Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

માર્ગના અભાવે મહિલાનું મૃત્યુ થતું હોય ત્યાં વિકાસના માચડા શું કામના? વડી અદાલત લાલઘૂમ...!

ગુજરાતમાં માર્ગોનું નવીનિકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણ ઝડપભેર થઈ રહ્યું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઠેર-ઠેર ફ્લાઈ ઓવરબ્રીજનું માળખું રચાઈ રહ્યું છે, તો કોસ્ટલ હાઈ-વે તથા સ્ટેટ હાઈ-વે ઉપરાંત નગરો-મહાનગરોમાં પણ રેલવે ઓવરબ્રીજ, ફ્લાઈ ઓવરબ્રીજ, અંડરપાસ તથા ફોર લેન, સિક્સલેન ધોરીમાર્ગોને જોડતા એપ્રોચ રોડ, રીંગરોડ અને બાયપાસ રોડના કામો પણ ઝડપભેર ચાલી રહ્યા હોવાના અહેવાલો રોજ-બ-રોજ આવી રહ્યા છે, જો કે સિક્કાની બીજી બાજુ પણ છે.

ગુજરાત હાઈકોર્ટે એક સુઓમોટો કેસની સુનાવણી દરમિયાન કરેલી ટિપ્પણીમાંથી ગુજરાતમાં માર્ગોની સ્થિતિ અંગે સિક્કાની બીજી બાજુની વાસ્તવિક્તા પ્રગટ થતી હોય તેમ જણાય છે, અને અદ્યતન સંકુલોની નજીકમાં જ કેવી દૂર્દશા મોજુદ છે, તેનો પર્દાફાશ પણ થાય છે.

ગુજરાત હાઈકોર્ટે એક સુઓમોટો પીઆઈએલ દાખલ કરીને જે મુદ્દે રાજ્યના મુખ્ય સચિવનો ખુલાસો મળ્યો છે, તે મુદ્દો ઘણો જ ગંભીર છે. છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામે માર્ગ, એમ્બ્યુલન્સ તથા તત્કાળ સારવારના અભાવે એક ગર્ભવતી મહિલાને બચાવી શકાય નહીં, અને જે સંજોગોમાં તે મૃત્યુ પામી, તેને લઈને હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા જે શબ્દો કહ્યા છે, તેમાંથી જ અદાલતની તીવ્ર નારાજગી પ્રગટે છે.

આ સુઓમોટો અખબારી અહેવાલોના આધારે દાખલ થઈ હોવાથી અખબારી અહેવાલોને મહત્ત્વ નહીં આપતા અને તેની અવગણના કરતા નેતાઓ તથા અધિકારીઓ માટે પણ બોધપાઠરૂપ છે. જો અહેવાલોમાં સચોટતા, તથ્ય અને તદ્વિષયક વિગતો ઉપલબ્ધ હોય, તો ઉચ્ચ ન્યાયાલયો પણ તેની નોંધ લેતા હોય છે, અને જનતાની અદાલતમાં પણ તેની નોંધ લેવાતી હોય છે. અદાલતો સરકારને ફટકાર લગાવે, અધિકારીઓને તતડાવે, અને તેમ છતાં સુધારો ન જણાય તો અદાલતો તેઓને બંધારણનું ભાન કરાવે, જ્યારે જનતાની અદાલત વખત આવ્યે (ચૂંટણી ટાણે) પોતાનો ફેંસલો સંભળાવતી હોય છે.

તુરખેડા ગામના કેસમાં અદાલતે કહ્યું કે, 'અમારે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિને જ આ પ્રકારના અહેવાલો વાચવા પડ્યા હતા. આવી ઘટનાથી અમારૂ માથું શરમથી ઝુકી જાય છે, અને અમે આઘાતમાં છીએ.'

અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પર ટનલ, પરોડામાં સુરંગ કાઢીને માર્ગો બનાવી શકીએ છીએ, પરંતુ એક નાનકડા ગામનો પાંચ વર્ષથી રોડ બનાવી શકતા નથી. આ ગામમાં ત્રણ ત્રણ વખત આ પ્રકારની ઘટના બને, છતાં ત્યાં રોડ ન બને, તેને દુઃખદ ગણાવતા અદાલતે કહ્યું કે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું અત્યાધૂનિક વિકસિત સંકુલ હોય ત્યાં આરોગ્ય સેવાઓ નજીકના ગામડા સુધી ન પહોંચે અને પ્રસૂતા મહિલા મોતને ભેટે તે કમનસીબી ગણાય. ગર્ભવતી મહિલાને કપડાના સ્ટ્રેચરમાં લઈને પરિવારજનો રસ્તાના અભાવે જ્યાં દૂરના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી શકી, ત્યાં સુધી લઈ ગયા, ત્યાં બાળકને જન્મ આપીને ગર્ભવતી મહિલાએ છેલ્લો શ્વાસ લીધો હોય તો તે ખૂબ જ શરમજનક જ ગણાય ને?

જે ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં હોય, તેમ છતાં તેને જોડતો યોગ્ય માર્ગ નહીં હોવાથી ત્યાંની કોઈ પ્રસૂતા આ રીતે મૃત્યુ પામી હોય, તો તેને વિકાસની હરણફાળ કહેવાય કે પછી નક્કર વાસ્તવિક્તાનું વરવું દૃષ્ટાંત કહેવાય?

આ ગામમાં કોઈપણ પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ ન હોય, ગામને જોડતો યોગ્ય માર્ગ ન હોય અને આ સ્થિતિ નિવારવા પાંચ વર્ષો દરમિયાન ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ન હોય, તો તેને સુશાસન કહેવાય કે કુશાસન કહેવાય? જો કે, આ અંગે આગામી ૧૭ ઓક્ટોબરે વધુ સુનાવણી થશે, ત્યારે સરકાર અને તંત્રનું બચાવનામું પણ સામે આવશે, અને તે પહેલા કદાચ તંત્રો કે સરકાર ખુલાસા પણ કરશે, પરંતુ તેમ કરવાથી તુરખેડા જેવા નાનકડા ગામની મૃતક મહિલા થોડી પાછી આવવાની છે?

આમ તો મહાનગરોને લઈને અને ખાસ કરીને અમદાવાદને સાંકળીને હાઈકોર્ટે બિસ્માર માર્ગો, રખડતા ઢોર અને ટ્રાફિક નિયમનને લઈને ઘણી વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તંત્રો, સનદી અધિકારીઓ તથા સરકારના કાન ખેંચ્યા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશનની તદ્ન નજીકના એક ગામડાની મહિલાના કમભાગ્યે આ પ્રકારે થયેલા મૃત્યુને લઈને હાઈકોર્ટે જે કડક ભાષા વાપરી છે, તે રાજ્યના સંખ્યાબંધ ગામડાઓની વેદના ઉજાગર કરે છે, તેમ નાથી લાગતું?

સૌરાષ્ટ્રમાં પણ અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પછી માર્ગોની દૂર્દશા થઈ છે અને ઘણાં ગામડાઓ તો તુરખેડાની જેમ જ માર્ગ કનેક્ટિવિટીના અભાવે મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ હવે ગામેગામથી માર્ગોની દૂર્દશાના ફોટો-વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને અખબારોમાં તો દરરોજ તસ્વીરો સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતા હોય છે, તો ન્યુઝચેનલોના માધ્યમથી પણ વાસ્તવિક્તા ઉજાગર થતી હોય છે, પણ આત્મશ્લાધાના અતિરેકમાં રાચતા નેતાઓ અને તંત્રોને એ જોવાની ફુરસદ ક્યાં છે? જો હાઈકોર્ટ જેવી ઉચ્ચ ન્યાયિક ઓથોરિટી આ મુદ્દે સુઓમોટો સુનાવણી કરીને લોકોની પીડા સમજી શકતી હોય અને તેના સંદર્ભે પ્રક્રિયા કરી શકતી હોય તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જનપ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ, તગડો પગાર લઈને ફરજો બજાવતા સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને આ જ જનતાના ખોબલે ખોબલે મતો મેળવીને સત્તા ભોગવતી સરકારો જરૂરી કદમ ઝડપભેર કેમ ન ઊઠાવી શકે? શું વિકાસના કામો માટે માપદંડો અલગ છે? જ્યાં માળખાકીય સુવિધાઓના અભાવે મહિલાનું મૃત્યુ થઈ જતું હોય, ત્યાં નજીકમાં વિકાસના માચડાઓ હોય તો પણ તે શું કામના?

હાલાર અને જામનગરની વાત કરીએ, તો અહીં પણ ઘણાં સ્થળે માળખાકીય સુવિધાઓની ઉણપ કે અભાવ છે. અનેક ગામોને જોડતા માર્ગો તદ્ન તૂટી-ફૂટી ગયા છે. કેટલાક ગામો સુધી એસ.ટી. બસો પહોંચી શકતી નહીં હોય, કે એમ્બ્યુલન્સોને પણ તકલીફ પડતી હશે, ત્યાં ઈમરજન્સી પેશન્ટનું શું થતું હશે? જીવના જોખમે જ લોકો જીવતા હશે ને? જામનગરમાં તો નવા બનેલા રેલવે ઓવરબ્રીજો સહિતના ઘણાં માર્ગો પર પડેલા ખાડાઓ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે, ત્યારે અદાલતોની ફટકાર પછી સંવેદનશીલ સરકાર જાગશે, અને તંત્રોને દોડાવશે તેવી આશા રાખીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial