રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટના કડક વલણ પછી પણ ગુજરાતમાં આ સમસ્યા પૂરેપૂરી ઉકેલાઈ રહી નથી, ત્યાં હવે સમગ્ર રાજ્યમાં ડોગ બાઈટની ભયાનક સમસ્યા વધુને વધુ વકરી રહી છે, અને કરડતા કૂતરાઓની જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે તેના પર અંકુશ માટે સરકાર હવે કોઈ પરિણામલક્ષી કદમ ઊઠાવે, તેવી માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે. જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં આ સમસ્યા ઘેરી બની હોવા છતાં તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ડોગબાઈટના કેસોના આંકડા ચર્ચામાં આવ્યા છે. જાગૃત નાગરિકો પોતાના પરિવારના કોઈપણ સભ્યને સાદુ કૂતરૂ પણ કરડી જાય, તો તુર્ત જ સામૂહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફત સરકારી હોસ્પિટલો સુધી પહોંચે છે અને ડોગ બાઈટની વેક્સિનના ઈન્જેક્શનો મૂકાવે છે, જ્યારે (મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત સાદુ કૂતરૂ કરડી જાય, ત્યારે લોકો ઘરગથ્થુ ઈલાજ પણ કરી લેતા હોય છે કે પછી અંધશ્રદ્ધાના ચક્કરમાં અટવાતા હોય છે, અને હડકાયું કૂતરૂ કરડ્યું હોવાની આશંકા હોય ત્યારે જ સરકારી દવાખાના કે હોસ્પિટલોનો સંપર્ક સાધતા હોય છે, જેથી ઘણી વખત પછીથી મુશ્કેલીમાં પણ મૂકાતા હોય છે.
આમ, સરકારી ચોપડે જે આંકડા નોંધાતા હોય છે, તે માત્ર વેક્સિનના ઈન્જેક્શન મૂકાવવા પહોંચતા લોકોના જ હોય છે. સૌરાષ્ટ્રમાં કૂતરા કરડ્યા પછી વેક્સિનના જિલ્લાવાર આંકડાના અંદાજો પણ ચર્ચામાં આવ્યા હતાં અને દરરોજ પંદર-વીસ લોકો (એવરેજ) ઈન્જેક્શનો મૂકાવવા આવતા હોવાનું બહાર આવ્યું છે.
વિવિધ શહેરોની સરકારી હોસ્પિટલોમાં દરરોજ ડોગ બાઈટ પછી વેક્સિનના ઈન્જેક્શનોની સરેરાશ સંખ્યાના આંકડાઓ મુજબ દરરોજ સરેરાશ ૪૦ થી પ૦ લોકો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અને રપ થી ૩૦ લોકો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઈન્જેક્શનો મૂકાવવા પહોંચે છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ દરરોજ સરેરાશ ૪૦ જેટલા લોકોની ડોગબાઈટની સારવાર થતી હોવાનું અને પોરબંદરની સિવિલ હોસ્પિટલનો આ આકંડો પણ બાર-પંદર દર્દીઓનો છે.
એન્ટી રેબિસ વેક્સિનેશનના આ આંકડા તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે, પરંતુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ઘણાં લોકો ડોગબાઈટ પછી સારવારમાં લાપરવાહી કે અધકચરા કે અયોગ્ય ઉપાયો કરીને ચલાવી લેતા હોવાની વરવી વાસ્તવિક્તા પણ ચર્ચાઈ રહી છે.
બીજી તરફ ડોગબાઈટ સંદર્ભે એન્ટી રેબિસ વેક્સિન મૂકવાની સુવિધા સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ હોવાથી આ પ્રકારે કૂતરા કરડ્યા પછી સારવાર માટે આવતા લોકો સાથે સંવેદનશીલ એપ્રોચ સાથે વેક્સિન ઉપરાંત ડોગબાઈટની સ્થિતિ એટલે કે કૂતરાએ ભરેલું બચકુ, કેવડુ છે અને તેની તીવ્રતા કેટલી છે, તેની ચકાસણી કરીને એન્ટી રેબિસ વેક્સિન મૂકવા ઉપરાંત જરૂરી પાટાપીંડી, સારવાર કરીને જરૂરી દવાઓ પણ તબીબો-નર્સીંગ સ્ટાફે જે-તે દર્દીઓને આપવા જોઈએ, અને ઘણી સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના કિસ્સામાં દર્દીને હૂંફ આપીને ગંભીરતાપૂર્વક સારવાર થતી પણ હશે, પરંતુ હાલાર સહિતની કેટલીક હોસ્પિટલોમાં કોઈપણ ચકાસણી કે સારવાર કર્યા વગર જ દર્દીને માત્ર એન્ટી રેબિસ વેક્સિન આપીને રવાના કરી દેવામાં આવે છે. તે પછી તે દર્દીને ઈન્ફેક્શન કે પાક થઈ જતા ગંભીર પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને લાંબા સમય સુધી ડ્રેસીંગ અને સારવાર લેવાની નોબત આવે છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આ પ્રકારના મુશ્કેલીમાં મૂકાયેલા દર્દીઓની હાલાકી માટે જવાબદાર કોણ?
કરડતા કૂતરાઓને ઘટાડવા માટે કોઈ નક્કર પોલિસી જ નથી. હડકાયા કૂતરાને તો નાછૂટકે મારવા પડે, પરંતુ સાદા કૂતરાઓને મારી નાંખવાની મનાઈ હશે અને આમ પણ આપણી અહિંસક સંસ્કૃતિના કારણે આપણે બધા કૂતરાઓને મારી ન કાઢીએ, તો પણ રખડતા ઢોરની જેમ રખડુ કૂતરાઓને પકડીને કોઈ ડોગ હાઉસ કે એવી કોઈ વ્યવસ્થાઓ રાજ્યવ્યાપી બનાવીને તેમાં ખસેડવા અને વંધ્યીકરણ અથવા ખસીકરણની ઝુંબેશો (માત્ર કાગળ પર જ નહીં, પરંતુ વાસ્તવમાં) સતત ચલાવીને કૂતરાઓની જનસંખ્યા નિયંત્રણના કદમ તો સરકાર ઊઠાવી જ શકે ને? સરકાર અને તેના તંત્રો આ મુદ્દે ગંભીર કેમ નથી?
જો સરકાર અને તેના તંત્રો રખડતા ઢોર અને કરડતા કૂતરાઓની સમસ્યા નિવારવા કે ઘટાડવા માંગતા હોય તો આ માટે જાહેર ચર્ચાઓ, ગ્રુપ ડિસ્કશનો, હેસ-ટેગ ઓપિનિયનો, સોશિયલ મીડિયા તથા ટ્રેડિશ્નલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોના અભિપ્રાયો-માંગણીઓ-ફરિયાદોનું સંકલન કરીને કોઈ રાજ્યવ્યાપી નક્કર પોલિસી તો બજાવી જ શકેને? ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને એક મીશન તરીકે ઉપાડવાની જરૂર છે, જો રાજ્ય સરકાર રખડતા ઢોર અને કરડતા કૂતરાઓની સામેની ઝુંબેશ ભૂતકાળની સ્ત્રીભૃણ હત્યા વિરોધી ઝુંબેશની જેમ (સતત) ઉઠાવશે, તો ભૂપેન્દ્રભાઈ પણ નરેન્દ્રભાઈની જેમ એક સામજિક ક્રાંતિનો હિસ્સો બની શકે છે, ખરૃં કે નહીં?
ડોગબાઈટની જેમ જ બેડ બાઈટની સમસ્યા પણ ખતરનાક બની રહી છે, અને હવે વિકૃત કે ઘાતક હરકતોનુ સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર વહેતા થયા હતાં કે કોઈ વૃદ્ધાને નાના બાળકને રડતું છાનું રાખવા(!) એટલા બધા બટકા ભર્યા કે તે મરી ગયું. આ પ્રકારની હરકતને ઘાતક બેડબાઈટ કહેવાય. ડોગ બાઈટ અને બેડબાઈટના મુદ્દે 'ઉધામા' તો થાય છે, પરંતુ 'ઉકેલ' શોધવાની જરૂર છે, કારણ કે વર્તમાન યુગમાં હવે નાના-કૂમળા બાળકો અને ખાસ કરીને કૂમળી વયની કન્યાઓ, કે જેવો હજુ માંડ ચાલતા-દોડતા કે થોડુ-ઘણું સમજતા શિખી રહી હોય, તેની સાથે વિકૃત હરકતો સાથે આળ-પંપાર કરીને પપ્પીઓ કે નાના બટકા ભરીને વહાલ કરવાની આડમાં બીભત્સ આનંદ(!) મેળવવાનો પ્રયાસ કરતા છૂપા ભેડિયાની માનસિકતા ધરાવતા લોકોથી પણ સાવધ રહેવાની તાતિ જરૂર છે.
આ પ્રકારની બટકા-બટકી ભરવાને 'વિકૃત બેડબાઈટ' કહેવાય, જેનો વ્યાપ તેજીથી વધી રહ્યો હોવાથી નાના બાળકોના માતા-પિતા ઉપરાંત સમાજે જાગવાની જરૂર છે અને સરકારે વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial