Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આખે આખી દાળ જ કાળી? કોના થયા વળતા પાણી?

ગઈકાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા જ જાણે રાજકીય ધરતીકંપ થયો અને વર્તમાન મંત્રીઓ સહિતના ભાજપના ધારાસભ્યોએ ટપોટપ રાજીનામા આપી દીધા. ભારતીય જનતા પક્ષ માટે આ જબરો ઝટકો હતો, અને કેટલાક નેતાઓએ કોંગ્રેસની દિશા પકડતા હરિયાણામાં કોંગ્રેસ વધુ મજબૂત થઈ રહી હોય તેમ જણાયું. એક તરફ ભારતીય જનતા પક્ષે સદસ્ય અભિયાન આદર્યું છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જે 'મેજિક' અને 'હાઉ' ખતમ થઈ રહ્યા હોવાની નિશાની હોવાના તારણો નીકળી રહ્યા છે.

બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુષ્કરસિંહ ધામીની સુપ્રિમ કોર્ટે એક કેસમાં ઝાટકણી કાઢ્યા પછી પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. ઉત્તરાખંડની હાઈકોર્ટે બે વર્ષ પહેલા જિમ કાર્બેટ વાઘ અભ્યારણ્યમાંથી ગેરકાયદેસર વૃક્ષો કાપવાના આરોપમાં જે અધિકારીને પદ પરથી હટાવી દીધા હતાં, તે જ અધિકારીએ રાજાજી નેશનલ પાર્કમાં પણ આવું જ કૃત્ય કરવાની ગંભીર નોંધ પણ તે સમયે ઉત્તરાખંડ હાઈકોર્ટે લીધી હતી, અને માર્ચ-ર૦ર૪ માં કોઈ સમિતિ દ્વારા તપાસ પણ શરૂ થઈ હતી, પરંતુ ધામીએ તે જ અધિકારીને રાજાજી નેશનલ પાર્કના ડાયરેક્ટર બનાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, આપણે સામંતશાહીના યુગમાં નથી અને મુખ્યમંત્રી એ કોઈ રાજા નથી કે આ રીતે કોઈ અધિકારીને મનસ્વી પોસ્ટીંગ આપી શકે. એક આઈએફએસ અધિકારી, કે જે ભૂતકાળમાં કોઈ કેસમાં આરોપી હોય, તેની આ રીતે ડાયરેક્ટર પદે નિમણૂક આપવી અને ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાના બદલે તેની ટ્રાન્સફર જ કરવી, તે યોગ્ય નથી. સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પુષ્કરસિંહ ધામીની ઝાટકણી કાઢી, તેના રાજકીય વર્તુળોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને વિપક્ષના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે આ દાળમાં કાળુ નથી, પરંતુ પૂરેપૂરી દાળ જ કાળી છે!

ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે. કચ્છમાં રણોત્સવનું ટેન્ડર એક ચોક્કસ કંપનીને અપાયું હતું, જે હાઈકોર્ટે રદ્ કરી નાખતા ગુજરાત સરકારને ઝટકો તો લાગ્યો જ, સાથે સાથે ભારતીય જનતા પક્ષ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો હશે.

જે કંપનીનું ટેન્ડર પાસ કરાયું, તે કંપનીએ છેલ્લા બે વર્ષથી રૂ.  ૭પ લાખ જેવી રોયલ્ટી ટુરિઝમ કોર્પોરેશનને ચૂકવી નહીં હોવા છતાં નીતિનિયમોને નેવે મૂકીને ટેન્ડર આપવા બદલ હાઈકોર્ટે સુનાવણી પછી ટેન્ડર જ રદ્ કરી નાંખતા એમ કહી શકાય કે માત્ર દાળમાં કાંઈક કાળુ નથી, પરંતુ આખેઆખી દાળ જ કાળી છે!

ભારતીય જનતા પક્ષનું સદસ્ય અભિયાન પણ ચર્ચામાં છે. આ પહેલા જ્યારે મિસકોલ દ્વારા સભ્યોની નોંધણી થઈ હતી, ત્યારે ઘણાં એવા લોકો પણ સભ્ય બની ગયા હતાં, જેઓ કાં તો વિપક્ષમાંથી આવ્યા હતાં, અથવા તો ગોરખધંધા કે ગુન્હાખોરી સાથે સંકળાયેલા હતાં. આ પ્રકારના ઘૂસણખોરોથી આ વખતે ભાજપ સાવધાન વર્તી રહ્યું છે, અને પાર્ટી અને સંસદ ગૃહ-વિધાનસભાઓના હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને નગરસેવકોને સભ્યોની નામ નોંધણી માટે લક્ષ્યો અપાયા છે. આ સદસ્યતા અભિયાન છેક ૧પ મી ઓક્ટોબર સુધી ચાલશે. હવે નિયત કરેલા લક્ષ્યાંકો પૂરા કરવા માટે ભાજપના નેતાઓ પણ આડેધડ 'ભરતી' કરી શકે છે. બીજી તરફ હરિયાણા સહિત દેશના કેટલાક રાજ્યોમાં ઉલટી ગંગા શરૂ થઈ છે અને ભાજપ છોડીને નેતાઓ-કાર્યકરો બહોળી સંખ્યામાં વિદ્રોહ કરી રહ્યા છે. ભાજપ માટે આ સ્થિતિ વળતા પ્રવાહ જેવી છે, તેમ ન કહી શકાય?

હરિયાણાની જેમ જ મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓને લઈને પણ મહાવિકાસ અઘાડી અને વર્તમાન સત્તાધારી મહાયુતિ ગઠબંધનો વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની છે. તેવા સમયે મહારાષ્ટ્રના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે નહીં દેખાતા ઘણાં તર્ક-વિતર્કો થઈ રહ્યા છે, અને બન્ને પ્રાદેશિક ગઠબંધનો વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું હોવાથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રની રાજનીતિની પૂરેપૂરી દાળ જ કાળી થઈ ગઈ છે, તેથી કદાચ મહારાષ્ટ્રના મતદારો પણ કન્ફ્યુઝનમાં જણાય છે.

ઈન્ડિયા ગઠબંધનના સાથીદાર પક્ષો વિધાનસભાની ચૂંટણીઓમાં સાથે મળીને ભાજપ-એનડીએને ટક્કર આપવા તત્પર હતાં, પરંતુ હરિયાણામાં સીટ શેરીંગને લઈને ઊભા થયેલા મતભેદો તથા પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ટેક્સ વધારીને પેટ્રોલિયમ પદાર્થો મોંઘા કરી દેતા વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસને ડર છે કે પંજાબ સરકારે કેટલીક સબસિડી ઘટાડી કે રદ્ કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા, તેની અસર પડોશી રાજ્ય હરિયાણામાં પણ થઈ શકે છે. તેથી જ કદાચ હરિયાણાના સ્થાનિક ઘણાં કોંગી નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના બદલે માત્ર સીટ શેરીંગ કરવા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં 'ફ્રેન્ડલી' ફાઈટ આપવા વિચારી રહ્યા હતાં, જો કે ભારતીય જનતા પક્ષમાં થયેલા બળવા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો નવેસરથી પ્લાન ઘડી શકે છે. ભાજપની દાળ હરિયાણામાં તો કાળી થઈ જ ગઈ છે, પરંતુ તેની દેશવ્યાપી અસરો ન થાય, તે માટે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હોય, તેમ હરિયાણામાં હડિયાપટ્ટી કરી રહેલા જોવા મળી રહ્યા છે.

ગુજરાત ભાજપની આંતરિક યાદવાસ્થળી તો હવે પબ્લિક મેટર બની ગઈ હોય, તેમ સંગઠન અને સરકાર ગોટે ચડી રહી છે. ક્યાંક ભાજપના નેતાઓ તથા ધારાસભ્યો જ તંત્રો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે (ભાજપનું શાસન હોવા છતાં) આક્ષેપબાજી કરતા જોવા મળે છે, તો ક્યાંક ભાજપના ધારાસભ્ય અને નગરપાલિકા કક્ષાના ભાજપના જ નગરસેવક અને પદાધિકારી વચ્ચે મારામારી થતા પોલીસ બોલાવી પડી રહી છે. રાજ્યની હાલાર સહિતની ઘણી નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં યાદવાસ્થળીની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે, ત્યારે એમ જરૂર કહી શકાય કે હવે આખી દાળ કાળી થવા લાગી છે. કેટલાક વિપક્ષના નેતાઓ ભૂતકાળમાં નદીઓ તથા ડાકુઓની સ્ટોરીઓ સાથે સંકળાયેલા 'ભાદર તારા વહેતા પાણી'ને યાદ કરીને 'ભાદર'ની જગ્યાએ 'ભાજપ' શબ્દ ગોઠવી રહ્યા છે, તો બીજી તરફ કોલકાતા રેપ કાંડ પછી મમતા બેનર્જી રાષ્ટ્રીય ક્ષેત્રે એકલા પડી રહ્યા છે, તેથી કહી શકાય કે દેશની રાજનીતિની દાળ પણ કાળી થવા માંડી છે, ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial