બદલાપુરથી પ. બંગાળના કોલકાતા સુધી હાહાકાર મચ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ માસુમ કન્યાઓને પીંખી છે, જ્યારે કોલકાતાની મહિલા તબીબને તો એક દરિંદાએ પીંખીને ક્રૂરતાથી મારી નાખી હોવાનો સંકેત સીબીઆઈની તપાસ આપી રહી છે. દેશમાં ઘણાં રાજ્યોમાં 'ડબલ' એન્જિનની સરકારો છે, તો ઘણાં રાજ્યોમાં નવા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનની સરકારો છે. કોઈપણ પાર્ટીની સરકાર હોય, 'પોલીસ સિસ્ટમ' લગભગ બધે જ સરખી જ છે અને એટલે જ 'બોટમ ટુ ટોપ' અદાલતોની ફટકાર સંબંધિત સરકારોને પણ પડી રહી છે, કારણ કે તમામ તંત્રો સરકારોના તાબા હેઠળ જ હોય છે.
પ. બંગાળના કોલકાતામાં મહિલા તબીબને દૂષ્કર્મ પછી મારી નાખવાના પડઘા દેશભરમાં પડ્યા, ડોક્ટરોએ હડતાલ પાડી અને હવે સર્વોચ્ચ અદાલતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
તે પછી મહારાષ્ટ્રના બદલાપુરમાં તો ખૂબ જ જઘન્ય કૃત્ય થયું હતું અને તે પછી જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટું આંદોલન થયું, ટ્રેનો રોકી લેવાઈ અને તોડફોડ પણ થઈ. કોઈપણ આંદોલન હિંસક બને, તે ક્યારેય સ્વીકૃત હોય નહીં, પરંતુ પોલીસતંત્ર જે આક્રમક્તાથી આંદોલનકારીઓ પર ત્રાટકી, તેવી જ આક્રમકતા કે ઝડપથી ગુનેગારો સામે રાખતી હોત, તો કદાચ આ પ્રકારની વિકૃત બર્બરતા કરવાની હિંમત જ નરાધમોની થઈ ન હોત, જો કે હવે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરીને ચોતરફ ફેલાઈ રહેલી વિકૃતિઓ તથા તમામ વયજુથમાં વધી રહેલી 'નિડર' ગુનાહિત માનસિક્તા સામે સમાજે પણ જાગવું પડે તેમ છે. હવે લોકોમાં કાનૂનનો ડર ઘટી રહ્યો છે, અને માનવાધિકારો તથા બંધારણીય અધિકારોનો પણ દુરૂપયોગ કરીને થતી અમાનવિય, અત્યાચારી, વ્યભિચારી, વિકૃત, ગેરકાનૂની અને અનૈતિક ગુનાખોરીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ પાર્ટીલાઈનથી ઉપર ઊઠીને આ પ્રકારના ગુનોગારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કે મદદ કરવાથી દૂર તો રહેવું જ જોઈએ, પરંતુ આ પ્રકારના પરિબળો સામે સખ્ત વલણ અપનાવવું જોઈએ, તેમ નથી લાગતું?
હાલાર સહિત ગુજરાતમાં પણ માનસિક વિકૃત લોકોની ગુનાખોરી વધી રહી હોય તેવી ઘટનાઓ થતી રહી છે, અને તેની સામે પગલાં પણ લેવાઈ રહ્યા છે, પરંતુ માત્ર કાનૂની કાયવાહી ઝડપી બનાવવાથી નહીં ચાલે, તેની સામે કેસ ચલાવીને સખ્તમાં સખ્ત સજા પણ ઝડપથી થાય, તો જ આ પ્રકારના લોકોમાં કાનૂનો ડર લાગે, અન્યથા ખૂબ જ ભયંકર સ્થિતિ ઊભી થશે, તેમાં શંકા ખરી?
જામનગર જિલ્લાના જ એક ગામડામાં સગીરવયની છાત્રાની છેડતીનો તાજો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. મીડિયાના અહેવાલો મુજબ જામનગરના જ ગ્રામ્ય વિસ્તારની એસ.એસ.સી.માં ભણતી એક વિદ્યાર્થિનીની એક 'રોમિયો'એ છેડતી કરી હતી. આ 'રોમિયો'એ છાત્રાની પાછળ જ પડી ગયો હતો, અને સ્કૂલે જતા-આવતા તેને પજવતો રહેતો હતો. આ રોમિયોની હિંમત એટલી વધી ગઈ કે દાદીમા સાથે હોવા છતાં મંદિરે જઈ રહેલી છાત્રાની છેડતી કરી હતી. આ પરિવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવી અને એ રોમિયોને પોલીસ પકડી ગઈ. હવે પોલીસ આગળની તપાસ કરશે અને જો ગુન્હો સાબિત થશે, તો અદાલત સજા કરશે, પરંતુ એ છાત્રાની માનસિક સ્થિતિ કેવી થઈ હશે?
વાલીઓ-પરિવારોએ આ પ્રકારના પરિબળો સામે તરત જ અવાજ ઊઠાવવો જોઈએ, જો આ પ્રકારની રોમિયોગીરી વધતી જાય, અને તેને હળવાશથી લેવામાં આવે, તો એ શખ્સોની ગુનાખોર માનસિક્તા એટલી બધી વધી જાય કે તે પછી તેને સમાજનો કે કાનૂનનો ડર જ ન રહે અને બદલાપુર અને કોલકાતા જેવી નિંદનિય ઘટનાઓ વધવા લાગે. આ પ્રકારની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં વધવા લાગે ત્યારે ત્યાંના લોકો, સ્થાનિક નેતાગીરી સહિત સમાજે પણ જાગવું જોઈએ, તેમ નથી લાગતું?
બદલાપુર હોય કે કોલકાતા હોય, બન્ને સ્થળે પોલીસતંત્રની શંકાસ્પદ કાર્યપદ્ધતિ સામે અદાલતોએ સવાલો ઊઠાવ્યા છે. મહારાષ્ટ્રના થાણે નજીક બદલાપુર ગામમાં બે બાળાઓ પર જાતિય અત્યાચાર ગુજારવાની ઘટનાને મુંબઈની હાઈકોર્ટે આઘાતજનક ગણાવીને એફઆઈઆર મોડી દાખલ કરવાને લઈને પલીસતંત્રને ફટકાર લગાવી હતી. તેવી જ રીતે સીજેઆઈ સહિત સુપ્રિમ કોર્ટના ન્યાય મૂર્તિઓએ કોલકાતાની એક હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ પોલીસે મોડી એફઆઈઆર નોંધી, તે સહિતની પોલીસતંત્રની શંકાસ્પદ ભૂમિકા સામે તીખા સવાલો ઊઠાવ્યા છે.
હવે આ દરિંદાઓને સજા પણ અદાલતો કરશે, અને બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ સંબંધિત સંસ્થાઓ (હોસ્પિટલ અને સ્કૂલ મેનેજમેન્ટ) ના જવાબદારોને પણ દૃષ્ટાંતરૂપ સજા થશે, તેવી આશા રાખીએ.
જ્યારે પોલીસતંત્રની કાર્યશૈલી પર સવાલ ઊઠે છે, ત્યારે મીડિયામાં એવી ચર્ચા પણ થતી જ હોય છે કે આ પ્રકારની ઢીલાઢોમ ત્યારે જ થાય છે, જ્યારે ગુનેગારોને કોઈ મોટા માથાઓનું પીઠબળ હોય, અથવા તો કહેવાતા 'મોટામાથા'ઓ કે તેના નબીરાઓએ જ આ પ્રકારના જઘન્ય કૃત્યો, હીટ એન્ડ રન કે નશાની હાલતમાં ગંભીર ગુનાઓ કર્યા હોય.
હકીકતે આપણાં દેશમાં ગુનાખોરી વધવા પાછળ રાજનીતિ પણ જવાબદાર ગણવી જોઈએ, કારણ કે આ પ્રકારના ગુનાખોરોને બચાવનારા ગોડફાધરો કાં તો રાજનેતાઓ હોય છે અથવા ખૂબ જ ધનવાન લોકો હોય છે, ખરૂ ને?
'નિર્ભયા' કાંડ પછી જે દેશવ્યાપી આંદોલન થયું હતું, તે પછી એવું લાગતું હતું કે હવે દેશમાં આ પ્રકારની ઘટનાઓ પર વિરામ લાગશે, પરંતુ નિર્ભયાઓ પીડાતી જ રહી છે, મરતી જ રહી છે અને નરાધમો તેને પીંખતા જ રહ્યા છે. આ મુદ્દે 'સિલેક્ટીવ પોલિટિક્સ' પણ રમાતું જ રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓને રાજકીય રોટલા શેકવાની સગડી માનવાનું બંધ નહીં થાય અને જઘન્ય, ક્રૂર અને ગેરકાનૂની કૃત્યોને રાજનીતિની રમતના ઓજારો તરીકે વાપરવાની વૃત્તિ બંધ નહીં થાય, એટલું જ નહીં, વધતી જતી માનસિક વિકૃતિઓ તથા નિયમ-કાનૂન તોડવાને 'બહાદુરી' સમજવાનું તથા તેને છાવરવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ વધતી જ રહેવાની છે, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial