ગઈકાલે રતન ટાટાનું નિધન થયું, તે પછી દેશભરના ઉદ્યોગ જગતમાં શોકનો માહોલ છે, અને પી.એમ. અને પ્રેસિડેન્ટથી લઈને દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના અનેક દિગ્ગજ મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૂળ ગુજરાતી પરિવારે આખા દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે તો બ્રિટિશ કાળથી પેઢી-દરપેઢી અનુપમ યોગદાન આપ્યું જ હતું, પરંતુ સેવાક્ષેત્રે તથા દેશ માટે પણ આ પરિવારનું પ્રદાન સરાહનિય રહ્યું છે.
રતન ટાટાની સાદગી, સરળતા, વિનમ્રતા અને કોઠાસુઝની અત્યારે ચોતરફ ચર્ચા થઈ રહી છે. રતન ટાટાના દાદાનું નામ પણ રતનજી ટાટા હતું. દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં પણ આ સમૂહની ટાટા કેમિકલ્સ કંપની કાર્યરત છે. ટાટા સમૂહ, ટાટા સન્સની જાયન્ટ કંપનીઓ વિષે સૌ જાણે છે, અને આ પરિવારના વિવિધ ક્ષેત્રે યોગદાનથી પણ ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.
ગુજરાતના નવસારીથી ઉદ્ભવેલા ટાટા પરિવારે માત્ર ઉદ્યોગ ક્ષેત્ર જ નહીં, પરંતુ સેવાકીય ક્ષેત્રે પણ પેઢી-દરપેઢી ઉત્તમ યોગદાન આપ્યું છે. નવસારીથી મુંબઈ થઈને દેશભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે ફેલાયેલો ટાટા સમૂહ જમશેદજી ટાટાએ ભારતમાં કરેલી ઔદ્યોગિક પહેલની ફલશ્રૂતિ છે. જમશેદજી ટાટાને ભારતમાં ઔદ્યોગિક વિકાસના જનક પણ કહેવામાં આવે છે. જમશેદજી ટાટા પછી ઉત્તરોત્તર જોઈએ તો સર દોરાબજી ટાટા, સર રતનજી ટાટા-આર.ડી. ટાટા, તે પછી જેઆરડી (જમસેદજી) ટાટા અને ગઈકાલે નિધન થયું તે રતન ટાટા તથા તેના પિતરાઈ ભાઈઓ સુધીના જમશેદજીના વંશજોએ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત સેવાકીય, માનવીય અને સામાજિક સેવાઓનો વારસો પણ જાળવ્યો હોવાની આજે ચર્ચા થઈ રહી છે. જમશેદજી ટાટાથી લઈને રતન ટાટા સુધીના વંશજો તથા હવે નોએલ ટાટા તથા સિમોન ટાટા સહિતના પરિવારજનો સુધી વિસ્તરેલા સેવા, સાહસ, સફળતા અને સાદગીના સંસ્કારો તથા અનેકવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની ચર્ચા પણ આજે ચોતરફ થઈ રહી છે.
ભારતમાં આઝાદી કાળ પછી મુખ્ય ઉદ્યોગપતિઓ તરીકે ટાટા-બિરલા જુથોના નામો પ્રચલિત હતાં. આઝાદી પહેલા બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોની ભેદભાવભરી નીતિ અને ભારતમાં ઉદ્યોગો વિક્સે નહીં, તેવા વલણના કારણે ભારતમાંથી કાચો માલ પાણીના ભાવે મેળવીને તેનું બ્રિટનમાં ઉત્પાદન કરાતું હતું, અને તેના કારણે જ સ્વદેશી ચળવળ તથા વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર જેવા આંદોલનો પણ ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો હિસ્સો બની ગયા હતાં. ભારતીય ખેડૂતો અને વ્યાપારીઓ ઉપર ઊંચા કરવેરા લદાયા હતાં અને ખેતપેદાશો તથા ફળદ્રુપ જમીનો પર પણ અંગ્રેજોની શોષણનીતિ લાગુ કરાઈ હતી. ઊંચુ મહેસુલ વસુલ કરાતું હતું અને તેમાંથી જ વિદેશમાં બનેલી વસ્તુઓ ભારતમાં ખૂબજ ઊંચા ભાવે વેંચીને તે સમયના અંગ્રેજો આપણું શોષણ કરતા હતાં. આ સ્થિતિનું ચિત્રણ 'લગાન' ફિલ્મમાં આબેહૂબ રીતે કરાયું છે, અને તે સમયની અંગ્રેજ અમલદારોની અત્યાચારી અને મનસ્વી રીત-રસમો પણ ઉજાગર થઈ છે.
બ્રિટિશકાળમાં ભારતની વસ્ત્રકલા, કાસ્ટકલા, હસ્તકલા, ભરત-ગુથણ તથા શિલ્પ-સ્થાપત્ય કલાનું વૈશ્વિક માર્કેટીંગ થતું હતું, પરંતુ તેનો લાભ ભારતીયોને મળતો નહીં. ભારતમાંથી કપાસ, રેશમ, ધાતુ, મસાલા તથા ખેતપેદાશોની નિકાસ થતી હતી અને તેના પર બ્રિટનમાં પ્રોસેસીંગ કરીને બાય-પ્રોડક્ટ તરીકે ખૂબ જ ઊંચા ભાવે ભારતમાં મોકલાતી હતી. આ રીતે ભારતીયોનું શોષણ થતું હતું. ભારતમાં પુષ્કળ કાચો માલ (રો-મટિરિયલ્સ) તથા સસ્તો શ્રમ (મજૂરી) ઉપલબ્ધ હોવાના કારણે ભારતમાં ઉદ્યોગોના વિકાસની વિપુલ તકો હોવા છતાં પણ અંગ્રેજોએ ભારતમાં ઉદ્યોગોને પનપવા જ ન દીધા. અંગ્રેજોએ ભારતના હસ્તશિલ્પ ઉદ્યોગો, ગૃહઉદ્યોગો તથા કલાઆધારિત વ્યવસાયોને ખતમ કરી દેવાની નીતિ અપનાવી અને અદ્યતન ઉદ્યોગોનો વિકાસ મંથર ગતિએ જ ચાલે તેવા કારસા રચ્યા હતાં. એટલું જ નહીં, ભારતમાં વિઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોના વિકાસ વિરોધી રણનીતિ અપનાવી હતી.
અંગ્રેજોએ ભારતને આઝાદી સોંપતી વખતે પણ લુચ્ચાઈ કરી અને ભારત તથા પાકિસ્તાનના ભાગલા પાડીને ભારતીય સંસ્કૃતિ જ નહીં, પરંતુ વ્યાપાર-ઉદ્યોગોને પણ ફટકો પડે તેવી નીતિ અપનાવી હતી.
આ કારણે આપણા દેશને આઝાદી મળ્યા પછી ઔદ્યોગિક વિકાસ માટે 'એકડેએક'થી શરૂઆત કરવી પડે, તેવી સ્થિતિ સર્જાઈ હતી. આઝાદીકાળમાં ભારતમાં સુતર, શણ, કાપડ, લોખંડ, સિમેન્ટ અને ખાંડ આધારિત ઉદ્યોગો પા-પા પગલી ભરતા હતાં, અને તેને જોરદાર પ્રોત્સાહન તથા સાહસિક અભિગમની જરૂર હતી.
સ્વતંત્ર ભારતની પહેલી ઔદ્યોગિક નીતિ ૧૯૪૮ માં ઘડાઈ. તે પહેલા બ્રિટિશકાળમાં લોખંડના કારખાના સ્થપાયા તો હતાં, પરંતુ તેનો ફાયદો ભારતને થતો નહોતો, જો કે વર્ષ ૧૮પ૩-પ૪ માં ભારતમાં રેલવે તથા ટેલિગ્રામની સુવિધાઓ ઊભી કરાઈ હતી, પરંતુ તે અંગ્રેજોએ પોતાના સ્વાર્થે વિકસાવી હતી. તેવા સમયે વર્ષ ૧૯૦૭માં જમદેશજી ટાટાએ ટિસ્કો યુનિટ સ્થાપ્યું હતું, અને ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની શરૂ થઈ હતી, જેમાંથી આજે વિશાળ ટાટા એમ્પાયર ખડું થયું છે, જેમાં રતન ટાટાનો આધુનિક ઔદ્યોગિક વિકાસમાં સિંહ ફાળો છે... જમશેદજી ટાટાના વંશવેલાનો ઝળહળતો ચિરાગ બુઝાઈ ગયો છે, ત્યારે તેઓના આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે, તેવું પ્રાર્થી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial