Sensex

વિગતવાર સમાચાર

રાવણ - શકુનીમામાનો મહિનો

એક વખત એક ગામમાં જગલો લોહી લુહાણ હાલતમાં શેરીને નાકે પડ્યો પડ્યો કણોસતો હતો. સ્વાભાવિક રીતે જ લોકો ભેગા થઈ ગયા અને એમાંથી કોઈક બોલ્યું, "હાલો આને એના ઘેર તો પહોંચાડીએ..."

આટલું સાંભળતા જ બે ઘડી કણસવાનું ભૂલીને જગલો બોલ્યો, "હજુ વધારે ભંગવી નાખવો છે મને ? ઘરેથી તો આવું છું...!!" "પણ આ બધું થયું કઈ રીતે ?"

"કીટી પાર્ટીને કારણે.."

"એ વળી કઈ રીતે ?" પેલા ભાઈએ ફરીથી પૂછ્યું.

"શ્રીમતીજીને કીટી પાર્ટીનો ખૂબ જ શોખ. દર મહિને અલગ અલગ જગ્યાએ કીટી પાર્ટીનું આયોજન થાય, અને શ્રીમતીજી બધે જાય પણ ખરા. હવે આ શ્રાવણ મહિનામાં કીટી પાર્ટીના યજમાન શ્રીમતીજી બન્યા, અને કીટી પાર્ટી નું આયોજન મારા ઘરે થયું..." "વાહ એ તો સારૃંં કહેવાય. પરંતુ તેમાં તમારી હાલત કેવી રીતે થઈ ?"

"વાત જાણે એમ છે કે શ્રાવણ મહિનો હોવાને કારણે કીટી પાર્ટીની થીમ હતી તીન પત્તી રમવાની. કીટી પાર્ટી શરૂ થતા જ મોટી રકમની હારજીત થવા લાગી... અને એ વખતે જ હું ઘરે પહોંચ્યો.."

"પછી..?"

"પછી મેં તો ત્યાં બધાને સુફિયાણી સલાહ આપી કે, 'આ શ્રાવણ મહિનો મહાદેવજીનો મહિનો છે, શકુનીનો નહીં. માટે આપણે જુગાર રમાઈ નહીં.."

"વાહ બહુ સરસ સલાહ આપી તમે..."

"... પરંતુ આ જમાનામાં સારી અને સાચી સલાહ ગમે છે કોને ? મારી સલાહ સાંભળતા જ બધાએ પત્તા બે ઘડી માટે બાજુએ મૂક્યા, અને મારી આ હાલત કરી.."

"બધાએ તમને માર્યા ?"

"હા, બધાએ. જે લોકો હારતા હતા તેણે તેમની હારનો ગુસ્સો મારા પર કાઢ્યો. અને જે લોકો જીતતા હતા તેમને લાગ્યું કે હું તેમની જીતમાં આડો આવું છું.. એટલે મારી આ હાલત કરી..!"

શ્રાવણ માસ એ તો દેવાધિદેવ મહાદેવનો મહિનો છે. અને લોકો મહાદેવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા પણ કરે છે. પરંતુ આજના સમયમાં તીન પત્તી રમવાના શોખીનોએ  એને શકુની મામાનો મહિનો બનાવી દીધો છે. લોકો શકુની મામાને પ્રાર્થના પણ કરે છે કે, "જો આજે તીન પત્તીમાં મારા પાસા પોબાર પડ્યા તો હું તમારું મંદિર બનાવીશ !"

વળી જોવાની ખૂબી એ છે કે આજના આ સોશિયલ મીડિયાના યુગમાં શકુની ભક્તો પ્રસિદ્ધ થવાની બિલકુલ અપેક્ષા રાખતા નથી. આજે જ્યારે દરેક વ્યક્તિ પોતાની ઝીણી ઝીણી વિગતો પણ સોશિયલ મીડિયા પર મૂકે છે અને પછી તેના પર મળતી લાઈફ અને સબસ્ક્રાઇબની ગણત્રી કરતો રહે છે ત્યારે કોઈ શકુની ભક્તે, હજુ સુધી પોતાના ભક્તિ સમયના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યાનું જાણવામાં આવ્યું નથી..!  નટુ મહાદેવજીનો પરમ ભક્ત. શ્રાવણ મહિનામાં રેગ્યુલર દર્શન કરવા પણ જાય. ગઈકાલે એવું બન્યું કે નટુ મધ્યરાત્રિની મહાઆરતીના દર્શન કરીને ઘરે પહોંચ્યો ત્યારે રાત્રિનો ૧:૦૦ વાગ્યો હશે. દરવાજો ખખડાવ્યો તો અંદરથી શ્રીમતીજીએ નિંદરમાં જ પૂછ્યું, "કોણ ?"

"ખોલ....!!" નટુએ કહ્યું.

"મારા ત્રણ ગલ્લા...!!" નિંદરમાં પણ તીન પત્તીના સપના જોઈ રહેલા શ્રીમતીજીએ નિંદરમાં જ જવાબ આપ્યો..

"... અને ચોથો ગલ્લો બારણાની બહાર ઊભો છે, જલદીથી ખોલ..!!"

વિદાય વેળાએઃ આજનાં જમાનામાં ડુંગળી જેવા બનવું...!

કોક તમારાં છોતરા કાઢે તો આંસુ એની આંખમાં આવવા જોઈયે .....!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial