નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ તથા પંચાયતો જ ઉકરડા-ડમ્પીંગ સાઈટ, ગંદકી સ્થાનિક જાહેર દબાણો અને તેની આડઅસરોથી ઊભી થતી અન્ય સમસ્યાઓ માટે જવાબદાર ગણાય, તે હવે પ્રતિપાદિત થઈ ગયું છે, હવે તો હાઈકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે ઓખા નગરપાલિકાની પણ ઝાટકણી કાઢી હોવાના અહેવાલનો યાત્રાધામોમાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વર્તુળોમાં ચર્ચાપાત્ર બન્યા છે અને ખાસ કરીને સરપંચો, નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા મ્યુનિસિપલ કમિશનરો માટે હાઈકોર્ટે કરેલી ટિપ્પણીઓ શાબ્દિક લપડાક સમાન છે.
છેલ્લા એક અઠવાડિયાથી 'નોબત' સહિત પ્રેસ-મીડિયામાં જામનગરમાં ઠેર-ઠેર ઉકરડા, ગંદકી, મોટા માથાઓના વોર્ડમાં જ કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને અતિવૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત થયેલી સડકો પર ઘણી જગ્યાએ હજુ પણ ખાડા-ચીરોડામાં ભરેલા ગંદા પાણી તથા મહાનગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયો, યુરિનલોમાં માથુ ફાટી જાય તેવી દુર્ગંધ સાથેની ગંદકી વિગેરે મુદ્દે અહેવાલો, લેખો ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ તસ્વીરો સાથેની કોમેન્ટો થઈ રહી છે, તેમ છતાં કોઈ ખાસ નોંધપાત્ર કદમ ઉઠાવાઈ રહ્યા નથી, તેથી આ માટે મ્યુનિ. કમિશનર જ સર્વપ્રથમ જવાબદાર ગણાય, તેવો મતલબ હાઈકોર્ટની અન્ય મુદ્દે થયેલી ટિપ્પણીઓને સાંકળીને કરી શકાય...
હાઈકોર્ટે એક આઈપીએલની અરજીની સુનાવણી દરમિયાન કરેલી ટિપ્પણીઓ અને તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કરેલી ટિપ્પણીઓ જામનગર મહાનગરપાલિકાને પણ લાગુ પાડી શકાય. હાઈકોર્ટે કહ્યું કે હાઈકોર્ટ કયાં સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી તથા સ્થાનિક સત્તામંડળોના કામકાજનું મોનિટરિંગ કર્યા કરે ? આ પ્રકારના શબ્દ પ્રયોગો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-સત્તામંડળોના પદાધિકારીઓ-શાસકો-રાજ્ય સરકારના તંત્રોની ગાલે પણ તમતમતા તમાચા જેવા ગણાય... પરંતુ હવે કયાં કોઈ આ પ્રકારના મુદ્દે સંવેદનશીલ કે ગંભીર રહ્યું છે... એમ પણ કહી શકાય કે જેને લાજ-શરમ જેવું હોય, તેને જ આ પ્રકારના આકરા શબ્દો અસર કરે, પણ...!!
ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી, જેની સુનાવણી થઈ રહી હતી, આ પીઆઈએલની સુનાવણી કરી રહેલ ખંડપીઠનું નેતૃત્વ સ્વયં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કરી રહ્યા હતાં, આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઓખા નગરપાલિકાની પણ ડમ્પીંગ સાઈટના મુદ્દે ઝાટકણી કાઢી નાંખી હોવાના અહેવાલોએ દ્વારકા અને જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓના વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ મુદ્દો માત્ર ટોક ઓફ ધ ટાઉન નહીં, પરંતુ ટોક ઓફ ધ હાલાર બની ગયો છે, અને આની નોંધ તમામ નગરપાલિકાઓ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા તથા તમામ સ્થાનિક સત્તામંડળોએ પણ લેવા જેવી છે.
હકીકતે આ પીઆઈએલના સંદર્ભે ઓખા નગરપાલિકાએ એક એફિડેવિટ અદાલત સમક્ષ રજૂ કર્યુ હતું, જેની હાઈકોર્ટે આકરી ટીકા કરીને ઓખા નગરપાલિકાની ઝાટકણી કાઢી હતી. અદાલતે લાલ આંખ કરતા ઓખા નગરપાલિકાએ આ એફિડેવીટ પાછું ખેંચ્યુ અને અદાલતે નવેસરથી સોગંદનામું રજૂ કરવા તાકીદ કરી હોવાના અહેવાલોના ઓખા મંડળ જ નહીં, જિલ્લા રાજ્યકક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
અદાલતે ઓખા નગરપાલિકાને પુછયુ હતું કે બેટ દ્વારકા જેવા ટાપુ પર ડમ્પીંગ સાઈટ કેવી રીતે બનાવી શકાય ? આવી વ્યવસ્થાથી તો આ ડમ્પીંગ સાઈટનો તમામ કચરો અને ગંદકી ચારે તરફના દરિયામાં જ જતા હોય ને ?
અદાલતે કોઈ એનજીઓને બેટ દ્વારકાના કચરાના નિકાલની જવાબદારી સોંપવા સામે પણ સણસણતા સવાલો કર્યા હતા, અદાલતે કોઈ એનજીઓને કચરાના નિકાલની જવાબદારી સોપાઈ, તે અંગે આશ્ચર્ય વ્યકત કરતા પુછયુ હતું કે પ્લાિટિકના કચરાના નિકાલમાં કોઈ એનજીઓ કેવી રીતે નિષ્ણાત હોઈ શકે ? આ કામ માટે તો ટેન્ડર બહાર પાડીને કચરાના નિકાલના નિષ્ણાતની જ નિયુક્તિ કરવી પડે, અને તેમાં પણ દરિયાની વચ્ચેના ટાપુ પરથી કચરાનો દૂરના સ્થળે નિકાલ કરવા માટે કોઈ નિષ્ણાત એજન્સી કે સરકારી વિભાગ ને જ કામ સોંપવું જોઈએ. જો કે, ઓખા નગરપાલિકા તરફથી એવી બાહેંધરી અપાઈ કે હવે સુદર્શન બ્રીજ બંધાઈ ગયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરાશે !
હાઈકોર્ટે એવી આકરી ટકોર કરી હતી કે ચીફ ઓફિસરોને જ નિયમોની ખબર નહીં હોવાથી એડવોકેટ જનરલે (એટલે કે સરકારે) તેઓને માર્ગદર્શન (તાલીમ) આપવી જોઈએ !
જૂનાગઢ અને ઓખા નગરપાલિકાને લઈને હાઈકોર્ટે કરેલી આ ટિપ્પણીઓ રાજ્યભરની તમામ પાલિકાઓ-મહાપાલિકાઓને તો લાગુ પડે જ છે, પરંતુ ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ પાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાઓના શાસકો અને પ્રશાસકોએ લેવી પડે તેમ છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો તથા જે ટાપુઓ પર માનવવસ્તી છે, ત્યાંના શાસકો, પ્રશાસકો ઉપરાંત સ્થાનિક આગેવાનો તથા પ્રજાજનોએ પણ અદાલતની આ તીખી-તમતમતી ટિપ્પણીઓ પરથી બોધપાઠ લેવો જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial