થોડા સમય પહેલા જંગી ટોલ ટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ધોરીમાર્ગોની દેખભાળ તથા મરામતની નીતિરીતિને લઈને સવાલો ઊભા થયા હતાં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પશુઓ ન પ્રવેશે, તેવી ચૂસ્ત વ્યવસ્થા કરવાની જરૂર પણ જણાવાઈ હતી. ચોમાસા પછી ઘણાં સ્થળે ધોરીમાર્ગો પર પડેલા ખાડા-ચીરોડા બુરવા ઉપરાંત માર્ગોના તથા પુલ-પુલિયાઓના મજબૂતિકરણની જરૂરિયાત પણ જણાવાઈ હતી. આ મુદ્દે અનુસંઘાન લઈને સરકાર કોઈ ચોક્કસ પોલિસી જાહેર કરશે તેવી માંગ પણ ઊઠી હતી, પરંતુ કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી દ્વારા આ મુદ્દે નક્કર પોલિસીની જાહેરાત નથી થઈ.
જો કે, નીતિન ગડકરીએ પેટ્રોલપંપો પર નેશનલ હાઈ-વેના કિનારે જ લોકોને વિવિધ સુવિધાઓ મળે, તે પ્રકારની એક 'હમસફર પોલિસી'નું લોન્ચીંગ કર્યું છે, અને તેના ફાયદા વર્ણવતું 'એક્સ' પોસ્ટ પર ટ્વિટ પણ કર્યું છે.
આ પોલિસી અંતર્ગત નેશનલ હાઈ-વે પર આવેલા તમામ પેટ્રોલપંપોએ સ્વચ્છ ટોયલેટ, બાળસંભાળ (બેબીકેર) રૂમ્સ, વ્હીલચેર, ઈલેકટ્રીક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનો, પાર્કિંગ તથા મુસાફરો-ડ્રાઈવરો માટે ફ્રેશ થવા, આરામ કરવા કે રાત્રિ મૂકામ કરવા જેવી સગવડો આપવા જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવાનું ફરજિયાત રહેશે, અને તેવી વ્યવસ્થાઓ નહીં કરી શકનાર પેટ્રોલપંપો સામે કાર્યવાહી થશે, તેવી જોગવાઈઓ પણ કરાઈ હોવાનો દાવો કરાયો છે.
કેન્દ્રિય માર્ગ-વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીના ટ્વિટ ઉપરાંત લોન્ચીંગ સમારંભના અહેવાલો પણ પ્રેસ-મીડિયામાં ફરતા થયા છે, જેના જન-પ્રતિભાવો પણ સામે આવવા લાગ્યા છે, અને સોશ્યલ મીડિયા પર પણ આ પોલિસીની તરફેણ ઉપરાંત અનેકવિધ સૂચનો સાથે કોમેન્ટો થઈ રહી છે, તો વ્યંગ પણ કરાઈ રહ્યો છે.
ગઈકાલથી જ લાગુ થયેલી આ પોલિસી અંગે કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રાલયના વર્તુળોએ એવો દાવો કર્યો છે કે, હમસફર પોલિસી ધોરીમાર્ગોનો ઉપયોગ કરતા મુસાફરોને સલામત, અનુકૂળ અને આનંદપ્રદ અનુભૂતિ કરાવશે, તો નવી રોજગારીનું પણ સર્જન થશે. ખાસ કરીને સર્વિસ સેક્ટરને ફાયદો થશે તથા સેવા-વ્યવસ્થાઓ દ્વારા આજીવિકાની તકો પણ વધશે. આ હમસફર પોલિસી પરોક્ષ રીતે પરિવહન ક્ષેત્ર તથા ઉદ્યોગક્ષેત્ર માટે પણ પૂરક બળ પૂરવાર થશે.
સ્વયં ગડકરીને એવો દાવો કર્યો છે કે, 'હમસફર બ્રાન્ડ' વિશ્વકક્ષાના હાઈ-વે નેટવર્ક પર મુસાફરો અને ડ્રાઈવરો માટે આપણા દેશમાં અત્યંત સલામતિ તથા આરામની સુવિધાઓના પર્યાય તરીકે ચિન્હિત થશે. ટોલ-ટેક્સ વસૂલનારે હવે મુસાફરોની સુરક્ષાની તથા આરામની ખાતરી પણ કરવી પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી પણ લેવી પડશે.
તેમણે ત્યાં સુધી કહી દીધું કે નેશનલ હાઈ-વે પર આવેલ પેટ્રોલપંપોએ સ્વચ્છ ટોયલેટ, પાણી તથા પૂરક અન્ય સુવિધાઓ આપવી પડશે, અન્યથા પંપો બંધ કરવાની નોબત પણ આવી શકે છે. તેમણે કહ્યું કે, 'મેં જોયું છે કે ઘણાં પેટ્રોલપંપો પર શૌચાલયો બંધ છે. હાઈ-વેની બાજુમાં આવેલા પેટ્રોલપંપો પર જાહેર જનતા માટે શૌચાલયો સ્વચ્છ અને ખુલ્લા રાખવા અનિવાર્ય છે.'
ગડકરીના મંત્રાલયના વર્તુળો જણાવે છે કે, તમામ મુસાફરો માટે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ નેશનલ હાઈ-વેઝ પર આવેલ પેટ્રોલપંપો પર ઉપલબ્ધ થાય, અને તેમાં પણ મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થાઓ થાય, તથા ટ્રક-ડ્રાઈવર્સની જરૂરિયાતો મુજબની આરામ તથા ફ્રેશ થવાની સગવડો ઉપલબ્ધ થાય તેવો આ પોલિસીનો ઉદ્દેશ્ય છે.
જો કે, હમસફર પોલિસી શરૂ થવા જઈ રહી છે અને હજુ તો માત્ર લોન્ચીંગ જ થયું છે, તેથી તેનો ઊંડો અભ્યાસ કરીને જ કોઈ ચોક્કસ પ્રતિભાવો આપી શકાય કે સૂચનો થઈ શકે, પરંતુ સોશ્યલ મીડિયામાં તો આ પોલિસીને લઈને અનેક પ્રકારની કોમેન્ટો થવા લાગી છે અને મોટાભાગે કટાક્ષો તથા ટિકા-ટિપ્પણીઓ જ થઈ રહી છે.
મોટાભાગના વાહનચાલકો તથા વાહન માલિકો ઉપરાંત રોજ-બરોજ મુસાફરી કરતા હોય તેવા લોકો પણ દરેક પેટ્રોલપંપ પર નિઃશુલ્ક હવા ભરવાની (પૂરવાની) સુવિધા કાયમી ધોરણે ચોવીસેય કલાક ચાલુ રહેવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપી રહ્યા છે. કેટલાક લોકો પેટ્રોલપંપો પર રાઉન્ડ-ધ-ક્લોક પંકચર સાધવાની, ટાયર બદલવાની તથા નાની-મોટી મરામત માટેના જરૂરી સાધનો રાખવાની સુવિધાની જરૂર પણ જણાવી રહ્યા છે.
લોકોને ઉલ્લુ બનાવવા, મિથ્યા પ્રચાર કરવા અને અમલના નામે મીંડુ હોય છતાં નવી નવી યોજનાઓ જાહેર કરવા સામે બળાપો કાઢતા ઘણાં લોકો લખે છે કે હવા ભરવા, પંકચર કરવા અને પીવાનું પાણી, ટોયલેટ જેવી સુવિધાઓ તથા મોબાઈલ રિચાર્જ, બેટરી રિચાર્જ જેવી સુવિધાઓ તો પંપો પર કરાવો, પછી મોટી મોટી વાતો કરજો...
આ પ્રકારના પ્રત્યાઘાતો આપે, તે સ્વાભાવિક પણ છે. અત્યારે માત્ર નેશનલ હાઈ-વે જ નહીં, પરંતુ સ્ટેટ હાઈ-વે, નગરો-ગામોના આંતરિક માર્ગો, મહાનગરોના મુખ્ય માર્ગો તથા શેરી-મહોલ્લાની સડકો હોય કે પછી ગામોને પરસ્પર જોડતા ગ્રામ્ય-સીમ માર્ગો હોય, તમામ માર્ગો ચોમાસા પછી તદ્ન તૂટી-ફૂટી ગયા છે અને તેના કારણે વાહનોમાં થતી નાની-મોટી તકલીફો નિવારવામાં કલાકો કે એક-બે દિવસ નીકળી જાય કે દૂરથી બીજા વાહનમાં મિકેનિક બોલાવવો પડે, તેવી સ્થિતિ છે, ત્યારે પ્રાથમિક જરૂરિયાતોને પણ પ્રાયોરિટી આપવી જોઈએ ને?
પેટ્રોલપંપો પર 'હમસફર' પોલિસી સફળ રહે અને સુવિધાઓ વધે, તો તે આવકારદાયક જ છે, પરંતુ તે પોલિસીમાં જ તમામ પેટ્રોલપંપો પર વાહનોના પંકચર, નાના-મોટા રિપેરીંગ તથા સ્પેરપાર્ટસ વગેરે અત્યંત જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ સમાવેશ કરવો જરૂરી છે, અને તેનો ઉલ્લેખ થયો હોય તો પણ તેનો ઝડપભેર અને ચૂસ્તપણે અમલ થાય તે પણ જરૂરી છે, કારણ કે આ પ્રકારની ઘણી પોલિસીઓ અમલી જ બની ન હોય, કે યોગ્ય અમલ ન થયો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે. કેટલીક જાહેરાતોને તો 'ચૂનાવી' ઝુમલો ગણાવી દેવાઈ હતી, ભૂલી નથી ગયા ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial