ઘણાં લોકો પૂર્વગ્રહથી પીડાતા હોય છે, તો ઘણાંને કદાગ્રહ નડતો હોય છે
દેશના બે-ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાની અસરો દેશની રાજનીતિમાં વરતાવા લાગી છે, જ્યારે અતિવૃષ્ટિ પછી થાળે પડી રહેલા જનજીવનના કારણે હવે શિયાળામાં ડેમેજ કંટ્રોલનું અભિયાન ચાલશે. બીજી તરફ ચૂંટણીઓના કારણે શિયાળો પણ ગરમાગરમ રહેશે તેમ જણાય છે.
રાજનીતિ હોય, ઉદ્યોગ-વ્યાપાર હોય કે ઉચ્ચ--અભ્યાસ કે મોટા હોદ્દાઓ હોય, ત્યાં સફળતા મેળવવામાં માત્ર પરસેપ્શન (ધારણાઓ-માન્યતાઓ) ચાલે નહીં, પરફેક્શન એટલે કે પૂરેપૂરૂ સમર્પણ અને સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક જ આગળ વધવું પડતું હોય છે, જ્યારે કોઈપણ ક્ષેત્રે માત્ર ધારણાઓ કે માન્યતાઓને જ આધાર બનાવીને સફળતા મેળવવાનો પ્રયાસ થતો હોય, ત્યારે મોટાભાગે નિષ્ફળતા જ મળતી હોય છે, ખરૃં ને?
પરફેક્શનના ઘણાં અર્થ નીકળે, પરંતુ એ સફળતાની સીડીનું પ્રથમ પગથિયું છે, તે હકીકત છે. જો અધુરા પ્રયાસો કર્યા હોય, કામમાં સમર્પિતભાવ ન હોય અને મન વગર કોઈપણ કામ કર્યું હોય તો તેમાં સફળતા પણ અડધી-અધુરી જ મળતી હોય છે. આ દુનિયામાં સફળ થવું હોય તો 'પરફેક્શન' હોવું જરૂરી છે, કારણ કે માત્ર પરસેપ્શનથી દુનિયા ચાલતી નથી.
આ દુનિયા ધારણઓના આધારે નથી ચાલતી. ધારણાઓ, માન્યતાઓ, અભિપ્રાયો, અટકળો, અંદાજો એ પણ જરૂરી છે, પરંતુ તેના આધારે જ ચાલી શકાય નહીં, કારણ કે આ તમામ શબ્દોમાં કન્ફર્મેશન હોતું નથી. આ શબ્દો સ્વયં જ એવું સૂચવે છે કે તેમનામાં પુષ્ટ તથ્યો નથી. આ શબ્દોમાં તથ્યો હોય પણ શકે અને ન પણ હોય. ધારણાઓ સાચી પણ પડે અને ખોટી પણ પડે, અંદાજો કાચા પણ હોય અને નક્કર પણ હોય, અભિપ્રાયો સાચા હોય તો પણ તેને બધા લોકો સ્વીકારી જ લેશે, તેમ માની શકાય નહીં. અટકળોનું પણ એવું જ છે ને?
ઘણાં લોકો પૂર્વગ્રહોથી પીડાતા હોય છે. ઘણાં લોકોને વ્યક્તિગત પૂર્વગ્રહ હોય છે, ઘણાંને સંસ્થાગત પૂર્વગ્રહ હોય છે, ઘણાંને વિચારોનો પૂર્વગ્રહ હોય છે, તો ઘણાંને 'નકારાત્મક' પૂર્વગ્રહ હોય છે. આમ તો, તમામ પ્રકારના પૂર્વગ્રહોને નકારાત્મક પૂર્વગ્રહ જ ગણી શકાય.
કોઈપણ વ્યક્તિ અમુક જ પ્રકારનો છે, તેવી ધારણા રાખીને તે વ્યક્તિ પ્રત્યે ધૃણા, તિરસ્કાર કે શંકાશીલ દૃષ્ટિએ જ જોવું, અને તેવું માનીને જ તેની સાથેના વ્યવહારો કરવા તેને નકારાત્મક પૂર્વગ્રહ પણ કહી શકાય. આવો પૂર્વગ્રહ હોય, ત્યારે સંબંધિત જે-તે વ્યક્તિની દરેક વાત, દરેક કદમ, દરેક કાર્ય અયોગ્ય જ લાગે. આજકાલ આ પ્રકારનો નકારાત્મક પૂર્વગ્રહ રાજકીય ક્ષેત્રે ઘણો જ ફાલ્યોફૂલ્યો છે.
ઘણાં લોકો 'સકારાત્મક' અથવા 'હકારાત્મક' પૂર્વગ્રહના વિચારો વ્યક્ત કરતા હોય છે. આ પ્રકારના પૂર્વગ્રહોમાં ઘણાં લોકો કોઈ વ્યક્તિ, સંસ્થા, સમૂહ કે સંગઠનને માત્ર હકારાત્મક અથવા સકારાત્મક દૃષ્ટિએ જ જોતા હોય છે, અને આ પ્રકારના પૂર્વગ્રહમાં સામેની વ્યક્તિની ઉણપો, ભૂલો કે ખોટું કદમ પણ સારૂ જ લાગતું હોય છે, રાજકીય ક્ષેત્રે આ પ્રકારનો સકારાત્મક અથવા હકારાત્મક પૂર્વગ્રહ જેની સાથે હોય, તેના નામની સાથે 'ભક્ત' લગાડીને કટાક્ષો પણ થતા હોય છે.
જો કે, સકારાત્મક અથવા હકારાત્મક પૂર્વગ્રહ હોતો જ નથી અને આ પ્રકારની સકારાત્મક અથવા હકારાત્મક પૂર્વગ્રહ તરીકે જેને વર્ણવવામાં આવે, તેને હકીકતે અનુગ્રહ કહેવાય. કોઈ વ્યક્તિ, સંસ્થા, સંગઠન, સમૂહ કે વિચારધારા પ્રત્યેની સકારાત્મક્તા અથવા હકારાત્મક્તાને પૂર્વગ્રહ નહીં પણ 'અનુગ્રહ' જ કહેવાય... ખરૃં ને?
અનુગ્રહ અને પૂર્વગ્રહ એ બન્ને શબ્દોમાં આસમાન-જમીન જેટલું અંતર છે. પૂર્વગ્રહ હંમેશાં નકારાત્મક ભાવ જ વ્યક્ત કરે છે, જ્યારે અનુગ્રહ શબ્દ સ્વયં જ સકારાત્મક અથવા હકારાત્મક છે. તેમ કહી શકાય.
આજકાલ રાજનેતાઓ પર ઘણાં કેસો અદાલતોમાં ચાલતા હોય છે. રાજનીતિમાં હોવાથી સાચા-ખોટા કેસો પણ થતા હોય છે અને ઘણાં કેસો થયા પછી તેનો રાજકીય ઉપયોગ કે પ્રયોગ થતો હોય છે... અદાલતની કાર્યવાહી દરમિયાન કોર્ટની બહાર બંધાતા 'પરસેપ્શન' પરથી કેસોનો નિર્ણય આવતો નથી, પરંતુ પુરાવા, હકીકત અને દલીલોના 'પરફેક્શન'ના આધારે જ અદાલતો નિર્ણય કરતી હોય છે.
ઘણાં રાજનેતાઓ પર આક્ષેપો થાય કે કોર્ટમાં ચાર્જશીટ મૂકાય, કે તરત જ પોતે જે હોદ્દા પર હોય તે હોદ્દા પરથી 'નૈતિક્તા'ના આધારે રાજીનામું ધરી દેતા હોય છે, અને તેવું આઝાદી પછી થતું આવ્યું છે, પરંતુ હવે જેલમાં ગયા પછી કે જેલમાં હોવા છતાં 'બીજા નેતાઓ સામે ષડ્યંત્રો થતા અટકાવવા'નો ઉદ્દેશ્ય દર્શાવીને રાજીનામું નહીં આપતા કોઈ બંધારણીય હોદ્દા પર ચિટકી રહેવાનો નવો ટ્રેન્ડ પણ નીકળ્યો છે. બીજી તરફ વિરોધીઓને સાચા-ખોટા કેસોમાં ફસાવી દેવાના ષડ્યંત્રો વધી રહ્યા હોવાના આક્ષેપો પણ થતા રહેતા હોય છે, તયારે દેશને હવે અન્ના હજારે, જયપ્રકાશ નારાયણ અને ગાંધીજી જેવા 'બિનરાજકીય રાજનીતિ'ના પથદર્શકોની જરૂર છે, તેમ નથી લાગતું?
અદાલતો જ્યારે પોતાની તરફેણમાં નિર્ણય આપે, ત્યારે 'દેશમાં હજુ ન્યાયતંત્ર જિવંત છે, અને અદાલતે બંધારણીય સુરક્ષા આપી છે, તેવી વાતો થાય, અને જ્યારે અદાલતોમાં પોતાની વિરૂદ્ધમાં નિર્ણય આવે, ત્યારે તેમાં પ્રતિસ્પર્ધી પક્ષોનું ષડ્યંત્ર અને શાસનની તાનાશાહી દેખાય, ત્યારે સવાલ એ ઊઠે કે એક જ અદાલતના નિર્ણયોને જુદી જુદી રીતે કેવી રીતે મુલવી શકાય? કાં તો અદાલતો-ન્યાયતંત્રો બંધારણીય સુરક્ષા કરે છે તે હકીકત છે, અથવા તો નથી કરતી, તે બેમાંથી એક જ સત્ય હોઈ શકે, અને ભારતમાં ઉચ્ચ ન્યાયતંત્રોએ હંમેશાં બંધારણ અને લોકતંત્ર તથા નાગરિકોના હક્કોની સુરક્ષા જ કરી છે, તે નિર્વિવાદ હકીકત છે.'
પ્રાથમિક શિક્ષણની એક વાર્તા ઘણી જ પ્રચલિત છે. જેમાં ઘણાં પ્રયત્નો કરવાછતાં અને ઊંચા ઊંચા કૂદકા મારવા છતાં જ્યારે દ્રાક્ષને આંબી શકાય નહીં, ત્યારે 'છી...છી... આ દ્રાક્ષ તો ખાટી છે', તેવું કહીને ચાલતી પકડતુ પ્રાણી ભોયે પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખવા જેવી માનસિક્તા ધરાવતું હોય છે. ઘણાં રાજનેતાઓ પણ આવું જ કરતા હોય છે, ખરૃં કે નહીં?
જનતા, સંગઠન અને સત્યની તાકાત ઘણી જ વિરાટ હોય છે. ભારતમાં મતદારો પોતાના ખિસ્સામાં જ છે અને ગાડરિયા પ્રવાહની જેમ જે તરફ વાળો, તે તરફ વળી જાય છે, તેવું માનનારા ભૂલ કરે છે. આઝાદી પછી રાજાશાહી-સામંતશાહીના શાસનથી ટેવાયેલી દેશની જનતાને લોકતંત્રની મૂળ ભાવનાઓને સમજતા, પચાવતા ભલે વાર લાગી હોય, પરંતુ હવે દેશની ઓછું 'ભણેલી' પણ ઘણુ બધું 'ગણેલી' જનતા પુખ્ત થઈ ગઈ છે, અને અહમ્ના ગગનમાં ઊડતા નેતાઓને જ્યારે ઈચ્છે ત્યારે જમીન પર લાવી શકવાની તાકાત ધરાવે છે, ખરૃં કે નહીં?
સાવ સીધી-સાદી અને સરળ ભાષામાં કહીએ તો રાજનીતિ હોય કે અર્થકારણ, વ્યાપાર-ઉદ્યોગ હોય કે સેવાક્ષેત્રો હોય, પક્ષ હોય કે વિપક્ષ હોય, 'પરસેપ્શન'ને તદ્ન અવગણી શકાય નહીં, પરંતુ પરસેપ્શન્સના આધારે જ આગળ પણ વધી શકાય નહીં. જો 'પરફેક્શન' નહીં હોય તો સફળતાની ઊંચી ઊડાન ભર્યા પછી પણ અચાનક 'ક્રેશ' થઈને જમીન પર વેરણછેરણ થઈને પછડાવું પડી શકે છે. હવે લોકો પરસેપ્શન્સમાં નહીં, પરંતુ 'પરફેક્શન'માં જ વિશ્વાસ ધરાવતા થયા છે, તે નક્કર હકીકત તમામ ક્ષેત્રના માંધાતાઓ તથા નવોદિતોએ પણ સમજી લેવી પડે તેમ છે.
ઘણાં લોકોને 'પૂર્વ ગ્રહ' કરતા'યે વધુ પોતાનો 'કદાગ્રહ' આડે આવતો હોય છે. સબ-ઓર્ડિનેટ અથવા આસિસ્ટન્ટ પોતાથી કોઈ બાબતે હોંશિયાર હોઈ શકે, તે નક્કર હકીકત ઘણી વખત 'બોઝ'ને ગળે ઉતરતી જ નથી, અને તેના કારણે જ ઘણી વખત કંસારના બદલે થુલુ રંધાઈ જતું હોય છે, ખરૃં કે નહીં?... સમજદાર કો ઈશારા બહોત...!!
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial