Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સેવા પખવાડિયાની ઉજવણી... સરકારી કર્મચારીઓનું આંદોલન... 'સંયોગ' કે પ્રયોગ ?...

ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તેવા જ સમયે ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ રશિયા જઈ રહ્યાં છે, અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ પ્રસ્તાવની દિશામાં આગળ વધશે, તેવા અહેવાલો પછી વૈશ્વિક પ્રવાહોમાં એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે, વિવિધ કારણોસર વિશ્વના મોટાભાગના દેશો રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ થઈ જાય તેમાં રસ ધરાવે છે, તો અમેરિકા અને યુરોપિયન દેશો પણ યુક્રેનને સમર્થન આપી રહ્યાં છે, પરંતુ યુદ્ધ લાંબુ ચાલી રહ્યું હોવાથી મત-મતાંતરો ઊભા થયા હોવાનું કહેવાય છે, ત્યારે ભારતની આ આંતરરાષ્ટ્રીય પહેલ વિશ્વમાં ચર્ચાના કેન્દ્રમાં છે. બીજી તરફ રાહુલ ગાંધીએ અમેરિકામાં કરેલા કેટલાક સ્પષ્ટ નિવેદનો પછી હવે ઘર આંગણે રાજનીતિમાં તેના કેવા પ્રત્યાઘાતો પડે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. વિપક્ષી વર્તુળો તો એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, મણીપુરમાં સ્થિતિ થાળે પાડી શક્યા નથી, તેઓ વિશ્વશાંતિ માટે નીકળ્યા છે...!

રશિયા-યુક્રેનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની તરફેણ પણ થઈ રહી છે અને ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે, તેવામાં ગુજરાતનો તેઓનો સૂચિત પ્રવાસ પણ ચર્ચામાં છે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં હોય, તેવા સમયે જ કર્મચારીઓના સૂચિત આંદોલનના કારણે ઊભી થયેલ વિચિત્ર સ્થિતિના નિવારણ માટે ગૂપચૂપ પ્રયાસો થઈ રહ્યાં હોવાની વાતો પણ વહેતી થઈ છે, તો બીજી તરફ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગાંધી જ્યંતી-બીજી ઓક્ટોબર સુધી દેશવ્યાપી સેવા પખવાડિયુ ઉજવવાની જાહેરાત પણ કરી દીધી છે, જે ઘણી જ સૂચક છે.

આ પખવાડિયા દરમિયાન પેરિસ પેરાલિમ્પિકસમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું સન્માન, દિવ્યાંગોને સાધન-સહાય, "એક પેડ માઁ કે નામ" હેઠળ સામૂહિક વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, વયોવૃદ્ધ મહિલાઓ માટે વિશેષ નિઃશુલ્ક હેલ્થ કેમ્પ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જ્યંતીની ઉજવણી સહિતના વિવિધ કાર્યક્રમો અને સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.

બીજી તરફ ગુજરાત રાજય સરકારના કર્મચારીઓએ પણ ૧૭મી સપ્ટેમ્બરે જ વિવિધ પ્રશ્નોને લઈને તબક્કાવાર આંદોલનની શરૂઆત કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, અને ૧૭મી સપ્ટેમ્બરે જ "પેન ડાઉન" સ્ટ્રાઈક કરશે, તેવા અહેવાલો પછી ભાજપમાં ગૂસપુસ શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે. કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવા, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા, વર્ષ-ર૦રર ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સરકારે કરેલા વાયદાઓનું પાલન કરવા અને ખાતાકીય પરીક્ષાઓ સહિતના મુખ્ય પડતર ૧૦ પ્રશ્નોને લઈને આ આંદોલન શરૂ થવાનું છે. આ કારણે ભાજપ દ્વારા તા. ૧૭-સપ્ટેમ્બરથી બીજી સપ્ટેમ્બર સુધી યોજાનારા વિશેષ દેશવ્યાપી કાર્યક્રમો ટાણે જ ગુજરાતમાં કર્મચારીઓનું આંદોલન થાય, અને તેની વચ્ચે વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતનો સંયોગ રચાય, તો જે સ્થિતિ સર્જાય, તેની દેશવ્યાપી ચર્ચા પણ થઈ અને "ગુજરાત મોડલ" પર વ્યંગ સાથે વિપક્ષો પણ તૂટી પડે તેમ હોવાથી ડેમેજ કંટ્રોલ કરવા અને આંદોલન અટકાવવા રાજય સરકારે પાંચ-પાંચ મંત્રીઓ અને દોઢ ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

અહેવાલો તો એવા પણ છે કે, કર્મચારી યુનિયનો સાથે બે કેબિનેટ અને ત્રણ રાજયકક્ષાના મંત્રીઓએ ઉચ્ચ અધિકારીઓની ફોજને હાજર રાખીને માથાપચ્ચી કર્યા છતાં પડતર પ્રશ્નોને લઈને ગોળ-ગોળ વાતો કરી, પરંતુ કોઈ નક્કર ખાતરી કે લેખિત બાહેંધરી નહીં આપતા મંત્રણાઓ ભાંગી પડી હતી. વિધાનસભાની ચૂંટણીઓ સમયે આ જ રીતે "હૈયાધારણા" અને મૌખિક ખાતરીઓ અપાઈ હોવા છતાં તેના સંદર્ભે સંતોષજનક પગલાં જ નહીં લેવાયા હોવાથી હવે કર્મચારીઓ સરકારનો વિશ્વાસ કરે તેમ નથી, અને યોગાનુયોગ (!).

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અને ગુજરાતના સંભવિત પ્રવાસના સમયે જ કર્મચારીઓએ આંદોલનની ચિમકી આપી હોવાથી રાજયના પાટનગરથી લઈને દેશની રાજધાની સુધી આંતરિક હલચલ મચી ગઈ હોવાની ચર્ચા પછી હવે વિપક્ષી નેતાઓ પણ આ મુદ્દો હાથથી જવા દેવા નહીં દે, અને યોગ્ય "ટાઈમીંગ" ગોઠવાય રહ્યું હોવાની ગપચપ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે, આ સંયોગ છે કે પ્રયોગ છે, તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

આવતા અઠવાડિયા પછી પીએમનો જન્મદિન એવા પખવાડિયાની ઉજવણી માટે હડિયાપટ્ટી થઈ રહી છે, તેવા સમયે જ રાજ્યમાં કોમી તોફાનો થયા અને સુરતમાં હિંસક ઘટનાઓ બની, તેને લઈને પણ ઉચાટ ફેલાયો હતો, પરંતુ રાજય સરકાર અને પોલીસ તંત્રે હિંસાની આગ ફેલાતી અટકાવી દીધી હોવાનો દાવો કર્યો છે, તેમ છતાં હવે રાજયવ્યાપી એલર્ટ અપાઈ ગયું છે, અને તોફાનો કે હિંસા કરતી કોઈપણ વ્યક્તિ સામે કડક પગલાં લેવાની કડક સૂચનાઓ અપાઈ હોવાના અહેવાલો છે, તો બીજી તરફ 'બુલડોઝર' એકશન પણ ચર્ચાસ્પદ બન્યું છે.

સુરતમાં તો હિંસક તોફાનો પછી ગેરકાયદે બાંધકામો હટાવવા બુલડોઝર મોકલાયા હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ જામનગરમાં સાધના કોલોની એરિયા પછી હવે ૧૪૦૪ આવાસોના વધુ બે બ્લોક્સના ડિમોલીશન તથા ૧૦ માળના પાંચ ટાવર કરોડોના ખર્ચે નિર્માણ કરવાના અહેવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે... બીજી તરફ મંકી પોક્સની ગાઈડલાઈન હજુ સુધી ટોપ-ટુ-બોટમ પહોંચી હોય તેમ જણાતું નથી.

ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વિધ્નહર્તા ગણપતિજી સૌને સદ્બુદ્ધિ આપે, બધાની મનોકામનાઓ સંતોષે અને શાંતિ-સદ્ભાવના જળવાય રહે તેવું પ્રાર્થીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial