Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગ્રાહકનો સંતોષ અને વિશ્વસનિયતા જળવાય, તેજ સાચો નફો...પ્રગતિનું સોપાન

ઘણાં લોકો ટૂંકો ફાયદો મેળવવા જતા લાંબાગાળાના લાભો ગુમાવતા હોય છે... તે હકીકત છે

પોતાના માલના ભરપેટ વખાણ કરીને હલકી ગુણવત્તાવાળો, ઓછી સંખ્યા કે ઓછા વજનમાં કે ભેળસેળ કરીને પધરાવી દેવાની તરકીબો હવે ચાલતી નથી. હવે કસ્ટમર્સ ઘણાં જ ચતૂર અને જાગૃત થઈ ગયા છે અને ઓછું ભણેલા તો ઠીક, પરંતુ જરાયે વાચતા કે લખતા પણ ન આવડતું હોય, તેવા ગ્રાહકોને પણ મોટાભાગે છેતરી શકાતા નથી.

ભણેલા નહીં, પણ ગણેલા કાકીમાં

અમારા એક કાકીમાં છે તેઓ લગભગ ૯૪ વર્ષના હશે, કે કદાચ તેનાથી વધુ ઉંમરના પણ હોય, પરંતુ તેઓ જ્યારે અમારી સાથે શોપીંગ કરવા સાથે આવે, ત્યારે શોપકીપરની તો કસોટી જ થઈ જાય... ઘણી વખત તો અમને પણ એવું લાગે કે કાકી વધારે પડતી ચિકાસ કરે છે, પરંતુ અનુભવે એ પણ સમજાયું કે માલ-સામાનની ગુણવત્તા, વજન-તોલમાપ તથા યોગ્ય કિંમતની દૃષ્ટિએ તેઓની સલાહ સાચી જ પડતી હોય છે. તેઓ ઘી-તેલ હોય કે અનાજ-કઠોળ હોય, તેમાં થયેલી ભેળસેળ પોતાની આગવી ઢબે પારખી લેતા હોય છે કાકીમા ભાવોમાં ભલે જાજી રકઝક ન કરતા હોય, પરંતુ જે ભાવ લેવામાં આવે, તેની ગુણવત્તા-વજન અને શુદ્ધતા તો અવશ્ય પોતાની આગવી ઢબે ચકાસી જ લ્યે... તેમાં કોઈની યે શરમ કે સંકોચ ક્યારેય ન રાખે...

હાઈટેક ચીટીંગ

અત્યારે ઈન્ટરનેટ યુગમાં ચીટીંગ પણ હાઈટેક થઈ ગયું છે, અને કોઈ પ્રોડક્ટના ભરપૂર વખાણ તથા પ્રલોભન સ્કીમો વગેરેની મસમોટી જાહેરાતો સાથે ડિસ્કલેમર કે 'ફૂદડી'ની સિસ્ટમ હેઠળ જરૂર પડ્યે હાથ ઊંચા કરી દેવાની છટકબારીઓ પણ રખાતી હોય છે. કોઈપણ પ્રોડક્ટ વેંચતી વખતે સેલ્સમેન, શોપકીપર કે ઓનલાઈન શોપીંગ સાથે જોડાયેલી પેઢી કે કંપની દ્વારા ફોન પર કે રૂબરૂમાં મૌખિક જે રીતે પ્રોડક્ટના ફાયદા, ઉચ્ચ ગુણવત્તા, વોરંટી-ગેરંટી અને ઉત્તમ સર્વિસની વાતો થાય, તેમાં તથા તે પ્રોડક્ટની સાથે અપાતા ચોપાનિયા, બ્રોસર કે બુકલેટ્સ વગેરેમાં હાથી-ઘોડાનો તફાવત હોય છે.

સાચો નફો પારખતા અપવાદો

એવું નથી કે કાગડા બધે કાળા જ હોય છે. ઘણાં સ્થળે અપવાદરૂપ ધોળા કાગડા પણ જોવા મળે... તેવી જ રીતે ઘણાં ટ્રેડર્સ, શોપકીપર્સ, કંપનીઓ, સેવાકીય બિઝનેસમેનો, સર્વિસ સ્ટેશનો, કંપનીઓ, પેઢીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ એવા પણ હોય છે, તેઓ ગ્રાહકોને સંતોષ, ઉચ્ચ ગુણવત્તા, પરફેક્શન સાથે પ્રોડક્ટની વાસ્તવિક્તા અને યોગ્ય તોલ-માપ કે પોતાની મર્યાદાઓ વગેરે સ્પષ્ટ જણાવી દેતા હોય છે. આ પ્રકારના લોકો, વેપારીઓ, પેઢીઓ કે કંપનીઓ તેઓના ગ્રાહકોને પૂરેપૂરો સંતોષ થાય અને પોતાની વિશ્વસનિયતા જળવાય, તેને જ સાચો નફો અને કાયમી મૂડી માનતા હોય છે.

સૂકા ભેગુ લીલુ બળે, તો શું કરવું?

આજના યુગમાં તો સોર્ટકટથી કેમ ઝડપથી કમાઈ લેવું, ગ્રાહકોને કેમ છેતરવા અને છેતરાયેલા ગ્રાહકોને કેમ સમજાવવા, ધમકાવવા કે છટકબારીઓનો ઉપયોગ કરીને ઊંચા હાથ કરી દેવાની કાબેલિયતને જ 'સ્માર્ટ બિઝનેસમેન' જેવા વિશેષણો મળતા હોય છે, તેવી વાતમાં તથ્ય છે.

એક વખત ફરીથી કહું છું કે આ પ્રકારની અયોગ્ય બીઝનેસ પોલિસી અથવા સ્માર્ટનેસ બધા વેન્ડર્સ, વ્યાપારી, ઉદ્યોગપતિ, પેઢી, કંપની, શોપકીપરકે સર્વિસ પ્રોવાઈડર્સ પસંદ કરે છે, તેવું હરગીઝ નથી, પરંતુ સૂકા સાથે લીલુ બળી જતું હોય, ત્યારે પબ્લિકે જ નહીં, વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો તથા ફેક્ટરી ઓનર્સ પ્રોડક્ટર્સ અને સેવા-વ્યવસાયોના સર્વિસ પ્રોવાઈડર્સે પણ જાગૃત રહેવું જરૂરી હોય છે, કારણ કે જો 'સૂકુ બળવાનું શરૂ થાય, તયારે જ અટકાવી દેવાય તો લીલુ બળતું બચી જાય છે', ખરૃં ને?

ઓછા નફે જાજો વેપાર

ઘણાં લોકો ઓછો નફો રાખીને વધુ વેપાર કરવાની નીતિ અપનાવતા હોય છે, તો ઘણાં લોકો નફાનો ગાળો લાંબો રાખતા હોય છે. બન્ને પદ્ધતિમાં સાચો નફો તો ગ્રાહકોને સંતોષ થાય, અને પોતાની વિશ્વસનિયતા અકબંધ રહે, તે જ ગણાય. હકીકતે આ પ્રકારનું પગલું હંમેશાં પ્રગતિવર્ધક અને સફળતાની સીડી જેવું હોય છે.

કોઈને વારંવાર છેતરી શકાય નહીં

કોઈને વારંવાર ન છેતરી શકાય, અને તેમાં પણ ગ્રાહકો એક વખત છેતરાય, તે પછી ફરીથી વિશ્વાસ કરતા હોતા નથી. નબળી ગુણવત્તાનો માલ ધાબડી દીધા પછી ગ્રાહક કાં તો તે માલ પરત કરે, અથવા ઝઘડો થાય કે પછી એ ગ્રાહક ફરીથી કોઈ વ્યવહાર ન રાખે. એટલું જ નહીં, તેને થયેલા માઠા અનુભવનો એટલો જોરશોરથી પ્રચાર કરે કે છેતરનારા શખ્સના બીજા ગ્રાહકો પણ તૂટવા લાગે.

ઘણી વખત છેતરાયેલો ગ્રાહક જે-તે વેપારી, દુકાનદાર, વેન્ડર કે સર્વિસ પ્રોવાઈડરને ત્યાં જઈને પોતાને થયેલા અનુભવ અંગે દેકારો કરે, માલ પરત લેવા આનાકાની કરતા તકરાર થાય, સર્વિસ બરાબર નહીં હોવાની બોલાચાલી થાય કે અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી સોશ્યલ મીડિયામાં વીડિયો-ઓડિયો ફરતા થાય, ત્યારે જે ધંધાકીય નુક્સાન થતું હોય છે, તે લાંબા ગાળે પેઢી કે દુકાનને તાળા લગાવવા પડે, તેવી સ્થિતિ સુધી પણ (મહત્તમ) પહોંચી જતું હોય છે, ખરૃં કે નહીં?

સર્વિસ સેક્ટરમાં પણ ભેળસેળ?

ખાદ્યચીજો, અનાજ-કોઠળ-તેલ, પીણા, દૂધ-દહીં-છાસ-ઘી વગેરેમાં ભેળસેળ અને તદ્ન નકલી માલ પધરાવવાની વાત હવે નવી નથી રહી અને તેનો અનુભવ તો લગભગ બધાને થયો હશે, પરંતુ હવે તો સર્વિસ સેક્ટરમાં ભેળસેળ અથવા મોટાપાયે છેતરપિંડી થવા લાગી છે.

સેવા વ્યવસાયો હવે રોજગારીનું મોટું માધ્યમ બન્યા છે અને જુદી જુદી બાબતે સર્વિસ પ્રોવાઈડર્સ હવે નાના-મોટા નગરો-ગામોમાં પણ ઉપલબ્ધ થવા લાગ્યા છે.

મંગલ પ્રસંગોના ઈવેન્ટ મેનેજર, કેટરર્સ, વાહન-વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન, શ્રમસેવા, મંડપ સર્વિસ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ડેકોરેશન અને બ્યુટીપાર્લરથી માંડીને હવે તો મોટા તહેવારો હોય કે કોઈ બર્થ-ડે સેલિબ્રેશન જેવા નાના ઈવેન્ટ હોય, તેમાં જુદી જુદી સેવાઓ આપનારા સર્વિસ પ્રવાઈડર્સ તરત જ ઉપલબ્ધ થઈ શકે છે. કેટલીક સરકારી સેવાઓ, બેન્કીંગ વ્યવહારો અને બુકીંગ સેવાઓ, ટુર-ટ્રાવેલ્સ કે યાત્રા-પ્રવાસ માટેના સર્વિસ પ્રોવાઈડર તમામ સ્થળે ઉપલબ્ધ હોય છે. હવે તો બાળકો અને વૃદ્ધોની જરૂરી વ્યવસ્થાઓ તથા સેવા-સશ્રુષા માટે પણ ટ્વેન્ટી ફોર-બાય-સેવન-રાઉન્ડ ધ ક્લોક સર્વિસ પ્રોવાઈડર્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

આ પ્રકારના સર્વિસ સેક્ટર્સમાં પણ હવે જે રીતે વાત થઈ હોય તે મુજબ સેવાઓ નહીં આપવા અને એક વખત કામ હાથમાં લીધા પછી સંતોષજનક કામ નહીં થવાની ફરિયાદો વધી રહી છે.

ઈલેક્ટ્રીક-ઈલેક્ટ્રોનિક સર્વિસ પ્રોવાઈડર્સ

સૌથી મોટી તકલીફો, મુશ્કેલીઓ અને પરેશાની ઊભી કરતા ઈલેક્ટ્રીક-ઈલેક્ટ્રોનિક સાધનોના સર્વિસ પ્રોવાઈડરો, મોબાઈલ ફોન-વાયરલેસ સુવિધાઓ સહિત સંચાર વ્યવસ્થાના પ્રોવાઈડરો પણ ઉપલબ્ધ બને છે, તે પૈકી કેટલીક સર્વિસ પ્રોવાઈડરો તો એવા પણ નીકળતા હોય છે કે તેઓ સર્વિસ કરનાર કસ્ટમરની જ 'સર્વિસ' કરી નાંખતા હોય છે અને ગ્રાહકને ખંખેરી લીધા પછી પણ સારી સેવા તો મળતી નથી, પરંતુ પોતે માંડ માંડ વસાવેલી સાધન-સામગ્રી ભંગારમાં દેવાનો વારો પણ આવી જતો હોય છે, જો કે આ પ્રકારના થોડા-ઘણાં ચીટરોના કારણે આખું સર્વિસ સેક્ટર બદનામ થતું હોય છે.

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial