આ વર્ષે ચોમાસું ભારે રહ્યું. આખા ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. સરકારે છેલ્લા છ મહિનાથી કરેલી પ્રિમોન્સૂનની કામગીરી પર ફક્ત છ દિવસના વરસાદે પાણી ફેરવી નાખ્યું. સરકારે આ પ્રિમોન્સૂનની કામગીરીનું કાગળ પર પરફેક્ટ પ્લાનિંગ કરી રાખ્યું હતું, બસ તેનો અમલ કરવાનું મુહૂર્ત આવતું ન હતું.
પરંતુ ઇન્દ્ર રાજાને તો આવું કોઈ મુહૂર્ત જરૂર નહોતી. સમય થયો અને વરસાદ વરસ્યો. એવો તો વરસાદ વરસ્યો કે સમગ્ર ગુજરાત પાણી પાણી થઈ ગયું. સરકારે બનાવેલા પ્રિમોન્સૂનની કામગીરીના બધા જ પ્લાન, સિમેન્ટ કે લોખંડ વગર બનાવેલા પુલની જેમ જ, અથવા તો ડામર વગર બનાવેલા રસ્તાની જેમ જ ધોવાઈ ગયા... !!
આ વર્ષે વરસાદ પણ ખુબ જ વરસ્યો. સતત ૧૦ થી ૧૨ દિવસ સુધી વરસ્યો. હવે વરસાદ રહી ગયો છે ત્યારે ઘરે ઘરે માંદગીએ દર્શન દીધા છે. અને સૌથી મોટી તકલીફ એ છે કે બધા જ દવાખાને ખૂબ જ ભીડ છે. અને ડોક્ટરો ખૂબ જ બીઝી હોય છે.
હવે એક ડોક્ટર કે જે સવારથી જ સતત દર્દીઓને તપાસતો હોય છે, તે બપોરે અઢી ત્રણ વાગે માંડ ઘરે જઈને જમવા બેઠો હોય, અથવા તો જમીને પછી પાંચ દસ મિનિટ આરામ કરતો હોય, એને કોઈ ફોન કરીને પૂછે કે, *ડોક્ટર સાહેબ, શું કરો છો અત્યારે ?* તો તેને કેટલો ગુસ્સો આવે ?
ડોક્ટર રાજન તો કહે છે કે આવા સમયે અમને પણ બહુ ખતરનાક જવાબ સુઝતા હોય છે, અલબત્ત અમે આપતા નથી..!!
ઘણીવાર તો ડોક્ટર જ્યારે દર્દીને તેની ઉંમર પૂછે છે ત્યારે, દર્દીની પહેલા જ તેની સાથે આવેલા શુભચિંતકો તેની ઉંમર જણાવે છે, બિલકુલ અલગ અલગ ! કદાચ બંને ખોટી પણ હોય. ભાઈ સાહેબ, ઘરેથી જ પહેલા સાચી ઉંમર જાણીને આવતા હો તો..!
વળી ડોક્ટરો વ્યાજબી રીતે જ એવો આગ્રહ રાખે છે કે તમારી માંદગી વિશે તમે સીધુ જ અમને જણાવો. ઘરમાં તમારી માંગી વિશે સૌનો અભિપ્રાય શું છે તે ડોક્ટરને જણાવવાની જરૂર નથી..!
આજકાલ માનસિક રોગોનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. એક ભાઈ સતત ટેન્શનમાં રહેતા હતા અને તેની ઊંઘ પણ ઉડી ગઈ હતી. આથી તેઓ એક સાઇકિયાટ્રિસ્ટને દેખાડવા ગયા. ડોક્ટરે ચેકઅપ કર્યું, અલગ અલગ પ્રકારના ટેસ્ટ કર્યા અને પછી તે ભાઈને જરૂરી ટ્રીટમેન્ટ લખી આપી. છેલ્લે ડોક્ટરે તેના પત્નીના હાથમાં એક દવાની પડીકી આપી અને કહ્યું, *બેન તમારે પણ આમાંથી રોજ રાત્રે એક ગોળી લેવાની છે..*
*શેની ગોળી છે આ ?* પેલા બેને પૂછ્યું.
*ઊંઘની ગોળી છે...*
*પરંતુ મારે શા માટે લેવાની ?*
*તમને સારી ઊંઘ આવે અને તેથી તમારા પતિદેવને એકદમ શાંતિ રહે તે માટે...!!* ડોક્ટરે તેની શંકાનું સમાધાન કરતા કહ્યું.
સામાન્ય રીતે કોઈપણ રોગની દવા લઈએ ત્યારે તેની થોડી ઘણી આડઅસર તો હોય જ છે. એવી જ રીતે ક્યારેક ઘરમાં કોઈ એક વ્યક્તિની સારવાર ચાલતી હોય તો તેની સાથે સાથે બીજાની તબિયત પણ સુધરી જતી હોય છે. દા.ત. હમણાં એક ભાભીએ દાઢ કઢાવી... સ્વાભાવિક રીતે જ ચાર દિવસ સુધી તેનું મોઢું બંધ રહ્યું.
....અને આ ચાર દિવસમાં ભાઈનું વજન બે કિલો વધી ગયું...!!
વિદાય વેળાએ : આંખનું ઓપરેશન કરાવીને બહાર આવેલા ભાઈના હાથે પ્લાસ્ટર જોઈને નર્સે પૂછ્યું, *સર, આનું તો આંખનું ઓપરેશન કર્યું છે. તો પછી તેના હાથમાં પ્લાસ્ટર કેમ ?*
હસીને ડોક્ટરે જવાબ આપ્યો, *વોટ્સએપ, ફેસબુક કે ઇન્સટાગ્રામ ન કરે એના માટે...!!*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial