહ્યા છે, અને આ મુદ્દો પણ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, જો કે આ અંગેનો મુસદે ઘડીને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કેન્દ્રના કાયદા મંત્રાલયને કદાચ ગયા વર્ષે જ સુપ્રત કરી દીધો હતો, અને કેન્દ્ર સરકારે તે અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની ખાત્રી પણ આપી હતી, તેથી ડોક્ટરો તથા વકીલો માટેના આ બન્ને કાયદાઓ સંસદ દ્વારા એવી રીતે લાગુ કરાય, કે તેનો અમલ રાજ્ય સરકારોએ પણ ફરજિયાત કરવો પડે, તે પ્રકારની માંગ પણ ઊઠી રહી છે, કારણ કે પ. બંગાળ સહિતની કેટલીક રાજ્ય સરકારો કેટલીક કેન્દ્રની યોજનાઓ તો લાગુ કરતી નથી, પરંતુ દેશના કાયદાઓના અમલ માટે પણ ઢીલાઢોળ કરતી હોવાથી આ પ્રકારની માંગણીઓ ઊઠી રહી હશે, તેમ કાનૂની નિષ્ણાતો માને છે. હવે નેશનલ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને ડોક્ટર્સ (હેલ્થસ્ટાફ) પ્રોટેક્શન એક્ટ્સનો દેશના ખૂણે ખૂણે અમલ કરવાના મુદ્દે કેન્દ્ર-રાજ્યોનું વલણ કેવું રહે છે, તે જોવું રહ્યું!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial