Sensex

વિગતવાર સમાચાર

નાની માછલીઓ પછી હવે મોટા માથાઓ એ.સી.બી.ની ટ્રેપમાં ક્યારે ઝડપાશે?... દેશવ્યાપી ક્રાંતિ થશે ત્યારે?

તાજેતરમાં દ્વારકા જિલ્લામાંથી ઈન્કમટેક્સના એક અધિકારી લાંચ-રૂશ્વત લેવા જતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા અને પોલીસ રિમાન્ડ પર મોકલાયા હોવાના સમાચાર હતાં. એસીબીએ થોડા દિવસો પહેલા જ રાજ્યના જુદા જુદા સ્થળે છટકા ગોઠવીને ઝડપી લીધેલા લાંચિયા અધિકારી-કર્મચારીઓ તથા પદાધિકારીઓ અંગે એક વિસ્તૃત અહેવાલ મીડિયા અને અખબારોમાં આવ્યા પછી સોશ્યલ મીડિયામાં પણ ચર્ચાસ્પદ બન્યો હતો. લાંચ-રૂશ્વતની બદી ઘટવાના બદલે વધી રહી છે, અને જે પકડાય છે તે તો ભ્રષ્ટાચારના વિશ્વવ્યાપી મહાસાગરની માત્ર એક બુંદ સમાન પણ નથી, તેમ માનવામાં જરાયે અતિશયોક્તિ નહીં ગણાય, ખરૃં ને? એક આરોગ્ય કર્મી તથા ઘણાં અન્ય વિભાગોના કિસ્સાઓ શું સૂચવે છે?

હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા મોટા ભ્રષ્ટાચારના કેસો નોંધાવા લાગ્યા છે, જેમ જેમ જમીનો મોંઘી થતી જાય છે, અને મકાન-મિલકતના ભાવો પણ વધી રહ્યા છે તેમ તેમ નાના ગામડા તથા કસ્બાઓમાં પણ ભ્રષ્ટ નીતિ-રીતિથી જમીન હડપી લેવાના, ભાયુભાગ નહીં આપવાના, વારસાઈ જમીનના ભાગ પાડવામાં તકરારોના, લેન્ડ ગ્રેબીંગના તથા ખેતર-વાડીના સેઢા તથા સીમ-ગ્રામ્ય માર્ગોને લગતા સિવિલ કેસો અને ક્રિમીનલ કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા જાગૃત બની ગઈ હોવાથી ગ્રામ્ય કક્ષાએથી લાંચ-રૂશ્વતના છટકામાં ગ્રામ્ય કક્ષાના સરકારી કર્મચારીઓ- પદાધિકારીઓ તથા તેના મદદગારો ઝડપાવા લાગ્યા છે.

હમણાંથી ગ્રામ્ય કક્ષાએથી કેટલાક સરપંચો, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચયતના સભ્યો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યો, કર્મચારીઓ કે ગ્રામ-નગરસેવકો પણ લાંચ-રૂશ્વતની ટ્રેપમાં સપડાવા લાગ્યા છે, જે આપણા દેશમાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા પહોંચી ગયા છે, તે ઉજાગર કરે છે. ટોપ ટુ બોટમ પછી હવે આકાશથી પાતાળ સુધી ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, ખરૃં ને?

તાજેતરમાં જ કચ્છના નાનકડા એવા કૂકમા ગામમાંથી દાબેલી વેંચવાવાળો એસીબીની ટ્રેપમાં ઝડપાયો છે. સામાન્ય રીતે પાણીપૂરી, દાબેલી કે લારી-ગલ્લા પર ગાંઠિયા-ભજિયા વેંચતા ધંધાર્થીઓ ભેળસેળ કે અસ્વચ્છતાના કારણે ફૂડ શાખા, આરોગ્ય વિભાગ કે પંચાયત-પાલિકા-મહાપાલિકાની ટીમો દ્વારા થતા ચેકીંગમાં ઝડપાતા હોય છે, પરંતુ એન્ટી-કરપ્શન બ્યૂરોવાળાએ એક દાબેલીવાળાને રંગેહાથ લાંચ સ્વીકારતા પકડ્યો હોવાના સમાચારે રસપ્રદ ચર્ચા પણ જગાવી છે.

પ્રેસ-મીડિયામાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યા પછી સોશ્યલ મીડિયામાં તો આ કિસ્સો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તેના પડઘા રાજધાની ગાંધીનગર સુધી પડ્યા છે. લગભગ ચાર-પાંચ દિવસ પહેલા બનેલો આ કિસ્સો આજે રાજ્યના સચિવાલય તથા મંત્રાલયોના ગલિયારાઓ સુધી પડઘાવા લાગ્યો છે.

કુકમા ગામના બસ સ્ટેન્ડ પાસે દાબેલી વેંચતો શખ્સ જ્યારે એસીબીના છટકામાં રૂ.  બે લાખ જેવી મોટી રકમ ત્યાંના તલાટી વતી લાંચ લેતા ઝડપાયો, ત્યારે નાનકડા ગામ સુધી પણ ભ્રષ્ટાચારના ભોરીંગે કેવો ભરડો લીધો, તે બહાર આવ્યું હતું. આ લાંચ જેના વતી સ્વીકારાઈ હતી, તે તલાટી પણ ઝડપાઈ ગયો, પણ ગ્રામ પંચાયતનો સભ્ય અને સરપંચનો પુત્ર ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.

ગ્રામ પંચાયતનો સભ્ય અને તલાટી મળીને જમીનની એન્ટ્રી પાડવા માટે કોઈ પાસે લાંચ માંગે અને તેનો 'વહીવટ' દાબેલીવાળો કરે, તેવી સુઆયોજિત ભ્રષ્ટ વ્યવસ્થા નાના ગામડા સુધી ગોઠવાઈ જાય, તે શું સૂચવે છે?

આ પહેલા આ જ પંથકમાંથી એક કંપનીને બાંધકામની પરવાનગી આપવા માટે એક મહિલા સરપંચ, તેના પતિ અને તેના અન્ય બે મદદગારો ચાર લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા જેલભેગા થયા હતાં, અને એ મહિલા સરપંચનો દિયર પણ ત્રણ વર્ષ પછી એસીબીના છટકામાં ઝડપાતા આખી દાળ જ કાળી હોવાની ચર્ચા થઈ રહી છે. એવું પણ બહાર આવ્યું છે કે આ મહિલા સરપંચને રાષ્ટ્રપતિના હસ્તે કોઈ સન્માન પણ ભૂતકાળમાં પ્રાપ્ત થયું હતું!!

એક તરફ રાજકોટના ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ પછી ફાયર સેફ્ટી, જમીન મજબૂતી અને સંલગ્ન સર્ટીફિકેટો આકરી ચકાસણી પછી અપાતા આ વર્ષે લોકમેળાઓના ચગડોળ, સ્ટોલ્સ વગેરે ઊભા કરવામાં ધંધાર્થીઓને હડિયાપટ્ટી થઈ પડી હતી, તો બીજી તરફ આ જ પ્રકારની પરવાનગીઓ આપવા માટે ભ્રષ્ટ નીતિ-રીતિઓ બંધ થવાના બદલે તેના 'ભાવ' વધી ગયા હોવાની ચર્ચા પણ જાગી હતી. એવું કહેવાય છે કે એક ઈન્ચાર્જ અધિકારી ફાયર સેફ્ટીની એનઓસી આપવા બદલ રૂ.  ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતાં!

લાંચ-રૂશ્વતના કિસ્સાઓમાં ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી વતી કોઈ બિન-સરકારી વ્યક્તિ લાંચની રકમ સ્વીકારે, તો તે પણ ગુન્હામાં મદદગાર થવા બદલ સમાન રીતે ગુન્હેગાર બને છે, અને જેલમાં જાય છે, તેમ છતાં અદાલતોમાં કેસ ચાલે ત્યારે કદાચ છટકબારીઓ મળી જાય અને અસલી ગુનેગાર (જેના વતી લાંચ સ્વીકારાઈ હોય તે) ને ફરાર થઈ જવાનો મોકો મળી જાય, અને તે દરમિયાન કોઈ 'ગોઠવણ' થઈ જાય, તે હેતુથી દાબેલીવાળા, પાનના ગલ્લાવાળા, ચાની રેંકડીવાળા કે અન્ય કોઈ બિન-સરકારી વ્યક્તિને લાંચનો 'વહીવટ' સોંપવાની તરકીબ અજમાવાઈ રહી હશે, તેવા તર્કો પણ વ્યક્ત થતા હોય છે.

અહીં આપેલા દૃષ્ટાંતોની જેમ જ ઘણાં બધા ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના 'સેટીંગ' થતા હશે, પરંતુ જેમ જેમ જનતા જાગૃત થતી જાય છે અને એસીબીની સક્રિયતા વધતી જાય છે, તેમ તેમ લાંચિયા લોકોમાં ફફડાટ પણ વધી રહ્યો છે. ગો એહેડ...

સોશ્યલ મીડિયામાં તથા ચોરે ને ચૌટે, ચાની રેંકડીઓ તથા પાનના ગલ્લે એક બીજી રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો કે તેના સગાઓ, સરપંચ પતિઓ, નગરપાલિકાના સભ્યો અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો, કેટલાક સ્થળે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો કે પછી સહકારી સંસ્થાઓના હોદ્દેદારો વગેરે જો સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સાથે સેટીંગ કરીને પોતે જ લાંચ લેતા કે લેવડાવતા ઝડપાતા હોય, તો શું અન્ય પદાધિકારીઓ દૂધે ધોયેલા હશે?

જામનગરના કુખ્યાત લેન્ડ ગ્રેબીંગ કેસ પછી એ તો પૂરવાર થઈ ગયું છે કે, ભ્રષ્ટાચારની સિસ્ટમમાં રાજનેતા, કાયદાનો જાણકાર, અનુભવી સરકારી કર્મચારી અને 'ઈન્વેસ્ટર' કૌભાંડકાર મળીને કેવી રીતે 'જાયન્ટ કરપ્શન'નો ખેલ પાડી શકતા હોય છે. આ પ્રકારના અપવાદ રૂપ દૃષ્ટાંતો પછી એમ પણ માની શકાય કે ઉચ્ચ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચારનો ભાંડો પણ ફૂટી શકે ખરો, પરંતુ તે માટે જનતાની જાગૃતિ સંપૂર્ણપણે પ્રામાણિક નિર્ણાયક અધિકારી, સામાજિક સંગઠીતતા અને વ્યક્તિગત પ્રામાણિક્તાની જરૂર પડે, ખરૃં ને?

એવી રસપ્રદ ચર્ચા છે કે જેવી રીતે તલાટી, સરપંચ, સભ્ય અને તેના મદદગારો લાંચના છટકામાં ઝડપાય, તેવી જ રીતે કોઈ ભ્રષ્ટ સચિવ, કલેક્ટર, મંત્રી, આઈએએસ કે આઈપીએસ અધિકારી, આ બધાના પી.એ., પી.એલ, સનદી અધિકારીઓ, પદાધિકારીઓ, મેજીસ્ટેરિયલ પાવર ધરાવતા અમલદારો, બોર્ડ-નિગમો, કોર્પોરેશનો, સમિતિઓ, સહકારી ક્ષેત્રો કે જાહેર સાહસોના હોદ્દેદારો, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે દ્વારા જો પ્રત્યક્ષ કે પરોક્ષ(!?) રીતે લાંચ માંગવામાં આવે, ત્યારે તે ઝડપાય, અને તે જેલમાં જાય તથા અદાલતો દ્વારા તેઓને આકરી સજા થવા લાગે, અપવાદરૂપ નહીં, પરંતુ એક સાથે દેશવ્યાપી ક્રાંતિના સ્વરૂપે આવું થાય તો કહી શકાય કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થવા લાગી છે, ખરૃં કે નહીં? લોકો પૂછે છે કે નાની માછલીઓ પછી હવે ભ્રષ્ટ મોટા માથાઓ સામે ક્રાંતિ ક્યારે થશે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial