Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હર્ષદમાં વર્ષો પહેલા વાવેલો વિચાર બન્યો વટવૃક્ષઃ હરસિદ્ધિ વન-માતૃવનનું સપનું સાકાર

હાલના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતાં તે સમયની સ્મૃતિઓ તાજી થઈઃ

જામનગરના ફોટોગ્રાફરો હંમેશાં ઈનોવેટિવ અને એક્ટિવ રહે છે, અને કેટલાક ફોટોગ્રાફરોની તસ્વીરો તો એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે, અને કેટલીક તસ્વીરોને વ્યાપક ખ્યાતિ પણ મળતી હોય છે.

હવે પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ ક્લબે જામનગર શહેર તથા જિલ્લાના તમામ ફોટોગ્રાફરો માટે 'વેડીંગ સેરમની' થીમ પર એક ઈનામી ફોટોગ્રાફી સ્પર્ધા યોજી છે, તે પ્રકારની અખબારી યાદી પ્રસિદ્ધ થઈ હતી. જેમાં નિયત કરેલા માપદંડો-શરતો મુજબ તા. ૧૯ ઓગસ્ટ સુધીમાં ઈ-મેઈલ દ્વારા મંગાવાઈ છે.

આ અખબારી યાદી વાચ્યા પછી એક એવી ફોટોગ્રાફી સ્પર્ધાની સ્મૃતિ તાજી થઈ ગઈ, જેનું આયોજન સરકારી ધોરણે થયું હતું અને તેની પ્રદર્શની પણ યાદગાર બની ગઈ હતી. તે સમયે હું માહિતી ખાતામાં ફરજો બજાવતો હતો.

અંદાજે સાડાઅઢાર વર્ષ થયા હશે, જ્યારે જામનગરમાં પ્રેસ-ફોટોગ્રાફરોની એક સ્પર્ધા રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા યોજાઈ હતી, અને તેના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા હતાં. એટલું જ નહીં, આ તસ્વીરકારોએ જે અદ્ભુત ફોટોગ્રાફી કરી હતી, તેનું પ્રદર્શન પણ ગાંધવી પાસે આવેલા હર્ષદ તરીકે ઓળખાતા યાત્રાધામોમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે યોજવામાં આવ્યું હતું. તે સમયે આ યાત્રાધામમાં એક ગ્રામહાટ પણ શરૂ થયું હતું.

સપનાંના વાવેતર

તે વખતે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા સંચાલિત જિલ્લા માહિતી કચેરીના ઉપક્રમે આ તસ્વીર પ્રદર્શન રજૂ થયું ત્યારે હું તેમાં સહભાગી બન્યો હતો અને તે સમયના ડીડીઆઈ (નાયબ માહિતી નિયામક) ના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન પ્રસ્તુત થયું હતું, જેમાં અમે બન્ને સરકારી કાર્યક્રમોના કવરેજની સાથે સાથે આ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ તસ્વીરપ્રદર્શનમાં માત્ર અગ્રીમ કે પ્રથમ ત્રણ વિજેતાઓના જ નહીં, પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધક તસ્વીરકારોની તસ્વીરો પ્રદર્શિત કરી હતી.

આ તસ્વીર પ્રદર્શનની સ્મૃતિ તાજી એટલા માટે થઈ ગઈ, કે તે સમયે સેવેલું સપનું હવે સકાર થયું છે. સપનાંના વાવેતર ફૂટ્યા છે, અને સમયે વાવેલા સપનાંનું નાનું બીજ હવે વટવૃક્ષ બન્યું છે.

તે સમયે માહિતી ખાતામાં ફીડબેક ચેનલ મારફત રાજ્ય સરકારને કેટલાક સૂચનો મોકલ્યા હતાં અને પ્રવાસન વિકાસના સંદર્ભે હર્ષદ યાત્રાધામના વિકાસ માટેની કેટલીક રૂપરેખા પણ લોક-પ્રતિભાવો તથા મારા દ્વારકા-કલ્યાણપુર-ખંભાળિયાના જ્યુરિડિક્શન સમયે પ્રત્યક્ષ રીતે સુઝેલા વિચારોનો રિપોર્ટ પણ આ ચેનલ મારફત સરકારશ્રીમાં મોકલ્યો હતો, તે પછી જામનગર જિલ્લા કચેરીની મારી દોઢેક વર્ષની સેવાઓ દરમિયાન પણ હાલારમાં પ્રવાસન વિકાસની સંભાવનાઓના વખતોવખત ફીડબેક રિપોર્ટ મોકલ્યા હતાં, જેમાં રજૂ કરેલા સૂચનોમાંથી મહત્તમનો દાયકાઓ પછી પણ થોડા બદલાયેલા કે અપડેટ થયેલા સ્વરૂપે અમલ થઈ રહેલો જોઈને સ્વાભાવિક રીતે જ આનંદ થાય ને?

તત્કાલિન મુખ્યમંત્રીના હસ્તે

ત્રિવિધ ઉદ્ઘાટનો

તે સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં અને તેઓના હસ્તે યાત્રાધામ હર્ષદમાં ત્રિવિધ ઉદ્ઘાટનો થયા હતાં અને તે પછી તેઓએ માહિતી ખાતા દ્વારા આયોજીત તસ્વીર પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ઊંડો રસ લઈને ઉપસ્થિત ફોટોગ્રાફર મિત્રો તથા તસ્વીરકારો સાથે તદ્વિષયક વાતચીત પણ કરી હતી અને તે સમયે તેઓને સત્કારવાનું અમે બન્ને અધિકારીઓને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જેની સ્મૃતિ અત્રે પ્રસ્તુત કરેલી તસ્વીરમાં તાજી થાય છે. તે સમયે હરસિદ્ધિ માતાજીના પાવન યાત્રાધામ હર્ષદના વિકાસ અંગે પણ તેઓએ પરામર્શ કર્યો હતો.

તે સમયે રાજ્યમાં પંચવટી યોજનાની બુનિયાદ પણ રખાઈ હતી અને યાત્રાસ્થળોમાં નાના નાના બાગબગીચા જેવી પંચવટી ઊભી કરીને ત્યાં પણ સ્થાનિકો તથા યાત્રિકોને વિસામો ખાવાની તક મળી રહે તેવું આયોજન થયું હતું. જે કોન્સેપ્ટ આજે 'હરસિદ્ધિ વન'માં પરિણમ્યો છે. આ પ્રકારની નાની પણ મહત્ત્વની રમણિય ત્રિવેણીસંગમ સમી સુવિધા ઊભી કરવામાં આવી હતી. તે સમયે પણ મૂળુભાઈ બેરા ગુજરાતના મંત્રીમંડળમાં સામેલ હતાં, અને આજે પણ મૂળુભાઈ બેરા ગુજરાતના મંત્રીમંડળમાં સામેલ છે, અને હાલના સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હરસિદ્ધિ વનના થયેલા લોકાર્પણમાં સામેલ હતાં.

આમ, લગભગ બે દાયકા પહેલા અહીં જે બીજ વવાયું હતું, તે વટવૃક્ષ બન્યું છે અને નાની યોજનામાંથી વિરાટ હરસિદ્ધિવન પ્રાપ્ત થયું છે, તેમ કહી શકાય. તે સમયની મૂળ પંચવટી યોજનાનું સ્થાન હરસિદ્ધિવન, માતૃવન વગેરેએ લઈ લીધું છે, તેમ પણ કહી શકાય. ખરૃં ને?

કોઈપણ સરકારી યોજના હોય, તેમાં સિક્કાની બે બાજુ તો રહેતી જ હોય છે અને ઘણી વખત બદલતા સમય સાથે કેટલાક આમુલ ફેરફારો પણ થતા રહેતા હોય છે, પરંતુ એકંદરે એ વાતનો સંતોષ (જોબ સેટિકસ્ફેક્શન) તો થાય જ છે કે તે સમયે જે કલ્પનાઓ કરી હતી, તે ભલે ઘણાં વર્ષો પછી પણ સાકાર થવા જઈ જ રહી છે, અને તેમાં પબ્લિક પાર્ટિસિપેન્ટ, પોલિટિકલ વિલ અને પ્રો-પિલગ્રીમ્સ અભિગમનો ત્રિવેણીસંગમ રચાયો છે.

સરકારી યોજનાઓનું અપગ્રેડેશન

સરકારી યોજનાઓ જ્યારે શરૂ થાય, ત્યારે તેનો કોઈને કોઈ ને કોઈ મૂળભૂત ઉદ્દેશ્ય હોય છે અને જરૂરિયાત મુજબ અનુભવે તેમાં સુધારા અને વધારા થતા જ રહેતા હોય છે. બે દાયકા પહેલાની એક યોજના હેઠળ વવાયેલો વિચાર અત્યારે વર્ષો પછી વિરાટ કોન્સેપ્ટ હેઠળ વિવિધ રમણીય વનોના સ્વરૂપમાં વટવૃક્ષ બન્યો છે. સરકારી યોજનાઓમાં અપગ્રેટેશન થાય, સ્થળ, સ્વરૂપ અને ઉદ્દેશ્યોમાં સુધાર કે વધારા થાય, ફેરફાર થાય કે બદલાવ આવે, તેને જ કદાચ વે ઓફ એક્ચ્યુલ ડેવલપમેન્ટ કહી શકાય, ખરૂ કે નહીં?

જો કે, સરકારી યોજનાઓને ઘણી વખત ભ્રષ્ટાચાર, લાપરવાહી અને યોગ્ય મેનેજમેન્ટનો અભાવ લૂણો લગાડતો હોવાથી ઘણી યોજનાઓ પૂરેપૂરી સફળ થતી હોતી નથી, તે પણ 'ઓપન' સિક્રેટ જ છે ને?

વૃક્ષોની વસતિ વધારો

દેશમાં જ્યારે વૃક્ષારોપણ અને ઉછેરને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાતા હોય, ત્યારે તે સરકારી હોય કે બિનસરકારી હોય, તેને પ્રોત્સાહન આપવું જ જોઈએ. ખંભાળિયામાં આવી જ એક ઝુંબેશ વેગ પકડી રહી છે અને ખંભાળિયાને હરિયાળુ બનાવવાના અભિગમ સાથે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેને અનુસરીને ગામેગામ, શહેરોના ગલી-મહોલ્લા સુધી આ પ્રકારની જ ઝુંબેશો ચાલે અને માનવીની વસતિ મર્યાદિત રહે તથા વૃક્ષોની સંખ્યા અનેક ગણી વધે, તો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે તેમ નથી લાગતું?

હરસિદ્ધિવન અને માતૃવન

મખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં હરસિદ્ધિવનનું લોકાર્પણ કર્યું અને માતૃવન માટે વૃક્ષારોપણ કર્યું, તે યાત્રાધામ હર્ષદ માટે ખૂબ જ ફળદાયી અને બહુહેતુક પૂરવાર થવાનું છે. અહીં પ્રવાસીઓની સંખ્યા વધશે અને માતાજીના દર્શને આવતા યાત્રિકો સહિત નેચરલવર એટલે કે પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને આહ્લાદક વાતાવરણમાં ટહેલવાની ઉત્તમ તક મળે તેમ હોવાથી પૂરક વ્યવસાયો, ધંધા-રોજગાર પણ વધશે, તેમ જણાય છે.

માતૃવનમાં ઘણાં લોકો પોતપોતાના માતૃ-પિતૃ-વડીલોની સ્મૃતિમાં ભાવનાત્મક રીતે અહીં વધુમાં વધુ વૃક્ષો ઉછેરશે અને અહીં જેટલા વૃક્ષો ઉછરશે, તેટલા પ્રમાણમાં ક્ષારો આગળ વધતા અટકશે.

બહુહેતુક ફાયદાઓ

હર્ષદમાં દરિયાકાંઠે જે ગેરકાયદે દબાણો થઈ હ્યા હતાં, અને હટાવાયા હતાં, તે હવે ફરીથી પગપેસારો નહીં કરી શકે. એટલું જ નહીં, રાષ્ટ્રીય સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, પર્યાવરણીય સુરક્ષા તથા પ્રવાસની વિકાસની દૃષ્ટિએ આ વનો ઘણાં જ ઉપયોગી પૂરવાર થવાના છે.

આ મુદ્દે મારી યાત્રાધામ દ્વારકા અને જામનગરમાં મળીને દોઢેક દાયકાની ફરજો દરમિયાન જે લખાપટી કરી, સ્થાનિક નેતાઓ, કાર્યકરો, અગ્રગણ્યો, સમાજના શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદે, પ્રોફેસરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઈતિહાસ વિદે, પત્રકારમિત્રો, દેશ-વિદેશથી દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામ્ય-શહેરી વિસ્તારોના લોકો સાથે સતત થતી રહેતી ચર્ચાઓ, ગ્રુપ ડિસ્કશનો, પરામર્શ અને સૂચનો-અભિપ્રાયોના નિચોડ સ્વરૂપે વર્ષો સુધી જે ફીડબેક મોકલ્યા, તેને સ્વરૂપ ઘણાં પ્રોજેક્ટોનો અમલ થઈ રહેલો જોઈને અંતરમન થનગની ઊઠે, તેવો આનંદ થાય છે.

જનસહયોગની ફલશ્રૂતિ

સરકારો, પ્રશાસકો, તંત્રો, સંસ્થાઓ અને સ્થળ સંચાલકોના સુદૃઢ સંકલનની સાથે સાથે જો જનસહયોગ પૂરેપૂરો હોય તો જ સુખ-સુવિધાઓના મેગા પ્રોજેક્ટો સફળ બની શકે. સરકારે જનસહયોગથી હર્ષદ સહિતના યાત્રાધામોમાં જે વિકાસના કામો કર્યા હોય, પ્રવાસીઓ મોની સુવિધાઓ વિકસાવી હોય કે તેની પૂરક વ્યવસ્થાઓ ઊભી કરી હોય, તેમાં સાતત્ય જળવાઈ રહે, વિવેક, વિનય અને વિશ્વાસનો પ્રવાસીઓને અહેસાસ થાય તેવો માહોલ બને તથા લેભાગુ કે ક્રિમિનલ માનસિક્તા ધરાવતા પરિબળો પનપે નહીં તેવી વ્યવસ્થાઓ કરવામાં સૌ કોઈનો સહિયારો સહયોગ અત્યંત જરૂરી છે, ટૂંકમાં રિટેઈલ નહીં, જથ્થાબંધ જનસહયોગ હોય તો જ આ પ્રકારની સુવિધાઓની ફલશ્રૂતિ ઉત્તમ નિવડતી હોય છે.

સરકારની જવાબદારી વધુ

હરસિદ્ધિવનમાં હજારો રોપાઓ વાવ્યા હોય કે માતૃવનમાં સેંકડો વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવાયો હોય, તેમાં રાજ્ય સરકારની જવાબદારી સૌથી વધુ રહેવાની છે. રાજ્ય સરકાર એટલે માત્ર મુખ્યમંત્રી, મંત્રીઓ, સચિવો કે જિલ્લાના હોદ્દેદારો જ નહીં, પરંતુ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ટોપ-ટુ-બોટમ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જેને ઈજારાઓ અપાયા હોય તે કોન્ટ્રાક્ટરોનો પણ 'સરકાર'માં (આ હેતુ માટે) સમાવેશ થઈ જાય છે. સૌથી વધુ જવાબદારી ભલે સરકારની હોય, પરંતુ આ વનોની દેખભાળ, જતન, સુરક્ષા, સાર-સંભાળ કે રખલું- જે કહો તે પરંતુ આ જવાબદારી નિભાવીને પોતાના તથા પોતાની ભાવિ પેઢીના હિતો જાળવી રાખવા લોકલ પોપ્યુલેશન એટલે કે ત્યાંના સ્થાનિક રહીશોની પણ નૈતિક તથા ભાવનાત્મક જવાબદારી એટલી જ રહે છે, ખરૃં કે નહીં?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial