ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં ફરીથી વરસાદ વરસવા લાગ્યો છે, અને નવી નવી આગાહીઓ થઈ રહી છે, તો બીજી તરફ દેશના ઘણાં રાજ્યોમાં પણ મેઘપ્રક્રોપ તારાજી મચાવી રહ્યો છે. કેટલાક સેવાભાવી નાગરિકો અને સંપૂર્ણ સેવાભાવનાથી કામ કરતી સંસ્થાઓ-સમાજો દ્વારા આફતગ્રસ્તોને મદદ પહોંચાડાઈ રહી છે, અને જ્યાં તંત્રો ઝડપથી ન પહોંચે ત્યાં સ્વયંભૂ રીતે રાહત-બચાવની કામગીરી પણ થઈ રહી છે અને લોકોને બચાવાઈ રહ્યા છે, તો અનેક સ્થળે રાહત રસોડા ખૂલ્યા છે, અને ફૂડ પેકેટો પહોંચાડાઈ રહ્યા છે, બીજી તરફ લોકોની લાચારીનો લાભ ઉઠાવીને જીવન જરૂરી ચીજવસ્તુઓ, પરિવહન, ટ્રાન્સપોર્ટેશન અને દવાાદારૂ-સારવારના ક્ષેત્રે પણ નફાખોરી થઈ રહી હોવાની રાવ પણ ઉઠી રહી છે.
ગુજરાતીઓ પ્રવાસનના શોખિન હોય છે, અને ઉત્સવ પ્રિય પણ હોય છે આ મૂળભૂત માનસિકતાના કારણે જામનગર સહિત ઘણાં સ્થળે શ્રાવણીયા મેળાઓ ફરીથી જામ્યા છે, અને લોકો મેળાઓની મજા માણી રહ્યા છે, ધ્રોલમાં ભૂચરમોરીનો મેળો ધમધમ્યો છે, તેવી જ રીતે કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે કેન્સલ કરાયેલા મેળાઓ પણ ધમધમશે અને પહેલા કરાયેલી જાહેરાત (મોકૂફ કે રદ કરવાની) પાછી ખેંચી લેવાઈ હોવાની જાહેરાતો પણ થઈ રહી છે. બીજી તરફ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રની ઉત્સવપ્રિય જનતા તો ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા થનગની જ રહ્યા છે, પરંતુ દેશભરમાં ઘણાં રાજ્યો, તથા વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ, મહારાષ્ટ્રીયનો સહિત ભારતીયોનો વસવાટ છે, ત્યાં ત્યાં કોઈને કોઈ સ્વરૂપે ગણેશોત્સવની ઉજવણી થતી રહી છે. વરસાદની વિપત્તિ અને પૂરપ્રકોપ વચ્ચે પણ ધાર્મિક-સાંસ્કૃતિક ઉજવણીઓ અટકતી નથી, એ જ કદાચ આપણી (ભારતીયોની) વિશેષતા પણ છે, ખરું ને?
શ્રાવણ મહિનામાં તો તહેવારોની આખી શ્રૃંખલા હતી, અને રેકોર્ડબ્રેક વરસાદની તારાજી પણ સર્જાઈ હતી અને સતત વરસાદ પણ પડતો રહ્યો હતો હવે ભાદરવામાં યોજાતા તમામ મેળાઓ જુદા જુદા સ્થળે ઉજવાશે અને છેક ભાદરવી પૂર્ણિમા સુધી કેટલાક સ્થળે લોકમેળાઓ-ધાર્મિક મેળાઓ-સાંસ્કૃતિક મેળાઓ સહિતના મનોરંજક ભાતીગળ કાર્યક્રમો ધમધમશે.
જો કે, ભારે પૂર અને સતત કફર્યુ જેવું વાતાવરણ ઊભું થઈ જતાં જેને નુકસાન થયું છે, રોજગારી છીનવાઈ છે કે પછી સ્વજનો ગુમાવ્યા છે, તેઓની ઉપર આફતના ઓળા ઉતર્યા છે. અને આ બરબાદી સમયે તેઓને સધિયારો આપવા તથા મદદ કરવાની જવાબદારી આપણાં સૌની છે. સરકારે પણ સર્વેની જાહેરાતો કરી છે અને કેશડોલ્સ, ઘરવખરી સહાય પછી વિવિધ ક્ષેત્રે નુકસાનીના વળતરનો દાવો કર્યો છે, ત્યારે હવે સર્વગ્રાહ આંકલન કરીને જેને જેને આ કુદરતી આફતના કારણે નુકસાન થયું છે, તેઓ માટે એક મોટું અને ન્યાયી રાહત-પેકેજ જાહેર કરવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે.... જો કે, હવે કોથળામાંથી બિલાડુ નીકળે છે કે સરકાર હકીકતે જનજીવન થાળે પડે તથા જેના પર વિપત્તિ આવી પડી છે, તેને આર્થિક ટેકો મળી રહે તે પ્રકારનું માતબર પેકેજ જાહેર કરે છે, તે જોવું રહ્યું....
હવે ભાદરવાના તહેવારો ગણેશોત્સવ, શ્રાદ્ધ પછી નવરાત્રિ, શરદપૂર્ણિમા અને દિવાળીના તહેવારો સુધીમાં જનજીવન પૂરેપૂરુ ધબકતું થઈ જશે અને કુદરતી આફતોના કારણે થયેલી હાનિને પાછળ છોડીને ખમીરવંતી જનતા સુદૃઢ ભવિષ્ય તરફ આગળ વધશે, અને તેમાં નાટકીય ધોરણે નહીં, પણ વાસ્તવમાં રાજ્ય-કેન્દ્ર સરકારો સહયોગી બનશે, તેવી આશા રાખીએ.
દિવાળી સુધીના પ્રસંગો-તહેવારોની શ્રૃંખલાના કાઉન્ટડાઉન થવાની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ થઈ જ ગયું છે, ત્યારે ભૂતકાળમાં સર્વેક્ષણ એજન્સીઓનું કામ કરતા કરતા આમ આદમી પાર્ટીના નેતા બનેલા અને હવે સ્વતંત્ર સંગઠન રચનાર યોગેન્દ્ર યાદવે પોલિટિકલ કાઉન્ટડાઉનની આગાહી કરીને રાજકીય ભૂમિમાં ધરતીકંપ સર્જી દીધો છે અને યાદવની તરફેણ અને વિરોધમાં સોશ્યલ મીડિયામાં એક અલગ જ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. યોગેન્દ્ર યાદવે કોઈ ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન મોદી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ હોવાનો પરોક્ષ ઈશારો કરી દેતા તેને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે જો હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએનો કારમો પરાજય થઈ જાય, તો તે પછી કેન્દ્રમાં એનડીએની સરકાર ડગમગવા લાગશે. કોઈ નવો જ ચહેરો ઉદ્દભવશે, તેવા પ્રકારના સંકેતો આ પહેલાં પણ કેટલાક નેતાઓએ આપ્યા હતાં.
યાદવની વાત એકદમ ખોટી પણ લાગતી નથી, કારણ કે અત્યારથી જ બિહારમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાવા લાગ્યા છે, નિતીશકુમારના ડગલેને પગલે સાથ આપનાર કે.સી. ત્યાગીએ પાર્ટીનું પ્રવકતા પદ છોડયુ અને રાજનીતિમાંથી જ જે રીતે સંન્યાસ લેવાની વાત કરી, તેથી એવું જણાય છે કે બિહારમાં નિતીશકુમાર આધારિત રાજકીય રાજનીતિના અંતનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
સોશ્યલ મીડિયામાં એન્ટીનેશનલ પરિબળો તથા મોદી વિરોધી લોબીએ હાથ મિલાવ્યા છે, અને કેટલાક 'લોકો'ને વિદેશમાંથી 'ડોલર' માં જંગી વળતર મળી રહ્યું છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, ત્યારે આપણે આગામી તમામ તહેવારો ઉજવવાના કાઉન્ટડાઉન પર ફોકસ કરવું જોઈએ, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial