Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કોના સુપડાં સાફ? કોનો સુધર્યો ગ્રાફ? કોણે ખાધી થાપ? કોનો વધ્યો સંતાપ?

રાજ્ય સરકારે ગઈકાલે વર્ષ ર૦૦પ પહેલાના કર્મચારીઓની ઓપીએસની માંગણી સ્વીકારી છે, તો ગુજરાતમાં નવરાત્રિની ધૂમ પણ મચી છે.

હરખીલા હાલારીઓ પણ માતૃશક્તિની આરાધના સાથે મનભરીને રાસ-ગરબાની મોજ માણી રહ્યા છે, જો કે જામનગરના કેટલાક વિસ્તારોમાં જનતાને પડતી તકલીફ કે આજુબાજુના રહીશોને થતી પરેશાનીને અવગણીને જે રીતે માથુ ફાટી જાય તેવા અવાજે લાઉડસ્પીકર ગૂંજી રહ્યા છે અને અવર-જવર ઠપ્પ થઈ જાય, તેવી રીતે જાહેર માર્ગો પર મનસ્વી રીતે આયોજનો થયા છે, તેથી જે-તે વિસ્તારોમાં આયોજકો સામે નારાજગી પણ વધી છે અને તેને અનુલક્ષીને હલચલ પણ મચી હતી.

રાજકીય ક્ષેત્રે પણ હલચલ વધી છે. ભાજપના નેતાઓ હડિયાપટ્ટી કરી રહ્યા છે, તો બીજી તરફ હરિયાણા, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ પછી 'કહી ખુશી કહીં ગમ' જેવો માહોલ સર્જાયો છે.

ગઈકાલે આ બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના એક્ઝિટપોલ્સમાં જુદા જુદા અનુમાનો થયા છે, પરંતુ સમાન બાબત એ છે કે ભાજપના હરિયાણામાં સુપડા સાફ થવા જઈ રહ્યા હોવાના અંદાજો મૂકાયા છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાઓ છતાં ત્યાં પણ ભાજપને વિપક્ષમાં જ બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.

હરિયાણામાં ભારતીય જનતા પક્ષ અને જેજેપીએ સત્તાસુખ સાથે મળીને ભોગવ્યું, પરંતુ લોકસભાની ચટણી પછી ચિત્ર બદલાયું છે. ભાજપ સાથે સત્તા ભોગવીને જેજેપી પણ ડૂબી રહી છે અને વિધાનસભામાં અત્યારે તો રકાસ થશે, પરંતુ ભવિષ્યની રાજનીતિ માટે પણ કપરાચઢાણ જણાય છે.

જો એક્ઝિટ પોલ્સના તારણો સાચા પડે તો એમ કહી શકાય કે દેશમાં કોંગ્રેસનો ઝડપભેર પૂનરોદય થઈ રહ્યો છે. હરિયાણામાં તો ધમાકેદાર સફળતા મેળવીને કોંગ્રેસ સરકાર બનાવશે જ, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પણ એનસીપી-કોંગ્રેસની જ સરકાર રચાશે તેવા દાવાઓ થઈ રહ્યા છે.

શનિવારે મતદાન થયા પછી સાંજથી જ જુદા જુદા એક્ઝિટ પોલ્સ આવવા લાગ્યા અને બે દિવસથી અખબારો તથા ન્યૂઝ ચેનલોમાં વિશ્લેષણો થઈ રહ્યા છે, ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે, અને જેજેપી હરિયાણામાં તથા પીડીપી જમ્મુ-કાશ્મીરમાં હાંસિયામાં ધકેલાઈ રહી છે, તેવા તારણો નીકળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો હોવાની તર્કબદ્ધ ચર્ચા પણ થઈ રહી છે. ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ક્યાં થાપ ખાધી, તેનું જ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, કારણ કે હરિયાણામાં તો પહેલેથી જ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજકીય માહોલ એકતરફી જણાવાઈ રહ્યો હતો.

હરિયાણાની ૯૦ (નેવું) બેઠકો પર મતદાન થયા પછી વિવિધ એક્ઝિટ પોલ્સના તારણો જોતા જેજેપીએ એકલા હાથે ચૂંટણી લડી, તે તેને નડ્યું છે, અને ખેડૂત આંદોલન વખતે ભાજપની તરફેણમાં વલણ રાખ્યું હતું, તે પણ નુક્સાનકારક પૂરવાર થયું હતું. જેજેપી કોંગ્રેસના મત કાપશે, તેવી ભાજપની ધારણા ખોટી પડી અને જેજેપીને મતો જ ખૂબ ઓછા મળ્યા અને તેમાં પણ ભાજપના કમિટેડ વોટ્સ પણ કપાયા હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ર૦૧પ માં જ્યારે ત્રિશંકુ વિધાનસભા રચાઈ હતી, ત્યારે ભાજપે તદ્ન વિપરીત વિચારધારા ધરાવતી પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું ૫રંતુ પાછળથી બુમરંગ પુરવાર થતા ગઠબંધન તોડ્યું હતું. આ વખતે તો પીડીપીને જ પછડાટ પડી રહી છે. અહીં ભાજપે થાપ ખાધી અને જમ્મુ-કાશ્મીરની ક્ષેત્રિય પાર્ટીઓ એનસીપી-કોંગ્રેસના વોટ કાપશે તેવી ધારણા તદ્ન ખોટી પડી રહેલી જણાય છે.

જો કે, આ બધા અનુમાનો જ છે અને એક્ઝિટ પોલ્સના તારણો છે, છતાં તમામ સર્વેક્ષણો તથા એક્ઝિટ પોલ્સમાં મહત્તમ સમાનતા હોય, તેના નજીકના જ પરિણામો આવતા હોય છે. કેટલીક વખત ચમત્કારિક રીતે આ તારણોથી વિપરીત પરિણામો પણ આવ્યા છે, પરંતુ તેવું જુજ અપવાદરૂપ કિસ્સાઓમાં જ બન્યું છે, તેમ છતાં વાસ્તવિક પરિણામોની આવતીકાલ સુધી રાહ જોવી રહી...

આ બધા કારણે ભારતીય જનતા પક્ષમાં સંતાપ વધી રહ્યો છે. હવે તો વર્ષ ર૦૧૩-૧૪ માં જે રીતે કોંગ્રેસ સામે પડકારો ઊભા થયા હતાં, તેવી જ સ્થિતિ ભાજપની થવા લાગી છે. વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ જેવી ઝળહળતી સફળતા તો દૂર રહી, પરંતુ ભાજપને વર્ષ ર૦ર૪ માં એકલા હાથે બહુમતી નહીં મળતા જેડીયુ-ટીડીપીના સહારે સરકાર રચવી પડી હતી. વર્ષ-૨૦૧૪  અને ૨૦૧૯માં 'મોદી મેઝિક' ચાલ્યો હતો, તેવી રીતે જ શાસનની વિરૂદ્ધમાં પરિવર્તનની હવા આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં ફૂંકાઈ રહી હોય તેમ જણાય છે, તેથી પરિણામો જો એક્ઝિટ પોલ્સની નજીક રહ્યા તો દેશમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે તેવી અટકળો પણ થવા લાગી છે.

ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ ભરતી મેળા દરમિયાન ભાજપમાં આવેલા કોંગીના ભૂતકાળના દિગ્ગજોએ રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરી લીધી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓની ઓપીએસ સહિતની કેટલીક માંગણીઓ સંતોષીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હોય, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial