Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વિકાસના માચડા, અતિવૃષ્ટિથી નગરો બદહાલ.. સૌરાષ્ટ્રમાં ક્યારે થશે પૂરેપૂરો વીજ પુરવઠો બહાલ?

જામનગર શહેરમાં ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની અસરો તો હતી જ, અને તેમાં આ વર્ષે થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે નગરમાં વાહનો ચલાવવાનું અને ટ્રાફિક કંટ્રોલ જાળવવાનું તમામ સેલરોમાં જલભરાવ થતાં ત્યાં વાહનો પાર્ક નહીં કરી શકતા હોવાથી રોડ પર જ વાહનોના ખડકલા થઈ રહ્યા છે. આ બધા કારણોસર જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. બીજી તરફ જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના સંખ્યાબંધ થાંભલા જમીનદોસ્ત થઈ જતા વીજળીના ધાંધિયા પણ વ્યાપક બન્યા છે.

જામનગરમાં સેલરોમાંથી પાણી ઉલેચતા તે રોડ-રસ્તા પર ફેલાય છે અને ગટરો છલકાઈ જાય છે, તેથી પણ ગંદકી અને ન્યુસન્સ ફેલાય છે. આ કારણે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જતા લોકોને ટ્રાફિકની વચ્ચેથી ચાલવું પડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધુ ઘેરી બની જાય છે અને ગંભીર પ્રકારના અકસ્માતો થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

જામનગરમાં સમર્પણ સર્કલ, ખોડિયાર કોલોની, સાત રસ્તા, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી અને ત્રણ દરવાજા વિસ્તાર સહિતના અનેક આંતરિક માર્ગો તથા સર્કલો પર ટ્રાફિક જામ થઈ જતા ઘણી વખત તો દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સો પણ અટવાઈ પડે છે, જ્યારે જી.જી. હોસ્પિટલ, બસ ડેપો, રેલવે સ્ટેશનને સાંકળતા માર્ગો પર અવારનવાર સર્જાતો ટ્રાફિકજામ ઘણાં લોકોના ટાઈમટેબલ ખોરવી નાખે છે.

જામનગર જેવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના ઘણાં શહેરોની છે. ઠેર-ઠેર વિકાસના માચડાઓ ઊભા કર્યા છે, અને તેના કારણે વર્તમાન જિંદગી ખોરવાઈ રહી છે, તેમ છતાં મેગા પ્રોજેક્ટોના કામો મંથર ગતિથી ચાલતા હોવાથી વિકાસ પ્રક્રિયામાં સહભાગી થવાની ભાવનાથી સહયોગી બનતી જનતાની ધીરજનો બંધ હવે તૂટી રહ્યો છે, અને ભયાનક જનાક્રોશમાં તબદિલ થઈ રહ્યો છે. તેમ છતાં (કેટલાક અપવાદો સિવાય) શાસકો-પ્રશાસકો આ વિપત્તિની ઘડીમાં પણ પ્રજાની વચ્ચે જોવા મળતા નથી અને એરકન્ડીશન્ડ ઓફિસો અથવા ઘરેથી જ 'જનસેવા' કરી રહ્યા છે, ત્યારે એ કહેવત યાદ આવી જાય છે કે, 'રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ (વાંસળી) વગાડી રહ્યો હતો?!'

આમ તો જામનગરની ટ્રાફિક સમસ્યા કાંઈ નવી નથી. વિકાસના માચડાઓ ખડકાયા નહોતા ત્યારે પણ અવાર-નવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા જ હતાં, પરંતુ જેમ-તેમ કરીને ટ્રાફિક પોલીસ વ્યવસ્થા જાળવી લેતી હતી, પરંતુ હવે તો ફ્લાય ઓવર બ્રીજના કામોના ખડકાયેલા માચડા, વરસાદના કારણે તૂટી-ફૂટી ગયેલા આંતરિક માર્ગો, સેલરોમાંથી ઉલેચાતા પાણી તથા અન્ય ગંદકી, ઠેર-ઠેર આડેધડ કે સેલરોમાં પાણી હોવાથી રોડ પર પાર્ક કરેલા વાહનો તથા આગળ નીકળી જવાની હોડમાં સામસામે આવી જતા વાહનોના કારણે અત્યારે તો ટ્રાફિકની સમસ્યા એટલી વકરી ગઈ છે કે ફરજ પરના ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક સહાયકોએ પણ હાથ ઊંચા કરી દીધા હોય, તેમ ઘણાં સ્થળે ટ્રાફિક નિયમન કરવાના બદલે સર્કલોના કોઈ ખૂણે કે બાઈકો પર બેસીને ટ્રાફિકની નિરંકુશ સ્થિતિનું જાણે 'નિરીક્ષણ' કરવાની ડ્યુટી હોય, તેવી માનસિક્તા સાથે કામ કરતા જોવા મળી રહ્યા હોય છે.

બીજી તરફ જામનગર જિલ્લા સહિત સમગ્ર હાલાર અને સૌરાષ્ટ્રમાં વીજળીના ધાંધિયાથી લોકો ત્રાસી ગયા છે. વોલ્ટેજની વધઘટના કારણે કેટલાક શહેરોમાં લોકોના રેફ્રિજરેટર, ટીવી, એ.સી. સહિતના સાધનોને નુક્સાન થયું છે, તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો હજી પણ વીજપુરવઠો પૂરેપૂરો પૂર્વવત જઈ શક્યો નથી. તેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ભારે વરસાદે પીજીવીસીએલમાં ચાલતા ઓર્ગેનાઈઝ્ડ કરપ્શનની પોલ પણ ખોલી નાખી છે અને હજારો થાંભલા જમીનદોસ્ત થઈ જતા આરસીસીના ફાઉન્ડેશનની બુનિયાદ પર વીજળીના થાંભલા ઊભા કરવાના બીલો મૂકીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરાઉ જમીનોમાં સીધા જ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હોવાથી જ મોટી સંખ્યામાં થાંભલાઓ જમીનદોસ્ત થયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

આ વખતે દરિયામાં ઊભું થયેલું વાવાઝોડું કચ્છના દરિયામાંથી જ વિદાય થઈ ગયું અને બહું નુક્સાન થયું નહીં, પરંતુ તૌકતે અને બિપોરજોય વાવાઝોડામાં પીજીવીસીએલના સવાબે લાખથી વધુ થાંભલા સૌરાષ્ટ્ર-કચ્છમાં ધારાશાયી થયા હતાં. તે સમયે જ વીજપોલ્સ મૂળમાં મજબૂત ફાઉન્ડેશન નાંખીને જ ઊભા કરવાનું નક્કી થયું હોવા છતાં તેવું નહીં થયું હોવાથી જ સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે વાવાઝોડુ નહીં આવ્યું હોવા છતાં માત્ર ભારે વરસાદથી જ ૧૧ હજારથી વધુ થાંભલા પડી ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ પ્રકારના આક્ષેપોને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી અને રાજ્યના ઊર્જામંત્રીએ ઉચ્ચકક્ષાની ટેકનિકલ ટીમ મોકલીને તેની સાથે લોકલ રાજનેતાઓ તથા પંચાયત-પાલિકા-મહાપાલિકાના શાસક તથા વિપક્ષના સભ્યોનું સંયોજન કરીને જમીનદોસ્ત થયેલા થાંભલાઓના મૂળમાં ફાઉન્ડેશન ભરેલું હતું કે નહીં, તેની પારદર્શક અને તટસ્થ તપાસ કરાવીને જ્યાં જ્યાં કચાશ કે ગોબાચારી દેખાય, ત્યાં ત્યાં તે થાંભલાઓ ઊભા કરનાર કોન્ટ્રાક્ટરો કે ખાતાકીય જવાબદારો, એન્જિનિયરો અને તેના કમ્પ્લીશન પ્રમાણિત કરનાર અધિકારી-પદાધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેની પાસેથી થાંભલા ફાઉન્ડેશન સાથે ફરીથી ઊભા કરવાનું પૂરેપૂરૂ ખર્ચ વસૂલ કરવા ઉપરાંત સરકાર સાથે (જનતા સાથે) છેતરપિંડી કરવા અને કરપ્શન બદલ ફોજદારી ફરિયાદ નોંધાવી અત્યંત કડક પગલાં લેવા જોઈએ, ખરૃં કે નહીં?

જામનગરમાં કેટલાક સ્થળે રોડ પર મોરમ-થાગડ-થીગડ શરૂ થયા હશે, પરંતુ વરસાદની આગાહીઓ પૂરી થઈ જાય, અને મેઘાવી માહોલ હટી જાય, ત્યારે તૂટેલા-ફૂટેલા રોડ-રસ્તા તાકીદે પૂર્વવત થાય અને શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપભેર વીજપુરવઠો પુનઃ સ્થાપિત થયા પછી તે સતત જળવાઈ રહે, તેવી અપેક્ષા લોકોની છે, તેથી એ.સી. ચેમ્બરોમાંથી અને ઘરોમાંથી બહાર આવીને જનપ્રતિનિધિઓ તથા જનસેવકો દરકાર કરશે, તેવું ઈચ્છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial