આજે અનંત ચતુર્દશી છે. ગણેશ ઉત્સવના સમાપન સાથે લોકો 'ગણપતિ બાપામોર્યા... અગલે બરસ તું જલદી આ'ના નારાઓ સાથે ભક્તિભાવપૂર્વક પ્રતિમા વિસર્જન કરી રહ્યા છે. બીજી તરફ ગઈકાલે ઈદનો તહેવાર પણ કોમી એખલાસ અને ઉત્સાહ સાથે શાંતિપૂર્વક ઉજવાઈ ગયો. જૈનોના પર્યુષણ પર્વની ઉજવણીની સંગાથે જાણે તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાયો છે અને આપણાં દેશની વૈવિધ્યપૂર્ણ સહિયારી સાંસ્કૃતિના અનોખા દર્શન પણ થઈ રહ્યા છે, જેમાં આપણાં દેશની એક્તા અને અખંડિતતાનું રહસ્ય પણ સમાયેલું છે.
આજે ૧૭ સપ્ટેમ્બર હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને સાંકળીને દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેની સાથે સાથે જ આજે દિલ્હીના મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે. આજે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે રાજીનામું આપશે અને તેના સ્થાને આમ આદમી પાર્ટીના વિધાયક દળની મિટિંગમાં નક્કી થયેલા નવા નેતા દિલ્હીનું સૂકાન સંભાળશે. આ ઘટનાક્રમે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, અને કેજરીવાલે જેલમાંથી નીકળતા જ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનો ભાજપ-કોંગ્રેસ પોતપોતાની રીતે જવાબ આપી રહ્યા છે. હરિયાણામાં બહુપાંખિયો અને દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળશે, તેને લઈને પોલિટિકલ પંડિતો ગણિત માંડવા લાગ્યા છે. યોગાનુયોગ આજે જ ગણેશ મહોત્સવના અંતે પ્રતિમાઓનું વિસર્જન પણ થઈ રહ્યું છે, તેથી દેશભરમાં હવે શ્રાદ્ધ પછી નવરાત્રિના તહેવારોની તૈયારીઓ પણ થવા લાગી છે.
જામનગરમાં પણ આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે પ્રતિમા વિસર્જનના પ્રોસેશનો નીકળી રહ્યા છે, અને ગણેશજીને ભાવભીની વિદાય અપાઈ રહી છે, જો કે જે ગણેશજીનું ઘેર-ઘેર સ્થાપન હોય છે, અને તેઓને કાયમી વિદાય આપતી હોતી નથી, પરંતુ પંડાલો, ઘરો, સંકુલોમાં સ્થાપિત ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરીને ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉજવાતો ગણેશ મહોત્સવ હવે દેશવ્યાપી બન્યો છે, અને ગુજરાતમાં તો મહારાષ્ટ્રની જેમ જ ગણેશોત્સવની સાર્વત્રિક ઉજવણી થતી હોય છે. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પ્રતિમા વિસર્જન માટેના પ્રોસેશનો નીકળી રહ્યા હોય, તેવા ભાવવાહી દૃશ્યો સર્જાય છે.
જો કે, જામનગરમાં ધાર્મિક અને માંગલિક પ્રોસેશનોને આ વખતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કારણ કે શહેરમાંથી પસાર થતા ફ્લાય ઓવરબ્રીજના કામોના કારણે ઠેર-ઠેર પતરાઓ લગાવેલા છે અને કેટલાક માર્ગો લાંબા સમયથી ડાયવર્ટ કરાયેલા છે. કેટલાક સ્થળે ફ્લાયઓવર બ્રીજનું કામ પૂરૂ થઈ ગયા પછી પણ માર્ગો ખુલ્લા મૂકાયા નથી કે આડશો હટાવાઈ નથી, તેથી વિના કારણે લોકોને મુશ્કેલી અનુભવવી પડી રહી હોય, તેવી રાવ ઊઠી રહી છે. બીજી તરફ આજે પ્રતિમા વિસર્જનના પ્રસંગે ઘણાં સ્થળોએ જે રીતે ટ્રાફિક જામ અને અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા તે જોતા ફ્લાય ઓવરબ્રીજનું કામ દિવસ-રાત ઝડપભેર ચલાવવાની માંગણી પણ ઊઠી રહી છે.
જો કે, ઉતાવળમાં કામો નબળાં, ગુણવત્તા વગરના કે ખામીયુક્ત રહી ન જાય, તેની તકેદારી પણ રાખવી જ પડે. લોકોમાં હવે ટીકા થઈ રહી છે કે લોકસભાની ચૂંટણી સમયે શરૂ થયેલા મેગા પ્રોજેક્ટો શું ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ માં ચૂંટણી થાય, ત્યાં સુધી ચલાવવાના છે? લોકો યાત્રાધામ દ્વારકાના વિકાસ પ્રોજેક્ટને લઈને એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે દાયકાઓથી થતી જાહેરાતો તથા આયોજન પછી પણ જે પ્રકારના સપના દેખાડાઈ રહ્યા છે, તે પ્રકારની વિકાસ પ્રક્રિયા જમીન પર દેખાતી નથી, તેથી શું હવે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીની રાહ જોવી પડશે?
જો કે, એ હકીકત છે કે યાત્રાધામ દ્વારકા સહિતના યાત્રા-પ્રવાસધામોમાં કેટલાક વિકાસના કામો થયા છે અને સુદર્શન બ્રીજ જેવા મેગા પ્રોજેક્ટો પણ સંપન્ન થયા છે, પરંતુ તેની સામે એ પણ નોંધવું પડે કે કેટલાક નવાનકોર કામોમાં થોડા દિવસોમાં જ દેખાયેલી ક્ષતિઓ અને ઉખડેલા પોપડા ગુણવત્તા સામે પણ સવાલો તો ઊભા કરે જ છે, જેની તપાસ પણ થવી જ જોઈએ ને?
તહેવારોના તાજેતરના ત્રિવેણી સંગમ પછી હવે શ્રાદ્ધથી દેવદિવાળી સુધી અને તે પછી નાતાલ સુધી અનેક તહેવારોની શ્રૃંખલા આવી રહી છે. આ તમામ તહેવારોનું આધ્યાત્મિક-ધાર્મિક-સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે અને આર્થિક મહત્ત્વ પણ છે.
નવરાત્રિ પર્વ હવે એક મેગા ઈવેન્ટ અને જાયન્ટ માર્કેટનું માધ્યમ પણ બની ગયું છે. દશેરાના પર્વે અનેક કંપનીઓ પોતપોતાના પ્રોડક્ટ્સ માટે અવનવી સ્કીમો જાહેર કરતી હોય છે. તે પછી દિવાળીના તહેવારોમાં આ જ પ્રકારે માર્કેટીંગની અવનવી પદ્ધતિઓ અપનાવાતી હોય છે. તહેવારોની આ શ્રૃંખલા આપણાં દેશમાં લાખો પરિવારો માટે રોજગારી મેળવવાનું માધ્યમ પણ છે જ ને?
ગણેશોત્સવના સમાપન પ્રસંગે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવે છે, અને દુંદાળા દેવ ગણેશજીના આશીર્વાદો અહર્નિશ આપણાં બધા પર વરસતા રહે, તેવી મંગલકામનાઓ વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial