રાષ્ટ્રીય રાજનૈતિક ક્ષેત્રે ધીમે ધીમે કોંગ્રેસનો પુનરોદય થઈ રહેલો જોવા મળી રહ્યો છે, તો સુપ્રિમ કોર્ટની આકરી શરતો પછી સત્તાવિહોણા સી.એમ. રહેવાના બદલે રાજીનામું આપીને જનતાની અદાલત પાસેથી પોતાની ઈમાનદારીનું સર્ટીફિકેટ મેળવીને પુનઃ સત્તાપ્રાપ્તિના સંકલ્પ સાથે દિલ્હીની ગાદીનો ત્યાગ કરનાર અરવિંદ કેજરીવાલની કસોટી થવાની છે. આ સંકલ્પને કેજરીવાલે પોતે જ 'અગ્નિપરીક્ષા' ગણાવી છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે દેશમાં 'વન નેશન... વન ઈલેક્શન'ની ચર્ચા પણ જોરશોરથી થવા લાગી છે. એવું લાગે છે કે દેશમાં રાજકીય ક્ષેત્રે મોટા ઉલટફેર થવા જઈ રહ્યા છે.
કેન્દ્રિય કેબિનેટે 'વન નેશન, વન ઈલેક્શન' અંગે રામનાથ કોવિંદ સમિતિની ભલામણો સ્વીકારી લીધી છે. હવે આ માટે જરૂરી બંધારણીય સુધારાનું બિલ આગામી સમયમાં જ સંસદમાં રજૂ થશે, તેવા સંકેતો વચ્ચે વિપક્ષો કેન્દ્ર સરકારના નિર્ણય સામે તીખા તમતમતા નિવેદનો કરી રહ્યા છે, અને પારોઠના પગલાં ભરી રહેલા ભાજપ સરકાર દ્વારા આ નિર્ણય દેશની જનતાનું દેશની સળગતી સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાની હરકત ગણાવાઈ રહી છે, જો કે આ મુદ્દે દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ જ ગઈ છે, અને એવી કોમેન્ટો પણ થવા લાગી છે કે ક્યાંક કેજરીવાલ અદ્ધર લટકતા ન રહી જાય!!!
બીજી તરફ દેશમાં જનમાનસ ધીમે ધીમે ફરીથી કોંગ્રેસ તરફ વળી રહેલું જણાય છે. ખાસ કરીને હરિયાણામાં તો કોંગ્રેસતરફી પવન ફૂંકાઈ રહ્યો હોવાના તારણો નીકળી રહ્યા છે અને દિલ્હીમાં પણ કોંગ્રેસનો જનાધાર વધી રહ્યો હોય તેમ જણાય છે. ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભાની કેટલીક ખાલી બેઠકોની ચૂંટણીમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી કમાલ કરવા જઈ રહી છે, અને અખિલેશ યાદવની પીડીએ ફોર્મ્યુલાનો છેદ ઊડી જાય, તેવી કોઈ જડીબુટ્ટી યોગી આદિત્યનાથને મળી રહી નથી. ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધનનો ઝહળતો વિજય થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુ.પી.માં કોંગ્રેસનો જનાધાર પણ ઘણો વધી શકે છે.
'વન નેશન... વન ઈલેક્શન'ના પ્રસ્તાવને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જડમૂળથી ફગાવી દીધો છે, અને કહ્યું છે કે આવી વાત જ અવ્યવહારૂ છે, અને તે ચાલવાની નથી. બીજી તરફ અયોધ્યાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અવધેશપ્રસાદે કહ્યું છે કે મોદી સરકાર નબળી પડી ગઈ છે અને ચૂંટણીઓમાં પરાજય પછી હવે જનતાનું ધ્યાન બીજી તરફ વાળવા માટે આ સગૂફો ભાજપે છોડ્યો છે, જેને વિપક્ષી ગઠબંધને પહેલેથી જ ફગાવી દીધો છે. આ અંગે એનડીએના કેટલાક નેતાઓની ચૂપકીદી પણ ઘણી જ સૂચક છે, તેમ નથી લાગતું?
જમ્મુ-કાશ્મીરમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કોણ સક્ષમ ગણાય, તેનો નિર્ણય જમ્મુ-કાશ્મીરની જનતાએ લઈ લીધો હશે, તેવું અનુમાન પ્રથમ તબક્કામાં થયેલા મતદાન પરથી લગાવી શકાય છે. જો તમામ તબક્કામાં આ જ ટ્રેન્ડ રહ્યો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થઈ જશે, તો જમ્મુ-કાશ્મીરની સ્થાનિક જનતાની અપેક્ષાઓ સંતોષવા માટે નેશનલ કોન્ફરન્સ અને રાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ-કાશ્મીરની જનતાના યોગ્ય પ્રતિનિધિત્વ માટે કોંગ્રેસ પર લોકો પસંદગી ઉતારશે અને જમ્મુ-કાશ્મીરમાં આગામી રાજ્ય સરકાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનની હશે. પીડીપી પણ દ્વિતીય ક્રમે રહેશે, તેવા દાવાઓ કરાઈ રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાના પુત્ર અને કોંગ્રેસ સાથે ગઠબંધન યોજીને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેતૃત્વ સંભાળી રહેલા ઓમર અબ્દુલ્લાએ પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાનને લઈને ઘણાં જ પ્રોત્સાહક પ્રતિભાવો આપ્યા, અને ખુશી વ્યક્ત કરી તે ઘણી જ સૂચક છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા ૧૦ વર્ષથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતાં.
જો કે, પ્રથમ તબક્કામાં થયેલા મતદાનના બેઠકવાર અલગ-અલગ વિશ્લેષણો થઈ રહ્યા છે, અને તેટલાક સ્થળે ભાજપ તરફી માહોલ હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ વધુ મજબૂત બની રહી હોવાના તારણો નીકળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં જ લોકોએ જે ઉત્સાહ દર્શાવ્યો, તેથી પાકિસ્તાન અને પાક. પ્રેરિત અલગતાવાદીઓને જબરો ઝટકો લાગ્યો છે, તે પણ હકીકત છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, અને દેશમાં એક જ બંધારણ છે. એટલું જ નહીં, એક જ બંધારણ અને રાષ્ટ્રધ્વજ હેઠળ જમ્મુ-કાશ્મીરની આ ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં જ થયેલા જંગી મતદાને એ પણ પૂરવાર કરી દીધું છે કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભલે કોઈપણ પક્ષનું શાસન સ્થપાય, તે સંપૂર્ણપણે ભારતીય જ હશે અને આતંકવાદ કે કટ્ટરવાદી પ્રવૃત્તિઓ થકી જમ્મુ-કાશ્મીરને ભારતને વિખૂટુ પાડી શકાશે જ નહીં...
ભારત સરકારે વોટરટ્રીટી અંગે પાકિસ્તાનને જે નોટીસ ફટકારી છે, તે પણ ઘણી જ સૂચક છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial