રક્ષાબંધનના પર્વથી જ તહેવારોની જાણે વણઝાર શરૃ થઈ ગઈ છે, અને હવે તો શ્રાવણિયા મેળાઓની રંગત જામવાની છે. જન્માષ્ટમીના પર્વે વિવિધ તહેવારોની શ્રેણીબદ્ધ ઉજવણી થનાર હોવાથી દ્વારકા, બેટદ્વારકા, ગોકુલ-મથુરા, બરસાના ભાલકાતીર્થ, વિસાવાડા, ડાકોર, શામળાજી, શ્રીનાથદ્વારા, માધવપુર (ઘેડ), પોરબંદર (સુદામાપુરી), કુરુક્ષેત્ર, દિલ્હી (હસ્તીનાપુર), તિરૃપતિ બાલાજી, જગન્નાથપુરી સહિતના ભગવાન શ્રીકૃષ્ણ તથા વિષ્ણુ સાથે સંકળાયેલા દેશભરના સંખ્યાબંધ યાત્રાધામો-પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોમાં રંગભરી રોનક આવવાની છે. બીજી તરફ હરિયાણા વિધાનસભાની ચૂંટણી કુરુક્ષેત્ર અને મહારાષ્ટ્રની ચૂંટણી પણ જાણે મહાભારતની યાદ તાજી કરાવે, તેવી ચહલપહલ વધી રહી છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓ પછી ઝારખંડ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, ત્યારે રાજકીય પક્ષો પણ રાજકીય રંગે વધુ રંગાવા લાગ્યા છે અને વિવિધ મુદ્દાઓ તથા ઘટનાક્રમોને સાંકળીને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ભાજપ-એનડીએને ઘેરી રહ્યા છે, તો બીજી તરફ એનડીએમાં પણ વિખવાદ વધી રહ્યો છે, તેથી લોકોમાં એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે આ સંઘ કાશીએ પહોંચશે ખરો? મોદી સરકાર કેટલી ટકશે? વિવિધ મુદ્દે એનડીએમાં જ વિરોધાભાસી વલણો તથા ભાજપના સાથીદારોના નિવેદનો જોતા એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે દિવાળી સુધીમાં કાંઈક નવાજુની થવાની છે? હરિયાણા-મહારાષ્ટ્રની વિધાનસભાઓની ચૂંટણીઓ પછી મોટી રાજકીય ઉથલપાથલ કે નવાજુની થવાની સંભાવના વધુ દૃઢ બની રહી છે?
મહારાષ્ટ્રમાં એનસીપી (અજીત પવાર) અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી અને હવે એલજીપી (ચીરાગ) ના નેતાઓના નિવેદનો પછી એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે, આવી રીતે પ્રાદેશિક કક્ષાએ થતી ફાટફૂટની સીધી અસર કેન્દ્રની એનડીએ સરકાર પર થયા વગર રહેશે ખરી? ક્યાં સુધી ટકશે સરકાર?
કોંગી નેતા અને લોકસભામાં એલઓપી રાહુલ ગાંધીએ સરકારી કર્મચારીઓની ભરતીનો મુદ્દો ઊઠાવ્યો છે, અને લેટરલ એન્ટ્રી દ્વારા થતી અધિકારીઓની નિમણૂકોને બંધારણ વિરોધી ગણાવી છે. તેમણે આ કદમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું છે. રાહુલ ગાંધીને ઈન્ડિયા ગઠબંધનના ઘણાં નેતાઓનું સમર્થન છે અને હવે તો આ મુદ્દો કેન્દ્રની ભાજપ સરકાર માટે ગળાની ફાંસ જેવો બની રહેલો જણાય છે.
હવે તો આ મુદ્દે માત્ર ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ જ નહીં, પરંતુ શાસક ગઠબંધન એનડીએમાંથી પણ એવા સૂર ઊઠી રહ્યા છે, જેથી કેન્દ્રની ભાજપ સરકારની બુનિયાદ જ હલબલી શકે છે. જો આ મુદ્દો આગળ વધશે, તો રાજકીય સ્થિરતા પણ જોખમાઈ શકે છે, તેથી કદાચ ભાજપની હાઈકમાન્ડ પણ ચિંતિત હશે, ખરૃ ને?
કેન્દ્ર સરકારના જ મંત્રી અને એલ.જે.પી. નેતા ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે, અનામતની જોગવાઈ વિનાની કોઈપણ સરકારી નિમણૂકો ન જ થવી જોઈએ, અને તેમાં 'ઈફ એન્ડ બટ'ને કોઈ સ્થાન જ નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે તેની પાસે આ મુદ્દો ઊઠાવવા માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ છે, ત્યાં તેઓ આ મુદ્દો ઊઠાવશે, મતલબ કે ચિરાગભાઈ કેન્દ્રિય કેબિનેટમાં આ મુદ્દો ઊઠાવી શકે છે.
લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન) લેટરલ એન્ટ્રીથી નિમણૂકોના મુદ્દે કેન્દ્રને સમર્થન નથી, તેમ જણાવીને ચિરાગભાઈએ ચાલાકીપૂર્વક એવું પણ કહ્યું છે કે, તેઓ કેન્દ્રિય મંત્રીના સ્વરૃપમાં તો એનડીએ સરકારના યોગ્ય પ્લેટફોર્મની મર્યાદામાં જ રહીને રજૂઆત કરશે, પરંતુ તેની પાર્ટી આ મુદ્દે સરકારની તરફેણમાં નહીં રહે.
હકીકતે કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારના કેટલાક વિભાગોમાં લેટરલ એન્ટ્રીથી ૧૦ સંયુક્ત સચિવો અને ૩પ નાયબ સચિવો અને ડાયરેક્ટરોની લેટરલ પદ્ધતિથી કરાર આધારિત નિમણૂકો માટેની જાહેરાત પ્રસિદ્ધ કર્યા પછી રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરીને કહ્યું હતું કે, આમ મારીને સરકાર એસ.સી., એસ.ડી., પછાત વર્ગોનો અનામતનો હક્ક છીનવવા માંગે છે. ઊંચા હોદ્દાઓ પર 'એકસ્પર્ટસ'ની કરાર આધારિત નિમણૂકોની પરંપરા તદ્ન નવી નથી, પરંતુ પ્રવર્તમાન સરકાર દ્વારા આ પરંપરાને જ પ્રોસીઝર બનાવવાના પ્રયાસનો વિરોધ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ તો એવું પણ કહ્યું હોવાના અહેવાલો છે કે આ રીતે સરકાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના બદલે આર.એસ.એસ. દ્વારા ભરતી કરીને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સરકાર દેશની પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર આ રીતે તરાપ પણ મારી રહી છે, તેવા સામાજિક ન્યાયની વ્યવસ્થા પર હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આઈએએસનું ખાનગીકરણ કરીને અનામતને ખતમ કરવાની મોદીની ગેરંટી છે.
હવે આ કથિત જાહેરાતની જોગવાઈઓ કે તેની પ્રક્રિયાની ઊંડી તપાસ કર્યા વિના જ નિવેદનો કરવાની ટેવ પડી ગઈ હોવાના આક્ષેપ સાથે પ્રતિપ્રહારો પણ થઈ રહ્યા છે, જો કે મહારાષ્ટ્ર પછી હવે બિહારમાં પણ એનડીએના જ ઘટક પક્ષો પરસ્પર વિરોધાભાસી વલણો અપનાવે, તો 'મજબૂત' સરકારે 'મજબૂર' બનીને રાજીનામું આપવું પડી શકે છે. એવું થાય તો ફિલગૂડ ફેક્ટરની જેમ 'અચ્છે દિન'ની પણ ઘરવાપસી થઈ શકે છે, ખરૃ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial