કોઈપણ સરકારી કામ હોય, વિકાસના પ્રોજેક્ટો હોય, સામૂહિક જનસેવાના કામો હોય કે પછી કરવેરા-બાકી લેણાની વસૂલાતો હોય, હવે તો બધી જ બાબતોમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. હવે સરકારી સેવાઓ માટે આઉટસોર્સીંગથી કર્મચારીઓ નિમવામાં આવે છે, તે પણ ઈજારાશાહી જ છે. નાના-મોટા સરકારી કામોથી માંડીને મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટો પણ કોન્ટ્રાક્ટરોના હવાલે કરાતા રહ્યા છે, જ્યારે હવે પબ્લિક પરિવહનનું પણ ખાનગીકરણ થવા લાગ્યું છે.આ કારણે કોન્ટ્રાક્ટરોનું વર્ચસ્વ પણ વધ્યું છે, અને અનેક સ્થળે મનમાની પણ વધી છે. કોન્ટ્રાક્ટરો પ્રો-પબ્લિક નહીં, પણ પ્રો-પોલિટિક્સ કામ કરી રહ્યા હોય, તેવો માહોલ ઊભો થયો છે, અને મોટા-મોટા કામોથી લઈને નગર કે ગ્રામ્યસ્તરના કામો અને સેવાઓ માટે પણ કોન્ટ્રાક્ટરોની બોલબાલા છે. આ તમામ કોન્ટ્રાક્ટ્સ માટે સરકારી ધારાધોરણો, શરતો અને નિયમો હોય છે, પરંતુ તેને નેવે મૂકીને ઈજારેદારો મનસ્વી રીતે કામો કરતા હોવાની ફરિયાદો દિન-પ્રતિદિન વધી રહી છે. આ અંગે થતી રહેતી નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો તો કોઈ સાંભળતું જ નથી, પરંતુ બહુ હોબાળો થાય, ત્યારે જ દેખાવ ખાતર નોટીસો બજવીને અને નિવેદનબાજી કરીને કડક પગલાં લેવાઈ રહ્યા હોવાનો આભાસ ઊભો કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના હિતોને ઉની આંચ આવતી નથી, કે વાળ પણ વાંકો થતો નથી. તે પણ ઓપન સિક્રેટ જ છે ને? માટે ઘડાયેલા નિયમો, કાયદાઓ, ધારાધોરણો, શરતો, કરારો અને માપદંડો કડક હોય છે, પરંતુ તેનો ઉલાળિયો થતો હોય, અને તેના થાબડભાણા થતા હોય ત્યારે એવી આશંકા પણ જાગે, કે શું પડદા પાછળના માપદંડો અલગ હશે? શું અન્ડર ટેબલ ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક હશે કે વિકાસના ભ્રષ્ટ માચડાઓની પોલંપોલ ખૂલી ગયા પછી પણ શાસકો-પ્રશાસકોએ ભ્રષ્ટાચારીઓને બચાવવા અથવા દોષિતોને છાવરવા એડીચોટીનું જોર લગાવવું પડતું હશે? શું આખી પોલિટિકલ સિસ્ટમ જ એવી ભ્રષ્ટ થઈ ગઈ છે કે શાસકો, સરકાર, બોડી કે બોર્ડ બદલ્યા પછી પણ 'ભ્રષ્ટ' ફાઉન્ડેશન અકબંધ જ રહેતું હશે?
એવું નથી કે બધા જ કોન્ટ્રાક્ટરો અને તંત્રના અધિકારીઓ અને જન-પ્રતિનિધિઓ 'ભ્રષ્ટ' જ હોય છે. ભલે પ્રમાણ ઓછું હોય, પરંતુ એવા ઈમાનદાર કોન્ટ્રાક્ટરો પણ હોય છે, જેઓ પ્રામાણિક્તા અને નિયમ-કાયદા-ધારાધોરણો-ઉત્તમ માપદંડોને અનુસરીને તેનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાના પ્રયાસો કરતા હોય છે. તેઓની ખરેખર તો કદર થવી જોઈએ, અને તેવા પ્રામાણિક કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહિત કરીને અન્ય કામો મટે પ્રાયોરિટી આપવી જોઈએ, તેના બદલે છાપેલા કાટલા, ગરબડદાઓને જ જ્યાં જ્યાં રિપિટ કરવામાં આવતા હોય ત્યાં સમજવાનું કે દાળમાં કાંઈક કાળું છે!
એ પણ હકીકત છે કે સાદુ-સંતોષારક કામ કોનું અને હલકી ગુણવત્તાવાળું કામ કોને કહેવાય તે નક્કી કરવાના 'માપદંડો' પણ કદાચ અલગ જ હશે, અન્યથા ઘણાં કોન્ટ્રાક્ટરો સામે વ્યાપક પ્રમાણમાં જન-ફરિયાદો ઊઠ્યા પછી પણ તેને છાવરવાના પ્રયાસો થતા ન હોત... સાચી વાત છે ને?
પ્રેસ-મીડિયામાં આવી રહેલા અહેવાલો મુજબ અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર અને દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેની ખામીઓ, ખાડા-ખડબાઓ તથા ખરાબ સ્થિતિની સોશ્યલ મીડિયાના માધ્યમથી વ્યાપક ફરિયાદો ઊઠ્યા પછી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોન્ટ્રાક્ટરોને રૂા. પચાસ-પચાસ લાખનો દંડ ફટકાર્યો છે. અમૃતસર-જામનગર કોરિડોર પર રાસીસર-સાંગરિયા સેક્શનના ૩૯ કિ.મી.ના પટ્ટામાં રસ્તો બિસ્માર થઈ ગયો હોવાની ફરિયાદ ઊઠ્યા પછી તેની તત્કાળ તપાસ કરતા તેમાં તથ્ય જણાયું હતું અને બન્ને કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારાયો હોવાનો દાવો પણ તંત્ર તરફથી કરાયો હતો.
વિચારવા જેવું એ છે કે અબજો-કરોડોના કોન્ટ્રાક્ટની ગંભીર ક્ષતિઓ બદલ માત્ર પચાસ લાખનો દંડ કરવો, એ નાટકબાજી નથી? માત્ર દેખાવ ખાતર પગલાં લેવાના બદલે આ પ્રકારની નાની-મોટી ક્ષતિઓ બદલ આ પ્રકારના ગરબડદાઓને બ્લેકલિસ્ટ કેમ કરાતા નથી? તેમની પાસે ક્ષતિઓ તેના ખર્ચે દૂર કરાવીને, માત્ર થીંગડા નહીં, પણ આખું કામ નવેસરથી કરાવીને ભારે દંડ ફટકારવો જોઈએ અને આ ક્ષતિઓ ફરીથી અન્ય સ્થળે થાય, તો તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ ને?
હકીકતે તેવું થતું નથી. બિહારમાં જેના દ્વારા નિર્મિત પૂલો ધરાશાયી થતા હોય, તેને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોટા કોન્ટ્રાક્ટરો અપાય, ત્યારે શું સમજવું? ખંભાળિયાના દેવરિયાથી દ્વારકાના ધોરીમાર્ગ પર થયેલા નુક્સાન પછી કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાયા ખરા? સુદર્શન બ્રીજના ઈજારેદારોનો વાળ પણ વાંકો થયો હશે ખરો? શું આને જ પારદર્શક-લોકલક્ષી-સુશાસન કહેવાતું હશે? ભગવાન જાણે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial