આ વર્ષે શ્રાવણ માસમાં વરસાદ ખૂબ જ પડ્યો. એટલો બધો વરસાદ પડ્યો કે સૌરાષ્ટ્ર આખામાં યોજાતા શ્રાવણ માસના મેળા, કાં તો બિલકુલ ધોવાઈ ગયા, અથવા તો જેટલા થયા તે બિલકુલ ફિક્કા રહ્યા.
મેળા ભલે ધોવાઈ ગયા, પરંતુ બાળકો માટેના રમકડાની બજાર તો બરાબર ચાલી. મેળા કેન્સલ થવાથી નિરાશ થયેલા નટુના પૌત્રએ દાદાને ફરમાઈશ કરી કે, "દાદા, મારે રમકડું લેવું છે."
"ઓકે સરસ. કયું રમકડું લેવું છે તારે ?" ઉત્સાહી દાદાએે પૂછ્યું.
"તીરકામઠું અને ગદા....!" ટીવીની વિવિધ ચેનલોમાં વારંવાર ધાર્મિક સિરીયલ જોતા પૌત્રે ફરમાઈશ કરી, અને નટુએ તેની ફરમાઈશ પૂરી પણ કરી. પૌત્ર અને દાદા બંને ખુશ.
પરંતુ નટુની આ ખુશી થોડી વાર જ ટકી. તીરકામઠું ખરીદીને ઘરે પહોંચેલા પૌત્રે તરત જ દાદાને બીજી ફરમાઈશ કરી, "દાદા, તમે રાવણ બનો. હું તમને મારીશ...!!"
અને હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો છે કે નટુ નોકરીએથી છૂટીને સાંજે ઘેર પહોંચે ત્યારે તેનું સ્વાગત કરવા તેનો પૌત્ર તીરકામઠું લઈને સામો આવે અને કહે, "દાદા, તમે રાવણ બનો. હું તમને મારીશ....!!"
સાંભળ્યું છે કે ત્યારથી નટુએ તેના ઘરે ધાર્મિક સિરીયલો જોવાનું બિલકુલ બંધ કરી દીધું છે, અને તે નાસ્તિક બની ગયો છે..
નટુનો આ પરાક્રમી પૌત્ર ઘણી વખત સ્કૂલમાંથી પણ ગાપચી મારે છે - અલગ અલગ બહાના કાઢીને. અને આ રીતે ઘરે રહેલા પૌત્ર સાથે નટુ પણ હસીમજાક કરતો રહે છે. એક વખત નટુ પૌત્ર સાથે આ રીતે રમતો હતો ત્યારે દૂરથી તેની સ્કૂલના ટીચર આવતા દેખાયા, એટલે નટુએ કહ્યું, "બેટા જલદીથી સંતાઈ જા. જો તારા ક્લાસ ટીચર આવી રહ્યા છે.."
આટલું સાંભળતા જ પૌત્રે દાદાને હુકમ કર્યો, "દાદા, તમે સંતાઈ જાવ. કારણ કે સ્કૂલમાં મેં કહ્યું છે કે મારા દાદા મરી ગયા છે..!!"
બાળકોના સ્કૂલ જીવનની વાત કરીએ તો અમારી સોસાયટીના ચિન્ટુની કેરિયર પણ ભવ્ય છે. સ્કૂલમાં જાય છે તો એકદમ નિયમિત, પરંતુ પછી સ્કૂલમાંથી ગાપચી મારે. અને એ માટે પેટમાં દુખવાનો કે માથું દુખવાનો એવો આબાદ અભિનય કરે કે તેના ટીચર તેને તરત રજા આપી દે.
જો કે એક વખત તેમાં પ્રોબ્લેમ ઊભો થયેલો. એક નવા નવા આવેલા ટીચર ચિન્ટુને સીધી રજા આપવાના બદલે પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. બાળ માનસના પ્રખર અભ્યાસુ એવા એ પ્રિન્સિપાલ, ચિન્ટુને જોતા જ સમજી ગયા કે તે નાટક કરે છે. એટલે પ્રિન્સિપાલે ચિન્ટુને પૂછ્યું, "બેટા, શું થાય છે ?"
"સર, પેટમાં દુઃખે છે..."
ચિન્ટુના ચહેરા સામે સહેજ કરડી આંખે જોતા જોતા જ પ્રિન્સિપાલે તેના પેટ પર હાથ લગાડ્યો અને પૂછ્યું, "ક્યાં ? અહીં દુઃખે છે..?"
ચિન્ટુ પ્રિન્સિપાલ સામે એકદમ ગભરાઈ ગયો અને બોલ્યો, "સાહેબ હવે બિલકુલ મટી ગયું...!!" અને તરત જ પાછો ક્લાસમાં જઈને ડાહ્યોડમરો થઈને બેસી ગયો.
વિદાય વેળાએ : પતિ - પત્નીને ઝઘડો થયો. પત્ની રિસાઈને સવારે વહેલી ઉઠી જ નહિ. પતિએ છોકરાના નાસ્તા બનાવ્યા, સ્કૂલ માટે તૈયાર કર્યાં, ત્યાં સુધી એ તો ઘોરતી જ રહી.
પતિ જેવો છોકરાને લઈને સ્કૂલે મુકવા નીકળ્યો ને પત્ની બોલી... "આજે સ્કૂલમાં રજા છે..!"
અને છોકરા પણ એની માઁ જેવા. બોલતા પણ નથી કે પપ્પા આજે સ્કૂલમાં રજા છે....!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial