હરિયાણાની ચૂંટણી પછી દેશમાં કોંગ્રેસ તરફી પવન ફૂંકાશે અને વર્તમાન ચૂંટણી જંગમાં વિરોધી પક્ષોનો સફાયો થશે, તેવી યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી તથા કોંગી નેતા સચિન પાયલોટે પીઓકે મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા પ્રહારોને સાંકળીને ઈઝરાયેલ દ્વારા હમાસ-હિઝબુલ્લાના સફાયાના ઉદ્દેશ સાથે કરાયેલા જંગ પછી હવે અમેરિકાએ સીરીયાના આતંકીઓ પર કરેલી એરસ્ટ્રાઈકની ચર્ચા થઈ રહી છે અને એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે આતંકવાદ વિરોધી આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું ગાણુ ગાતી મોદી સરકાર પીઓકેના મુદ્દે કેમ કાંઈ કરતી નથી ? હાથીના ચાવવા (ખાવા)ના અને દેખાડવાના દાંત જુદા છે ?
ભૂતકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી, અને તે પછી થોડા વર્ષો પહેલા ભારતીય વાયુ સેના સાથે સંકલન કરીને ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી હતી, અને તેમાં સંખ્યાબંધ આતંકીઓને ઠાર કરાયા હતા, તેનો વારંવાર ઉલ્લેખ કરીને મોદી સરકારે વાહવાહી લૂંટી લીધી, રાજકીય ફાયદો મેળવ્યો અને ભારતીય સેનાના પરાક્રમોને બીરદાવવાની સાથે સાથે સરકારે પોતાની પીઠ પણ થાબડી, એટલું જ નહીં, તેની ભાવનાત્મક અસરો હેઠળ જે-તે સમયે ભાજપને તેનો ચૂંટણીલક્ષી લાભ પણ મળ્યો હતો, પરંતુ તે પછી અત્યાર સુધી ચૂપ રહેલી કેન્દ્ર સરકારની પીઓકેના મુદ્દે સત્તાવાર રીતે કોઈ વ્યૂહરચના કે રણનીતિ જાહેર થઈ જ નથી, પરંતુ ચૂંટણી પ્રચારમાં તેનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે, તેથી લોકો કહી રહ્યા છે કે હાથીના ખાવાના અથવા ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય, તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે જો પાકિસ્તાને ભારત સાથે દુશ્મનાવાટ જેવો વ્યવહાર ન રાખ્યો હોત અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા હોત તો અત્યારે બદહાલ પાકિસ્તાનને આઈએમએફ પાસે બેલઆઉટ પેકેજની માંગણી કરવી ન પડી હોત કારણ કે ભારતે તેનાથી પણ મોટું રાહત પેકેજ આપ્યું હોત, ભારત સરકારે જમ્મુ-કાશ્મીર માટે ખોલેલા ખજાના પૈકી રાહત ફંડ ૯૦ હજાર કરોડ સુધી પહોંચ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો, તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીઓકે જમ્મુ-કાશ્મીરનો જ એક ભાગ હોવાનું જણાવી હવે તેને ભારતમાં ભેળવી દેવા મોદી સરકાર રણનીતિ અપનાવશે, તેવા પ્રકારના કરેલા નિવેદનના સંદર્ભે કોંગ્રેસે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો છે.
સચિન પાઈલોટે કહ્યું છે કે હાથીના દાંતની જેમ જ ભારતીય જનતા પક્ષની રાજ્ય-કેન્દ્રની સરકારો પણ બેવડા ધોરણો અપનાવી રહી છે. પીઓકેમાં ભારતના જ અંગ તરીકે ગણીને તેની બેઠકો અલગ રખાઈ છે, તેનો ઉલ્લેખ કરીને તથા યોગી આદિત્યનાથના નિવેદનને સાંકળીને સચિન પાયલોટે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષથી તો મોદી સરકાર ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં રહી હતી, તો તે દરમિયાન પીઓકેને ભારતમાં સમાવવા કોઈ કદમ કેમ ન ઉઠાવાયા ?
આ પ્રકારના કદમ ઉઠાવવા માટે માત્ર વાતો કે દાવાઓમાં નહીં, પરંતુ વાસ્તવમાં પ૬ ઈંચની છાતી જોઈએ. ઈઝરાયેલે હમાસને ખેદાન મેદાન કર્યા પછી હવે હિઝબુલ્લાને પણ હંફાવી દીધું છે અને પેલેસ્ટાઈન તથા લેબેનોનમાં ઘુસીને બંને આતંકી સંગઠનોને લગભગ ખંઢેરમાં ફેરવી દીધા છે, તેથી તેવી હિંમત દાખવીને પ્રહાર કરાય તો તેને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ કહી શકાય. ભારતીય સેનાના પરાક્રમોને વટાવીને પોલિટિકલ ફાયદો મેળવવાના બદલે ઈઝરાયેલ જેવી પ્રબળ ઈચ્છાશક્તિ બતાવવી જોઈએ, તેવા વ્યંગ્યાત્મક પ્રત્યાઘાતો પણ આ મુદ્દે પડી રહ્યા છે, અને એવો કટાક્ષ થઈ રહ્યો છે કે હાથીના દાંત...?!
હવે અમેરિકાએ પણ સીરીયામાં એરસ્ટ્રાઈક કરીને અલકાયદાની ભગિનિ આતંકી ગેંગોનો ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલ આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાની સેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં ઉત્તર પશ્ચિમ સીરીયામાં ધમધમતા આતંકી ટ્રેનિંગ કેમ્પ ધ્વસ્ત થઈ ગયા છે અને અલકાયદાની શાખા સમા હુર્રસ-અલ-દીન આતંકી સંગઠનના ૯ સહિત કુલ ૩૯ ખૂંખાર આતંકી આકાઓ પણ તેમાં હણાયા છે. હવે એક તરફથી ઈઝરાયેલે હમાસ પછી હીઝબુલ્લા સામે યુદ્ધ છેડીને લેબેનોનની સરહદે ટેન્કો ખડકી દીધી છે, તો બીજી તરફ અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સીરીયાસ્થિત આતંકી સંગઠનોનો સફાયો કરવાનો શરૂ કર્યો છે.
ભારતમાં પાક. પ્રેરિત આતંકવાદ સાથે સાંકળીને એવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ચર્ચા થઈ રહી છે કે જેવી રીતે ઈઝરાયેલ પડોશી દેશોના આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી રહ્યું છે, તેમ ભારત સરકારે પણ પીઓકેના ફરીથી ધમધમવા લાગેલા આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા સેનાને ખુલ્લી છૂટ આપી દેવી જોઈએ, પરંતુ કમભાગ્યે તેમ થતું નથી. એકાદ-બે સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક કર્યે ચાલવાનું નથી, બલ્કે ઈઝરાયેલ અને અમેરિકાની જેમ પરિણામલક્ષી પ્રહારો ચાલુ રાખવા પડે તેમ છે, પરંતુ હાથના દાંત..?!
પીઓકે ભારતનું જે છે અને ગેરકાયદે કબ્જો જમાવીને બેઠેલા પાકિસ્તાનને ત્યાંથી તગેડવાનું જ છે, તો તેમાં એક દાયકાથી વધુ સમયથી સત્તારૂઢ ભાજપની સરકારે કેમ ઢીલાશ રાખી ? પીઓકેમાં ચીનના હિતો પણ સંકળાયેલા હોવાથી તેની બીક લાગે છે કે પછી કોઈ ગૂપ્ત રણનીતિ છે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, અને હાથના દાંત વાળા કટાક્ષો દોહરાવાઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ આતંકવાદ નાબૂદ કરવાની વાતો કરી ભાજપ સરકાર પાક.માં પનપતા આતંકવાદીઓને નાબૂદ કરવાનો વીલ પાવર કેમ બતાવતી નથી ?! ઈઝરાયેલ ફેઈમ રણનીતિ કેમ અપનાવતી નથી? તેવા સવાલો સાથે એવો માર્મિક સવાલ પણ પૂછાઈ રહ્યો છે કે વિશ્વકક્ષાએ 'શાંતિદૂત' બનવાના અભરખા તો કયાંક આડે આવી રહ્યા નથી ને?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial