Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ અને એથ્લેટ્સની વિજયયાત્રા અને તવારીખ...

ખેલજગત અને રાજનીતિમાં સમાનતા શું છે? કેટલાક ખેલાડીઓની રાજકીય સફર...

ખેલાડી જ્યારે મેદાનમાં ઉતરે, ત્યારે તે પૂરી તાકાતથી રમે છે અથવા પરફોર્મન્સ કરે છે, અને તે સમયે તે પોતાનું અસ્તિત્વ ભૂલીને માત્ર ને માત્ર ખેલાડી જ બની જતો હોય છે. આપણી ટીમના ઘણાં ખેલાડીઓ વિવિધ નોકરી-વ્યવસાયો તથા અન્ય ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા જ હશે, પરંતુ જ્યારે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કે ખેલના મેદાનમાં ઉતરતો હોય છે, ત્યારે તે પોતાના દેશના ગૌરવને કેન્દ્રમાં રાખીને જ પોતાની જાતને નિચોવી નાંખતો હોય છે. આઝાદી પહેલા અને પછી સંખ્યાબંધ ભારતીય ખેલાડીઓએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે, અને એ જ ખેલાડીઓએ ખેલજગત ઉપરાંત પણ વિવિધ ક્ષેત્રે ઝળહળતી સેવાઓ મેળવી છે અને સેવાક્ષેત્ર તથા માનવતાના ક્ષેત્રે પણ પૂર્ણપણે યોગદાન આપ્યું હોય તેવા સંખ્યાબંધ દૃષ્ટાંતો મોજુદ છે. ખેલાડીઓ પોતાના દેશનો ડંકો આખી દુનિયામાં વાગે, તેને પ્રાયોરિટી આપે છે, અને પછી પોતાની વ્યક્તિગત સિદ્ધિઓની ઝંખના કરતો હોય છે.

ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સને જેટલા મેડલ્સ મળ્યા, તેના કરતા વધુ મેડલ્સ પેરાલિમ્પિકમાં મળ્યા, તેની ચોતરફ ચર્ચા છે અને વિવિધ તારણો પણ નીકળી રહ્યા છે. બન્ને સ્પર્ધાઓમાં એક વાત સામાન્ય છે કે, બન્ને સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ-એથ્લેટ્સે તનતોડ મહેનત પણ કરી હતી, અને પૂરી ઈચ્છાશક્તિથી સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઈપણ ખેલ કે સ્પર્ધામાં હાર-જીત કોમન (સામાન્ય) છે, મહત્ત્વનું એ છે કે પૂરી તાકાતથી સ્પર્ધા કરી હોય, અને તેમાં એક પણ ભારતીયે પાછીપાની કરી નથી, અને તેથી જ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય...

વિશ્વકક્ષાની ખેલસ્પર્ધાઓમાં ભાગ લેવો અને ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ્સ પર જઈને પરફોર્મન્સ કરવું, એ જ સૌથી પહેલું અને સૌથી મહત્ત્વપૂર્ણ ગૌરવ છે, અને તેમાં ચૂસ્ત નિયમોનું પાલન કરીને મેડલ્સ મેળવવાના જી-તોડ પ્રયાસો કરવા, તે જ ગરિમાપૂર્ણ ગણાય, સાચી વાત જ છે ને?

આઝાદી પછી ઓલિમ્પિકનો ભારતીય ઈતિહાસ

વર્ષ ૧૯૪૭ માં ભારત આઝાદ થયું, તે પછી અત્યાર સુધી ભારતે ૧૯ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે. વર્ષ ૧૯૪૮ માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતના ૮૬ ખેલાડીઓએ પહેલી વખત ભાગ લીધો હતો, પરંતુ માત્ર એક ગોલ્ડ મેડલ હોકીમાં મળ્યો હતો. તે સમયે ભારતીય ફૂટબોલ ટીમે પણ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તે પછી વર્ષ ૧૯પર માં હેલસિંકીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ૬૪ ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો હતો અને ફ્રી સ્ટાઈલ રેલસર કે.ડી. જાધવે કાંસ્ય પદક મેળવ્યો હતો. આઝાદી પછી કોઈ ભારતીયે વ્યક્તિગત મેડલ ઓલિમ્પિકમાં મેળવ્યો હોય, તે આ પહેલી ઘટના હોઈ, દેશભરમાં ખુશી મનાવાઈ હતી. તે ઉપરાંત ભારતીય હોકી ટીમે ફરીથી હોકીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને દુનિયામાં ભારતીય હોકી કુશળતાનો ડંકો વગાડી દીધો હતો. આ ઓલિમ્પિકમાં ૧૭ વર્ષની ઉંમરમાં જ નિલિમા ઘોષે ૧૦૦ મીટર સ્પ્રિંટ અને હર્ડલ્સ રેસમાં ભાગ લઈને ભારતીય નારી શક્તિનો પરિચય આપ્યો હતો, અને તેની વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ હતી.

વર્ષ ૧૯પ૬ માં મેલબોર્નમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતે ૪૯ એથ્લેટ્સને મોકલ્યા હતાં, જેમાં સમાવિષ્ટ ભારતીય ફૂટબોલ ટીમ થોડા અંતરે જ કાંસ્યપદક ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી, પરંતુ આ ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ મેડલ જરૂર મેળવ્યો હતો.

વર્ષ ૧૯૬૦મા રોમમાં યોજાયેલા ઓલિમ્પિકમાં મિલ્ખાસિંહ ૪૦૦ મીટરના ઈવેન્ટમાં કાંસ્ય પદક જરાકમાં ચૂકી ગયા હતાં, પરંતુ ભારતીય ટીમે હોકીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી ભારતીય ટીમે વર્ષ ૧૯૬૪ માં એક ગોલ્ડ મેડલ્સ, વર્ષ ૧૯૬૮ અને ૧૯૭ર માં માત્ર કાંસ્યપદક જ પ્રાપ્ત થતા દેશભરમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. વર્ષ ૧૯૭૬ માં તો એક પણ મેડલ મળ્યો નહીં, અને વર્ષ ૧૯૮૦ માં માત્ર હોકીમાં જ ગોલ્ડ મેડલ મળ્યો હતો. તે પછી વર્ષ ૧૯૮૪, ૧૯૮૮ ને ૧૯૯ર માં ભારતીય ખેલાડીઓને માત્ર નિરાશા જ હાથ લાગી હતી અને ખાલી હાથે પાછા આવવું પડ્યું હતું. ભારતીય ટીમે જાણે સદંતર નિષ્ફળ રહેવાનો ઓલિમ્પિકના ભારતીય ઈતિહાસમાં હેટ્રીક મારીને નેગેટીવ રેકોર્ડ નોંધાવ્યો હતો, જો કે વર્ષ ૧૯૯૬માં એટલાન્ટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસએ ટેનિસમાં પુરુષોની સિંગલ્સ મેચમાં કાંસ્યપદક જીતીને ભારતને ફરીથી ઓલિમ્પિકમાં ગૌરવ અપાવ્યું હતું. તે પછી વર્ષ ર૦૦૦માં સિડની ઓલિમ્પિકમાં કર્ણમ પલ્લેશ્વરીએ વેટલિફ્ટીંગમાં કાંસ્યપદક જીત્યો હતો, અને કોઈ મહિલા ભારતીય એથ્લેટની આ પહેલી સફળતા હતી.

વર્ષ ર૦૦૪માં એથેન્સમાં ૭૩ ભારતીય એથ્લેટ્સ ગયા હતાં. પુરુષોના ટ્રેપ ઈવેન્ટમાં રાજ્યવર્ધનસિંહ રાઠૌરે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતીય ટીમમાં કોઈ ખેલાડીઓએ પ્રથમ સિલ્વર મેડલ ઓલિમ્પિકમાં મેળવ્યો હતો.

બેઈજીંગમાં વર્ષ ર૦૦૮ માં ઓલિમ્પિકમાં ભારતને એક ગોલ્ડ મેડલ અને બે કાંસ્યપદક મળ્યા, ત્યારે તો દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અભિનવ બિન્દ્રાએ ૧૦ મીટર એર રાયફલ્સ ઈવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઉપરાંત કુશ્તીમાં સુશિલકુમાર અને વિજેન્દરસિંહે કાંસ્ય મેડલ મેળવ્યા હતાં. તે પછી ર૦૧ર માં રિયો ઓલિમ્પિકમાં ૧૧૭ ભારતીય એથ્લીટ્સે ભાગ લીધો, પરંતુ ભારતને માત્ર ર મેડલ મળ્યા હતાં, જેમાં પી.વી. સિંધુ અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે.

વર્ષ ર૦૧૬ ના ઓલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટોક્યોમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર કાંસ્યપદક સહિત કુલ ૭ મેડલ્સ મેળવીને વિશ્વમાં ભારતનો ડંકો વગાડયો હતો. તે ઉપરાંત ૪૧ વર્ષ પછી ભારતીય હોકી ટીમને પણ મેડલ મળ્યો હોવાની સિદ્ધિ નોંધપાત્ર રહી હતી.

વર્ષ ૨૦૨૦માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે જોરદાર પુનરાગમન કર્યું હતું અને પાંચ સ્વર્ણપદક એટલે કે ગોલ્ડમેડલ, ૮ રજત પદક અને ૬ કાંસ્યાપદક મેળવ્યા હતા. દેશભરમાં ગૌરવ અને ખુશીની લાગણી ફેલાઈ હતી અને દેશભરમાં વિજેતા મેડલીસ્ટ એથ્લેટ્સનું ભવ્યાતિભવ્ય ધમાકેદાર સ્વાગત પણ થયું હતું. વર્ષ ૨૦૨૦માં પી.વી. સિંધુએ કાંસ્ય, રવિકુમાર દહિયાએ રજત, ભારતીય હોકી ટીમે કાંસ્ય, બજરંગ પુનીયાએ કાંસ્ય, નિરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ભારતે ૫૪ એથ્લેટ્સ મોકલ્યા હતા અને ૧૯ મેડલ મેળવ્યા હતા.

વર્ષ ૨૦૨૪માં તાજેતરમાં જ ભારતે ફરીથી નોંધપાત્ર સફળતા મેળવી હતી અને પાંચ કાસ્ય અને એક રજતપદક જીત્યો હતો. જો કે, વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં આ વખતે ઘણાં ઓછા મેડલ્સ મળ્યા હતા અને તેને લઈને ઘણાં બધા વિશ્લેષણો પણ થયા છે અને તારણો પણ નીકળી રહ્યા છે. આમ, ભારતની ઓલિમ્પિકની આઝાદી પછીની યાત્રા ઉતાર-ચઢાવવાની રહી છે.

પેરાલિમ્પિકનો ઈતિહાસ

પેરાલિમ્પિકની શરૂઆત વર્ષ ૧૯૬૦માં રોમથી થઈ હતી. પરંતુ ભારતે વર્ષ ૧૯૬૦ અને વર્ષ ૧૯૬૪ના પેરાલિમ્પિકમાં ભાગ લીધો નહોતો. ૧૯૬૮માં તેલ અવીવમાં પેરાલિમ્પિકનું આયોજન થયું હતું જેમાં ભારતને કોઈ મેડલ મળી શક્યો નહતો. વર્ષ ૧૯૭૨માં ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડમેડલ મળ્યો હતો.

હકીકતમાં ૧૯૪૮માં સર લુડવિગ ગુટ્ટમને ઈંગલેન્ડના સ્ટોક મૈડેવિલેમાં કરોડરજ્જુમાં ઈજા સાથે વિશ્વયુદ્ધના ૧૬ દિગ્ગજોની એક ખેલ સ્પર્ધા યોજી હતી. તે પછી દિવ્યાંગો માટે અલગથી વિશ્વકક્ષાની સ્પર્ધાઓનો કોન્સેપ્ટ વિચારાયો હતો અને ઓલિમ્પિક પછી તે જ શહેર કે દેશમાં પેરાલિમ્પિકની સ્પર્ધાઓ યોજાતી રહી છે. આ સ્પર્ધામાં દુનિયાના દોઢસોથી વધુ દેશો ભાગ લે છે. ૧૯૬૦થી અત્યાર સુધીમાં ૧૭ પેરાલિમ્પિક સ્પર્ધાઓ યોજાઈ છે.

પેરાલિમ્પિકમાં ભારતે મેળવેલા કુલ મેડલ્સ

પેરાલિમ્પિકમાં તાજેતરની પેરિસની સ્પર્ધાઓમાં ભારતે ૨૯ મેડલ્સ મેળવ્યા છે. અત્યાર સુધીમાં ભારતનો આ શ્રેષ્ઠ દેખાવ છે. ભારતે ૧૯૬૦થી અત્યાર સુધીની પેરાલિમ્પિક સ્પર્ધાઓ પૈકી ૧૨મા ભાગ લીધો છે જેમાં ભારતે ૧૬ ગોલ્ડમેડલ્સ, ૨૧ રજતપદક અને ૧૩ કાંસ્યપદક સહિત કુલ ૬૦ મેડલ્સ મેળવ્યા છે. પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સે કરેલા દેખાવો ભારતની ગરિમા તો વધારી જ છે આવો સાથ દિવ્યાંગો સહિત તમામ એથ્લેટ્સને પ્રેરણા પૂરી પાડી છે.

૧૯૬૫ના ભારત-પાક. યુદ્ધમાં આગવી ભૂમિકા ભજવનાર મુરલીકાંત પેટકરે ૧૯૭૨ના હીન્ડનબર્ગનો સ્પર્ધા એડમાં પ્રથમ ભારત માટે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. તે પછી તો અનેક ભારતીય એથ્લેટ્સે પેરાલિમ્પિકમાં ઝળહળતી સફળતાઓ મેળવીને 'મન હોય તો માળવે જવાય'ની ઉક્તિ સિદ્ધ કરી છે. આ લેખ માત્ર ઉપલબ્ધ માહિતી પર આધારીત છે અને એથ્લેટ્સને સમર્પિત છે જેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો પણ આ લેખમાંથી પ્રેરણા મેળવીને જીવનમાં હંમેશાં હિંમતપૂર્વક આગળ વધવાનું પથદર્શન તો અવશ્ય થશે જ.

... મેરા ભારત મહાન...

ખેલાડી બન્યા રાજનેતા.. પહેલવાનો મેદાનમાં

તાજેતરમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા રાજનીતિમાં જોડાયા અને ચૂંટણી જંગમાં જુદી જુદી ભૂમિકા ભજવવાના છે તેવી જ રીતે જામનગરના વતની અને વર્તમાન મહિલા ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના પતિ ક્રિકેટમાં ઝળહળતી સિદ્ધિઓ મેળવ્યા પછી હવે રાજનીતિમાં પ્રવેશ્યા છે ત્યારે કેટલાક ખેલાડીઓ તથા એથ્લેટ્સોએ આ પહેલા પણ રાજકારણમાં ઝંપલાવ્યું હતું તેનું વિહંગાવલોકન કરીએ. જો કે, કેટલાક મુખ્ય ચહેરાઓની જ અહીં સંક્ષિપ્ત ચર્ચા થઈ શકી છે.

ઓલિમ્પિકમાં નિશાનેબાજીમાં મેડલ મેળવનાર રાજ્યવર્ધનસિંહ સાંસદ અને કેન્દ્ર સરકારમાં કેબિનેટમંત્રી બન્યા અને હવે રાષ્ટ્રીય પ્રવકતા છે. હરિયાણાની દીકરી અને રાજસ્થાનમાં પરણેલા કૃષ્ણા પુનિયા અત્યારે રાજસ્થાનના ધારાસભ્ય અને ખેત પરિષદના ચેરમેન રહી ચૂક્યા છે. પોલોના ખેલાડી અશોક ચાંદના રાજ્યના મંત્રીપદ સુધી પહોંચ્યા હતા તો ક્રિકેટર અઝહરૂદ્દિન પણ સાંસદ બન્યા હતા.

તે ઉપરાંત વૈભવ ગેહલોતે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જ્યારે ગૌતમ ગંભીર પણ સાંસદ બની ચૂક્યા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરો નવજયોતસિંહ સિધુ છે, જેઓ ક્રિકેટર, કોમેન્ટેટર અને પ્રખર રાજનેતા તથા પંજાબના મંત્રી તથા સાંસદ રહી ચુક્યા છે.

પી.ટી. ઉષાને ભારતની ઉડનપરી કહેવામાં આવે છે. તેણીને વર્ષ ૨૦૨૨થી રાજ્યસભાના મનોનિત સાંસદ તરીકે નિમણૂક અપાઈ છે તે ઉપરાંત મેરી કોમ પણ રાજ્યસભાના મનોનિત સંસદસભ્ય તરીકે રહી ચૂક્યા છે. સચિન તેંડુલકર પણ માનદ્દ સાંસદ રહી ચૂક્યા છે.

ક્રિકેટર હરભજનસિંહ વર્ષ ૨૦૨૨માં સંસદ સભ્ય બન્યા છે. આ ઉપરાંત સાઈના નેહવાલ, વિજેન્દ્રસિંહ, વાઈચુંગ ભુટીયા, મહમ્મદ કૈફ વગેરે પણ જાણીતા ચહેરા છે. ટૂંકમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓને રાજનીતિ ફળી નથી અથવા ફાવી નથી તો કેટલાક ખેલાડીઓ તો રાજનીતિના પણ અઠંગ ખેલાડી બની ગયા છે. પણ હકીકત છે કે રમત-ગમત, વ્યાયામ અને નિશાનબાજી વગેરે જાહેરમાં રમાય છે, પરંતુ રાજનૈતિક ખેલ તો જાહેરમાં જુદી રીતે અને પડદા પાછળથી જુદી રમાતો હોય છે!

ખેલાડીઓના સામાન્ય રીતે ખેલદિલી, સાહસ અને પારદર્શકતા સ્વાભાવિક રીતે જ ભરપુર હોય છે અને તેથી જ રાજનીતિમાં ખેલાડીઓ આવે તો તેનો ફાયદો રાજનીતિને વધુ થતો હોય છે. સિક્કાની બીજી બાજુ એવી છે કે નિવૃત્ત ખેલાડીઓ રાજનીતિમાં ઝળહળતી સફળતા જરૂર મેળવી શકે છે પરંતુ નિવૃત્ત રાજનેતા સફળ ખેલાડી બને તેવી સંભાવના નહીંવત હોય છે ખરૃં કે નહીં?

રાજનીતિને ખેલોમાં સમાવો

ખેલજગતમાં ઘણી રમત-ગમતો, એથ્લેટિક્સ, અંગ કસરત, સાહસ, પર્વતારોહણ, તરણ, અવરોધ દોડ, કાર રેલી, સાયકલ રેલી, ઘોડારેસ જેવી અનેકાનેક રમતો તથા પ્રવૃત્તિઓ સામેલ હોય છે પરંતુ રાજકારણ તો પોતે જ એક 'ખેલ' અથવા 'ખેલો નો રાજા' બની ગયું છે. રાજનેતા જે ખેલ ખેલે, તેવો છૂપો ખેલ કદાચ કોઈ પણ સફળ ખેલાડી કે ગોલ્ડમેડાલીસ્ટ ખેલાડી પણ ખેલી શકે નહીં.

રાજનીતિમાં ચતુરાઈ ખૂબજ જરૂરી હોય છે. ગામડાથી લઈને ગ્લોબ સુધી રાજનીતિના ખેલમાં જરા પણ ચૂક્યા તો ઘણો જ મોટો પરાજય થતો હોય છે. ખેલાડીઓને તો માત્ર પ્રતિસ્પર્ધા સામે જ જીતવાનું હોય છે પરંતુ રાજનેતાઓએ તો લોકોનો વિશ્વાસ જીતીને પાર્ટી-સરકાર કે વિપક્ષમાં કોઈને કોઈ ભૂમિકા અદા કરવાની હોય છે. કોઈપણ ખેલમાં રાજનીતિ  ન હોવી જઈએ અને રાજકારણ અણીશુદ્ધ હોવું જોઈએ જેમાં 'ખેલા' ન થવા જોઈએ પરંતુ હકીકતમાં તો ખેલાડીઓ અને રાજનેતાઓ બંનેનું પોતપોતાની રીતે મહત્ત્વ ઘણું જ છે અને બંનેની સફળતાઓ દેશ માટે ઉપયોગી બનતી હોય છે તેમ કહી શકાય ...?

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial