જામનગરમાં કોઈ કાર્યક્રમમાં મોટા સ્થાનિક નેતાઓની ગેરહાજરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો, પરંતુ આ પ્રકારના દૃશ્યો હવે રાજ્યવ્યાપી બનવા લાગ્યા છે. સોરઠમાં તો આંતર્યુદ્ધ હવે સપાટી પર આવી ગયું છે, તો સુરત જિલ્લામાં પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અવારનવાર સ્થાનિક તંત્રો સાથે બળાપો કાઢતા રહે છે. ભાજપમાં ધીમે ધીમે આંતરિક ખેંચતાણ વધી રહી છે અને કોંગ્રેસના ભૂતકાળના જુથવાદની યાદ અપાવે , તેવા આંતરિક જુથો રચાઈ રહ્યા હોવાનું કહેવાય છે. વિપક્ષી નેતાઓ કહે છે કે કેટલાક લોકો નથી ઘરના કે નથી ઘાટના રહ્યા, તો ઘણાં લોકો એવું પણ કહે છે કે ભાજપના ભરતીમેળામાં પક્ષાંતર કરીને ભાજપમાં ગયેલા નેતાઓને ભાજપના બુનિયાદી કાર્યકર્તાઓ અપનાવી રહ્યા નથી, અથવા ભાજપની સંગઠનાત્મક કાર્યપ્રણાલી સાથે પક્ષાંતર કરીને ગયેલા નેતાઓનો મેળ બેસતો નથી. જે હોય તે ખરૂ, પરંતુ આ સ્થિતિ ભારતીય જનતા પક્ષ માટે તો પડકારરૂપ છે જ...
ભાજપની સભ્યનોંધણી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે લક્ષ્યાંકો સિદ્ધ કરવા કાર્યકર્તાઓ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, અને અદ્યતન ટેકનોલોજીની મદદથી નવા નોંધાતા સભ્યો સહિત તમામને ભાજપના કાર્યકર તરીકે ઓળખકાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા માત્ર મોબાઈલ ફોનમાં મીસકોલ કરીને ચલાવાયેલા સભ્યનોંધણી અભિયાન દરમિયાન જે રીતે ઘણાં એવા સભ્યો બની ગયા હશે જેના કારણે તે પછી પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હશે, પરંતુ હવે 'આઈડેન્ટિડી'નો નુસ્ખો અજમાવાયો છે, જે કેટલો ફૂલપ્રૂફ પૂરવાર થાય છે, તે જોવું રહ્યું.
એવું નથી કે આ પ્રકારની ખેંચતાણ અને આંતરિક ડખ્ખો માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ છે. આ પ્રકારની જ સ્થિતિ ગત્ લોકસભાની ચૂંટણી પછી ઘણાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળે છે. તેમાં પણ હરિયાણામાં તો ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામાઓની જાણે અતિવૃષ્ટિ થઈ રહી હોય તેમ નેતાઓનું પલાયન એ રાજ્યમાં ભાજપના અસ્તિત્વનો સવાલ બની ગયું હોય તેમ જણાય છે, તેવું ઘણાં નિષ્ણાતો માને છે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા પહેલા જ જેજેપી સાથેનું ગઠબંધન તૂટી ગયા પછી હરિયાણામાં જે રીતે ટિકિટો અપાઈ છે, તે જોતા ભાજપે પણ જનતાનો મૂડ પારખી લીધો હોવાથી આમ પણ પરાજય નક્કી હોય, ત્યારે પ્રદેશ ભાજપમાં 'સાફસૂફી' થઈ જાય, તો કાંઈ ખોટું નથી, તેવી રણનીતિ અપનાવાઈ હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે.
હરિયાણામાં ભારતીય જનતા પક્ષમાંથી ટપોટપ રાજીનામા પડ્યા, તેમાં ઘણાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો તથા હમણાં સુધી વિશ્વસનિય ગણાતા હતાં, તેવા ઘણાં નેતાઓનો સમાવેશ થાય છે. મોટાભાગના નેતાઓ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, તો કેટલાક અન્ય પક્ષોમાં પણ ગયા છે... વિશ્લેષકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જો જો... ગુજરાતની જેમ ક્યાંક હરિયાણામાં કોંગ્રેસનું પણ ભાજપીકરણ ન થઈ જાય!
તાજા સમાચાર એ છે કે હવે ભાજપને જબરો ઝટકો ખૂબ જ વિશ્વસનિય નેતાએ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનોદ જુનેજાએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે. એવું કહેવાય છે કે તેઓ હરિયાણામાં મોદી બ્રિગેડના અગ્રગણ્ય અને વર્ચસ્વ ધરાવતા નેતા હતાં. આ આંચકો લાગ્યા પછી ભાજપ હાઈકમાન્ડ તરફ બધાની નજર મંડાયેલી છે.
આ ઉપરાંત પટોડી વિધાનસભા મત ક્ષેત્રમાંથી ટિકિટ નહીં મળતા ભાજપના અન્ય એક દિગ્ગજ સુમેરસિંહ તંવરે પણ પાર્ટી છોડી દીધી છે. આ પહેલા ભાજપના ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ પાર્ટી છોડી દીધી હતી. મીડિયા અહેવાલો મુજબ વિનોદ જુનેજાએ તો જાહેરમાં બળાપો પણ કાઢ્યો કે સાડાત્રણ દાયકાથી ભાજપ માટે તનતોડ મહેનત કરી, પણ પાર્ટીએ કદર જ ન કરી...
જો કે, પાકિસ્તાનના મંત્રીએ કરેલા એક નિવેદન પછી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ પણ બચાવની મુદ્રામાં જણાય છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તે ભારતીય છે અને પાકિસ્તાની નથી. પાકિસ્તાનના મંત્રીના નિવેદન સાથે તેને કોઈ લેવાદેવા નથી. બીજી તરફ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે અને ત્યાંની લોકશાહીની ચિંતા કરે, અમે તો ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ, વગેરે.
હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પાકિસ્તાનના મંત્રીનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બનવાનો જ છે અને ભાજપ-એનડીએના નેતાઓ તેનો પૂરેપૂરો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવાના છે, પરંતુ મોંઘવારી, બેરોજગારી અને ગુનાખોરીના મુદ્દાઓ ભારે પડી રહ્યા હોય તેમ જણાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ અને ગાંધીજીની જન્મતિથિને જોડીને સેવા પખવાડિયું તો શરૂ કર્યું, પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ દરમિયાન આંતરિક અસંતોષનો ચરૂ ઉભરાવા લાગ્યો, તેથી ભાજપ વિમાસણમાં હશે, નહીં?
હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્રમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ પીડીપી, કોંગ્રેસ, એનસીપી (પવાર), એનસીપી (અજીત), શિવસેના (ઉદ્ધવ), શિવસેના (સિંદે), જેજેપી અને અન્ય કેટલાક પ્રાદેશિક પક્ષોમાં પણ આંતરિક અસંતોષનો ચરૂ ઓછા-વત્તા પ્રમાણમાં ઉકળી જ રહ્યો છે, અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો ચાલી જ રહ્યા છે. આ દરમિયાન મોટાપાયે પક્ષાંતરો પણ થઈ રહ્યા છે, પરંતુ ભાજપમાં સૌથી વધુ ભાંગજડ હોવાના તારણો નીકળી રહ્યા છે.
આ સાથે દિલ્હીમાં આતિશી સરકારની રચના, વન નેશન-વન ઈલેક્શનના પ્રત્યાઘાતો, લેબેનોનમાં અદ્યતન ટેકનોલોજીનો વિસ્ફોટક તરીકે પ્રયોગ કરીને કરાઈ રહેલો વિનાશ તથા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પણ ચર્ચામાં છે, તો બીજી તરફ સેવા પખવાડિયાના કાર્યક્રમો ચીલાચાલુ ધોરણે કેટલાક સ્થળે યોજાતા હોવાનું ચિત્ર ઉપસતા હાલાર સહિત રાજ્યમાં 'ડેમેજ કંટ્રોલ' શરૂ થયું હોય તેમ જણાય છે. જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial