શોર્ટકટથી કમાઈ લેવાની લાલચ, પ્રલોભનો, વિદેશ જવાની ઘેલછા અને નોકરીની ઝંખના એટલે બરબાદી
આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બને છે, જેમાં માનવસહજ લાલચ શોર્ટકટથી અઢળક આવક મેળવી લેવાની મનોવૃત્તિ અને ખાસ કરીને લોભી મનોવૃત્તિ કારણભૂત હોય છે. રોકડ નાણાનું રોકાણ જોખમી રીતે કે એકના ડબલ, દોઢા કે સવાયા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા લઈને ઘણાં લોકો ગાયબ થઈ જતા હોય છે. એ પછી પોલીસ સ્ટેશનો અને કોર્ટ-કચેરીના ચક્કર કાપતા હોય છે. આ પ્રકારની મોટી સ્કીમોમાં ભેરવાઈને ઘણાં લોકો અને પરિવારો બરબાદ પણ થઈ જતા હોય છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યાના પ્રયાસ જેવું સ્વઘાતી અંતિમવાદી પગલું લેવા જેવી દુર્ભાગ્યપૂર્ણ કરૂણાંતિકાઓ પણ સર્જાતી હોય છે.
લાલચ બૂરી બલા છે અને તે હંમેશાં બરબાદી જ નોતરે છે, તેમ છાતાં તેમાં પ્રલોભાઈને ઘણાં લબ્ધપ્રતિષ્ઠિત લોકો પણ અનૈતિક, ગેરકાનૂની કે અવરિત કારનામા કરી બેસતા હોય છે. માનવીનું મન જ્યારે લલચાઈ જાય, ત્યારે તેની બુદ્ધિના દરવાજા જ જાણે બંધ થઈ જતા હોય છે અને તે પછી તેઓ જ્યારે બરબાદ થઈ જાય, અને આંખ ઉઘડે ત્યારે તો ઘણું જ મોડું થઈ જતું હોય છે. સાચી વાત છે ને?
મનોબળ મજબૂત હોય તો 'સંતોષી નર સદા સુખી'ની કહેવાત મુજબ 'મહેનત મુજબના વળતર' અને 'પાઘડી હોય, તેવડી જ સોડ' તાણવામાં લોકોને પ્રલોભનો ક્યારેય પલાળી શકતા હોતા નથી. મિથ્યા પ્રલોભનોના બદલે મજબૂત મનોબળ સાથે વાસ્તવિક અને કાનૂની ધોરણે જીવન જીવતા લોકો પણ ઘણી વખત સિદ્ધિઓના શિખરો સર કરતા જ હોય છે, અને તેના સંખ્યાબંધ દૃષ્ટાંતો પણ જોવા મળતા હોય છે.
આપણી વચ્ચે જ ઘણાં એવા છેતરાયેલા પીડિત પરિવારો જોવા મળતા હોય છે, જેઓ દગાબાજી, વિશ્વાસઘાતનો શિકાર બનીને મજબૂર બન્યા હોય છે. આ પ્રકારના હજારો દૃષ્ટાંતો છતાં આપણે રોજ-બ-રોજ મોટા ફ્રોડ અને બરબાદીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ જાણીને તેની ચર્ચા કરતા હોવા છતાં તેને ઘટાડી કે અટકાવી શકતા હોતા નથી. દૃષ્ટાંત તરીકે અમદાવાદના થલતેજમાં રહેતી એક મહિલાને એક દંપતીએ લાલચ આપીને રૂા. ૩.૮૭ કરોડની કરેલી છેતરપિંડીની ચર્ચા રાજ્યભરમાં ચર્ચા થઈ હતી.
એ કિસ્સામાં આ મહિલાએ પહેલા ૧૦ લાખ રૂપિયા રોક્યા હતાં અને ત્રણ જ અઠવાડિયામાં તેના ડબલ કરીને ર૦ લાખ રૂપિયા આપી દેવાયા હતાં. આ રીતે પહેલા વિશ્વાસ જીત્યા પછી વધુ રકમનું રોકાણ કરવા પ્રેરીને જંગી રકમની છેતરપિંડી થઈ ગઈ હતી.
ધૂતારાઓમાં દયા, કરૂણા કે સંવેદના તો હોતી જ નથી, પરંતુ અમાનુષી ક્રૂરતા જ ભરેલી પડેલી હોય છે. હથિયારો કે લાકડી-દંડાથી માર મારીને અત્યાચાર કરતા ઘાતકીઓ કરતા પણ આ ધૂતારાઓ વધુ ખતરનાક હોય છે, કારણ કે તેઓ તો મજબૂર, લાચાર કે અલ્પજ્ઞાની નિર્દોષ લોકોને જ ભોળવીને લૂંટી લેતા હોય છે.
પતિના નિધન પછી જમીન વેંચીને મેળવેલી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની મથામણ દરમિયાન જ આ પ્રકારના ધુતારાઓ ભટકી ગયા અને ફ્રોડ કરીને કરોડો રૂપિયા હડપ કરી લીધા. જો આ બહેને કોઈ વિશ્વસનિય બેંક, પોસ્ટખાતુ કે અન્ય વિશ્વાસપાત્ર ક્ષેત્રે રોકાણ કર્યું હોત, તો પસ્તાવું પડ્યું ન હોત.
ઘણી વખત તો ભણેલા ગણેલા લોકો પણ છેતરાઈ જતા હોય છે. સુરતમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એક જમાદારને જ ગઠિયો છેતરી ગયો. તે કિસ્સામાં તો કારની લોન લીધા પછી તેની રકમ જ ગઠિયાના ખાતામાં જમા થઈ ગઈ અને હપ્તા આ જમાદારના ખાતામાંથી કપાયા હતાં. તે પછી ફરિયાદ થઈ હતી. આ કિસ્સામાં ઠગ કોઈ પોસ્ટમેનનો દીકરો નીકળ્યો હતો.
વિદેશ જવાની લાલચમાં પણ ઘણાં લોકો ફસાઈ જતા હોય છે. માધવપુર ગામનો એક યુવાન સારા પગારથી નોકરીની લાલચમાં આવીને વિદેશ તો ગયો, પરંતુ ત્યાં તેની પાસે ઢસરડો કરાવીને બે ટંકનું પૂરૃં ખાવાનું પણ મળતું નહોતું, અને કોઈનો કોન્ટેક્ટ પણ કરવા દેવામાં આવતો નહોતો.
ચોતરફથી ઘેરાયેલા આ યુવાને કોઈ રીતે કોઈની મદદથી જેમ તેમ કરીને મોબાઈલ ફોન દ્વારા તેના પરિવારને જાણ કરી કે તેને ચોક્કસ સંકુલમાં ગોંધી રાખીને તનતોડ કામ કરાવવામાં આવે છે, અને પગાર તો ઠીક, યોગ્ય ભોજન-નિવાસના પણ ઠેકાણા નથી.
આ યુવાનના સગા-સંબંધી તથા વડીલો અને મોટાભાઈએ આ અંગે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને તે દેશમાં અને તે જ વિસ્તારમાં રહેતા એક વગદાર સજ્જનની પણ મદદ લીધી. છેક એમ્બેસી સુધી આ મામલો પહોંચ્યા પછી અને તે સજ્જનના પ્રભાવના કારણે તે યુવાનનો છૂટકારો થયો અને બાકી પગાર ચૂકવીને પરત માધવપુર મોકલી દેવાયો. આ પ્રકારના તો ઘણાં કિસ્સા આપણી સામે આવતા જ હોય છે ને?
એવો જ બીજો કિસ્સો જોઈએ. ભાવનગર અને રાજસ્થાનના ૭ વ્યક્તિને વિદેશમાં વર્ક પરમીટ-વીઝા અપાવવાના નામે રૂા. ર૮.પ૦ લાખની છેતરપિંડી થઈ હતી. એક મહિલા આ પ્રકારની ઓફિસ ચલાવતી હતી અને તેનો વચેટિયો આ પ્રકારના મજબૂર બેરોજગારોની શોધમાં રહેતો હતો. સુરતના આ કિસ્સામાં પણ વિઝા અને વર્ક પરમીટના બદલે ઠેંગો બતાવી દેવામાં આવ્યો હતો.
આવો જ અન્ય એક કિસ્સો વડોદરામાં બન્યો હતો. પ્રસંગોની ઉજવણીમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા એક યુવાનને લંડન મોકલવાની લાલચ આપીને રૂા. ૪ લાખ પડાવી લીધા પછી એક દંપતીએ આપેલો ચેક પણ બાઉન્સ થયા પછી લંડન જવાના બદલે આ યુવાન બેંક અને પોલીસ સ્ટેશનના ચક્કર કાપતો થઈ ગયો હતો.
ઘણી વખત ભોલાભાલા ખેડૂતો પણ ફ્રોડનો ભોગ બની જતા હોય છે. નડિયાદના એક નાના ગામડાના ખેડૂતે સોશ્યલ મીડિયાની કોઈ જાહેરાત જોઈને સી.એસ.સી. ખાતુ ખોલાવવાની લાલચમાં રૂા. ૧.૧૪ લાખ ગુમાવ્યા હતાં. તે પછી કાનૂની કાર્યવાહી આદરી હતી.
નોકરીની તલાસ કરતા અને જુદી જુદી જાહેરાતો પર નજર રાખતા યુવાવર્ગને પણ ચેતવા જેવું છે. એજ્યુકેટેડ યુવા-યુવતીઓ નોકરી મેળવવાની લાલચમાં છેતરાઈ જતી હોય છે. રાજકોટના એક વરિષ્ઠ અને ભણેલા ગણેલા સજ્જનની દીકરી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી અને પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરીની લાલચમાં તેણીએ કોઈ ઠગના ખાતામાં ૬ર હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. તે પછી છેતરાયા હોવાની ખબર પડતા ફરિયાદ નોંધાવી હતી. આ દીકરીના માતા પણ કોઈ કોલેજમાં પ્રોફેસર હોવાનું પણ જે-તે સમયે બહાર આવ્યું હતું!
જામનગરમાં ટૂર ઓપરેટીંગના ક્ષેત્રે પણ છેતરપિંડીનો એક કિસ્સો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો.
બેન્કોમાં એટીએમમાંથી નાણા ઉપડવાનું ઘણાં ઓછું ભણેલા લોકો પણ શિખી ગયા છે, પરંતુ દરેક એટીએમ સમાન સિસ્ટમના નહીં હોવાથી ઘણી વખત ભણેલા ગણેલા લોકો પણ ગોટે ચડી જતાં હોય છે. આ પ્રકારે મુંઝાયેલા લોકોની મદદે ઘણી વખત મદદરૂપ થવાની ભાવનાથી પણ તે જ સમયે નાણા ઉપાડવા કે ડિપોઝીટ કરવા ગયેલા સજ્જનો કે સન્નારીઓ હેલ્પ કરતા હોય છે, પરંતુ આ રીતે હેલ્પ લેવા જતાં છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સા પણ વધી રહ્યા છે, અને તેના દૃષ્ટાંતો રોજ-બ-રોજ સામે આવતા હોય છે. આથી ચેતતા નર સદા સુખી...હો...
આ જ રીતે વિદેશમાં નોકરી કે વિઝાની લાલચમાં ધિરાણ મેળવ્યા પછી ગીરવે મૂકેલ મોરગેજ મિલકતો વેચી મારવાના, સોના-ચાંદી કે ઈલેકટ્રોનિકસ આઈટેમ્સના મોટા વેપારીઓને પોતે એનઆરઆઈ કે મોટો અધિકારી હોવાની બનાવટી ઓળખ આપીને મોટી રકમનો ચુનો લગાવવાના, નકલી સોનુ પધરાવીને છેતરપિંડીના તથા લલચામણી બનાવટી સ્કીમો દ્વારા પ્રલોભનો આપીને,ખોટી જાહેરાતો આપીને કે કોઈ મોટું સરકારી કામ કરી આપવા, વિવિધ પ્રકારના કાર્ડ કઢાવી આપવા, બેન્કમાંથી લોન અપાવી દેવાના નામે સંખ્યાબંધ લોકોને છેતરવામાં આવી રહ્યા છે. હવે તો સાયબર ફ્રોડ પણ વધ્યા છે, તેથી ભણેલા-ગણેલા લોકોએ પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, ખરું કે નહીં?
સાયબર ક્રાઈમ રોકવા પોલીસ તંત્રની એડવાઈઝરી
પોલીસતંત્રના જુદા જુદા અધિકારીઓ દ્વારા પણ અવારનવાર સાયબર ક્રાઈમ ઘટાડવા અને રોકવા માટે જનસહયોગ જરૂર જણાવી લોકોને કેટલીક સાવચેતીઓ રાખવા એડવાઈઝરી જાહેર કરીને ગાઈડલાઈન્સ અપાતુ રહેતું હોય છે.
આ ગાઈડન્સ મુજબ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ દ્વારા કમ્પ્લેઈનથી પ્રક્રિયા, તેની ચોક્કસ અને સાચી માહિતી પોતાના નામ, સરનામા, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે સાથે ૫ૂરી પાડવા, આ પ્રકારે સાયબર ક્રાઈમનો શિકાર થયા પછી ઘટનાનું ઝીણામાં ઝીણું અવલોકન કરીને તેનું દસ્તાવેજીકરણ કરવા, સ્ક્રીન સોટ, ઈ-મેઈલ જેવી સાયબર એક્ટિવિટી દ્વારા પુરાવા સાચવવા, સોફટવેરને મજબૂત સુરક્ષા પ્રણાલિથી સુરક્ષિત રાખવા અને સોફટવેરને નિયમિત અપડેટ કરતા રહેવાની ગાઈડલાઈન્સ અપાતી હોય છે.
ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય ?
ઓનલાઈન છેતરપિંડીથી બચવા આ ક્ષેત્રના તજજ્ઞો-નિષ્ણાતો દ્વારા પણ અવાર-નવાર સલાહ-સૂચનાઓ તથા ચેતવણીઓ અપાતી હોય છે તે મુજબ મજબૂત પાસવર્ડ રાખવા, સુરક્ષિત ઈન્ટરનેટ કનેકશન જ વાપરવા, ફિશીંગ ઈ-મેઈલથી સાવધ રહેવા, અપડેટ્સને નિયમિત ચેક કરવા, બેન્કીંગ અને નાણાંકીય લેવડ-દેવડમાં વધુમાં વધુ સતર્કતા રાખવા, પબ્લિક સેટીંગમાં ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરવા, વાયરલેસ ઈન્ટરનેટ કનેકશનો, વાયફાય વગેરેમાં ખૂબ જ મજબૂત પાસવર્ડ વાપરવા, પોતાના યુપીઆઈ પીન શેર કરતા પહેલા સાવધાની રાખવા, બ્રાઉઝરની સેટીંગમાં જઈને કુકીઝ હટાવવા, વેબસાઈટના યુઆરએસ ચેક કરવા, પબ્લિક વાયફાયનો ઉપયોગ શકય ત્યાં સુધી નહીં કરવા, ફાઈલનું બેક-અપ લેવા, અજાણી લીન્ક શેર નહીં કરવા અને ફોન દ્વારા મંગાતી બેન્કીગ પીનકોડ, ઓટીપી, પાસવર્ડ વગેરે માહિતી કોઈપણ સંજોગોમાં શેર ન કરવા જણાવાતું હોય છે.
છેતરપિંડીથી બચોઃ આરબીઆઈની વોર્નિંગ
ભારતીય રિઝર્વ બેન્ક બેન્કીંગ ફ્રોડ અને એટીએમ છેતરપિંડીથી બચવા માટે અવાર-નવાર ચેતવણીઓ બહાર પાડતી રહે છે. તે મુજબ લોકોએ કોઈ પણ વ્યક્તિને પોતાના બેન્કીગ પાસવર્ડ, એટીએમ, પીનકોર્ડ, સીવીવી નહીં આપવા, એટીએમ કે ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયું હોવાનું જણાવી ફોન પર કે રૂબરૂ કોઈ ઓટીપી માંગે તો તે નહીં આપવા , બેન્ક સાથે જોડાયેલી ઈન્સ્ટેન્ટ એલર્ટની સુવિધાઓ ઓન રાખવા, પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડીને બેન્કમાં અપડેટ રાખવા, બેન્કોના તમામ કોન્ટેકટ નંબરો હાથ પર રાખવા, ડેબિટ કાર્ડ ચોરાઈ કે ખોવાઈ જાય, કોઈ સાયબર છેતરપિંડી થાય કે નાણા ઉપડી રહ્યા હોવાના મેસેજ આવવા લાગે તો સંબંધિત બેન્કને તત્કાળ જાણ કરવાની ચેતવણી વારંવાર ભારપૂર્વક અપાતી હોય છે.
તે ઉપરાંત કોઈપણ પ્રકારની બેન્કીંગ છેતરપિંડી થાય કે તેવી આશંકા હોય, તો શકય તેટલી ઝડપે બેન્કને જાણ કરવા, એટીએમનો ઉપયોગ કરતી વખતે આડો હાથ રાખીને પીન કોડ નાખવા, એટીએમમાં કાર્ડ નાખ્યા પછી તમારો પીનકોડ નાખવાની સૂચના વંચાય, તે પછી જ પીનકોડ નાખવા, એટીએમ પાસે જ ઊભીને ફોન દ્વારા કોઈને પીનકોડ યાદ કરાવવા કે સાથેની વ્યક્તિ સાથે તેવી વાતચીત નહીં કરવા, ટ્રાન્ઝેકશન સંપન્ન થઈ જાય, તે સમયે ખાસ યાદ કરીને સ્ક્રીન સામાન્ય થયા પછી અને પોતાનું એટીએમ સાથે લઈ લીધુ હોવાની ખાતરી કરીને જ બહાર નીકળવા, સમયાંતરે પીન બદલતા રહેવા અને જો પિનકોડ સાથે છેડછાડ થઈ હોવાની આશંકા જાગે, તો તુરંત જ પોતાનો પીનકોડ બદલી નાખવાની સાવધાની રાખવાનુું પણ સીબીઆઈ સૂચવતી રહે છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial