Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શ્રાવણિયા મેળા, એડીઆરનો રિપોર્ટ અને કાળા જાદુ વિરોધી બિલ ચર્ચામાં... ક્યો મુદ્દો બન્યો છે ટોક ઓફ ધ ટાઉન?

ગુજરાત વિધાનસભાએ અંધશ્રદ્ધા કાળા જાદુ સામે ગઈકાલે જે બિલ પસાર કર્યું, તેની તથા એક એડીઆરના રિપોર્ટમાં દેશની વિધાનસભાઓ તથા સંસદમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા દોઢસોથી વધુ રાજનેતાઓ સામે મહિલા શોષણને સંબંધિત કેસો ચાલી રહ્યા હોવાની ચર્ચા તથા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડનો મેળો લોકચર્ચાના કેન્દ્રમાં છે. રાજકોટમાં પણ શ્રાવણિયા મેળાઓનો મુદ્દો ડખ્ખે ચડ્યો હતો. કેટલીક કમભાગી દુર્ઘટનાઓ પછી ફાયર સેફ્ટીના મુદ્દે અદાલતોએ લીધેલા આકરા વલણ પછી હવે તંત્રો પણ વધુ સતર્ક બન્યા છે અને સ્થાનિક નેતાગીરી પણ 'હવે' સકારાત્મક રસ લેતી જણાય છે. બીજી તરફ ગુજરાતના ડીજીપીએ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં સાઈબર ક્રાઈમ અને ડ્રગ્સનું દૂષણ મોટો પડકાર બન્યો છે, પરંતુ રાજ્યમાં દુષ્કર્મ અને છેડતી જેવા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં ડ્રગ્સનો વ્યાપ વધતો અટકાવવા કોઈ કાર્યયોજના બનાવી હોવાનું પણ બહાર આવ્યું હતું. માર્ગ અકસ્માતોના વિષયે આ કોન્ફરન્સમાં ચર્ચા થયા પછી સ્થાનિક તંત્રો સાથે સંકલન કરીને એક્સિડન્ટ સ્પોટ નક્કી કરવા અને ત્યાં સતર્કતાના ઘનિષ્ઠ પગલાં લેવાની ચર્ચા થઈ હતી, જો કે આ કોન્ફરન્સમાં કાયદો-વ્ય્વસ્થાની સ્થિતિને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, પરંતુ ડીજીપીએ કરેલી મુખ્ય ચર્ચાઓની વિગતો જ બહાર આવી છે. એવું કહેવાય છે કે આ દરમિયાન સાયબર ક્રાઈમના મુદ્દે સરકાર કક્ષાએ કોઈ પ્રસ્તાવ કરાયો છે.

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના કારણે લોકોને બરબાદ થતા અટકાવવા અને ધતીંગ કરતા પરિબળોને જેલભેગા કરવાની જોગવાઈઓ કરતું નવું બિલ પસાર થઈ ગયું છે. માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અત્યાચારી પ્રથાઓ, કાળો જાદુ, ડામ દેવા, શારીરિક કે આર્થિક શોષણ કરવું વગેરે કામોને હવે ગુન્હો ગણવામાં આવશે, જો કે કોઈપણ ધર્મની પ્રાર્થના પદ્ધતિ, કર્મકાંડ, કથા-કીર્તન કે કોઈને શારીરિક-માનસિક નુક્સાન ન પહોંડતી હોય કે ગેરમાર્ગે ન દોરતી હોય તેની ઘણી પ્રવૃત્તિઓને આ કાનૂનમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ બિલ ગઈકાલે જ પસાર થયું છે અને હવે રાજ્યપાલ સમક્ષ જશે. આ બિલ લાગુ થયેથી આ નવા કાયદા હેઠળ પાખંડીઓ-અત્યારીઓને ૭ વર્ષ સુધીની સજા થઈ શકતી હોવાની જોગવાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે.

આ નવા કાયદાને લઈને રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તથા આજે ઝીણવટપૂર્વક નવા કાયદાનો અભ્યાસ કર્યા પછી તેના પ્રતિભાવો અને પ્રત્યાઘાતો પણ સામે આવશે. એકંદરે રાજ્ય સરકારની આ પહેલ અંધશ્રદ્ધા સામે પહેલો પ્રહાર હશે, પરંતુ મોટો આધાર તેના અમલીકરણ પર પણ રહેવાનો છે. કદાચ આ મુદ્દે પણ ડીજીપીની કોન્ફરન્સમાં અનૌપચારિક ચર્ચા થઈ હોય, તેવું બની શકે છે.

ગુજરાતમાં મહિલાઓની છેડતી, દુષ્કર્મ, લૂંટની ઘટનાઓમાં ઘટાડો થયો છે, તેવો દાવો ડીજીપીએ કર્યો છે. બીજી તરફ ગુજરાતના ચાર એવા નેતાઓ સામે મહિલા ઉત્પીડનના કેસો ચાલી રહ્યા હોવાનું એડીઆરના તાજા રિપોર્ટમાં બહાર આવ્યું છે.

હકીકતે કોલકાતાની ગમખ્વાર રેપ-મર્ડરની કુખ્યાત ઘટના પછી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તથા નેશનલ વોચ (ન્યૂઝ) ના તાજા રિપોર્ટ મુજબ લોકસભાની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ૪૮૦૦ થી વધુ સોગંદનામાઓનું વિશ્લેષણ કરતા દેશના ૧પ૧ જેટલા એમ.પી.-એમએલએ સામે મહિલા ઉત્પીડનના કેસો ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ વિશ્લેષણ મુજબ ગુજરાતના પણ ચૂંટાયેલા ૪ નેતાઓ સામે આ પ્રકારના કેસ ચાલી રહ્યા છે. આ પ્રકારના નેતાઓની સૌથી વધુ સંખ્યા પ. બંગાળની છે. પક્ષવાર જોઈએ તો દેશમાં ભાજપના પ૪, કોંગ્રેસના ર૩, ટીડીપીના ૧૭, આમ આદમી પાર્ટીના ૧૩, તૃણમુલ કોંગ્રેસના ૧૦, આરજેડી-પ, અપક્ષ-૬, ડીએમકે-ર એસપી (સમાજવાદી પાર્ટી) ના ર એમપી-એમએલએ આ યાદીમાં સામેલ છે, જો કે આ નોંધાયેલા કેસો છે અને વણનોંધાયેલા કે દબાવી દેવામાં આવેલી ઘટનાઓનો તેમાં સમાવેશ થતો નથી. તેવી જ રીતે આ નેતાઓ સામે પણ ગુન્હાઓ નોંધાયા છે, પરંતુ અદાલતમાં પૂરવાર થાય, તો જ તેઓ દોષિત ગણાય. તેથી રાજનીતિનો ભોગ બનેલા કે અન્ય કારણે ખોટા કેસો કરાયા હોય, તેવા નેતાઓ પણ આ યાદીમાં સામેલ હોઈ શકે, પરંતુ આગ લાગી હોય તો જ ધૂમાડો દેખાય ને?

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના મુદ્દે વાસ્તવિક હકીકત તથા લોકોની લાગણીઓ 'નોબત'ના માધ્યમથી વિશેષ સ્વરૂપે પણ રજૂ થતી રહે છે, અને તે મુદ્દાઓ પણ 'ટોક ઓફ ધ ટાઉન' બનતા હોય છે, તો બીજી તરફ ફાયર સેફ્ટીને લઈને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રશાસકો હવે હડિયાપટ્ટી કરતા જોવા મળી રહ્યા છે.

જામનગરમાં આગ લાગ્યા પછી તેને બુઝાવવા માટે કાર્યરત ફાયરબ્રિગેડ હવે આગ લાગતી જ અટકાવવાના પ્રયાસો કરવા જઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થશે. આ વિંગમાં ૩૭ નો સ્ટાફ હશે, જેમાં એન્જિનિયરો, સ્ટેશન ઓફિસરો, લીગલ ઓફિસર સહિતના અધિકારી-કર્મચારીઓ નગરની બહુમાળી ઈમારતો, શોપીંગ કોમ્પ્લેક્ષ, સંસ્થાકીય સંકુલો, કોમર્શિયલ સંકુલો સહિત શહેરભરમાં સતત ચકાસણી કરતા રહેશે અને આગ લાગે જ નહીં, તે માટે જનજાગૃતિ ઉપરાંત જરૂર પડ્યે કાનૂની કદમ પણ ઊઠાવશે, તેવું જાહેર થયું છે, જો કે વિંગ રચાયા પછી તેને આગ બુઝાવવાનું કામ કરવું નહીં પડે, તેથી આ કાયમી વ્યવસ્થા કદાચ રાજ્યભરના મોટા શહેરોમાં સફળ થશે, તો જ તેના સકારાત્મક પરિણામો આવશે, પરંતુ તેના સ્વરૂપ અને તે પછી ફંડીંગ તથા અમલીકરણ પર બધો આધાર રહેવાનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial