Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશમાં સંસદસભ્યો અને ધારાસભ્યો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત જરૂરી ખરી?

ડો. રાજેન્દ્રપ્રસાદ અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું સ્વપ્ન સિદ્ધ થશે?

તાજેતરમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. અદાલતે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદને યાદ કરીને ધારાસભ્યો-સંસદસભ્યોની શૈક્ષણિક લાયકાતને લઈને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી, અને તેના દેશવ્યાપી પડઘા પડ્યા હતાં.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે દાયકાઓ પહેલા ધારાસભ્યો-સંસદસભ્યોની લઘુતમ શૈક્ષણિક લાયકાતની જરૂર જણાવી હતી. દેશના બંધારણમાં પણ ધારાસભ્યો-સંસદસભ્યોનું મીનીમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નક્કી કરાયું નહીં હોવાથી ડો. રાજેન્દ્રપ્રસાદે સંસદસભ્યો અને ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાને અનિવાર્ય નહીં કરવા બદલ ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાયદાઓ ઘડનારાઓના બદલે કાયદાનો અમલ કરનારાઓ તથા કાયદાનો અમલ કરવામાં મદદ કરનારાઓની ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદના આ શબ્દોને ટાંકીને અદાલતે કહ્યું હતું કે આઝાદીના ૭પ વર્ષ પછી પણ સંસદસભ્યો-ધારાસભ્યો કે જેઓ વિધાનસભાઓ તથા સંસદમાં કાયદાઓ ઘડે છે, તેની શૈક્ષણિક યોગ્યતાના કોઈ માપદંડ જ નક્કી કરાયા નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે.

હકીકતે એક પૂર્વ ધારાસભ્ય સામેની ગુનાઈત ફરિયાદની સુનાવણી દરમિયાન અદાલતે આ ટિપ્પણી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસે ર૬ મી નવેમ્બર ૧૯૪૯ ના દિવસે બંધારણ સભામાં ડો. રાજેન્દ્ર પ્રસાદે કરેલા સંબોધનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કાયદાઓ ઘડનાર કરતા કાયદાનો અમલ કરનારાઓ એટલે કે બ્યુરોક્રેટ્સ અને તેને મદદ કરનાર તાબાના તંત્રોના અધિકારીઓની ઉચ્ચ યોગ્યતાની જોગવાઈઓ પર ભાર મૂકાયો છે, જે યોગ્ય નથી.

આઝાદી મળ્યા પછી અને બંધારણના અમલ પહેલા બંધારણસભામાં થયેલા આ સંબોધનને તે સમયે જ લક્ષ્યમાં લેવાયું હોત, તો આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર બ્યુરોક્રેટ્સ હાવી થતા હોવાની અને વાસ્તવિક સત્તાઓ બ્યુરોક્રેટ્સ ભોગવતા હોવાની ચર્ચા થઈ રહી ન હોત, ખરૂ ને?

દેશ આઝાદ થયો, ત્યારે ટોચની નેતાગીરીના મોટાભાગના નેતાઓ હાયર એજ્યુકેટેડ હતાં, પરંતુ મહામુલી આઝાદીની સત્તામાં સામાન્યમાં સામાન્ય નાગરિક પણ યશભાગી બને, તે પ્રકારની ભાવનાથી કદાચ આ મુદ્દે બંધારણસભાએ નરમ વલણ અપનાવ્યું હશે.

જો કાયદાના ઘડનારાઓ જ અલ્પશિક્ષિત હોય, તો કાયદાની સુધારણા, નવા કાયદાઓ બનાવવા કે જુના બિનજરૂરી કાયદાઓ રદ્ કરવાના મુદ્દે સ્વાભાવિક રીતે જ બ્યુરોક્રેટ્સ પર આધાર રાખવો પડે, અને તેમ થાય તો વાસ્તવિક સત્તા બ્યુરોક્રેસીના જ હાથમાં રહેતી હોય છે.

જો કે, ભારતની સંસદમાં ઘણાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા, પીએચ.ડી થયેલા અને કાનૂની જાણકાર લોકો પણ ચૂંટાયા છે અને દેશના પ્રખર ધારાશાસ્ત્રીઓ, પૂર્વ ન્યાયવિંદે તથા પૂર્વ સનદી અધિકારીઓ પણ ચૂંટાતા રહ્યા છે, તેવી જ રીતે વિધાનસભાઓમાં પણ હવે શિક્ષિત જનપ્રતિનિધિઓ વધી રહ્યા છે, તેમ છતાં ચૂંટણી લડવા માટે કોઈને કોઈ લઘુતમ શૈક્ષણિક લાયકાત નક્કી તો કરવી જ જોઈએ, તેમ નથી લાગતું?

દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે આપણે ભારતમાં શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ, જ્યારે વિશ્વમાં પાંચમી ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિન મનાવાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ પાંચમી સપ્ટેમ્બરે આવતો હોવાથી આપણે ત્યાં દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી થાય છે.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ ચેન્નાઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યા હતાં. ભારતમાં વર્ષ ૧૯૬ર થી દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવાનું શરૂ થયું હતું. આ દિવસ શિક્ષકો-અધ્યાપકો અને પ્રાધ્યાપકોને સમર્પિત હોય છે.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચમી સપ્ટેમ્બર ૧૮૮૮ ના તામિલનાડુના નિરૂમાણી ગામમાં થયો હતો. તેઓ આજીવન શિક્ષક હતાં, તેમ કહી શકાય.

તેઓ વર્ષ ૧૯૬ર માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેઓનો જન્મ દિવસ ઉજવવાની વિનંતી કરી, ત્યારે તેઓએ પોતાનો જન્મ દિવસ ઉજવાય, તેવી અલગથી ઉજવણી કરવાની ના પાડી હતી, પરંતુ જ્યારે મિત્રો તથા વિદ્યાર્થીઓએ આગ્રહ કર્યો ત્યારે તેઓએ પાંચમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવાનું જણાવી દેશમાં સાક્ષરતા અને શિક્ષણનો વ્યાપ વધારવાની સહમતિ આપી હતી, અને તે પછીથી દર વર્ષે ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી થતી રહી છે.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવી રીતે દેશમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂકી રહ્યા હતાં, તેવી જ રીતે તે પહેલા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ કમ-સે-કમ સંસદ અને વિધાનસભા-વિધાન પરિષદો, કે જ્યાં કાયદાઓ ઘડાય છે, ત્યાં જન-પ્રતિનિધિઓની લઘુતમ શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતાના આગ્રહી હતાં.

આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, ગુરુવંદના, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાંકળીને વિવિધ કાર્યક્રમો તથા સ્વયં શિક્ષણ પ્રવૃત્તિઓ થતી હોય છે. આ દિવસને ટિચર્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.

શિક્ષકો દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરે છે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં શિક્ષણેત્તર જનસેવામાં પણ સ્વયંભૂ લાગી જતા હોય છે. ચૂંટણીઓ, વસતિ ગણતરી, રાષ્ટ્રીય સર્વેક્ષણો વગેરે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ શિક્ષકો જ મોટાભાગે સંપન્ન કરતા હોય છે, અને તેથી જ શિક્ષકોનું સમાજમાં આદરણીય સ્થાન હોય છે.

જો વિધાનસભા-લોકસભા-રાજ્યસભામાં તમામ જનપ્રતિનિધિઓ શિક્ષિત હોય તો જ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક અને વૈજ્ઞાનિક તથા વૈધાનિક બાબતોની તેઓને જાણકારી હોય, તો તમામ સાંસદો કે ધારાસભ્યો દ્વારા વિવિધ ઉપયોગી સૂચનો, અભિપ્રાયો કે પ્રસ્તાવો ગૃહમાં રજૂ થાય, તો કાયદાઓ, ઠરાવો અને સામૂહિક નિર્ણયો વધુ સ્પષ્ટ, લોકલક્ષી અને ખામી કે કચાશ વગરના બને, જેથી આપણો દેશ વધુ મજબૂત બની શકે, તેમ ઈચ્છતા હોઈએ તોઈ આ મુદ્દો હવે 'જનઆંદોલન' બનવો જોઈએ તેમ નથી લાગતું?

પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં થયેલી ચર્ચા અને ટિપ્પણીઓ વાસ્તવમાં દેશના જાગૃત નાગરિકોનો અવાજ છે, કાયદાનો અમલ કરાવનારા ઉચ્ચ અધિકારીઓ માટે હાયર ક્વોલિફિકેશન હોય અને અનેક પ્રકારની આકરી કસોટીઓ તથા પરીક્ષાઓ પાસ કરવી પડતી હોય, ત્યારે કાયદાઓ ઘડનારાઓ કમ-સે-કમ ગ્રેજ્યુએટ કે મેટ્રિક્યુલેટ તો હોવા જ જોઈએ ને?

એવું નથી કે અભણ કે અલ્પશિક્ષિત લોકોમાં ઘણાં ઓછું ભણેલા લોકો પણ સ્વભાવે સિદ્ધિઓના શિખરો સર કરી લેતા હોય છે, પરંતુ કમ-સે-કમ કાયદાઓ ઘડનારાઓ માટે કોઈને કોઈ લઘુતમ શૈક્ષણિક લાયકાત તો નક્કી કરવી જ જોઈએ ને?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો તથા સહકારી ક્ષેત્રોના પદાધિકારીઓ માટે પણ કમ-સે-કમ હાયર પ્રાયમરી કે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ અનિવાર્ય બનાવવું જોઈએ, તેવા મંતવ્યો પણ ગંભીરતાથી વિચારવા જેવા ખરા...

જો શિક્ષણનું પ્રમાણ વધશે, તો જ આપણા દેશમાં ઝડપી, સસ્તો અને સરળતાથી ન્યાય મળતો થશે, અને લોકો પણ અડધા વકીલ જેવા થઈ જશે, ત્યારે નિરર્થક કેસોનું ભારણ પણ આપોઆપ ઘટી જશે અને વિધાનગૃહો-સંસદમાં હો-હો-દેકારા કરવાના સ્થાને સાર્થક ચર્ચાઓનો વ્યાપ વધશે, તેમાં શંકાને સ્થાન નથી.

અત્યારે ટોપ ટુ બોટમ અદાલતોમાં કેસોનો ભરાવો થયો છે, અને નવા કેસો ઉમેરાતા જાય છે. સંખ્યાબંધ કેસો વર્ષોથી ચાલી રહ્યા છે, તો ઘણાં કેસોનો નિવેડો આવ્યા પછી અપીલોમાં અટવાયા છે. આ સ્થિતિ નિવારવા લોઅર કોર્ટ્સથી લઈને હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટ સુધી ઉપાયો શોધવામાં આવી રહ્યા છે, અને કેસોના ઝડપી નિકાલ માટે નવા નવા અભિગમો અપનાવાઈ રહ્યા છે. વસતિ વધારો, ગુન્હાખોરીમાં વધારો, સાયબર ક્રાઈમના નવા પડકારો અને પોલિટિક્સ પ્રેરિત ખટલાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે હવે સિસ્ટમમાં આમૂલ પરિવર્તન પણ સમયની માંગ છે.

હવે લોક અદાલતો અને પ્રિલિટિગેશન લોકઅદાલતોના માધ્યમથી સંખ્યાબંધ કેસોના સમાધાનકારી ઉકેલ લાવવામાં આવી રહ્યા છે. આ પ્રિવેન્ટિવ અભિગમના કારણે પક્ષકારોને ખોટા ખર્ચાઓ અને ટેન્શનમાંથી મુક્તિ મળે છે અને અદાલતોમાં કેસોનું ભારત પણ ઘટી શકે છે.

મહત્ત્વનું એ છે કે આ માટે પોલિટિકલ વિલપવાર અથવા રાજકીય તથા આસકીય ઈચ્છાશક્તિ હોવી જોઈએ, 'મન હોય તો જ માળવે જવાય' તે સિદ્ધાંત મુજબ આ અંગે પ્રબળ ઈચ્છાશક્તિ અને સરકાર, ન્યાયતંત્ર તથા સંસદ-વિધનગૃહો વચ્ચે સહમતિ સાથેનું સુદૃઢ સંકલન વધવું પણ અત્યંત જરૂરી છે.

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial