Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

નવરાત્રિ, ગાંધીજી-શાસ્ત્રીજી જયંતી અને ઉત્સવોના માહોલ વચ્ચે મોંઘવારીનો માર

એક તરફ નવરાત્રિનો ઉત્સાહ ઉછાળા મારી રહ્યો છે, અને ગામેગામ તથા શહેરોમાં નવલા નોરતાની ધૂમ ચી છે અને ખેલૈયાઓમાં ગરબા અને દાંડિયારાસ રમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક સ્થળે વરસાદની આગાહીઓની ચિંતા પણ જોવા મળી રહી છે. નવરાત્રિના ઉમંગમાં હવે સરકારે પણ ઝંપલાવ્યું હોય તેમ નવરાત્રિ મહોત્સવના વિવિધ આયોજનોમાં મંત્રીઓ તથા બ્યુરોક્રેટો સામેલ થઈ રહ્યા છે.

આ બધી વચ્ચે કેન્દ્રિય ઓઈલ કંપનીઓએ નવરાત્રિ ટાણે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં પચાસ રૃપિયા જેવો ગઈકાલથી થોપી દીધેલો વધારો ટીકાપાત્ર બની રહ્યો છે. નવરાત્રિમાં જ્યાં હોટલ-રેસ્ટોરન્ટ-ઈવેન્ટ્સમાં કોમર્શિયલ ગેસનો વપરાશ વધી રહ્યો હોય ત્યારે જ આ વધારો ઝીંકીને ઓઈલ કંપનીઓએ 'સરકારી નફાખોરી'નું દૃષ્ટાંત આપી દીધું છે, અને તેને લઈને જનતામાં તીવ્ર નારાજગી પણ પ્રવર્તી રહી છે.

છેલ્લા ઘણાં મહિનાઓથી કોમર્શિયલ એલપીજીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, અને ઘરેલુ વપરાશના ગેસના ભાવો સ્થિર રાખવામાં આવી રહ્યા છે. આ મુદ્દે સરકાર તરફી પ્રવક્તાઓ તથા નેતાઓ એવી દલીલ કરતા રહેતા હોય છે કે ઘરેલુ ગેસના બાટલાના ભાવો સ્થિર રહેવાથી સામાન્ય જનતાનો બોજ વધતો નથી. વાસ્તવિક્તા એ છે કે કોમર્શિયલ ગેસના ભાવોમાં થતો વધારો પણ અંતે તો સામાન્ય જનતા પર જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારણ વધારે છે, કારણ કે કોમર્શિયલ ગેસના ભાવો વધતા કૂકીંગ, કેટરીંગ અને અલ્પાહાર જ નહીં, ચા-કોફી તથા મીઠાઈ-ફરસાણ પણ મોંઘા થઈ જતા હોય છે.

હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચૂંટણીઓ તથા પેટા-ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકાર પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી-સીએનજીના ભાવો ઘટાડીને મોંઘવારીને આડક્તરી રીતે આંશિક ઢબે અંકુશમાં લેવાનો પ્રયાસ કરશે, તેવી અટકળો હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે કેન્દ્ર સરકાર મોંઘવારીના મુદ્દે કોઈ જ અસરકારક કદમ ઊઠાવી રહી નથી.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડના ભાવોમાં ધરખમ ઘટાડો થાય, ત્યારે પણ સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડતી નથી, તેને સ્ટેટસ્પોન્સર નફાખોરી ન ગણી શકાય? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.

નવરાત્રિના પ્રારંભ પહેલા જ કોમર્શિયલ ગેસના ભાવોમાં વધારો ઝીંકાયો અને પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં અપેક્ષા હતી, તે પ્રકારનો ઘટાડો થયો નહીં, પરંતુ જેટ ફ્યુઅલના ભાવો ઘટાડીને હવાઈ સેવાઓ ચલાવતી કંપનીઓને ફાયદો કરાવવાના પ્રયાસો કરાયા હોવાના આક્ષેપ સાથે એવો કટાક્ષ પણ કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની સરકારી નીતિ-રીતિઓના કારણે કદાચ સદ્ગત મહાનુભાવોનો આત્મા પણ દુભાયો હશે!

આજે બીજી ઓક્ટોબર પૂ. મહાત્મા ગાંધીજીની જયંતી છે. ગરીબો તથા નિમ્ન મધ્યમ વર્ગોના હિતેચ્છુ મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોને ઘોળીને પી ગયેલા રાજકીય પક્ષો માત્ર રાજકીય ફાયદા માટે જ ગાંધીબાપુના નામનો ઉપયોગ કરતા રહ્યા હોવાનો આક્રોશ પણ પ્રગટી રહ્યો છે. એ જ રીતે આપણાં દેશના પૂર્વ વડાપ્રધાન અને વામન છતાં વિરાટનું બિરૃદ પામેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ પણ દેશની સુરક્ષા માટે પોતાના પરિવારોને છોડીને સરહદે કે આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલા જવાનો તથા ફરજ બજાવતા બજાવતા જીવનું બલિદાન આપી દેનાર શહીદો તથા દેશ અને દુનિયાનું પેટ ભરતા જગતના તાત ખેડૂતોને સાંકળીને 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો હતો. આજે આ બન્ને મહાપુરુષોની જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે જ દેશમાં મોંઘવારી ઘટાડવાને બદલે વધારવાના અસંગત અને અણઘડ નિર્ણયો લેવાઈ રહ્યા હોવાનો વસવસો પણ ઘણાં વયોવૃદ્ધ દેશભક્તો વ્યક્ત કરતા હોય છે.

થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતાં કે પેટ્રોલ અને ડીઝલનું ભાવબાંધણુ હવે ક્વાર્ટરલી થશે, મતલબ કે ત્રણ મહિને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક સ્થિતિ અને સંજોગો તથા માર્કેટના પ્રવાહો તથા વૈશ્વિક પ્રવાહોની સમીક્ષા કરીને પેટ્રોલ-ડીઝલના ભાવો નક્કી કરાશે, જેથી માર્કેટમાં સ્થિરતા પણ ટકી રહેશે અને હાલતુરત પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં ઘટાડો પણ થશે. આ પ્રકારનો કોઈ મોટો બદલાવ થતો હોય, તેમ જણાતું નથી તેવી ઘણાં લોકો આ પ્રકારના અહેવાલોને પણ પ્રવર્તમાન રાજકીય પ્રવાહો તથા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે સાંકળી રહ્યા છે. કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે સરકારી તંત્રો અને ગવર્નમેન્ટ અંડરટેકીંગ પીએસયુ તથા સરકારી કંપનીઓને પણ 'ચૂનાવી જુમલાઓનો ચેપ તો નહીં લાગી ગયો હોય ને?'

જે હોય તે ખરૃં, લોકોને આ બન્ને પુરુષોના જન્મદિવસ તથા નવરાત્રિના પર્વે એટલી અપેક્ષા તો છે જ કે રાંધણ ગેસનો બાટલો હકીકતે ફરીથી બધાને ચારસો કે પાંચસો રૃપિયામાં મળવા લાગે અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ ઘટાડો થાય... જોઈએ, હવે શું થાય છે તે...

'નોબત' અને 'માધવાણી' પરિવાર પૂ. મહાત્મા ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિને પ્રિય વાચકો સહિત દેશવાસીઓને શુભેચ્છા પાઠવે છે અને આ બન્ને મહાપુરુષોના આદર્શો પુનઃ ચેતનવંતા બને, તેવી અપેક્ષા વ્યક્ત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial