દેશના ઘણાં રાજ્યોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની હકારાત્મક અસરો થઈ છે, અને ર૧ શહેરોમાં વાયુ પ્રદુષણ ૪૦% (ચાલીસ ટકા) સુધી ઘટી ગયું હોવાના અહેવાલો આવ્યા છે, તે ઉપરાંત છેલ્લા સાત વર્ષમાં અમદાવાદ, રાજકોટ સહિત ૧૪ શહેરોમાં પીએમ ૧૦ પોલ્યુશન ૩૦ થી ૪૦ ટકા ઘટી ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ આ સમયગાળામાં વાયુ પ્રદુષણ ર૦ થી ૩૦ ટકા ઘટી ગયું હોવાના અહેવાલો છે. એનસીએપીના રિપોર્ટ મુજબ દેશના ૧૩૧ પ્રદુષિત શહેરોમાંથી ૯પ શહેરોમાં એરક્વોલિટી સુધરી છે, અને તેનો આધાર કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો 'ડેટા' છે. જો હવાઈ પ્રદુષણ, જમીની પ્રદુષણ, ધ્વનિપ્રદુષણ અને જળપ્રદુષણમાં ઘટાડો થતો હોય તો તે આવકાર્ય છે, પરંતુ 'ડેટા' અને 'વાસ્તવિકતા' માં સુસંગતતા હોવી જોઈએ, ખરૃં કે નહીં...?
આપણા દેશમાં ઘણાં બધા ઉત્સવો ઉજવાય છે અને ગણેશોત્સવ સમયે નાચ-ગાન, ગીત-સંગીત સાથે પ્રોસેશનો નીકળે, ઠેર-ઠેર ગણેશ સ્થાપનો થાય અને ધામધૂમથી ઉત્સવ ઉજવાય, તે પણ એક અનોખી વિશેષતા છે ને...?
વિવિધ માન્યતાઓ, ધર્મ-સંપ્રદાયો, વૈવિધ્યપૂર્ણ અને હજારો પ્રકારના રીતિ-રિવાજો હોવા છતાં ભારતમાં જે રીતે નહીંવત અપવાદો સિવાય લોકો હળીમળીને આનંદપૂર્વક તમામ તહેવારો ઉજવતા રહ્યાં છે. અત્યારે ગણેશોત્સવ ઉજવાય રહ્યાં છે, ધામધૂમનો માહોલ છે, ત્યારે પીએસબી અને સુરક્ષાતંત્રો, વહીવટી તંત્રો તરફથી વારંવાર લોકોને જુદા-જુદા પ્રકારની ચેતવણીઓ પણ અપાઈ રહી છે. પ્રોસેશન સમયે વીજળીના વાયરોને સ્પર્શી જવાથી કરૂણ દુર્ઘટના ન સર્જાય. કોઈપણ પ્રકારની આગ-અકસ્માત કે ભાગદોડની ઘટના ન બને અને પર્યાવરણની સુરક્ષા કરીને પ્રદુષણ રહિત અને ઈકો-ફ્રેન્ડલી ઉજવણી થાય, તે માટે જુદા-જુદા તહેવારો સમયે લોકોને સતર્ક કરીને વિવિધ ગાઈડલાઈન્સ પણ અપાતી હોય છે.
ગણપતિ બાપા બધાની રક્ષા કરે જ છે, અને મંગલમય આશીર્વાદ વરસાવતા જ રહે છે, પરંતુ જ્યારે કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન બને, કર્ણપ્રિય ગીત-સંગીત-નૃત્ય અને ભક્તિનાદના સ્થાને ઘોંઘાટ કે ભાગદોડ ન થાય કે દર્દીઓ, વિદ્યાર્થીઓ કે ટ્રાફિકને તકલીફ ન પડે, તેની કાળજી રાખવાની ફરજ તો આપણી જ છે ને...? દુંદાળા દેવ ગણપતિ બાપા પણ આવું જ ઈચ્છતા હશે ને...?
એક તરફ હવાઈ પ્રદુષણની વાતો થઈ રહી છે, તો બીજી તરફ દેશમાં હવે પોલિટિકલ એન્વાયર્મેન્ટ વધુ ગરમી પકડી રહેલું જણાય છે. ખાસ કરીને બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા પછી બૃજભૂષણ શરણસિંહે કોંગ્રેસ અને પહેલવાનો પર પ્રહારો તો કર્યા, પરંતુ હવે ભાજપની ઉચ્ચ નેતાગીરીએ પણ તેને "માપ" માં રહેવા જણાવીને બફાટ કરવા પર નિયંત્રણ રાખવાનું જણાવી દીધું હોવાના અહેવાલો આવ્યા પછી એવા પણ અહેવાલો આવ્યા કે બજરંગ પુનિયાને કોઈએ ધમકી પણ આપી છે, તે પછી વિપક્ષો બૃજભૂષણ પર તડાપીટ બોલાવી રહ્યાં છે અને રાજકીય માહોલ ગરમાયો છે.
હરિયાણામાં તો રાજકીય વાતાવરણ એટલું ગરમાયું છે કે, દેવીલાલ - બંસીલાલ, ભજનલાલના સમયગાળામાં આયારામ, ગયારામની જે શરૂઆત થઈ હતી, તેના પર રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે અંકુશ મૂક્યો ત્યાં સુધીની "ઐતિહાસિક" ઘટનાઓની યાદ તાજી કરવામાં આવી રહી છે, અને ભાજપમાંથી થઈ રહેલું "પલાયન" બદલાવ કોઈ રાષ્ટ્રવ્યાપી બદલાવના સંકેતો હોવાનું ઘણાં રાજકીય પંડિતો માને છે, જે-તે ભાજપવાળા નકારે છે. પક્ષપલ્ટો કરીને કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીમાં જઈ રહેલા હરિયાણા ભાજપના દિગ્ગજો તથા પાર્ટીને વફાદાર રહેલા દિગ્ગજો વચ્ચેની નિવેદનબાજીથી એટલું તો નક્કી જણાય છે કે, આ વખતે ભાજપ માટે હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ અઘરી છે, અને તેમાં પણ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનના અહેવાલો પછી હવે ભારતીય જનતા પક્ષ માટે વધુ કપરાં ચઢાણની સ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે, હવે એર પોલ્યુશનની જેમ જ પોલિટિકલ એન્વાયર્મેન્ટમાં પણ બદલાવ આવી રહ્યો છે, જો કે, આ પ્રદુષણ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે તે હરિયાણાની જનતા નક્કી કરશે, ખરૃં ને...?
જામનગરમાં તો ભારે વરસાદ પછી તમામ પ્રકારના "પ્રદુષણો"વધી રહ્યાં હોય, તેમ જણાય છે. તડકો પડવાથી કાદવ-કીચડ સુકાયા પછીની સ્થિતિના કારણે સાર્વત્રિક અલગ જ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે, અને તમામ માર્ગો, ધોરી માર્ગો અને આંતરિક માર્ગો તદ્દન બિસ્માર અને બરબાદ થઈ ગયા હોવાથી એવું કહી શકાય કે ખાડાઓમાં માર્ગો તો ગાયબ જ થઈ ગયા હોય તેમ જણાય છે...!
અલનીનો અંગે તો ઘણાંએ સાંભળ્યુ હશે, પરંતુ હવે "લા નીનો' શબ્દો પણ પ્રચલીત થવા લાગ્યા છે. અસહ્ય ગરમી પછી ભારેથી અતિભારે વરસાદ, અવિરત મેઘવૃષ્ટિ એન ભારે પૂરની સ્થિતિ પછી હવે લા નીનાની અસરોના કારણે શિયાળામાં કડકડતી ઠંડી પડવાની નવી આગાહી પણ થઈ છે, તો બીજી તરફ દેશમાં "મંકી પોક્સ" નો એક દર્દી દેખાતા નવી જ ચિંતા ઊભી થઈ ગઈ છે, અને હેલ્થ એન્વાયર્મેન્ટ પર પણ ખતરો ઊભો થયો છે.
આ તમામ સમસ્યાઓ, ચિંતાઓ અને રાજકીય ઉથલ-પાથલો વચ્ચે અત્યારે ઉજવાય રહેલા ગણેશોત્સવ પછી હવે મુસીબતોનો અંત આવે અને વિઘ્નો ઝડપભેર દૂર થાય તેવી ગણેશજીને પ્રાર્થના....!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial